Home તાજા સમાચાર gujrati ગુજરાત વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ રજૂ, કોને લાગુ નહીં પડે અને...

ગુજરાત વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ રજૂ, કોને લાગુ નહીં પડે અને લિવ-ઇન રિલેશનશિપ માટે શું નિયમો છે?

7
0

Source : BBC NEWS

ભૂપેન્દ્ર પટેલે બિલને વિધાનસભામાં રજૂ કર્યું હતું

ઇમેજ સ્રોત, GUJARAT VIDHANSABHA/YT

24 માર્ચ 2026, 17:39 IST

અપડેટેડ 4 કલાક પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાત વિધાનસભામાં આજે યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બન્યું છે જેમાં યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ લાવવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા મહિનાઓથી એ ચર્ચા થઈ રહી હતી કે ગુજરાત સરકાર યુનિફૉર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા – UCC) બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ વિધાનસભામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું હતું. આ બિલના ડ્રાફ્ટ માટે નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની કમિટી બનાવવામાં આવી હતી.

બિલ રજૂ થાય એ પહેલાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું.

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “1947માં આપણને આઝાદી તો મળી, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત, જ્ઞાતિ આધારિત અને ધર્મ આધારિત રહ્યા હતા. તેનાથી સૌથી મોટું નુકસાન માતાઓ, બહેનો અને દીકરીઓને થયું છે. લગ્નની બાબત હોય કે દીવાની બાબતો હોય, તેના માટે યુસીસી હેઠળ એકસમાન નિયમો અમે લાવવા જઈ રહ્યા છીએ. તેનાથી બધા સમાજની દીકરીઓને આ યુસીસી બિલથી ફાયદો થશે.”

પરંતુ આ બિલના ડ્રાફ્ટમાં શું છે અને લગ્ન તથા છૂટાછેડા વિશે શું નિયમો લાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે? વારસાગત હક કે ઉત્તરાધિકાર માટે શું નિયમો લાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે? લિવ-ઇન રિલેશનશિપ વિશે શું નિયમો લવાશે?

યુનિફૉર્મ સિવિલ કોડ કોને લાગુ નહીં પડે?

ભૂપેન્દ્ર પટેલે બિલને વિધાનસભામાં રજૂ કર્યું હતું

ઇમેજ સ્રોત, GUJARAT VIDHANSABHA/YT

આ બિલના ડ્રાફ્ટમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બિલ ઘણા સમુદાયોને લાગુ પડવાનું નથી.

તેમાં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ બિલ કાયદામાં રૂપાંતરિત થશે તો ભારતના બંધારણ પ્રમાણે કલમ 342 હેઠળ, તથા કલમ 366ના ખંડ 25 હેઠળ આવતી અનુસૂચિત આદિજાતિના સભ્યોને લાગુ નહીં પડે.

આ કલમો હેઠળ દેશમાં અંદાજે આદિવાસીઓના 700થી વધુ અલગ-અલગ સમુદાયોનો સમાવેશ થાય છે.

આ સિવાય ભારતના બંધારણના ભાગ 21 હેઠળ જેમના પરંપરાગત અધિકારોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે એવી વ્યક્તિઓ કે તેમનાં જૂથને પણ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ નહીં પડે.

રજૂ કરાયેલા બિલમાં મુખ્ય મુદ્દાઓ શું છે?

આ બિલમાં લગ્ન, છૂટાછેડા માટે પણ નિયમો લાવવામાં આવ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

આ બિલ ઉપરના તમામ સમુદાયો સિવાયના તમામ જાતિ અને ધર્મના લોકોને લાગુ પડશે.

આ બિલમાં લગ્ન અને છૂટાછેડા, વારસાગત મિલકત અને લિવ-ઇન રિલેશનશિપ જેવા મુદ્દાઓ પર નિયમો બનાવવામાં આવ્યા છે.

કેટલીક મહત્ત્વની જોગવાઈઓ:

  • લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • લિવ-ઇન સંબંધોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • છૂટાછેડા માટે સૌ માટે સમાન નિયમો બનાવાયા છે.
  • દીકરી હોય કે દીકરો સૌને સમાન વારસાગત હક મળશે.
  • આ જોગવાઈના પાલન માટે દંડ અને સજા સહિત કડક અમલ થશે.
  • દરેક ધર્મ અને પરંપરા મુજબ થયેલ લગ્નની નોંધણી ફરજિયાત રહેશે, અને નોંધણી ન કરાવવાથી સજાની જોગવાઈ થશે.
  • ફરજિયાત લગ્ન નોંધણી ન કરાવવામાં આવે તો 10 હજાર સુધીનો દંડ, બળજબરી કે ધાકધમકીથી લગ્ન કરાવવામાં આવ્યા હોય તો સાત વર્ષ સુધીની સજા, અને એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ.
  • છૂટાછેડા બાદ નોંધણી ફરજિયાત, કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે. કોર્ટ બહારના છૂટાછેડા કરવાના કિસ્સામાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ.
  • લિવ-ઇન સંબંધોની નોંધણી ન થાય તો ત્રણ મહિના સુધીની સજા અને દંડની જોગવાઈ.
  • સગીરા સાથે લિવ-ઇન સંબંધના કિસ્સામાં પોક્સો ઍક્ટ હેઠળ સજાની જોગવાઈ.
  • છૂટાછેડા માટે તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન નિયમોની જોગવાઈ, નિભાવખર્ચ સહિત તમામ મુદ્દે સમાન નિયમો
  • લઘુમતી સમુદાયોમાં પિતરાઈ સાથેના લગ્ન એ તે સમુદાયની પરંપરામાં હોય તો, તેને આ બિલ કાયદો બન્યે પણ માન્ય ગણવામાં આવશે
  • મુસ્લિમ દીકરીઓને મિલકતના વારસામાં પણ પુત્ર જેટલો હક્ક મળશે
  • નિકાહ-હલાલા જેવી પ્રથાનો કાયમી અંત લાવવામાં આવશે

લિવ-ઇન રિલેશનશિપ માટે શું નિયમો લવાશે?

લિવ-ઇન રિલેશનશિપ

ઇમેજ સ્રોત, Getty Images

આ બિલમાં લિવ-ઇન રિલેશનશિપ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે.

આ બિલ પ્રમાણે…

  • રાજ્યની અંદર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા સાથીદારોએ ગુજરાતના રહેવાસીઓ હોય કે પછી ન હોય, તેમણે લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને સુપરત કરવાનું રહેશે.
  • ગુજરાતની બહારના પ્રદેશમાં રહેતા હોય, પરંતુ ગુજરાતમાં જન્મેલા હોય તેવા લોકોએ પણ જ્યાંના તે રહેવાસીઓ હોય ત્યાં લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને સુપરત કરવાનું રહેશે.
  • લિવ-ઇન રિલેશનશિપનું કોઈ પણ બાળક તે દંપતીનું કાયદેસર બાળક ગણાશે.
  • લિવ-ઇન રિલેશનશિપનું આવેદન આપ્યા પછી રજિસ્ટ્રાર તેની વિગતોની તપાસ કરશે અને તે સમયે સાથીદારો સિવાય જરૂર પડ્યે અન્ય કોઈ પણ વ્યક્તિને બોલાવી શકશે.
  • કોઈ સ્ત્રીને તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવામાં આવે તો તેઓ છેલ્લે જ્યાં સહનિવાસ કરતાં હતાં તેના લિવ-ઇન પાર્ટનર પાસેથી ભરણપોષણનો દાવો કરવા માટે હકદાર થશે અને તેના માટે કોર્ટમાં જઈ શકશે.

સજાની જોગવાઈ:

જે વ્યક્તિ નિવેદન રજૂ કર્યા વિના લિવ-ઇન રિલેશનશિપમાં એક મહિનાથી વધુ રહેશે, અને દોષિત ઠરશે તો તેને ત્રણ મહિના સુધીની સજા તથા વધુમાં વધુ 10 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જે વ્યક્તિ લિવ-ઇન રિલેશનશિપ સ્થાપિત કરવા માટે બળજબરી, સખ્તાઈ કે છેતરપિંડીથી કોઈ વ્યક્તિની સંમતિ મેળવે તેને પાંચ વર્ષ સુધીની સજા અને દંડ થશે.

છૂટાછેડાની અરજી માટે માત્ર આટલા આધાર સ્વીકાર્ય રહેશે

બિલમાં કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી કે પહેલાં થયેલાં કોઈ પણ લગ્ન માટે લગ્નવિચ્છેદ તો જ કરી શકાશે જો…

1.લગ્નવિધિ થયા પછી અરજદાર સિવાયની કોઈ વ્યક્તિ સાથે સ્વૈચ્છિક જાતીય સંભોગ કર્યો હોય

2. લગ્નવિધિ થયા પછી અરજદાર સાથે ક્રૂરતાથી વર્તન કર્યું હોય

3. અરજી રજૂ થયાના તરત અગાઉનાં બે વર્ષ કરતાં ઓછા ન હોય તેવા સળંગ સમયગાળા માટે અરજદારને ત્યજી દીધો હોય

4. અરજદારે કોઈ અન્ય ધર્મમાં રૂપાંતરણ કર્યું હોય

5. અરજદારને અસાધ્ય માનસિક બીમારી હોય

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS