Home તાજા સમાચાર gujrati સૌરાષ્ટ્રમાં ખેડૂતો ધાણા અને જીરુંના પાક કાઢીને હવે આ પાક કેમ વાવી...

સૌરાષ્ટ્રમાં ખેડૂતો ધાણા અને જીરુંના પાક કાઢીને હવે આ પાક કેમ વાવી રહ્યા છે?

14
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ત્રિભેટે આવેલો સુરેન્દ્રનગર જિલ્લો આમ તો દાયકાઓથી તેની કપાસની ખેતી માટે ઓળખાય છે.

ગુજરાતના માત્ર ત્રણ કે ચાર જ એવા જિલ્લા છે જ્યાં પિયત અને બિન-પિયત એમ બંને પ્રકારના કપાસની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે અને સુરેન્દ્રનગર તેમાંનો એક છે.

હાલ 2026નો માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે ક્યાંક ક્યાંક કપાસનો ઊભો પાક તેમ જ કાપણી માટે તૈયાર ઘઉંના સોનેરી ખેતરો દેખાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દસ તાલુકા છે અને તેમાંથી લગભગ બધા તાલુકાઓમાં આવાં દૃશ્યો નજરે ચડે છે.

પરંતુ કચ્છના નાના રણના કાંઠે આવેલ ધ્રાંગધ્રા તાલુકાના અમુક ગામોમાં આ વર્ષે એક નવું આકર્ષણ ઉમેરાયું છે.

આ તાલુકાના પચ્ચીસેક ગામોમાં કપાસ, ઘઉં, ચણા અને વરિયાળીના ખેતરોની વચ્ચે વચ્ચે ઘેરા લીલા કે આછા પીળા રંગના પાંદવાળા પાકના ખેતરો અલગ તરી આવે છે.

આ અલગ તરી આવતાં ખેતરો તમાકુનાં છે. તમે કહેશો કે તમાકુ તો મધ્ય ગુજરાતના પાણીથી તરબોળ ચરોતર વિસ્તારમાં થતો પાક છે, સૌરાષ્ટ્ર જેવા અર્ધ-સૂકા વિસ્તારમાં આ પાક ક્યાંથી?

પરંતુ ધ્રાંગધ્રાના કેટલાક ખેડૂતોએ આ પાકને સૌરાષ્ટ્રમાં લાવવાનું બીડું ઝડપ્યું છે અને શરૂઆતના તબક્કામાં તેમને સફળતા મળી છે તેમ તેઓ જણાવે છે.

સુરેન્દ્રનગરના ખેડૂતો તમાકુ તરફ કેમ વળ્યા?

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર કપાસ

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC

ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના ખેડૂત પ્રવીણભાઈ પટેલની વાડીમાં જીરુંના ઢગલાઓની નજીકમાં જ તમાકુનું લીલુંછમ ખેતર છે.

આ જ ખેડૂતના અન્ય એક ખેતરમાં પાક ઉપર આવી ગયેલા ઘઉંના ખેતરની બાજુમાં પણ પસાચેક વીઘામાં તમાકુનો લીલા અને પીળા પાંદડાવાળો પાક ઊભો છે.

પ્રવીણભાઈ કહે છે કે તેમણે આ વર્ષે 125 વીઘામાં (6.25 વીઘા=1 હેક્ટર) તમાકુ વાવ્યું છે. ગયા વર્ષે પણ તેમને 100 વીઘામાં તમાકુનું વાવેતર કર્યું હતું.

કપાસ અને જીરુંની ખેતીના કુશળ ખેડૂત પ્રવીણભાઈ જણાવે છે , “અમારે જીરું, ધાણા અને વરિયાળી બહુ સારાં થતાં. જીરુંનું ઉત્પાદન વીઘે 12 મણ સુધીનું મળતું.”

“ધાણા પણ વીઘે 15-17 મણ થતા. પરંતુ વર્ષો સુધી આ પાકો સતત વાવવાને કારણે અને હવામાનમાં ફેરફાર થતા રહેવાને કારણે પાછલાં કેટલાંક વર્ષોથી રોગ-જીવાત વધતા જંતુનાશક દવાના ખર્ચ ઘણા વધ્યા છે અને ઉત્પાદન ઘટીને વીઘે પાંચ મણ જેટલું જ થઈ ગયું છે. ધાણા-વરિયાળીમાં પણ ઉત્પાદન બહુ ઘટ્યું છે અને સાત-આઠ મણ થઈ ગયું છે.”

“આ દરમિયાન અમારા પાડોશી ગામ વાવડીમાં કેટલાક ખેડૂતોએ 2023માં તમાકુનું વાવેતર કર્યું અને તેમાં તેઓ સફળ રહ્યા.”

“તેથી મેં પણ 2024ની રવિ સીઝનમાં 100 વીઘામાં તમાકુ વાવ્યું.”

પ્રવીણભાઈ કહે છે કે તેમને પહેલા વર્ષે જ સફળતા મળી.

તેઓ કહે છે, “મને તમાકુમાં વીઘે સરેરાશ 20 મણ ઉત્પાદન મળ્યું. તે 2100 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાયું.”

“તેથી, વીઘા દીઠ મને સરેરાશ 42000 હજાર વળતર મળ્યું. જીરામાં 3500 રૂપિયા ભાવ મળે છે.”

“પણ જો 4000 ભાવ મળે અને સાત મણ જીરું પાકે તો પણ વીઘા દીઠ વળતર અંદાજે 30,000 હજાર રૂપિયા જ થાય જે તમાકુ કરતા ઓછું છે.”

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC

પ્રવીણભાઈ ઉમેરે છે કે અન્ય શિયાળુ પાકની સરખામણીમાં તમાકુમાં ઉત્પાદન ખર્ચ પણ ઓછો રહે છે.

તેઓ કહે છે, ” જીરુંમાં જંતુનાશક અને ફૂગનાશક દવાનો ખર્ચ વીઘે હજારો રૂપિયાનો થઈ જાય છે, જ્યારે તમાકુમાં તો વાવેતર પછી ખાતર આપવા સિવાય બીજો ખર્ચ નથી.”

“તેમાં ઈયળો અને મોલો-મચ્છી આવે છે. પરંતુ પાકને તે વધારે નુકસાન કરી શકતા નથી અને તેથી દવા છાંટવાની જરૂર રહેતી નથી.”

“તેથી, આ વર્ષે મેં વાવેતર વધારીને 125 વીઘા કર્યું છે અને પાક આ વર્ષે પણ સારો દેખાય છે.”

પ્રવિણભાઈને તમાકુની ખેતી કરતા જોઈને સજ્જનપુર ગામના બેચરભાઈ પટેલે આ વર્ષે 10 વીઘામાં તમાકુ વાવ્યું છે.

બીબીસીએ 12 માર્ચે તેમના ખેતરની મુલાકાતી લીધી ત્યારે તેમની વાડીમાં તમાકુની કાપણી ચાલી રહી હતી.

બીબીસી સાથે વાત કરતા તેમણે પણ પ્રવીણભાઈએ ઉમેર્યું, “જીરું અને ધાણામાં ધાર્યું ઉત્પાદન મળતું નથી એટલે મેં વિચાર્યું કે આ વર્ષે 10 વીઘામાં તમાકુનો અખતરો કરીએ.”

“વળી, તમાકુના વાવેતરમાં ઝાઝો ખર્ચ પણ નથી. મેં 2000 રૂપિયાના ભાવે એક કિલો બિયારણ લીધું જે પૂરતું સાબિત થયું.”

“જીરું અને ધાણાના પાક પર વાતાવરણના ફેરફારની અસર બહુ વધારે થાય છે જ્યારે તમાકુના પાક પર તેની બહુ માઠી અસર થતી નથી. તેથી આવતા વર્ષે પણ તમાકુ વાવવાની મારી ગણતરી છે.”

કેટલા વિસ્તારમાં તમાકુનું વાવેતર થયું?

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC

દુનિયામાં ભારત ઉપરાંત ચીન, અમેરિકા, બ્રાઝિલ, તુર્કી વગેરે દેશોમાં તમાકુની વ્યાપક ખેતી થાય છે.

ગુજરાતના કૃષિ નિયામકની કચેરીએ 2025-26ની રવી સિઝન એટલે કે શિયાળામાં થયેલા વાવેતરના અંતિમ આંકડા 2 ફેબ્રુઆરીએ જાહેર કાર્ય હતા.

તે આંકડા અનુસાર ગુજરાતમાં આ વર્ષે 1,72,500 હેક્ટર એટલે કે લગભગ 10.78 લાખ વીઘામાં તમાકુનું વાવેતર થયું છે. તેમાંથી 200 હેક્ટર એટલે કે 1250 વીઘામાં વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું છે.

સુરેન્દ્રનગરના જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમારે બીબીસીને જણાવ્યું કે તેમના જિલ્લામાં પ્રથમવાર ગણનાપાત્ર વિસ્તારમાં તમાકુનું વાવેતર થયું છે અને તેથી તેને વાવેતરના સત્તાવાર આંકડામાં સમાવી લેવાયું છે.

મુકેશ પરમારે કહ્યું, “અમે જે રિપોર્ટિંગ વાવેતરનું લઈએ છીએ તેમાં ધ્રાંગધ્રા તાલુકો અને દસાડા-પટડી તાલુકામાં તમાકુનું વાવેતર નોંધાયું છે. આ બધું ખેડૂતની ચૉઇસ ઉપર છે.”

“હજુ તો શરૂઆત થઈ છે. તેમને આર્થિક રીતે કેવું બેસે છે, માર્કેટ કેવું મળે છે, આવક કેવી મળે છે, તે ખેડૂતો જોશે પછી કંઈક કહી શકાશે.”

“ખેડૂતોએ જાતે જ આ પાક અપનાવ્યો છે અને તમાકુના વાવેતર પર આપણે ત્યાં કોઈ સરકારી નિયંત્રણ નથી.”

આ વર્ષે સુરેન્દ્રનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં હમીરભાઈ કરમુર નામના ખેડૂતે પણ તમાકુનું વાવેતર કર્યું છે.

સૌરાષ્ટ્રની આકરી ગરમીમાં તમાકુ ઊગી શકે?

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર

ઇમેજ સ્રોત, AFP via Getty Images

આણંદ ખાતે આવેલા બીડી તમાકુ સંશોધન કેન્દ્રના સહાયક સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર.ડી. દેલવાડીયા જણાવે છે કે ગુજરાતમાં ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાઓમાં પથરાયેલા ચરોતર પ્રદેશમાં ચોમાસા એટલે કે ખરીફ સીઝન દરમિયાન દેશી તમાકુ અથવા બીડી તમાકુ તરીકે ઓળખાતી તમાકુની જાતનું વાવેતર થાય છે.

“છેલ્લા દોઢ-બે દાયકાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને વાવ-થરાદ જિલ્લાઓમાં રવી સિઝન એટલે કે શિયાળુ ઋતુ દરમિયાન કલકત્તી તમાકુની જાતનું વાવેતર ચાલુ થયું છે.”

તેઓ કહે છે કે દેશી તમાકુ બીડી અને સિગારેટના જર્દા બનાવવામાં વપરાય છે, જ્યારે કલકત્તી તમાકુ ચાવીને,સૂંઘીને અને દાંતે ઘસીને સેવન કરવામાં વપરાય છે. તમાકુનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે.

કલકત્તી તમાકુનું વાવેતર નવેમ્બર મહિનામાં થાય છે અને ચાર મહિના બાદ માર્ચ-એપ્રિલમાં પાક તૈયાર થઈ જાય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ઘણી વાર ફેબ્રુઆરી કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ વધારે ગરમી પાડવાની શરૂઆત થઈ જાય છે. શું આવા વાતાવરણમાં પણ તમાકુ ઊગી શકે?

ડો. દેલવાડીયા કહે છે કે વાતાવરણ કરતા અન્ય પરિબળો મહત્ત્વનાં છે.

તેઓ કહે છે, “ગુજરાતમાં ચરોતર સિવાયના પ્રદેશમાં તમાકુની ખેતી માટે વાતવરણ કરતા જમીનનો પ્રકાર અને તૈયાર પાકના વેચાણ માટે બજાર મળશે કે કેમ તે વધારે મહત્ત્વનાં પરિબળો છે.”

“સૌથી મહત્ત્વની છે જમીન. તમાકુના ભાવ તમાકુના છોડના પાંદમાં નિકોટીન, રિડ્યુસિંગ સ્યુગર (એક પ્રકારની શર્કરા જે પાંદને બઝરિયો કલર આપે છે) અને ક્લોરાઇડની માત્રા પરથી નક્કી થાય છે અને પાંદમાં આ તત્ત્વોની માત્રા પાક કેવા પ્રકારની જમીનમાં વવાયો છે તેના પર આધાર રાખે છે.”

તેઓ ઉમેરે છે, “ચરોતરની જમીન રેતાળ અને ગોરાડુ છે જયારે સૌરાષ્ટ્રની જમીન મધ્યમ-કાળી અને ચુના-કાંકરાવાળી છે.”

“અગાઉનાં વર્ષોમાં અમે ગોંડલ અને ઉનામાં તમાકુનું બિયારણ ખેડૂતોને આપ્યું હતું. પરંતુ પછીનાં વર્ષોમાં તે ખેડૂતો ફરી વાર બિયારણ લેવા આવ્યાં નથી.”

“જો સુરેન્દ્રનગરના ખેડૂતોનું તમાકુ સારા ભાવે વેચાઈ જતું હોય તો ખેડૂતો માટે તે બહુ સારા સમાચાર છે.”

પરંતુ પિયત માટે પાણીનું શું?

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC

સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ખેતી પાકોને સિંચાઈ માટેના પાણીની કાયમી તંગી એક મોટી સમસ્યા છે.

કેટલાય ભાગોમાં જો ચોમાસાંના અંત ભાગ તરફ વરસાદ થાય તો જ શિયાળુ પાકોને પૂરતા પિયત આપી શકાય તેટલું પાણી ઉપલબ્ધ રહે છે.

જોકે, ધ્રાંગધ્રા તાલુકામાં સિંચાઈના પાણીની એટલી સમસ્યા નથી. તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં ભૂગર્ભજળ પુષ્કળ છે અને નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના પાણી પણ આ તાલુકાના કેટલાય વિસ્તારોમાં ઉપલબ્ધ છે.

તમાકુનાં પાંદડાં મોટાં અને જાડાં હોવાથી તેને સતત ભેજની જરૂર રહે છે તેમ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે.

વળી, તમાકુ 120 દિવસનો પાક હોવાથી માર્ચ મહિનાની શરૂઆતના અઠવાડિયા સુધી તો પિયત આપવું પડે છે તેમ ખેડૂતો જણાવે છે.

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર પાટડી ધ્રાંગધ્રા

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ બેચરભાઈ કહે છે કે તમાકુના પાકને પિયત આપવા માટે બહુ વધારે પાણીની જરૂર રહેતી નથી.

તેમણે કહ્યું કે, “જીરુંના પાકને ચાર પિયત આપવા પડે છે અને ઘઉંના પાકને સાત પિયત આપવા પડે છે. તમાકુના પાકને પણ સાત પિયત આપવા પડે છે, પણ ઘઉંની સરખામણીએ પાણી બહુ ઓછું વપરાય છે. “

“ઘઉંમાં પિયત આપતી વખતે ઘણું વધારે પાણી જોઈએ છે, કારણ કે તેના ક્યારા મોટા હોય છે અને એક ક્યારામાં ઘઉંના અસંખ્ય છોડ હોય છે તેથી ક્યારો ઝડપથી ભરાતો નથી.”

“પરંતુ તમાકુમાં બે ચાસ વચ્ચે બે ફૂટનું અંતર હોય છે અને પિયત બે ચાસ વચ્ચેની જગ્યામાં ધોરીયા કરીને આપવાનું હોવાથી ધોરીયામાં પાણી ઝડપથી આગળ વધે છે અને તે રીતે પાણીની ઓછી જરૂર રહે છે.”

તમાકુને રોઝ, ભૂંડ કે બીજા રખડતાં પશુ કેમ અડતા નથી?

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર

ઇમેજ સ્રોત, Getty Images

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા, પાટડી વગેરે તાલુકાઓમાં ઘુડખર, નીલગાય એટલે કે રોજ અને જંગલી ભૂંડ ખેતીના પાકોને નુકસાન કરતા હોવાની ફરિયાદો ખેડૂતો કરતા રહે છે.

તાજેતરનાં વર્ષોમાં રખડતી ગાયો અને આખલાઓનો પણ આ યાદીમાં ઉમેરો થયો છે.

પરંતુ પ્રવીણભાઈ કહે છે કે તમાકુના વાવેતર પછી આમાંથી એકેય પશુની ચિંતા રહેતી નથી.

તેમણે બીબીસીને કહ્યું કે, “તમાકુનાં પાંદ કડવાં હોય છે અને એક રીતે ઝેરી હોવાથી કોઈ રોગ જીવાત સામાન્ય રીતે તેને અસર કરતી નથી.”

“વળી, કડવાશના કારણે તેને કોઈ પશુ પણ ખાતાં નથી. અમારા વિસ્તારમાં રેઢિયાળ ઢોરનો ઘણો ત્રાસ રહે છે. પરંતુ તમાકુને તો તે પણ અડતા નથી.”

તમાકુ અને માનવ સ્વાસ્થ્ય વિષે ખેડૂતો શું કહે છે?

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગર ખેડૂત તમાકુ ખેતી જીરુ ધાણા વાવેતર

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC

વાવડી ગામના ખેડૂત ધરમશીભાઈ રબારી બે વર્ષથી તમાકુની ખેતી કરી રહ્યા છે.

બીબીસીએ તેમની વાડીની મુલાકાત લીધી ત્યારે ત્યાં પણ તમાકુના પાકની કાપણી ચાલુ હતી.

તમાકુનું સેવન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં ખેડૂતો આ પાક તરફ કેમ વળ્યાં છે?

આ સવાલના જવાબમાં ધરમશીભાઈએ કહ્યું, “અમે તમાકુની ખેતી કરીએ છીએ બે વર્ષથી. બીજામાં કંઈ વળતું નથી.”

“જીરામાં ચારમા (ફુગથી થતો રોગ) ને એવું આવી જાય છે, એટલે ખેડૂત શું કરે? તમાકુ જ ઊગાડે ને?”

“સારી બાબત તો નથી પણ ખેડૂત ક્યાં જાય? પૈસા વધારે મળે તે હિસાબે વાવીએ. નુકસાન તો છે એ તો આપણને બધાને ખબર છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS