Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Trish Prosser
ગુદા કૅન્સરથી પીડાતાં એક મહિલાએ જણાવ્યું હતું કે, પેડુની રેડિયોથેરેપી સારવાર પછી થયેલી અસહ્ય પીડાને કારણે તેમને લાગ્યું હતું કે, તેઓ મરી જશે.
57 વર્ષનાં ટ્રિશ પ્રોસરે કહ્યું હતું કે, તેમની યોનિની દીવાલો બંધ થઈ ગઈ અને છ વર્ષ પછી પણ તેઓ પીડા વેઠી રહ્યાં છે.
ચાર સંતાનોનાં માતા એવાં ટ્રિશના જણાવ્યા પ્રમાણે, તેમને જે પ્રકારનું કૅન્સર થયું હતું, તે વિશે સ્વજનોને જણાવતાં તેમને ઘણો સંકોચ થતો હતો. ગુદા કૅન્સરને લઈને સામાજિક કલંક વ્યાપેલું હોવાનું તેમનું માનવું હતું.
ગુદા કૅન્સર એ એક દુર્લભ પ્રકારનું કૅન્સર છે. બ્રિટનમાં દર વર્ષે લગભગ 1,500 લોકોને તેનું નિદાન થાય છે અને તેમાંના આશરે 40થી 50 કેસ ઉત્તર આયરલૅન્ડમાંથી નોંધાય છે.
ટ્રિશ જણાવે છે, “લોકો તેમનાં ગુપ્તાંગ વિશે વાત કરવામાં સંકોચ અનુભવતા હોય છે, તે ક્ષોભજનક કે વર્જિત પણ હોઈ શકે છે, પણ હું તે કલંકને નાથવામાં મદદ કરવા માગું છું.”
ટ્રિશ જણાવે છે કે, 2020માં કોરોનાવાઇરસ મહામારીની શરૂઆત સમયે જ તેમની આ બિમારીનું નિદાન થયું હતું. તેમણે કહ્યું કે, કૅન્સરની આ સફર તેમણે એકલપંડે ખેડી હતી અને છેક હવે તેઓ આ આઘાત વિશે વાત કરી શકે છે.
તેમણે કહ્યું હતું, “મેં મારા વાળ ન ગુમાવ્યા હોવાથી બહારથી કદાચ હું નૉર્મલ જ દેખાતી હોઈશ, પણ અંદરથી મને ઘણું ખરાબ લાગી રહ્યું હતું, મને લાગતું હતું કે, હું વિખરાઈ રહી હતી.”
તેમના જણાવ્યા પ્રમાણે, “મને વર્તાતું સૌથી ખરાબ લક્ષણ થાકનું હતું, હું સાવ નંખાઈ જતી હતી. વળી, મને ગુદાના ભાગની આસપાસ ખંજવાળ પણ આવતી હતી, પણ મારી મળત્યાગની ક્રિયામાં કોઈ ફેરફાર થયો ન હતો અને સાચું કહું તો, કૅન્સરને લગતાં કોઈપણ સામાન્ય લક્ષણો મારામાં નહોતાં.”
બાકીના બ્રિટન કરતાં અલગ, ઉત્તર આયરલૅન્ડમાં પેડુની રેડિયોથેરેપી કરાવી ચૂકેલા દર્દીઓ માટે કોઈ ક્લિનિક કે વન-સ્ટોપ-શૉપ નથી.
બેલફાસ્ટમાં રહેતાં ટ્રિશના મતે, સારવાર પાર કરવી એ રિકવરી પ્રોગ્રામનું પ્રથમ ચરણ જ છે, જેમાં ઘણાં લોકોની સારવારમાં વર્ષો નીકળી જતાં હોય છે.
તેઓ જણાવે છે, “શરીર ઉપર નિશાન પડી જતાં હોય છે. પૅલ્વિક (પેડુની) રેડિયોથેરેપી કરાવનારા લોકોને તેના કારણે આંતરડાં, જનનાંગ, ગર્ભાશયની ગ્રીવા તથા યોનિમાર્ગ પર નિશાન પડી શકે છે, જે અત્યંત પીડાદાયક હોય છે.”
“હું નહોતી ઇચ્છતી કે, હું જે યાતનામાંથી પસાર થઈ રહી હતી, તેના વિશે લોકો જાણે. કારણ કે, તે મારા શરીરનું ગુપ્ત અંગ હતું. આથી, જ્યારે લોકો પૂછતા, ત્યારે હું કહેતી કે, હું સ્વસ્થ છું.”
ગુદા કૅન્સર એટલે શું?
ઇમેજ સ્રોત, Trish Prosser
ગુદા કૅન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમાવાઇરસ (એચપીવી)નું ઊંચું જોખમ ધરાવતાં સ્ટ્રેઇનના સતત સંક્રમણને કારણે થાય છે. આશરે 90 ટકા કેસ માટે તે જવાબદાર હોય છે.
એચપીવીને કારણે ગુદા નલિકાના કોષો અસાધારણ રીતે વધવા માંડે છે અને ટ્યૂમર બને છે.
અન્ય જોખમરૂપ પરિબળોમાં નબળી રોગપ્રતિકારક શક્તિ કે પછી અન્ય ગાયનેકૉલૉજીકલ કૅન્સરની હિસ્ટ્રીનો સમાવેશ થાય છે.
જોકે, એચપીવીથી સંક્રમિત ઘણા ઓછા દર્દીઓને કૅન્સર થાય છે.
શું પૅલ્વિક રેડિયોથેરેપી જાતીય જીવનને અસર પહોંચાડે છે?
ઇમેજ સ્રોત, Trish Prosser
ગુદા કૅન્સર માટે કરવામાં આવતી પૅલ્વિક રેડિયોથેરેપીના સારવારના ભાગની નજીક જ યોનિમાર્ગના કોષો આવેલા હોવાથી યોનિમાર્ગને ગંભીર અને લાંબા ગાળાનું નુકસાન થાય છે.
રેડિએશન-ઇન્ડ્યુસ્ડ વજાઇનલ સ્ટેનોસિસ (વિકિરણ પ્રેરિત યોનિ સંકુચન) તરીકે ઓળખાતી આ સ્થિતિને પગલે ડાઘવાળી પેશીઓ વિકાસ પામે છે, જેના કારણે યોનિમાર્ગ ટૂંકો, સાંકડો, શુષ્ક અને ઓછો લવચિક બને છે. પરિણામે, કોષમાં ચીરા પડી શકે છે અને તેને નુકસાન પહોંચી શકે છે.
સારવાર દરમિયાન આવી સ્થિતિ ઉદ્ભવી શકે છે, પણ ઘણી વખત તે લાંબા ગાળાની તકલીફ બને છે અને સારવાર પૂરી થઈ ગયા પછી પણ વર્ષો સુધી તે સમસ્યા યથાવત્ રહેતી હોય છે.
“મને ખબર નહોતી કે, મારી યોનિ એકબીજા સાથે ચોંટી ગઈ હતી. તેને ફરીથી ખોલાવવાની જરૂર હતી અને તે ડાયલેટર અથવા જાતીય સંબંધ થકી જ થઈ શકે તેમ હતું. જાતીય સંબંધ યાતનામય હતો,” એમ ટ્રિશે જણાવ્યું હતું.
આગળ તેઓ કહે છે, “પરંતુ, વ્યક્તિ સાજી થવા માંડે, તે સાથે જ તે ફરી વખત જાતીય સંબંધ બાંધવા અંગે વિચારવા માંડે છે અને હું ભાગ્યશાળી છું કે, મને મક્કમ અને પ્રેમાળ પાર્ટનર મળ્યા છે, જેમણે ધીરજ દાખવીને મને તે તબક્કામાંથી બહાર નીકળવામાં મદદ કરી.”
ગુદા કૅન્સરની સારવાર ઉપરાંતની કાળજી
ઇમેજ સ્રોત, Trish Prosser
રેડિયોથેરેપી યુકે તથા બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશ્યલ કૅર ટ્રસ્ટની જીઆઇ ક્લિનિકલ ઑન્કોલૉજીની ટીમે જણાવ્યું હતું કે, તેઓ એવા કૅન્સર વિશે વાતચીત કરવા માગે છે, જેના વિશે સૌથી ઓછો સંવાદ કરવામાં આવે છે.
ચૅરિટીઝ અને ચિકિત્સકોનો આશય કૅન્સર દરમિયાન અને તે પછીના જીવન માટે કાળજીનો સંપૂર્ણ માર્ગ (કૅર પાથ-વે) તૈયાર કરવાનો છે.
રેડિયોથેરેપી યુકેનાં સારાહ ક્વિનલાને જણાવ્યું હતું, “કૅન્સરની પાછલી અસરો સારવાર પૂરી થઈ ગયાનાં મહિનાઓ કે વર્ષો પછી દેખા દેતી હોય છે, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા અને સુખાકારી ઉપર નોંધપાત્ર અસર ઉપજાવે છે.
“અમે દર્દીઓમાં દેખાતી મોડી અસરો માટે સુસજ્જ અને બહુઆયામી લેટ ઇફેક્ટ્સ સર્વિસ શરૂ કરવા માગીએ છીએ, જેથી સારવાર પૂરી થઈ ગયા પછી દર્દીઓને – તેમને તેમના હાલ પર છોડી દેવાયા હોવાની લાગણી ન થાય.”
ઇમેજ સ્રોત, Trish Prosser
ટ્રિશ પણ પૅલ્વિક રેડિયોથેરેપીની આડઅસરોનો સામનો કરવા માટે આવા જ એક વિશિષ્ટ ક્લિનિકની માગણી કરી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું, “મારી સારવાર દરમિયાન, મારા ફૅમિલી ડૉક્ટર મારી જીવાદોરી બન્યા હતા. તેઓ મારી મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતા હતા. પરંતુ, સારવાર પૂરી થઈ ગયા પછી સ્પષ્ટ થઈ ગયું કે, તે સિસ્ટમ પૅલ્વિક રેડિયોથેરેપી સાથે સંકળાયેલી લાંબા ગાળાની આડઅસરોને સહાય પૂરી પાડવા માટે ઉપલબ્ધ નહોતી. તે પછી મારે બધું એકલાહાથે સંભાળવું પડ્યું હતું.”
ટ્રિશે કહ્યું હતું કે, પેશાબ રોકવા માટેનાં પૅડ્ઝ, નૅપીઝ અને યોનિના કોષોને ખેચવા માટે બનાવેલાં ડાયલેટર્સ સાથે અનુકૂલન સાધવું ભારે ત્રાસદાયક હતું.
“દીર્ઘકાલીન કબજિયાત અને વજન વધી જવાથી મારું પેટ એટલું ફૂલી ગયું હતું કે, અરીસા સામે ઊભી હોઉં, ત્યારે મને લાગતું કે, હું કોઈ અજાણી વ્યક્તિને જોઈ રહી છું,” એમ ટ્રિશે કહ્યું હતું.
શારીરિક અને માનસિક નિશાન

આ સપ્તાહના અંતે ઉત્તર આયરલૅન્ડમાં પ્રથમ વખત દર્દીઓ, તબીબો તથા ચૅરિટી સંસ્થાઓ ગુદાના કૅન્સર અંગે જાગૃતિ માટેનો એક કાર્યક્રમ યોજી રહ્યાં છે.
બેલફાસ્ટ કૅન્સર સેન્ટરનાં ક્લિનિકલ નર્સ સ્પેશ્યાલિસ્ટ ઍલિસન ઇરવિન સામાન્યપણે સારવાર પછી દર્દીઓ માટે સંપર્કનો પ્રથમ સ્રોત હોય છે.
તેમણે જણાવ્યું હતું, “તેમને એવા શબ્દોની જરૂર હોય છે, જેનાથી તેઓ સામાજિક કલંકને ભેદી શકે, જેમાં તેમના પરિવાર અને નોકરીદાતાને ગુદા કૅન્સર વિશે જણાવવાનો પણ સમાવેશ થાય છે.”
ઇરવિને કહ્યું હતું, “દર્દીઓ અમારી સાથે ખુલીને વાત કરી શકે અને અમને તેમના શરીરને લગતી તમામ માહિતી પૂરી પાડી શકે, તેવો વિશ્વાસ ઊભો થાય, તે જરૂરી છે, મેં અગાઉ પણ આ બધું સાંભળ્યું છે, આથી દર્દીઓ સાથે મારો સંબંધ મહત્ત્વનો છે.”
બેલફાસ્ટ હેલ્થ ટ્રસ્ટ ખાતેનાં કન્સલ્ટન્ટ ઑન્કોલૉજીસ્ટ ડૉક્ટર કેથરિન હાન્નાએ કહ્યું હતું કે, ગુદાના કૅન્સરનું જો વહેલું નિદાન થઈ જાય, તો રેડિયોથેરેપીથી તે મટી શકે છે.
“તે એક દુર્લભ કૅન્સર છે અને લોકોએ શરીરના તે ભાગમાં ગાંઠ, ખંજવાળ કે રક્તસ્રાવ થવા જેવી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.
“જો કોઈ વ્યક્તિને શરીરમાં કંઈક અલગ જણાય, તો તેમણે તેની તપાસ કરાવવી જોઈએ,” એમ હાન્નાએ ઉમેર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



