Home તાજા સમાચાર gujrati ભરાયેલા નાકને કારણે ‘માથાનો દુખાવો’, સાઇનસની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે થાય?

ભરાયેલા નાકને કારણે ‘માથાનો દુખાવો’, સાઇનસની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે થાય?

18
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાઇનસ, શરદી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

માથાનો દુખાવો, નાક બંધ થવું, ચહેરા પર દબાણ અથવા સતત થાકને ઘણા લોકો સામાન્ય શરદી સમજે છે, પરંતુ ઘણી વખત તેનું કારણ સાઇનસાઇટિસ નામની વધુ ગંભીર સ્થિતિ અથવા સામાન્ય ભાષામાં કહીએ તો સાઇનસની તકલીફ હોય છે. બદલાતા હવામાન, પ્રદૂષણ, વધતી જતી ઍલર્જી, ધૂળના કણો, ઍરકન્ડિશનર્સનો વધતો વપરાશ અને જીવનશૈલીમાં ફેરફારોને કારણે સાઇનસની સમસ્યા આજકાલ વધી રહી છે.

ડૉક્ટર્સ જણાવે છે કે તમને શરદી થઈ હોય કે ન થઈ હોય, ચહેરા પરની પોકળ જગ્યાઓ એટલે કે સાઇનસમાં સોજો આવે એટલે તેનો માર્ગ બ્લૉક થઈ જાય છે. પીડા, જડપણું અને ચેપનું દુષ્ચક્ર અહીંથી શરૂ થાય છે.

ડૉક્ટરોના મતાનુસાર, સાઇનસની મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ થોડા દિવસમાં થઈ જાય છે, પરંતુ લક્ષણો 10 દિવસથી વધુ સમય રહે, વકરે અથવા ચહેરા પર સોજો આવે, આંખોમાં લાલાશ આવે અથવા દૃષ્ટિમાં સમસ્યા સર્જાય તો તત્કાળ તબીબી સહાય જરૂરી બને છે.

ઍલર્જી, નાકમાં પૉલિપ્સ અથવા સંરચનાત્મક અવરોધ હોય એવા દર્દીઓમાં આ સમસ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે અને ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. નિષ્ણાતની સલાહ, યોગ્ય નિદાન અને જીવનશૈલીમાં નાના ફેરફાર વડે સાઇનસને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.

સાઈનસ શું છે?

સાઇનસ એ આપણા ચહેરા અને ખોપરીમાંની ખાલી, હવા ભરેલી જગ્યા હોય છે. એ નાક સાથે જોડાયેલી હોય છે અને તેની અંદરનું અસ્તર સતત લાળ (મ્યુકસ) ઉત્પન્ન કરે છે. એ મ્યુકસ નાક દ્વારા બહાર નીકળે છે. એ ધૂળ, ઍલર્જન અને જંતુઓને ફિલ્ટર કરે છે, જેનાથી શ્વસન માર્ગ સ્વચ્છ રહે છે.

સામાન્ય પરિસ્થિતિમાં સાઇનસનું કુદરતી વેન્ટિલેશન અને ડ્રેનેજ સરળ હોય છે, પરંતુ શરદી, ઍલર્જી, ચેપ, પ્રદૂષણ અથવા માળખાકીય અવરોધ જેવાં કારણોસર એ ડ્રેનેજમાં અવરોધ સર્જાય છે ત્યારે સાઇનસની અંદરના અસ્તરમાં સોજો આવે છે. તેને સાઇનસાઇટિસ કહેવામાં આવે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાઇનસ, શરદી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

સોજી ગયેલા સાઇનસમાં હવા અવરોધિત થાય છે, મ્યુકસ એકઠું થાય છે અને તેમાં બૅક્ટેરિયાની વૃદ્ધિની શક્યતા વધી જાય છે. પરિણામે માથું ભારે થઈ જાય છે, માથામાં દુખાવો થાય છે, ચહેરા પર દબાણ અનુભવાય છે. નાકમાંથી જાડો-પીળા રંગનો સ્રાવ થાય છે. ગંધ અનુભવાતી નથી. આવાં લક્ષણો જોવા મળે છે. સાઇનસાઇટિસ બે પ્રકારના હોઈ શકે છે: એક્યૂટ (ચાર સપ્તાહથી ઓછો સમય) અને ક્રોનિક (12 સપ્તાહથી વધુ સમય).

એક્યૂટ સાઇનસાઇટિસમાં મુખ્ય કારણ ચેપ હોય છે, જ્યારે ક્રોનિક સાઇનસાઇટિસમાં ઍલર્જી અથવા નાકમાં માળખાકીય અવરોધ વધુ જવાબદાર હોય છે. યોગ્ય સારવાર, નાકની સ્વચ્છતા અને કારકોને ટાળવાથી મોટા ભાગના દર્દીઓ તેમાંથી રાહત મેળવી શકે છે.

ગેરમાન્યતાઓ અને જવાબો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાઇનસ, શરદી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા લોકો તેને ફક્ત શરદી માને છે. શરદી વધારે થાય તેને સાઇનસની સમસ્યા કહેવામાં આવે છે, પરંતુ ડૉક્ટરની મદદ વિના તેનું જાતે નિદાન તથા સારવાર કરવી બહુ જોખમી છે.

ચેન્નાઈની એસ.આર.એમ. ગ્લોબલ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત ડૉ. કે. પ્રિયાએ આવી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે અમારા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું, “સાઇનસાઇટિસ એ ફક્ત શરદી નથી. એ તમારા ચહેરા અને ખોપરીમાં હવા ભરાયેલી જગ્યામાં સોજો આવ્યો છે તેનો સંકેત આપે છે.”

લક્ષણોની વાત કરતાં તેમણે કહ્યું હતું, “સામાન્ય શરદી, વાયરલ ચેપ, ઍલર્જી, પ્રદૂષણ, ધૂળના કણો તેમજ નાકમાંના પૉલિપ્સ અથવા વિચલિત સેપ્ટમ જેવા માળખાકીય અવરોધો સાઇનસાઇટિસના કારણ બને છે. મોટા ભાગના દર્દીઓને સરળ ઉપાયોથી આરામ રાહત થાય છે, પરંતુ લક્ષણો 10 દિવસથી વધારે સમય સુધી યથાવત્ રહે તો સ્થિતિ વકરે છે. ચહેરા પર સોજો આવે છે, ડોળામાં લાલાશ આવે છે અને દૃષ્ટિમાં ફેરફાર થાય છે. એ સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય જરૂરી બને છે. વારંવારના અથવા લાંબા ગાળાના સાઇનસાઇટિસના કિસ્સામાં દવા સાથે, ઍલર્જી નિયંત્રણ, જીવનશૈલીમાં ફેરફાર અને કેટલાક કિસ્સાઓમાં એન્ડોસ્કોપિક સર્જરીની જરૂર પડી શકે છે. યોગ્ય નિદાન અને સમયસરના હસ્તક્ષેપ વડે સાઇનસાઇટિસ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.”

ડોક્ટરને ક્યારે મળવું?

મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ઈ.એન.ટી. કન્સલ્ટન્ટ ડૉ. રાહુલ મોદીએ કહ્યું હતું, “વાયરલ સાઇનસાઇટિસના મોટા ભાગના કિસ્સાઓમાં ઘરેલુ ઉપચાર અને ઓવર-ધ-કાઉન્ટર દવાઓ પૂરતી હોઈ શકે છે, પરંતુ લક્ષણો પાંચથી સાત કે તેથી વધુ દિવસ સુધી યથાવત રહે અથવા હાલતમાં સુધારા પછી વધુ ખરાબ થાય તો તત્કાળ તબીબી સહાય લેવી જરૂરી છે. “

“તીવ્ર પીડા, વધુ તાવ, આંખમાં ફેરફાર અથવા એન્ટિબાયોટિક્સનો કોઈ પ્રતિભાવ ન મળવો તે ગંભીર ચેપના લક્ષણો હોઈ શકે છે. સલાઇન ઇરિગેશન, સ્ટીરોઇડ સ્પ્રે અને ટૂંકા ગાળાના ડીકન્જેસ્ટન્ટ્સ સારવારના મહત્ત્વપૂર્ણ ઘટકો છે. જોકે, બૅક્ટેરિયલ ચેપની શંકા મજબૂત હોય ત્યારે જ એન્ટિબાયોટિક્સ આપવી જોઈએ. અન્યથા તેનો બિનજરૂરી ઉપયોગ ભવિષ્યમાં રોગપ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે.”

નિદાન કેવી રીતે કરવામાં આવે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાઇનસ, શરદી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

સાઇનસની આ સમસ્યાનું નિદાન કરવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. મુંબઈના ડોમ્બિવલીની અરિંદમ હૉસ્પિટલમાં કાર્યરત ઈ.એન.ટી. નિષ્ણાત ડૉ. સંજય પાટીલે સાઇનસાઇટિસના નિદાનની માહિતી બીબીસીને આપી હતી.

તેમણે કહ્યું હતું, “નિદાન માટે એન્ડોસ્કોપી અને સીટી સ્કેન અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે બ્લૉકેજ ક્યાં છે એ તે સ્પષ્ટપણે દર્શાવે છે. દવા અસરકારક સાબિત ન થાય અથવા સમસ્યા વારંવાર સર્જાય તો એન્ડોસ્કોપિક સર્જરી એક સલામત અને અસરકારક ઉકેલ છે. યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો સાઇનસાઇટિસ સંબંધી દીર્ઘકાલીન સમસ્યાઓને ટાળી શકાય છે.”

મુંબઈની જસલોક હૉસ્પિટલમાં નાક-કાન-ગળાના કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત ડૉ. દિવ્ય પ્રભાતે કહ્યું હતું, “સાઇનસાઇટિસનું મૂળ કારણ ઘણીવાર ઍલર્જી હોય છે. તેથી તેની સંપૂર્ણ તપાસ કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઍલર્જીનું કારણ કયું ચોક્કસ પરિબળ છે તે જાણવા માટેનો સ્કિન પ્રિક ટેસ્ટ વૈશ્વિક સ્તરે માન્ય ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ છે”.

“ઉપેક્ષિત ક્રોનિક સાઇનસાઇટિસ ફક્ત નાક સુધી મર્યાદિત હોતું નથી. તે કાનમાં ચેપ, ટૉન્સિલ-એડેનોઇડમાં વૃદ્ધિ, બ્રોન્કાઇટિસ અથવા અસ્થમા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી સારવાર સમયસર શરૂ કરવી જરૂરી છે. દવાઓથી દર્દીઓને સામાન્ય રીતે તત્કાળ રાહત થાય છે. લક્ષણો વારંવાર જોવા મળે તો એફ.ઈ.એસ.એસ. જેવી એન્ડોસ્કોપિક પ્રક્રિયા સાઇનસનો કુદરતી માર્ગ ખોલીને લાંબા ગાળાની રાહત આપે છે.”

દવાઓ અસરકારક સાબિત ન થાય તો શું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાઇનસ, શરદી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

જે દર્દીઓને દવાથી સંપૂર્ણ રાહત મળતી નથી અથવા વારંવાર સાઇનસાઇટિસ થાય છે તેમના સાઇનસની અંદર બ્લૉકેજ અથવા તો સાંકડો પેસેજ હોય છે. તેના પરિણામે વારંવાર સોજો આવે છે અને ડ્રેનેજની કામગીરી યોગ્ય રીતે થતી નથી.

આવા કિસ્સાઓમાં એફ.ઈ.એસ.એસ. અથવા ફંક્શનલ એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી એક અસરકારક વિકલ્પ છે. આ પ્રક્રિયામાં એન્ડોસ્કોપની મદદથી સાઇનસના કુદરતી માર્ગને સ્વચ્છ તેમજ પહોળો કરવામાં આવે છે. તેનાથી હવાનું મુક્ત પરિભ્રમણ થઈ શકે છે અને ડ્રેનેજના સ્રાવમાં સુધારો થાય છે. સારવાર પછી દર્દીઓનાં દૈનિક લક્ષણોમાં ઘટાડો થાય છે અને ફરી ચેપ લાગવાનું જોખમ ઘટે છે.

ડૉ. રાહુલ મોદીએ કહ્યું હતું, “જે દર્દીઓને દવાઓથી રાહત ન મળતી હોય અથવા જેમને વારંવાર સાઇનસાઇટિસ થતું હોય તેમના માટે એફ.ઈ.એસ.એસ. એક ચોક્કસ અને ઓછી ઇન્વેઝિવ સર્જરી અસરકારક છે. એન્ડોસ્કોપની મદદથી બ્લૉકેજ દૂર કરવામાં આવે છે અને સાઇનસ ડ્રેનેજમાં કાયમી ધોરણે સુધારો થાય છે. મોટા ભાગના દર્દીઓને આ પ્રક્રિયાથી લાંબા ગાળાની રાહત મળે છે. અનુભવી સર્જનો દ્વારા કરવામાં આવતી આ પ્રક્રિયા બહુ મુશ્કેલ હોય છે.”

તેમણે ઉમેર્યું હતું, “મુંબઈ જેવાં શહેરોમાં હવામાંના PM2.5 જેવાં પ્રદૂષકો, ભેજ, ઍરકન્ડિશનર્સને કારણે શુષ્કતા અને હવામાનમાં અચાનક ફેરફાર જેવી બાબતો સાઇનસના અસ્તરમાં સોજો વધારી શકે છે. તેથી પર્યાવરણીય સંભાળ અને જીવનશૈલીમાં ફેરફાર, સારવાર જેટલા જ મહત્ત્વપૂર્ણ છે.”

આ સમસ્યા કેવી રીતે અટકાવવી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાઇનસ, શરદી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

સાઇનસાઇટિસને સંપૂર્ણપણે અટકાવી શકાતું નથી, પણ તેના જોખમોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. એ માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત નાકના સ્વાસ્થ્યની નિયમિત કાળજી છે. હવાના રજકણો, પ્રદૂષણ, પરાગકણ અને એલર્જન્સ ઘણીવાર સાઇનસની અંદરના અસ્તર માટે ત્રાસદાયક હોય છે.

તેથી ડૉક્ટરની સલાહ અનુસાર, દિવસમાં એકવાર સલાઇન વૉશ અથવા સલાઇન સ્પ્રેનો ઉપયોગ કરવો ફાયદાકારક છે, કારણ કે તે નાકમાં જમા થયેલી ધૂળ, રજકણો અને જંતુઓને બહાર કાઢવામાં મદદ કરે છે. ઘરની હવાને સ્વચ્છ રાખવી જોઈએ. ઍરકન્ડિશનરનું ફિલ્ટર બદલવું જોઈએ અને આદ્રતા 40-50% ની વચ્ચે રાખવાથી સાઇનસને અનુકૂળ વાતાવરણ તૈયાર થાય છે.

ઍલર્જી ધરાવતા લોકોએ તેમના ટ્રિગર્સથી દૂર રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરાગકણો, ધૂળ, પાળેલા પ્રાણીના વાળ અથવા ફૂગના ઓછા સંપર્કમાં આવવાથી સાઇનસાઇટિસનું જોખમ ઓછું થઈ શકે છે. પૂરતું પાણી પીવાથી અને દિવસભર હાઇડ્રેટેડ રહેવાથી મ્યુકસ પાતળું રહે છે. તેથી તે સાઇનસમાંથી આસાનીથી નીકળી શકે છે. સિગારેટનો ધુમાડો, વાહનોનો ધુમાડો અને રાસાયણિક ધુમાડો સાઇનસ માટે સૌથી વધુ ત્રાસદાયક હોય છે. તેથી તેનાથી દૂર રહેવું જરૂરી છે.

હવામાનમાં અચાનક ફેરફાર થાય ત્યારે સાવચેતી રાખવી, પૂરતી ઊંઘ લેવી, તણાવ ઓછો કરવો અને રોગપ્રતિકારક શક્તિ વધારવી. આ બધા પણ સાઇનસાઇટિસ સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે.

ડૉ. દિવ્ય પ્રભાતે કહ્યું હતું, “પ્રદૂષણ, તીવ્ર સુગંધ, મોસ્કિટો રિપેલન્ટ્સ અથવા અગરબત્તી જેવાં ટ્રિગર્સથી દૂર રહેવું જોઈએ. સંતુલિત આહાર, સ્લીપ-સાયકલ, કસરત અને સ્ટ્રેસ મૅનેજમેન્ટ જેવી જીવનશૈલી સંબંધી બાબતોમાં ફેરફાર કરવાથી સાઇનસાઇટિસના હુમલા અને તીવ્રતા ઘટાડવામાં મદદ મળી શકે છે.”

ડૉ. રાહુલ મોદીના કહેવા મુજબ, “સાઇનસાઇટિસથી બચવા માટે નાક અને શ્વસન માર્ગમાંનો કુદરતી ભેજ જાળવી રાખવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દિવસમાં ઓછામાં ઓછું બે લિટર પાણી પીવાથી મ્યુકસ પાતળું રહે છે અને આસાનીથી બહાર નીકળી જાય છે. સૂકી હવામાં રહેતા લોકોએ સલાઇન સ્પ્રે અથવા હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. ધુમાડા અને પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ. ઍરકન્ડિશનરના ફિલ્ટરની માફક સાઇનસનું સ્વાસ્થ્ય જાળવવા માટે પણ તેને નિયમિત રીતે સાફ કરવું જરૂરી છે.”

તેમણે ઉમેર્યું હતું, “રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત ચાલવું જોઈએ, શાકભાજી અને પોષક તત્ત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે પૂરતી ઊંઘની યોગ્ય આદત પાડવી જરૂરી છે. સ્વચ્છતાની આદત, ખાસ કરીને હાથ વારંવાર ધોવાથી વાયરસ અને બૅક્ટેરિયાને દૂર રાખવામાં મદદ મળે છે. ડાયાબિટીસ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે, કારણ કે અનિયંત્રિત બ્લડ સુગર જીવલેણ ફંગલ સાઇનસાઇટિસનું જોખમ વધારી શકે છે.”

તમે તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા ઈચ્છતા હો, તમારા આહારમાં ફેરફાર કરવા ઈચ્છતા હો અથવા વ્યાયામ શરૂ કરવા ઈચ્છતા હો તો ડૉક્ટર કે લાયક ટ્રેનરની મદદ લેવી મહત્ત્વપૂર્ણ છે. ડૉક્ટર દ્વારા તમારા શરીર તથા લક્ષણોની યોગ્ય રીતે તપાસ કરાવવી અને તેમની સલાહ મુજબ જ જીવનશૈલીમાં ફેરફાર કરવો ઉત્તમ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS