Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
2 કલાક પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર ફરીથી હુમલા થયા છે. સમાચાર એજન્સી એએફપી અને રૉયટર્સે આની માહિતી આપી છે.
આ મુજબ સ્થાનિક સમય પ્રમાણે બુધવારે સવારે આ હુમલા થયા છે.
આ એજન્સીઓએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે શહેરમાં હાજર એએફપીના પત્રકારોએ દૂતાવાસ પાસે ધડાકાના અવાજ સાંભળ્યા હતા.
અમેરિકન દૂતાવાસ સૌથી વધુ સુરક્ષા ધરાવતા ગ્રીન ઝોનમાં આવેલું છે, જ્યાં અનેક રાજકીય મિશન અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની ઓફિસ હાજર છે.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી અમેરિકન ઠેકાણાં પર ઘણા હુમલા થઇ ચુક્યા છે.
ઇઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલા, બે લોકોનાં મોત
ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે રાતે ઈરાને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ અને તેની આસપાસ અનેક મિસાઇલ હુમલા કર્યા છે. સ્થાનિક પોલીસના કહેવા મુજબ એક ઈરાની મિસાઇલ હુમલામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.
ઇઝરાયલની ઍમ્બ્યુલન્સ સેવાના એક ઇમરજન્સી કર્મચારીએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે તેમણે એક ઇમારતમાંથી ‘ધૂમાડો ઊઠતો’ જોયો હતો. સાથે સાથે તેમણે ‘ભારે નુકસાન અને તૂટેલા કાંચ’ પણ જોયા હતા.
તેમણે કહ્યું કે અમે બે લોકોને જોયા જેમના ધબકારા બંધ હતા અને શ્વાસ લઈ શકતા ન હતા. તેમના શરીર પર ગંભીર ઈજા હતી.
ત્યાર પછી ડૉક્ટરોએ તેલ અવીવના પૂર્વ વિસ્તારમાં એક પુરુષ અને મહિલાના મોતની પુષ્ટિ કરી હતી, જેમને “મિસાઇલના ટુકડાથી ગંભીર ઇજાઓ” થઈ હતી.
ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું, અમને કોઈની મદદની જરૂર નથી
ઇમેજ સ્રોત, Roberto Schmidt/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મોટા ભાગના નૅટો સહયોગીઓ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીમાં સામેલ થવા નથી માંગતા. ટ્રમ્પે કહ્યું કે અમને કોઈની મદદની જરૂર નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે “અમેરિકાના મોટા ભાગના નૅટો સહયોગીઓએ જણાવ્યું કે ઈરાનના આતંકવાદી શાસન સામે અમારી સૈન્ય કાર્યવાહીમાં સામેલ થવા નથી માંગતા. આવું ત્યારે બન્યું છે જ્યારે મોટા ભાગના દેશો માનતા હતા કે અમે જે કરીએ છીએ તે યોગ્ય છે અને ઈરાનને કોઈ પણ સ્થિતિમાં અણુ હથિયારો મળવા ન જોઈએ.”
“મને તેમના નિર્ણયથી કોઈ આશ્ચર્ય નથી, કારણ કે મેં હંમેશાં નૅટોને એક તરફી રસ્તો માન્યો છે. આપણે આ દેશોની સુરક્ષા માટે દર વર્ષે સેંકડો અબજ ડૉલર ખર્ચ કરીએ છીએ, પરંતુ જરૂર પડે ત્યારે તેઓ આપણા માટે કંઈ નથી કરતા.”
તેમણે કહ્યું કે, “સદનસીબે આપણે ઈરાની સેનાને તબાહ કરી નાખી છે. તેમની નેવી, ઍરફૉર્સ ખતમ થઈ ગઈ છે. તેમના એન્ટી-ઍરક્રાફ્ટ અને રડાર સિસ્ટમ ખતમ થઈ ગયાં. સૌથી મહત્ત્વની વાત, તેમના લગભગ દરેક સ્તરના નેતા ખતમ થઈ ગયા છે. તેઓ હવે મધ્ય-પૂર્વના સાથીઓ કે દુનિયાને ક્યારેય ધમકાવી નહીં શકે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



