Home તાજા સમાચાર gujrati હૅર ઍક્સ્ટેન્શન્સમાં બ્રૅસ્ટ કૅન્સરનું જોખમ ધરાવતા કૅમિકલ્સ મળ્યાં, કેવી રીતે ઊભો થાય...

હૅર ઍક્સ્ટેન્શન્સમાં બ્રૅસ્ટ કૅન્સરનું જોખમ ધરાવતા કૅમિકલ્સ મળ્યાં, કેવી રીતે ઊભો થાય છે ખતરો?

10
0

Source : BBC NEWS

સંશોધકોનું કહેવું છે કે, હેર એક્સ્ટેન્શન્સને એકસાથે અઠવાડિયાંઓ સુધી પહેરી રાખવાથી હાનિકારક રસાયણોનો સંપર્ક વધી જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વભરની લાખો મહિલાઓ દ્વારા પહેરવામાં આવતાં હૅર ઍક્સ્ટેન્શન્સમાં સ્તન કૅન્સર, હૉર્મોન સંબંધિત વિક્ષેપ તથા પ્રજનન સંબંધિત સમસ્યા સાથે જોડાયેલાં કેમિકલ્સ હોવાની શક્યતા એક વિસ્તૃત અભ્યાસમાં વ્યક્ત કરાઈ હતી.

વિગ, નકલી ચોટલો, વેવ્ઝ અને ક્લિપ-ઇન જેવા બનાવટી વાળ સહિતનાં સિન્થેટિક અને માનવીના વાળનાં ઉત્પાદનોના પરીક્ષણ કરવામાં આવેલા લગભગ પ્રત્યેક નમૂનામાં વિજ્ઞાનીઓને આશરે 50 જેટલાં જોખમી કૅમિકલ્સ મળી આવ્યાં હતાં.

અમેરિકન કૅમિકલ સોસાયટી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલાં અભ્યાસનાં તારણોને પગલે વપરાશકર્તાઓ માટે વ્યાપક પારદર્શીતાની સાથે-સાથે લાખો ડૉલરના આ ઉદ્યોગ પર ચુસ્ત નિયમન માટેની માગ ઊઠવા પામી છે.

અભ્યાસનાં મુખ્ય લેખિકા ડૉક્ટર એલિસા ફ્રેન્કલિન જણાવે છે, “આપણે એવી કંપનીઓ ઉપર વિશ્વાસ મૂકી રહ્યાં છીએ, જેમના ઉપર જોખમી રસાયણોથી મુક્ત ઉત્પાદનો બનાવવાનું કાયદાકીય દબાણ નથી.”

હૅર ઍક્સ્ટેન્શન્સ જોખમરૂપ છે, કારણ કે, તે લાંબા સમય સુધી પહેરવામાં આવે છે અને ત્વચાના નિકટના સંપર્કમાં રહે છે, એમ વિજ્ઞાનીઓ જણાવે છે. આ દીર્ઘકાલીન સંપર્ક લાંબા ગાળે આરોગ્યલક્ષી સમસ્યાઓ નોતરી શકે છે.

ફ્રેન્કલિન કહે છે, “હૅર ઍક્સ્ટેન્શન્સ ત્વચાની અત્યંત નજીક લગાવવામાં આવે છે. તે સપ્તાહો સુધી સતત સ્કાલ્પ (માથાની ત્વચા) ઉપર, ગરદન ઉપર અને શરીર ઉપર રહે છે.”

જોખમી કૅમિકલ્સ

સંશોધકો જણાવે છે કે, 'કુદરતી' કે 'વર્જિન' એવું લેબલ ધરાવનારાં હેર એક્સ્ટેન્શન્સ સલામત જ હોય, એ જરૂરી નથી.

ઇમેજ સ્રોત, Getty Images

એક અંદાજ અનુસાર, દુનિયામાં હૅર ઍક્સ્ટેન્શન બજારનું કદ 2028 સુધીમાં 14 અબજ ડૉલરને પાર થઈ જશે.

ઘણી મહિલાઓ કૉસ્મેટિક કે ફૅશનને કારણે ઍક્સ્ટેન્શન્સ પસંદ કરે છે, તેમાં મોટાભાગની બ્લૅક (આફ્રિકન) મહિલાઓ હોય છે, કારણ કે, તેમને વાળને મૅનેજ કરવા માટેનો આ સાનુકૂળ માર્ગ લાગે છે, એમ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું.

કૃત્રિમ વાળની કિંમત 20 ડૉલર જેટલી હોય છે, જ્યારે પ્રિમિયમ માનવ વાળની કિંમત હજારો ડૉલર હોઈ શકે છે.

વ્યાપક સ્તરે પદાર્થો પારખવામાં મદદરૂપ થતી ટેકનિકના ઉપયોગથી વિજ્ઞાનીઓએ જે 43 સૅમ્પલ્સનું પરીક્ષણ કર્યું હતું, તેમાંથી તેમને 170 કૅમિકલ્સ મળી આવ્યાં હતાં.

તે પૈકીનાં 48 કૅમિકલ્સ યુનાઇટેડ નેશન્સ અને યૂરોપિયન કૅમિકલ્સ એજન્સી દ્વારા સંકલિત કરવામાં આવેલી યાદી સહિતની મહત્ત્વની આંતરરાષ્ટ્રીય જોખમી યાદીઓમાં જોવા મળે છે.

ફ્રેન્કલિન જણાવે છે, “તેમાં રિટાર્ડન્ટ્સ (આગ પ્રતિરોધક)થી માંડીને જંતુનાશકો તેમજ અંતઃસ્રાવી વિક્ષેપક થૅલેટ્સ જેવી ચીજોનો સમાવેશ થાય છે, જે પ્રજનનને લગતા નુકસાન સાથે સંકળાયેલી છે.

કૃત્રિમ અને માનવ વાળ – બંને પ્રકારના હૅર ઍક્સ્ટેન્શનના 36 નમૂનાઓમાંથી સ્તન કેન્સર સાથે સંકળાયેલાં 17 કૅમિકલ્સ મળી આવ્યાં હતાં. જ્યારે 10 ટકા સૅમ્પલ્સમાં ઓર્ગેનોટિન કમ્પાઉન્ડ્ઝ હતાં, જે સામાન્યપણે આગ-રોધક પ્લાસ્ટિક બનાવવા માટે વપરાતાં હોય છે.

વિજ્ઞાનીઓ કહે છે કે, ઓર્ગેનોટિન કમ્પાઉન્ડ્ઝ મળી આવતાં તેમને આંચકો લાગ્યો હતો, કારણ કે, સામાન્યપણે ગ્રાહક ઉત્પાદનોમાં તે મોજૂદ હોતાં નથી.

આ કૅમિકલ્સને કારણે ત્વચામાં બળતરા થાય છે અને તે અંતઃસ્રાવી વિક્ષેપકો (એન્ડોક્રાઇન ડિસ્રપ્ટર્સ) તરીકે જાણીતા છે. અર્થાત્, આ વિક્ષેપકો પ્રજનન ક્ષમતા અને વિકાસ સહિત શરીરની ઘણી પ્રક્રિયાઓને નિયંત્રિત કરનારાં હોર્મોન્સ સાથે છેડછાડ કરે છે.

સેમ્પલ્સમાં વારંવાર મળી આવેલાં કૅમિકલ્સમાં પ્લાયવૂડ અને લાકડાંનાં અન્ય એડહેસિવ્ઝની બનાવટમાં વપરાતા ફિનોલ અને પ્લાસ્ટિકને વધુ લવચિક બનાવવા માટે વપરાતા પદાર્થ બિસ (2-ઇથાઇલહેક્સિલ) થેલેટનો સમાવેશ થાય છે.

સંશોધકો કહે છે કે, આ કૅમિકલ્સ સ્તન કેન્સર નોતરતા જૈવિક ફેરફારોને ઉત્તેજિત કરે છે અને સમય જતાં તેના કારણે સ્તન કૅન્સરનું જોખમ વધી શકે છે.

શું માનવ વાળ વાપરવા વધુ સુરક્ષિત છે?

ભારતમાં મહિલાઓ ધાર્મિક વિધિના ભાગરૂપે તેમના વાળ ઊતરાવતી હોય છે. મંદિરમાં દાન કરાયેલા એ વાળની પછી હરાજી કરીને તેમાંથી હેર એક્સ્ટેન્શન્સ બનાવાય છે, જે અમેરિકા, યૂરોપ અને આફ્રિકામાં વેચવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉના અભ્યાસોમાં મુખ્યત્વે કૃત્રિમ વાળ પર જ ધ્યાન આપવામાં આવ્યું હતું.

તે અભ્યાસોમાં કૃત્રિમ વાળમાં જોખમી ધાતુઓ રહેલી હોવાનું માલૂમ પડ્યું હતું, પરંતુ આ અભ્યાસમાં વર્જિન હેર, એક જ દાતા પાસેથી લેવાયેલા વાળ (રો હેર) તથા મિશ્રિત માનવ અને કૃત્રિમ વાળનાં 11 સૅમ્પલ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વર્જિન હૅર અને રૉ હૅર સામાન્યતઃ વધુ ખર્ચાળ હોય છે અને તેમના પર કદીયે રાસાયણિક પ્રક્રિયા ન કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. ખાસ કરીને રૉ હૅર ઉપર બિલકુલ પ્રોસેસિંગ થયું હોતું નથી અને તે કોઈ એક જ દાતાના વાળ હોય છે.

અમુક કિસ્સાઓમાં તો વર્જિન અને રૉ ગણાવાયેલા સહિતના માનવ વાળનાં સૅમ્પલ્સમાં અમુક કૃત્રિમ વાળ કરતાંયે વધુ હાનિકારક કૅમિકલ્સ મળી આવ્યાં હતાં. વળી, તેમાં અંતઃસ્રાવી વિક્ષેપકો પણ હતાં.

સ્તન કૅન્સરનાં પર્યાવરણીય કારણોનો અભ્યાસ કરતી અમેરિકન સાઇલન્ટ સ્પ્રિંગ ઇન્સ્ટિટ્યૂટનાં સંશોધન વિજ્ઞાની ફ્રેન્કલિન કહે છે, “કોઈ ઉત્પાદન ઉપર માનવ વાળનું કે એક જ દાતાના કુદરતી વાળનું લેબલ લગાવી દેવા માત્રથી તે કૃત્રિમ વાળ કરતાં વધુ સલામત નથી બની જતા.”

તેઓ સમજાવે છે, “અમુક કિસ્સાઓમાં અમને જોવા મળ્યું હતું કે, કૃત્રિમ સૅમ્પલમાં જોખમી યાદીમાં સામેલ હોય, તેવું એક રસાયણ મળી આવ્યું હતું, પણ માનવ વાળમાં તો જોખમી યાદીમાં સામેલ હોય તેવાં પાંચથી સાત રસાયણો મળી આવ્યાં હતાં.”

ઘણાં એક્સ્ટેન્શન્સને સ્ટાઇલિશ બનાવવા માટે ગરમ કરવામાં આવે છે કે ઊકળતા પાણીમાં બોળવામાં આવે છે, જેનાથી ઝેરી ધુમાડો નીકળી શકે છે. આ રસાયણો શ્વાસ લેવા દરમિયાન શરીરમાં પ્રવેશી શકે છે.

ઉત્પાદન કે પ્રોસેસિંગ દરમિયાન વાળનો દેખાવ, તેનું ટકાઉપણું વધારવા માટે કે તેને સુવ્યવસ્થિત રાખી શકાય, તે માટે તેના પર ટ્રિટમેન્ટ કરવા સમયે આ રસાયણો વાપરવામાં આવતાં હોઈ શકે છે, એવો મત સંશોધકોએ વ્યક્ત કર્યો હતો.

આ અભ્યાસમાં જોખમી રસાયણોની માત્રાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નહોતું, પણ હોર્મોન વિક્ષેપકો જેવાં અમુક કૅમિકલ્સ અત્યંત ઓછી માત્રામાં પણ નુકસાનકારક હોય છે, એમ ફ્રેન્કલિને નોંધ્યું હતું.

ઉત્પાદકો માટે હૅર ઍક્સ્ટેન્શન્સમાં રસાયણોના ઉપયોગ માટેની સ્પષ્ટ સુરક્ષા મર્યાદાનો અભાવ સંશોધકો માટે ચિંતાનો વિષય છે.

ફ્રેન્કલિનના મતે, “આપણે કૉસ્મેટિક હેતુઓ માટે જે ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ, તેમાં જોખમી રસાયણો હોવાનું કોઈ કારણ નથી.”

“આમ પણ આપણે રોજ ટાળી ન શકાય, તેવાં ઘણાં રસાયણોના સંપર્કમાં આવીએ છીએ.”

ઘણાં ઍક્સ્ટેન્શન્સને સ્ટાઇલિશ બનાવવા માટે ગરમ કરવામાં આવે છે કે ઊકળતા પાણીમાં બોળવામાં આવે છે, જેનાથી ઝેરી ધુમાડો નીકળી શકે છે. આ રસાયણો શ્વાસ લેવા દરમિયાન શરીરમાં પ્રવેશી શકે છે.

વળી, તે ત્વચાના સંપર્કમાં આવીને પણ શરીરમાં પ્રવેશી શકે છે, જેનાથી તેના વપરાશકર્તાની સાથે-સાથે તેને સેવા પૂરી પાડનાર હૅર સ્ટાઇલિસ્ટને પણ નુકસાન પહોંચે છે, એમ સંશોધકોએ જણાવ્યું હતું.

કેટલાક લોકો હૅર ઍક્સ્ટેન્શન્સ પહેરવાથી માથાની ત્વચા, ગરદન અને ચહેરા પર ખંજવાળ આવવી, ત્વચા લાલ થઈ જવી, ચકામા પડવાં અને સોજો આવવા જેવાં રિઍક્શન્સની ફરિયાદ કરતાં હોય છે. અમુક દુર્લભ કિસ્સાઓમાં શ્વાસની સમસ્યા પણ સર્જાતી હોય છે.

હૅર ઍક્સ્ટેન્શન્સનો સલામત ઉપયોગ કેવી રીતે કરી શકાય?

બ્લૅક મહિલાઓમાં હેર એક્સ્ટેન્શન્સના ઉપયોગનું પ્રચલન વ્યાપક છે.

ઇમેજ સ્રોત, Getty Images

રાસાયણિક ટ્રિટમેન્ટ ધરાવતાં હૅર ઍક્સ્ટેન્શન્સનો સલામત ઉપયોગ કરવાનો કોઈ સચોટ માર્ગ નથી અને ત્વચાનો સંપર્ક ઘટાડવાનાં પગલાં પણ ભરોસાપાત્ર ન હોવાનું અભ્યાસમાં માલૂમ પડ્યું હતું.

બળતરાની સમસ્યા ન થાય, તે માટે હૅર ઍક્સ્ટેન્શન્સ લગાવતાં પહેલાં તેમને વિનેગરથી ધોઈ નાંખવાં જેવી પ્રક્રિયાનાં સલામતીની દૃષ્ટિએ કોઈ નક્કર તારણો પ્રાપ્ત થયાં ન હતાં.

અભ્યાસમાં, પરીક્ષણ કરાયેલાં 43 પૈકીનાં માત્ર બે સૅમ્પલ્સ જ વિજ્ઞાનીઓ દ્વારા ઓળખ કરાયેલાં કોઈપણ જોખમી કૅમિકલ્સથી મુક્ત હતાં. બંને સૅમ્પલ્સને “બિન-ઝેરી” કે “ઝેરમુક્ત”નું લેબલ આપવામાં આવ્યું હતું. પરંતુ, ફ્રેન્કલિન કહે છે કે, આવા દાવા ઠાલું આશ્વાસન આપનારા હોઈ શકે છે.

“તે શબ્દો કોઈ સંસ્થા દ્વારા નિયંત્રિત હોતા નથી, આથી, કંપનીઓ ઉત્પાદન ઉપર તે લગાવી શકે છે અને તેમને તે બદલ કોઈ પરિણામ ભોગવવાં પડતાં નથી.”

બ્રિટનમાં, હાનિકારક કૅન્સરકારક પદાર્થો પરના નવા કડક નિયમો ઓગસ્ટ, 2026માં અમલમાં આવશે, પણ વાળના ઉદ્યોગના વ્યાવસાયિકોનું કહેવું છે કે, હૅર ઍક્સ્ટેન્શન્સના નિયમનમાં રહેલી ત્રુટિઓનો અર્થ એ છે કે, ગ્રાહકો સંપૂર્ણપણે સુરક્ષિત નથી.

કૉસ્મેટિક્સ ચુસ્ત રીતે નિયંત્રિત છે અને તેમનું સલામતી મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, પણ હૅર ઍક્સ્ટેન્શન્સને મોટાભાગે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવતાં હોવાથી તેમનું મૂલ્યાંકન થતું નથી.

ભૂતકાળના અભ્યાસોમાં હૅર ડાઇ અને સ્ટ્રેટનર્સને પણ સ્તન કૅન્સરના વધતા જોખમ સાથે સાંકળવામાં આવ્યાં છે. જોકે,હૅર ઍક્સ્ટેન્શન્સથી અલગ, આ ઉત્પાદનોને કૉસ્મેટિક ઉત્પાદનો તરીકે નિયંત્રિત કરવામાં આવે છે અને તેમનાં સલામતી પરીક્ષણો હાથ ધરાતાં હોય છે.

બ્રિટનની ઉદ્યોગ સંસ્થા નૅશનલ હૅર ઍન્ડ બ્યૂટી ફેડરેશનનાં ચીફ ઍક્ઝિક્યુટિવ કેરોલિન લારીસેના જણાવ્યા પ્રમાણે, “નિયમન ત્યારે જ કારગત નીવડે છે, જ્યારે ઉત્પાદનોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હોય અને આયાત તથા વેચાણના તબક્કે સક્રિય અમલીકરણ કરવામાં આવે.”

“આ મોટી ખામી છે અને સંશોધન પરથી સ્પષ્ટ થાય છે કે, આ ખામી દૂર થવી જરૂરી છે.”

2016માં બીબીસીને જાણવા મળ્યું હતું કે, પ્રોસેસિંગ દરમિયાન મોટાપાયે ખોટું લેબલિંગ થયું હતું, જેમાં વાળનો પ્રકાર સ્પષ્ટ કરવાનું કામ મહદ્અંશે વેપારીઓની પ્રામાણિકતા પર છોડી દેવાયું હતું.

કેટલાક ઉત્પાદકોની વેબસાઇટ્સ ગ્રાહકોને વાળની ખરીદી કરતાં પહેલાં તેની ગુણવત્તા ચકાસવાના માર્ગો સૂચવે છે. પણ, વિજ્ઞાનીઓ કહે છે કે, એ તેમની જવાબદારી ન હોવી જોઈએ.

ફ્રેન્કલિનના જણાવ્યા મુજબ, “જો જોખમી ઉત્પાદનો બજારમાં મોજૂદ જ ન હોત, તો આપણે ક્યારેય તેમાંથી સારા ઉત્પાદનની પસંદગી કરવાની જરૂર જ ન પડી હોત.”

“હેર એક્સ્ટેન્શન્સ પહેરનારા લોકોએ આ તારણોથી ચિંતિત થવાની જરૂર છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS