Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 2 કલાક પહેલા
વાંચવાનો સમય: 5 મિનિટ
તમને વાહન ચલાવવાનો શોખ હોય અથવા રોજ કાર કે બાઇક ચલાવવી પડતી હોય તો તમને જાણતા હશો કે રસ્તા પર ગમે ત્યારે શું થઈ શકે છે.
કોણ ક્યારે રસ્તો ઓળંગશે અને કોણ ક્યાંથી રસ્તા પર આવી જશે તે કહી શકાતું નથી. પરિણામે તમારું વાહન અથડાય અને તમારા વાહનને નુકસાન પહોંચાડે તેવું બની શકે છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ?
આવા સમયે તમારી પાસે થર્ડ-પાર્ટી વીમો હોવો જોઈએ.
ચાલો હવે જાણીએ કે આ વીમો શું છે અને કેમ જરૂરી છે?
થર્ડ-પાર્ટી વીમો શા માટે જરૂરી છે?
ઇમેજ સ્રોત, Getty Images
મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, ભારતમાં તમામ કાર અને ટુ-વ્હીલર માટે થર્ડ-પાર્ટી વીમો હોવો જરૂરી છે. જોકે, ઘણા વાહન માલિકો આ વીમો લેતા નથી.
ભારત સરકારે 2023માં જણાવ્યું હતું કે ભારતીય રસ્તાઓ પર ચાલતાં કુલ વાહનોમાંથી લગભગ 50 ટકા વાહનોનો થર્ડ-પાર્ટી વીમો હોતો નથી.
આવો વીમો ન લેવો એ કાયદાનું ઉલ્લંઘન છે એટલું જ નહીં, તે વાહનના માલિક અને પીડિત બંને માટે સમસ્યાઓ પણ ઉભી કરે છે.
ઇન્સ્યૉરન્સ સર્વેયર અને લૉસ એસેસર નીરજ જૈને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “ઑટો ઇન્સ્યૉરન્સ ખરીદો ત્યારે તેની પૉલિસી ગાઇડલાઇન્સ જાણો અને બધા ઍડ-ઑન સમજી લો.”
તેઓ કહે છે કે, “કૉમ્પ્રિહેન્સિવ કાર વીમામાં કારના માલિકને સૌથી વધુ કવરેજ મળે છે. તેમાં થર્ડ પાર્ટીને થતાં નુકસાન ઉપરાંત તમારા વાહનને અકસ્માતથી થયેલું નુકસાન, કુદરતી આફત, ચોરી અથવા આગથી થયેલું નુકસાન પણ કવર થઈ જાય છે.”
નીરજ જૈન કહે છે કે, “થર્ડ પાર્ટી કાર વીમો એ બેઝિક કવરેજ છે. તેમાં તમારી કારના કારણે કોઈને ઈજા, મૃત્યુ અથવા પ્રોપર્ટીને નુકસાન થાય તો તેના માટે નાણાં ચૂકવાય છે. તમારા વાહનનો કમસે કમ થર્ડ પાર્ટી વીમો તો હોવો જ જોઈએ. નહીંતર અકસ્માતના કિસ્સામાં તમારી જવાબદારી વધી જાય છે.”
થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવવામાં આવે તો ભારે પૅનલ્ટી લાગી શકે અને જેલની સજા પણ થઈ શકે છે.
થર્ડ પાર્ટી વીમો શું છે?
- તેમાં પ્રથમ પક્ષ પૉલિસીધારક છે.
- સેકન્ડ-પાર્ટી એટલે કે વીમા કંપની હોય છે.
- થર્ડ-પાર્ટી દાવો અથવા ક્લેમ કરનાર હોય છે. એટલે કે એવી વ્યક્તિ જે પ્રથમ પાર્ટીના કારણે થયેલા નુકસાન માટે વળતરનો દાવો કરે છે. એટલે કે, એવી વ્યક્તિ જેણે તમારી કાર અથવા ટુ-વ્હીલરને નુકસાન પહોંચાડ્યું છે.
આ થર્ડ પાર્ટીને વીમામાં આવરી લેવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્યૉરન્સ લેવામાં આવે છે.
આનો અર્થ એ થયો કે ધારો કે તમારા વાહનથી કોઈ અન્ય વ્યક્તિને ઈજા થાય છે, અકસ્માતમાં મૃત્યુ થાય છે, તેની કાર અથવા મોટરસાયકલને નુકસાન થાય છે અને રસ્તાની બાજુના માળખાને નુકસાન થાય છે, તો આ વીમો તેને વળતર પણ પૂરું પાડે છે.
વીમાનો ક્લેમ કોણ ફાઇલ કરે છે?
ઇમેજ સ્રોત, Getty Images
થર્ડ-પાર્ટી ઇન્સ્યૉરન્સમાં થર્ડ પાર્ટી વીમો મેળવવા ક્લેમ ફાઇલ કરે છે.
તે ફર્સ્ટ પાર્ટી દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સેકન્ડ પાર્ટી (એટલે કે વીમા કંપની)ને જણાવશે.
આપણે આને એક ઉદાહરણથી સમજી શકીએ છીએ.
‘A’ વ્યક્તિએ ‘X’ કંપની પાસેથી થર્ડ-પાર્ટી વીમો લીધો હતો. ‘A’ વ્યક્તિની કાર ‘B’ની કાર સાથે અથડાય છે જેના કારણે ‘B’ની કારને નુકસાન થાય છે.
હવે, જો ખરેખર ‘A’ની ભૂલ હોય તો તેણે નુકસાનની ભરપાઈ કરવી જોઈએ. પરંતુ ‘A’એ થર્ડ-પાર્ટી વીમો લીધો હોવાથી ‘B’ વ્યક્તિ ‘X’ વીમા કંપની પાસેથી વળતર મેળવી શકે છે.
પરંતુ અહીં ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારા પોતાના વાહનને થયેલા નુકસાન અથવા તમને થયેલી ઇજા આ થર્ડ-પાર્ટી વીમા દ્વારા આવરી લેવામાં આવતી નથી. તેના માટે તમારે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યૉરન્સ લેવું પડે.
એકંદરે આ વીમો વાહનચાલકો માટે મહત્ત્વપૂર્ણ છે.
લોકો થર્ડ-પાર્ટી વીમો કેમ નથી લેતા?
લોકો થર્ડ-પાર્ટી વીમો કેમ નથી લેતા? તેનાં ઘણાં કારણો છે.
મોટાભાગના લોકો થર્ડ-પાર્ટી વીમો મોંઘો છે એમ કહીને વીમો લેતા નથી. કેટલાકને પોતાના ડ્રાઇવિંગ પર વધુ પડતો વિશ્વાસ હોય છે. તેઓ વિચારે છે કે તેઓ ક્યારેય આવી ભૂલ કે અકસ્માત નહીં કરે. કેટલાક કહે છે કે તેઓ થર્ડ-પાર્ટી વીમા જેટલી રકમમાં તો ડ્રાઇવર રાખી શકે છે.
આ ઉપરાંત ઘણા લોકો શરૂઆતમાં થર્ડ-પાર્ટી ઇન્સ્યૉરન્સ ખરીદે છે, પરંતુ પછી વીમો રિન્યૂ નથી કરતા. તેઓ માને છે કે આવા વીમાની જરૂર પડતી નથી અને માત્ર રૂપિયા વેડફાય છે.
ઘણા લોકો જાણતા નથી કે થર્ડ-પાર્ટી વીમો લેવો ફરજિયાત છે.
મોટર વાહન અધિનિયમની કલમ 146માં આનો ઉલ્લેખ છે. આનો અર્થ એ થયો કે તમે વીમા વગર વાહન ચલાવતા પકડાઈ જાવ, તો તમને ત્રણ મહિના સુધીની કેદ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે.
તમારા હાથે ઍક્સિડન્ટ થાય, તો વધારે ગંભીર પરિણામો આવશે.
નાણાકીય સલાહકાર વિનોદ ફોગલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “તમારા વાહનથી કોઈને ઈજા થાય, મૃત્યુ થાય અથવા પ્રોપર્ટીને નુકસાન થાય તો તેનું વળતર ચૂકવવા માટે તમારી પાસે થર્ડ-પાટી વીમો હોવો જ જોઈએ એવું મોટર વ્હીકલ ઍક્ટ કહે છે. આ વીમો ન હોય તો સામેની વ્યક્તિને જે નુકસાન થાય તેનો તમામ બોજ તમારા પર આવી પડશે.”
ઇમેજ સ્રોત, Getty Images
થર્ડ-પાર્ટી વીમા હેઠળ શું આવરી લેવામાં આવે છે?
થર્ડ પાર્ટી વીમા હેઠળ નીચેની ચીજો આવરી લેવામાં આવે છે.
- શારીરિક ઈજા
- હૉસ્પિટલનો ખર્ચ
- આવકનું નુકસાન
- મિલકતનું નુકસાન
આ વીમા હેઠળ આ તમામ માટે વળતર આપવામાં આવે છે. પરંતુ આ માટે શેની જરૂર પડે છે?
- અકસ્માત થાય ત્યારે વીમા કંપનીને શક્ય એટલી ઝડપથી જાણ કરવાની જવાબદારી. વીમાધારકની હોય છે. અકસ્માત વિશેની તમામ આવશ્યક માહિતીનો સચોટ રેકૉર્ડ હોવો મહત્ત્વપૂર્ણ છે. ત્યાં કોણ-કોણ હતું, કઈ રીતે અકસ્માત થયો, સમય, તારીખ અને સ્થળ સહિતની વિગતો સચોટ હોવી જોઈએ.
- ડ્રાઇવર, મુસાફરો અને મિલકત અથવા વાહનને કેટલું નુકસાન થયું તેની વિગતો.
- તે સમયે ત્યાં હાજર રહેલા લોકો વિશે માહિતી.
- અકસ્માત થયો ત્યારે જે સંજોગો અથવા વાતાવરણ અસ્તિત્વમાં હતું તેની વિગત.
- અકસ્માતના ફોટા અને વીડિયો.
- પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય તો પ્રાથમિક માહિતીનો રિપોર્ટ.
વીમા કવરેજ માટે અરજી કરતી વખતે આ બધી બાબતો જરૂરી છે.
NCRBના આંકડા અનુસાર 2023માં દેશભરમાં 4,80,583 માર્ગ અકસ્માતો થયા હતા.
તેમાંથી તેમાં 1.72 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં અને 4.62 લાખથી વધુને ઈજા થઈ હતી.
થર્ડ-પાર્ટી વીમાની ખાસ વાત એ છે કે તેમાં વળતરની રકમ પર કોઈ ઉપલી મર્યાદા નથી. એટલે કે તમારે લાખો કે કરોડો રૂપિયા ચૂકવવા પડે, તો વીમા કંપનીએ આ રકમ વળતર તરીકે ચૂકવવી પડશે. પરંતુ મિલકતના નુકસાન માટે 7.5 લાખ રૂપિયાની ટોચ મર્યાદા છે.
ઇમેજ સ્રોત, Getty Images
ક્લૅમ ક્યારે નકારી શકાય?
શું દર વખતે થર્ડ પાર્ટી ઇન્સ્યૉરન્સ કવરેજ મળી શકે છે? તેનો જવાબ છે, ના.
તો તમારો થર્ડ-પાર્ટી વીમાનો દાવો ક્યારે નકારી શકાય છે?
- તમે દારૂ પીને વાહન ચલાવી રહ્યા હતા એવું સાબિત થાય.
- તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઍક્સપાયર્ડ થઈ ગયું હોય
- આવી સ્થિતિમાં વીમા કંપનીઓ તમારા નુકસાનને કવર કરવાનો ઇન્કાર કરી શકે છે. આ મામલે અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવશે.
- પરંતુ મોટાભાગના કિસ્સામાં તમારે લાખો રૂપિયા ખર્ચવાની જરૂર નથી કારણ કે તમારી પાસે થર્ડ-પાર્ટી વીમો હોય છે. આ એક નાણાકીય સુરક્ષા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



