Home તાજા સમાચાર gujrati ઈરાન પર ઇસ્લામનું આક્રમણ થયું ત્યારે ગુજરાત આવતાં પહેલાં પારસીઓ ક્યાં રોકાયા...

ઈરાન પર ઇસ્લામનું આક્રમણ થયું ત્યારે ગુજરાત આવતાં પહેલાં પારસીઓ ક્યાં રોકાયા હતા?

7
0

Source : BBC NEWS

ઈરાનથી પારસીઓ ગુજરાત આવવા પહેલાં હોર્મુઝ ખાતે રોકાયા હતા, શું છે હોર્મુઝનો ઇતિહાસ? ઈરાન યુદ્ધ સંજાણ નવસારી ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઊર્જા અને અન્ય કૉમોડિટીની ચીજવસ્તુઓનાં બજારો ખોરવાઈ ગયાં છે.

અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઈરાને આ માર્ગ પર લગભગ નાકાબંધી કરી છે. જેને કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં ડિમાન્ડ અને સપ્લાય ખોરવાઈ ગઈ છે અને સાથે ઑઇલ અને ગૅસના ભાવોમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે.

આ કટોકટીએ એક મોટી મુસીબત તરફ પણ દુનિયાનું ધ્યાન દોર્યું છે. કારણ કે, સમગ્ર વિશ્વનો વ્યાપાર આંગળીના વેઢે ગણાય, એટલા સાંકડા જળમાર્ગો (જેમનો ઉલ્લેખ ઘણી વખત “મૅરિટાઇમ ચૉકપૉઇન્ટ્સ” તરીકે કરવામાં આવે છે) ઉપર નભે છે.

ઉલ્લેખનીય છે કે હાર્મુઝ સામુદ્રધુની ઈરાન સાથે જોડાયેલી છે અને ફારસની ખાડીને ઓમાનની ખાડી તથા અરબી સમુદ્ર (દક્ષિણ પૂર્વ) સાથે જોડે છે. તથા તેના થકી દુનિયાની 20 ટકા ઑઇલ અને ગૅસની સપ્લાય થાય છે.

પરંતુ તમને ખબર છે વર્ષો પહેલાં ઈરાનથી ગુજરાત આવેલા પારસીઓનો આ હોર્મુઝ સાથે જૂનો સંબંધ છે? તમે જાણો છો કે ઈરાનથી ગુજરાત આવવા પહેલાં પારસીઓ હોર્મુઝ ખાતે રોકાયા હતા? શું કહે છે હોર્મુઝનો ઇતિહાસ, તે જોઈએ.

ઈ.સ. 651માં ઈરાનમાં પારસીઓની પડતી

ઈરાનથી પારસીઓ ગુજરાત આવવા પહેલાં હોર્મુઝ ખાતે રોકાયા હતા, શું છે હોર્મુઝનો ઇતિહાસ? ઈરાન યુદ્ધ સંજાણ નવસારી ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પારસી ઇતિહાસનો એક માત્ર ગ્રંથ ‘કિસ્સા-એ-સંજાણ’ હોવાનું મનાય છે. જે નવસારીના પારસી ધર્મગુરુ બહમન કેકોબાદ સંજાણાએ ઈ.સ. 1600માં લખ્યો હતો.

તેમના ગ્રંથને આધારે પારસી ઇતિહાસકારોએ વિવિધ પુસ્તકોની રચના કરી છે. જોકે, આ ગ્રંથમાં લખાયેલી વિગતો વિશે અનેક મતમતાંતર છે. તેમાં જણાવેલી વિગતોની વિસંગતતાને લઈને કેટલાક ઇતિહાસકારો તેની વિગતો અને તથ્યોને સંપૂર્ણ રીતે માનવા તૈયાર નથી. છતાં આ પુસ્તક પારસીઓના ગુજરાત સ્થળાંતર વિશે ‘એક માત્ર સ્ત્રોત’ હોવાનું કહેવાય છે. તેથી તેના આધારે ઘણા ઇતિહાસકારોએ પારસીઓના સ્થળાંતર પર વિવિધ પુસ્તકો લખ્યાં છે.

ઈ.સ. 651માં ઈરાનમાં પર્શિયન સામ્રાજ્યની પડતી શરૂ થઈ. નેહાવંદની લડાઈ પછી ઈરાનમાં પર્શિયન સામ્રાજ્યના છેલ્લા પાદશાહ યજદેજર્દ શેહરિયારની હાર થઈ. પારસી ઈતિહાસકારો અનુસાર આરબોએ ઈરાનમાં ‘ભયંકર કત્લેઆમ’ કરી અને જરથોસ્તી ધર્મ પાળતા ‘પારસીઓ પર ઇસ્લામ ધર્મ કબૂલ કરવા માટે દબાણ’ કરવામાં આવ્યું.

પારસી ઇતિહાસકાર પાલનજી બરજોરજી દેસાઈએ તેમના પુસ્તક ‘હિસ્ટ્રી ઑફ ધ કિંગ્સ ઑફ પર્શિયા’ (તારીખે શાહાને ઈરાન)માં પુરાતન ઈરાન દેશની સંપૂર્ણ તવારીખ અને પારસીઓ હિંદુસ્તાનમાં કેવી રીતે આવ્યા ત્યાં સુધીની ગાથાનું વર્ણન કર્યું છે.

ઈરાનથી પારસીઓ ગુજરાત આવવા પહેલાં હોર્મુઝ ખાતે રોકાયા હતા, શું છે હોર્મુઝનો ઇતિહાસ? ઈરાન યુદ્ધ સંજાણ નવસારી ગુજરાત બીબીસી ગુજરાતી

પાલોનજી બરજોરજી દેસાઈ લખે છે, “યજદેજર્દનું રાજ્ય ગયા પછી એક સદી પણ ન ગુજરી હોય એટલા અરસામાં પારસીઓ અને ઈરાનીઓ જેઓ જરથોસ્તી ધર્મ પાળતા હતા, તેઓમાંના ઘણાખરા ફતેહ કરનારાઓને દરેક રીતે તાબે થયા.”

“તે પૈકી કેટલાક લાંબી મુદત સુધી બહારથી ગમે તેઓ વેશ ધારણ કર્યો હોય પરંતુ અંદરખાનેથી પોતાનો મજહબ જાળવી રાખ્યો હતો. બીજા કે જેમને પોતાના ધર્મ પર વધારે આસ્થા હતી તેઓ વતન છોડીને આસપાસ વિખેરાઈ ગયા. આ વિખેરાયેલાઓમાં એક તાયફો (સમૂહ) હિંદુસ્તાનમાં આવ્યો.”

‘હિસ્ટ્રી ઑફ પારસી’ પુસ્તકમાં પારસી આગેવાન અને ઇતિહાસકાર ડોસાભાઈ ફરામજી કારાકા લખે છે, “કુરાન સ્વીકારવાને બદલે તેઓ ખોરાસનના પર્વતીય જિલ્લાઓમાં ભાગી ગયા. તેઓ થોડા સમય માટે ત્યાં રોકાયા. પરંતુ ત્યાં પણ શત્રુઓએ તેમનો પીછો ન છોડ્યો. ખોરાસનમાં તેઓ લગભગ સો વર્ષ સુધી રહ્યા. પરંતુ ત્યાં પણ તેમના પર દમન શરૂ થયું. ફરી એક વખત તેઓ ત્યાંથી ભાગી જવા મજબૂર થયા, નોંધપાત્ર સંખ્યામાં લોકો પર્શિયન ગલ્ફના પ્રવેશદ્વાર પર આવેલા ઓર્મસ (હોર્મુઝ)ના નાના ટાપુ સુધી પહોંચવામાં સફળ થયા.”

પીલૂ નાણાવટી નામના પારસી આગેવાને લખેલા પુસ્તક પારસી પ્રજામાં ઉલ્લેખ છે કે જરથુષ્ટ્રના અનુયાયીઓઓ કોહિસ્તાનના પહાડો તરફ નાસી જવું પડ્યું હતું.

તેમના લખાણ પ્રમાણે, “ત્યાં તેમણે 100થી વધુ વર્ષ સુધી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારવું પડ્યું. જ્યારે બીજા કેટલાક જરથોસ્તીઓએ મુસ્લીમ ધર્મ પરાણે અંગીકાર કરવો પડ્યો.”

હોર્મુઝમાં પારસીઓનાં 15 વર્ષ

ઈરાનથી પારસીઓ ગુજરાત આવવા પહેલાં હોર્મુઝ ખાતે રોકાયા હતા, શું છે હોર્મુઝનો ઇતિહાસ? ઈરાન યુદ્ધ સંજાણ નવસારી ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પીલૂ નાણાવટીએ પુસ્તક ‘પારસી પ્રજા’માં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે પારસીઓ ઈરાનની ખાડીમાં બંદર હોર્મુઝમાં રહ્યા હતા.

તેઓ લખે છે, “હોર્મુઝથી સાત ટુકડીઓમાં પારસીઓએ કાઠિયાવાડમાં આવેલા દીવ બંદર તરફ પ્રયાણ કર્યું હતું.”

ડોસાભાઈ ફરામજી કારાકા લખે છે, “આ એકાંત બંદરે(હોર્મુઝમાં) તેમનું રોકાણ ફક્ત ટૂંકા ગાળા માટે જ હતું. તેઓ હજુ તેમના પર આક્રમણ કરનારાઓની પહોંચમાં હતા. તેથી તેઓ તેમના દેશના કટ્ટર વિજેતાઓના હાથમાં પડવાને બદલે તેમણે તેમના પૂર્વજોની ભૂમિને હંમેશાં માટે છોડીને બીજા દેશમાં જવાનો નિર્ણય કર્યો.”

પારસી ઇતિહાસકારો નોંધે છે કે હોર્મુઝમાં તેમણે હિંદુસ્તાનમાં જવાની યોજના બનાવી.

ડોસાભાઈ ફરામજી કારકા લખે છે, “હોર્મુઝમાં તેઓએ તેમના પરિવહન માટે અનેક જહાજો ખરીદ્યા હશે. તેમની પત્ની, બાળકો સાથે તેઓ ભારતના દૂરના કિનારા તરફ આવવા રવાના થયાં હશે.”

‘પારસી ઇન ઇન્ડિયા એન્ડ ધ ડાયસ્પોરા’માં લેખક અને માન્ચેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસરો અને સંશોધકો જૉન આર. હિન્નેલ્સ અને ઍલન વિલિયમ્સે પણ કિસ્સા-એ-સંજાણને ટાંકીને કહ્યું છે કે પારસીઓ ગુજરાત આવતા પહેલાં હોર્મુઝ ખાતે રોકાયા હતા. જોકે, તેમણે કિસ્સા-એ-સંજાણમાં જણાવેલી વિગતોમાં વિસંગતતા હોવાનું પણ નોંધ્યું છે.

ઈરાનથી પારસીઓ ગુજરાત આવવા પહેલાં હોર્મુઝ ખાતે રોકાયા હતા, શું છે હોર્મુઝનો ઇતિહાસ? ઈરાન યુદ્ધ સંજાણ નવસારી ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હોર્મુઝથી પારસીઓ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલા દીવ બંદરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે લગભગ 19 વર્ષ ગુજાર્યાની માહિતી પારસી ઇતિહાસનાં વિવિધ પુસ્તકોમાં જોવા મળે છે. દીવ બાદ તેઓ સંજાણ રવાના થયા હતા.

જોકે, પારસી ઇતિહાસકારો નોંધે છે કે આ એક જ સ્થળાંતર મારફતે બધા પારસીઓ હિંદુસ્તાનમાં નહીં પહોંચ્યા હોય. તેઓ માને છે કે આ સ્થળાંતર ઘણા તબક્કામાં અને આ ઘટના પહેલાં પણ થયું હોવું જોઈએ.

ઇતિહાસકારોના મત પ્રમાણે, હોર્મુઝથી દીવ આવેલા પારસીઓએ દીવમાં રહીને ગુજરાતની ભાષા, રીતરિવાજો, ધર્મ અને તેના પ્રદેશ વિશે માહિતી મેળવી હોવી જોઈએ. ત્યાર બાદ તેમણે સંજાણ તરફ પ્રયાણ કર્યું હોવું જોઈએ.

‘કિસ્સા-એ-સંજાણ’માં ઉલ્લેખ છે કે પારસીઓ દક્ષિણ ગુજરાતમાં આવેલા બંદર સંજાણમાં વર્ષ 775માં ઊતર્યા હતા. જોકે, કેટલાક ઇતિહાસકારોના મત પ્રમાણે તેઓ વર્ષ 716માં સંજાણ આવ્યા હતા. તે વખતે ત્યાં જાદી રાણાનું રાજ હતું અને તેમની પાસેથી તેમણે અહીં રહેવાની પરવાનગી માગી હતી. પછી સશર્ત જાદી રાણાએ પારસીઓને અહીં રહેવાની પરવાનગી આપી અને પારસીઓ એક કથા પ્રમાણે ભારતમાં ‘દૂધમાં સાકરની જેમ ભળી ગયા.’

સંજાણમાં તે વખતે જાદી રાણાનું રાજ હતું કે કેમ તે વિશે પણ ઇતિહાસકારોમાં મતમતાંતર છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે પારસીઓ દીવથી ખંભાત અને સુરત પાસેના વરિયાવ ખાતે પણ ગયા હતા. ત્યારબાદ તેઓ નવસારી, વલસાડમાં સ્થાયી થયા અને આખરે સંજાણની બાજુમાં આવેલા ઉદવાડાને તેમનું વડું ધાર્મિક મથક બનાવ્યું અને તેમના ઈરાનશાહ (પવિત્ર અગ્નિ)ને ત્યાં સ્થાપિત કર્યા.

જોકે, હોર્મુઝ વિશે વાત કરતા ડોસાભાઈ ફરામજી કારકા નોંધે છે, “જ્યારે 741માં પારસીઓ આ બંદરે(હોર્મુઝ) જઈને વસ્યા, ત્યારે તે આજની માફક જમીનથી છૂટો પડેલો એક ટાપુ નહોતો. પણ તે ઈરાન સાથે જોડાયેલો હતો. પાછળથી વર્ષ 950માં તે શહેર વેપારીઓનું કેન્દ્ર બન્યું, 103માં કેટલાક આરબ લોકોએ હોર્મુઝના બંદરેથી પાંચ માઇલ દૂર આવેલા એક ટાપુને ‘નવું ઓર્મુજ’ એવું નામ આપ્યું હતું.”

હોર્મુઝનું નામ કેવી રીતે પડ્યું?

ઈરાનથી પારસીઓ ગુજરાત આવવા પહેલાં હોર્મુઝ ખાતે રોકાયા હતા, શું છે હોર્મુઝનો ઇતિહાસ? ઈરાન યુદ્ધ સંજાણ નવસારી ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક ઇતિહાસકારો એમ પણ માને છે કે પારસીઓ ગુજરાત આવવા પહેલાં જે જગ્યાએ રોકાયા હતા તે જગ્યાનું નામ હોર્મુઝ નહોતું.

‘સ્ટડીઝ ઇન પારસી હિસ્ટ્રી’ નામના પુસ્તકમાં શાહપુરશાહ હોરમસજી હોડીવાલા, કે જેઓ જુનાગઢના બહાઉદ્દીન કૉલેજમાં ઇતિહાસના પ્રોફેસર હતા, તેઓ લખે છે, “તે હાલનું હોર્મુઝ ન હોવું જોઈએ, પરંતુ તે સમયનું કોઈ જૂનું શહેર હોવું જોઈએ. તે ફારસની ખાડીના ઉત્તર દરિયા કિનારે આવેલું હતું. અને તે અબ્બાસ બંદરથી 30 માઇલ દૂર આવેલી જગ્યા હોવી જોઈએ. સર લુઇસ પેલીએ આ પૌરાણીક શહેરનું ઉત્ખનન કર્યું હતું.”

સર લુઇસ પેલી એક બ્રિટિશ ભુસ્તરશાસ્ત્રી હતા.

શાહપુરશાહ હોરમસજી હોડીવાલાના લખ્યા પ્રમાણે, સર લુઇસ પેલીએ આ જૂના શહેરનાં ખંડેરો શોધી કાઢ્યાં હતાં, જે હાલના મિનાઓ જિલ્લાથી 607 માઇલ દૂર એક કિલ્લા નજીકથી મળી આવ્યાં છે.

હોર્મુઝના ભૂગોળશાસ્ત્રી અબુલ ફેદાના મત પ્રમાણે, તે એક બંદર હતું અને તે ખજૂરનાં વૃક્ષોથી સમૃદ્ધ અને ખૂબ જ ગરમ શહેર હતું. જે પૌરાણિક હોર્મુઝ હતું અને તે હુમલાને કારણે બરબાદ થઈ ગયું હતું.

ગુજરાત વિશ્વકોશ પ્રમાણે હોર્મુઝ એટલે કે ઓર્મુઝ. તે હોર્મુઝની સામુદ્રધુની ઉપરનો ઈરાનમાં આવેલો એ નામનો ટાપુ. તે અબ્બાસ બંદરથી પૂર્વમાં 80 કિલોમીટર દૂર મિનાબ શહેરની નજીક આવેલું હતું.

આઠ કિલોમીટર લાંબા આ ટાપુના ઉત્તર છેડે હોર્મુઝ બંદરના અવશેષો હાથ લાગ્યા છે. ચૌદમીથી સોળમી સદી દરમિયાન હોર્મુઝ અથવા ઓર્મુઝ ફારસની ખાડીનું અગ્રણી વેપારકેન્દ્ર હતું.

ઈરાનથી પારસીઓ ગુજરાત આવવા પહેલાં હોર્મુઝ ખાતે રોકાયા હતા, શું છે હોર્મુઝનો ઇતિહાસ? ઈરાન યુદ્ધ સંજાણ નવસારી ગુજરાત બીબીસી ગુજરાતી

ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે, ઈ.પૂ.ની ચોથી સદીના નીઆરકુશની દરિયાઈ લૉગબુકમાં હોર્મુઝનો સર્વપ્રથમ નિર્દેશ સાંપડે છે.

તે સમયે હોરમોઝિયાના કાંઠે ઍલેક્ઝાન્ડર(સિકંદર)નું નૌકાદળ લાંગર્યું હતું ત્યારે સાસાની શાસક અર્દેશીર પહેલાએ અહીં આ શહેર સ્થાપ્યું હોવાનું કહેવાય છે, પરંતુ એનું મહત્ત્વ વધ્યું આરબ આક્રમણ પછી.

ઇદ્રિસી, ઇસ્તખ્રી, અલ મકદિસિ જેવા ભૂગોળવિદોએ હોર્મુઝનો ઉલ્લેખ વેપારના મુખ્યમથક તરીકે કર્યો છે. આરબ ભૂગોળવિદ્ યાકુત-(બારમી-તેરમી સદી)ના મત મુજબ ભારત અને ચીનના વેપારનું તે એક કેન્દ્ર હતું. માર્કો પોલોએ (1272-1293) આ બંદરની બે વખત મુલાકાત લીધી ત્યારે હોર્મુઝ વેપારનું મહત્ત્વનું કેન્દ્ર હતું.

1507માં પૉર્ટુગીઝોએ આ બંદર ઉપર હુમલો કરેલો. 1514-15માં આલ્ફાન્ઝો આલ્બુકર્કની સબળ નેતાગીરી હેઠળ પૉર્ટુગીઝોએ હોર્મુઝ બંદર કબજે કર્યું અને તેણે અહીં કિલ્લો બાંધ્યો હતો. અહીં 1622 સુધી પૉર્ટુગીઝોનો કબજો રહ્યો હતો. દરમિયાન બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પર્શિયા સાથેના વેપારી સંબંધોની સ્થાપના થઈ.

અંગ્રેજો પૉર્ટુગીઝો સાથે વારંવાર સંઘર્ષમાં આવ્યા. પોતાની હકૂમત હેઠળના હોર્મુઝ બંદર ઉપર પૉર્ટુગીઝોનો કબજો સહન ન થતાં શાહ અબ્બાસ પહેલાએ અંગ્રેજ નૌકાદળની મદદ લઈ 1622માં હોર્મુઝ બંદર જીતી લીધું. આ પછી વેપારી પ્રવૃત્તિઓ હોર્મુઝથી ખસીને અબ્બાસ બંદરે શરૂ થઈ. હોર્મુઝનાં ખંડેરોમાં પૉર્ટુગીઝ કિલ્લો મોજૂદ છે.

હોર્મુઝ એટલે કે ઓર્મુઝનું નામ જરથોસ્તી ધર્મના દેવ અહુરમઝદા પરથી પડ્યું હોવાનું કેટલાંક પુસ્તકમાં છે. તેનું નામ પર્શિયન સામ્રાજ્ય સાસાનિયન સાથે જોડાયેલું હોવાનું પણ કેટલાક ઇતિહાસકારોનું માનવું છે. તેનો ઉલ્લેખ એક જમાનામાં ‘હોર્મિઝ્ડ’ તરીકે અથવા ફારસી શબ્દ ‘હુર-મોગ’ તરીકે પણ થતો હતો. ‘હુર-મોગ’નો અર્થ ફારસીમાં ‘ખજૂરનાં વૃક્ષોનો માર્ગ’ એવો થાય છે. કેટલાક તેનો ‘હોર્મોઝ’ તરીકે પણ ઓળખાવે છે.

7મી સદીમાં અહીં ઇસ્લામના આગમન પહેલાં પ્રાચીન પર્શિયા કે ઈરાનમાં પારસી ધર્મ પાળવામાં આવતો હતો. પછી તેનું નામ ઓર્મસ કે હોર્મોઝ બન્યું. યુરોપિયન રેકૉર્ડમાં તેનાં બંને નામ જોવા મળે છે. મનાય છે કે, 16મી સદીમાં અહી પૉર્ટુગીઝ વેપારીઓએ નિયંત્રણ મેળવ્યું હતું ત્યારે તેઓ તેને ‘હોર્મુઝ’ તરીકે લખતા થયા.

એક દાવો એવો પણ થાય છે કે હોર્મુઝની સામુદ્રધુનીનું નામ ‘ઇફ્રા હોર્મિઝ્દ’ પરથી પડ્યું છે. તેઓ પર્શિયાના રાજા શાપુર બીજાનાં માતા હતાં. જેમણે શાપુર બીજા નાના હતા ત્યારે વર્ષ 309થી 325 સુધી તેમના પુત્ર વતી રાજ કર્યું. શાપુર બીજા સાસાનિયન સામ્રાજ્યના દસમા શહેનશાહ અને સૌથી લાંબો સમય સુધી રાજ્ય કરનારા સાસાનિયન સામ્રાજ્યના રાજા બન્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS