Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
દુબઈનો કૃત્રિમ દ્વીપ પામ જુમેરાહ ભવ્ય હોટેલો તથા બીચ ક્લબ માટે ખૂબ જ વિખ્યાત છે. દેશવિદેશમાંથી લોકો અહીં ફરવા આવે છે. સ્ટૅફની બેકર પણ તેમના ફ્રેન્ડ્સ સાથે જન્મદિવસ ઊજવવા માટે અહીં આવ્યાં હતાં.
બૅકર અને તેમના મિત્રો રાત્રે ફરવા માટે બહાર નીકળી રહ્યાં હતાં, ત્યારે તેમણે આકાશમાં કંઈક અજૂગુતું જોયું.
થોડી ક્ષણો પછી એક ડ્રોનનો કાટમાળ ફાઇવ-સ્ટાર હોટેલ ફૅરમોન્ટ ઉપર પડ્યો. એ સમયે બૅકર અને તેમનાં મિત્રો રોડ ઉપર સામેની બાજુએ જ ઊભાં હતાં.
બૅકર કહે છે, “અમે બધાં ડરી ગયાં હતાં.” અને ઉમેરે છે, “અમને આવું કંઈ બનશે એવું નહોતું લાગતું.”
બૅકર મૂળ બ્રિટનના છે. તેઓ એકાદ વર્ષ અગાઉ દુબઈ આવ્યાં હતાં અને અહીં રિયલ ઍસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. બૅકર કહે છે કે તેમને આ ભૂભાગમાં દુબઈ હંમેશા સલામતં જણાતું.
ઈરાન બે અઠવાડિયાં કરતાં વધુ સમયથી દુબઈની ઉપર મિસાઇલ અને ડ્રોનહુમલા કરી રહ્યું છે. છતાં બૅકર દુબઈ છોડવા અંગે નથી વિચારી રહ્યાં.
તેઓ કહે છે, “અહીં જે રીતે પરિસ્થિતિનો સામનો કરવામાં આવે છે, તે સલામતીની અનુભૂતિ કરાવે છે.”
દેશદેશાવરમાંથી દુબઈમાં આગમન
ઇમેજ સ્રોત, Stephanie Baker
વિશ્વભરમાંથી લાખો લોકો દુબઈમાં ધંધા-રોજગાર અને ઉજ્જવળ ભવિષ્યની આશાએ આવે છે. અહીં મૂળ અમીરાતીઓની વસતિ માંડ 10 ટકા જેટલી છે.
સામાન્ચ રીતે મધ્યપૂર્વ એશિયાની ગણતરી શાંતિની દૃષ્ટિએ અસ્થિર ભૂભાગમાં થાય છે. છતાં છેલ્લા કેટલાક દાયકાથી દુબઈએ સ્થિર અને સલામત શહેર તરીકેની છાપ ઊભી કરી છે.
આકાશને આંબતા કાચના ટાવર, કરમુક્ત પગાર અને વ્યક્તિગત સુરક્ષાની ખાતરીને કારણે દુબઈ શહેર મધ્યપૂર્વ એશિયામાં વેપાર અને પર્યટન માટેનું હબ બની ગયું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી મધ્યપૂર્વ એશિયામાં ભારે અસ્થિરતા અને લડાઈઓ જોવા મળી રહી હતી, પરંતુ આ અગનજ્વાળાઓની જાળ દુબઈ દૂર રહેવા પામ્યું હતું.
જોકે, તાજેતરમાં અમેરિકા-ઇઝરાયલે મળીને ઈરાનની ઉપર હુમલા કર્યા, એ પછી દુબઈની ‘સલામત શહેર’ તરીકેની છાપ કસોટીની એરણ પર છે.
યુનાઇટેડ (સંયુક્ત) આરબ અમીરાતના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, ઈરાન દ્વારા યુએઈ ઉપર હુમલા શરૂ કરવામાં આવ્યા, ત્યારથી સુરક્ષાવ્યવસ્થાએ 285 બૅલેસ્ટિક મિસાઇલ, 15 ક્રૂઝ મિસાઇલ તથા એક હજાર 567 ડ્રોનનો સામનો કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે 90 ટકા કરતાં વધુ ડ્રોન મિસાઇલને આંતરીને તેમનો નાશ કરી દેવાયો હતો.
જોકે, તેમાંથી કેટલાકનો કાટમાળ દુબઈના મુખ્ય રહેણાક વિસ્તારો તથા ઍરપૉર્ટ પાસે પડ્યો છે.
બજારમાં, ઊંચી રહેણાક ઇમારત, લક્ઝરી હોટેલ તથા ઍરપૉર્ટ ઉપર કાટમાળ પડવાની તસવીરો વ્યાપક રીતે ઑનલાઇન શૅર થઈ રહી છે.
યુએઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, છ લોકો (શુક્રવારની પરિસ્થિતિ મુજબ) મૃત્યુ પામ્યા છે તથા 141ને ઈજા પહોંચી છે.
ઈરાનના હુમલા વિશે દુબઈના સ્થાનિકો શું કહે છે?
ઇમેજ સ્રોત, Planet Labs PBC via REUTERS
બીબીસીએ લગભગ 20 જેટલા સ્થાનિકો સાથે વાત કરી હતી, જેમાંથી અમુક અહીં દાયકાઓથી રહે છે, જ્યારે કેટલાક લોકો તાજેતરમાં જ દુબઈ સ્થાયી થયા છે.
મોટાભાગના લોકોનું કહેવું છે કે તાજેતરના ઘટનાક્રમથી તેમને આઘાત લાગ્યો છે, પરંતુ લગભગ બધાયે કહ્યું હતું કે તેઓ દુબઈ છોડવા વિશે નથી વિચારી રહ્યા.
ઍત્તી ભસીન ભારતીય મૂળનાં છે અને પરિવારના ધંધામાં કામ કરે છે. તેમનો જન્મ અને ઉછેર દુબઈમાં થયો છે. ભસીન કહે છે, “અમે આવું કંઈક પહેલી વખત જોઈ રહ્યાં છીએ.”
તેઓ કહે છે, “દુબઈ ખૂબ જ મોટું શહેર બની ગયું છે, પરંતુ અમને અહીંના સત્તાવાળાઓમાં શ્રદ્ધા છે. આ મારું ઘર છે અને અમે બધા એકજૂટ છીએ.”
ઍડમ કેલો તેમનાં પત્ની અને બે યુવાન દીકરા સાથે વર્ષ 2024માં દુબઈ આવ્યાં હતાં. ઍડમ કહે છે કે તેઓ આ શહેર સલામત છે એ વાતથી આકર્ષાઈને અહીં આવ્યાં હતાં, પરંતુ છેલ્લા બે અઠવાડિયાંએ ચિંતા જન્માવી છે.
સંઘર્ષના શરૂઆતના દિવસો દરમિયાન સમગ્ર પરિવાર એક રૂમમાં સાથે ઊંઘી રહેતો. કારણ કે આખા શહેરમાં ધડાકા સંભળાતા અને બાળકોને બારીઓ પાસે ઊંઘવામાં ડર લાગતો હતો.
ઍડમ કહે છે, “અમને સલામતીની અનુભૂતિ કરાવવા માટે સત્તાધીશો પૂરતા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અમને પણ અસ્થિરતા અનુભવાઈ રહી છે.”
તેઓ કહે છે, “આવી પરિસ્થિતિ નવસામાન્ય નહીં થઈ જાયને, એ વાતની અમને ચિંતા છે.”
નાના બંદરથી મોટા શહેર સુધીની સફર
ઇમેજ સ્રોત, Eti Bhasin
એક સમયે દુબઈ ખાડી દેશનું નાનકડું બંદર હતું. તે વૈશ્વિક વેપારમાર્ગની ઉપર આવેલું હોવાથી તેનું મહત્ત્વ હતું. ત્યારથી અત્યાર સુધી દુબઈએ ભારે પ્રગતિ કરી છે.
દુબઈ ઍરપૉર્ટ એ વૈશ્વિક મુસાફરોની સંખ્યાની દૃષ્ટિએ વિશ્વનું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઇમથક છે. ગત વર્ષે અહીં લગભગ નવ કરોડ મુસાફરોએ અવરજવર કરી હતી.
જ્યારથી સંઘર્ષની શરૂઆત થઈ છે, ત્યારથી અત્યાર સુધીમાં સેંકડો ફ્લાઇટો રદ કરવામાં આવી છે, જેના કારણે આ ક્ષેત્રનું વ્યસ્ત પર્યટનમથક જાણે થંભી ગયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઇટો ફરીથી શરૂ થઈ છે. અમીરાત દ્વારા ફ્લાઇટોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે અને પૂર્ણ ક્ષમતાએ કામગીરી શરૂ કરવા માટે પ્રયાસરત છે.
દુબઈની મુલાકાત લેવા માંગતા લોકો હાલનો સમય વધારે પસંદ કરે છે, કારણ કે આના પછી ઉનાળો ચાલુ થઈ જશે અને ભારે ગરમીની અસર પર્યટકોની સંખ્યા ઉપર પણ જોવા મળે છે.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સેંકડોની સંખ્યામાં મુલાકાતીઓ તેમની ફ્લાઇટની ટિકિટ તથા હોટેલના બુકિંગ કૅન્સલ કર્યાં છે. વૈભવી હોટેલોમાં રૂમોનું જે ભાડું હોય, તેના કરતાં ઓછા દર પર તે ઉપલબ્ધ છે.
ગૅટ્સ હૉસ્પિટાલિટીના સ્થાપક અને ચીફ ઍક્ઝિક્યુટિવ ડૉ. નઇમ મદદના કહેવા પ્રમાણે, “કમનસીબે છેક મે મહિના સુધી (નોંધાયેલા) બુકિંગ કૅન્સલ થઈ રહ્યા છે.”
ડૉ. નઇમ મૂળ ઑસ્ટ્રેલિયાના છે અને ગત બે દાયકાથી અહીં જ રહે છે. તેઓ કહે છે, “પહેલું ક્વાર્ટર (ત્રિમાસિક ગાળો) ખરાબ જાય, એટલે આખું વર્ષ તમારે ભરપાઈ કરવા માટે દોડતા રહેવું પડે.”
ત્યારની છાપ અને અત્યારનું દૃશ્ય

લોકો દુબઈની ઠાઠમાઠ ભરી જીવનશૈલી જોઈને અહીં આવવા માટે આકર્ષાતા હોય છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અહીંના રૂફટૉપ પુલ અને ફાઇવ-સ્ટાર હોટેલની બહાર પાર્ક થયેલી સુપરકાર્સ કે પ્રાઇવેટ બીચ ઉપર સનબાથ કરી રહેલા ટુરિસ્ટના વીડિયો ઑનલાઇન પોસ્ટ કરતા હોય છે.
પરંતુ એ દૃશ્ય બદલાઈ ગયું છે અને હાલ અલગ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે.
દુબઈમાં તકો રહેલી છે, પરંતુ અહીં ભારે વિરોધાભાસ પણ જોવા મળે છે. ઑનલાઇન વીડિયોમાં દુબઈની જે ચમકતી તસવીર જોવા મળે છે, તેની પાછળ પ્રવાસી શ્રમિકો છે, જેઓ દુબઈના અર્થતંત્રને ધબકતું રાખે છે.
આ ઇમિગ્રન્ટ લૅબર સામાન્ય આવક રળે છે અને શહેરની બહાર એક ઘરમાં અનેક શ્રમિક સાથે રહેવા મજબૂર છે.
‘આખું ઘર મારી ઉપર નભે છે’
ઇમેજ સ્રોત, Reuters
દુબઈના કામદારોમાં મોટી સંખ્યા વિદેશીઓની છે. શહેરની અડધોઅડધ વસતિ દક્ષિણ એશિયાના લોકોની છે. તેઓ નિર્માણકાર્ય, પરિવહન કે ડિલિવરી જેવા કામ કરે છે.
શહેરની વસતિ દિવસે-દિવસે વધી રહી છે. જોકે, યુદ્ધને કારણે ઘણાની રોજિંદી દીનચર્યા વિખેરાઈ ગઈ છે.
હમઝા મૂળ પાકિસ્તાનના છે અને દુબઈમાં ડિલિવરી ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે યુદ્ધના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન લોકો ઘરમાં ભરાઈ રહ્યા હતા.
તેઓ કહે છે, “અમે જ્યારે ધડાકા સાંભળીએ કે કાટમાળ પડતો જોઈએ એટલે ડર લાગે છે.”
“પરંતુ અમારે કામ ચાલુ રાખવું રહ્યું. વતનમાં મારો પરિવાર મારી ઉપર નભે છે. મને ડરના માર્યા ઘરમાં બેસી રહેવું પાલવે એમ નથી.”
ખાડી દેશોમાં શ્રમિકોને ઓછા પગારની ચૂકવણી, રહેવાની દયનીય પરિસ્થિતિ તથા તેમની સાથે દુર્વ્યવહાર જેવા મુદ્દા કર્મશીલો ઉઠાવતા રહ્યા છે. કામની પરિસ્થિતિ તથા નોકરીદાતા દ્વારા સ્પૉન્સરશિપ પણ ચિંતાનો વિષય છે.
હમઝાના કહેવા પ્રમાણે, તેઓ અહીં રહેવા માંગે છે. જોકે, કેટલાક લોકો ફ્લાઇટ પકડીને અહીંથી બહાર નીકળવાની વેતરણમાં છે.
એક ઍરલાઇન વર્કર દુબઈમાં હતાં, પરંતુ (ગત) સપ્તાહની શરૂઆતમાં તેઓ ઑસ્ટ્રેલિયાના મૅલબૉર્ન પરત ફરી ગયાં.
તેમણે નામ ન આપવાની વિનંતી કરી અને કહ્યું, “દરરોજ સતત ધડાકાનો અવાજ સાંભળીને મને ઉચાટ થતો હતો.”
“મને લાગ્યું કે અત્યારે નીકળી જવું જોઈએ અને એક વખત પરિસ્થિતિ થાળે પડશે એટલે હું પરત ફરીશ.”
દુબઈના વિઝાનું મોડલ કેવું છે
ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક પશ્ચિમી દેશો તેમની ઇમિગ્રેશન નીતિને કડક બનાવી રહ્યા છે અને ત્યાં માઇગ્રેશનની શું અસર પડી રહી છે, તેના વિશે ચર્ચા ચાલી રહી છે. એવામાં દુબઈ અલગ જ મોડલ રજૂ કરે છે.
અમીરાત વિશ્વના કૌશલ્યવાન તથા સમૃદ્ધ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોનાની મહામારી પછી વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં કરોડપતિઓ અહીં વસવાટ માટે દોટ મૂકી છે.
ભારતીય એંજિનિયર, ઇજિપ્તના તબીબ કે ફિલિપિન્સના નર્સ માટે યુરોપ કે ઉત્તર અમેરિકાના દેશોમાં વિઝા મેળવવા કરતાં દુબઈના વિઝા મેળવવા ખૂબ સરળ છે. એટલું જ નહીં, ઘણીવાર તેમને ઊંચો પગાર પણ મળી રહે છે.
કેટલીક આંતરરાષ્ટ્રીય કાયદો અને વ્યવસ્થા એજન્સીઓ તથા આંતરરાષ્ટ્રીય મીડિયાગૃહોની તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક ગૅંગસ્ટર અહીં વસવાટ કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન દુબઈ તથા અન્ય દેશોની વચ્ચે પ્રત્યાર્પણકરાર અને સહકાર પણ વધ્યો છે.
દુબઈની આબરૂને બટ્ટો લાગશે?
ઇમેજ સ્રોત, Getty Images
અસ્થિર મધ્યૂપર્વ એશિયામાં સ્થિરતાને કારણે લોકો આ શહેર તરફ આકર્ષાયને આવે છે, પરંતુ શું કાયમ માટે આ પરિસ્થિતિ પલટાઈ ગઈ છે?
ક્રિસ્ટૉફર ડેવિડસન મધ્યપૂર્વ એશિયાના અર્થતંત્રના નિષ્ણાત છે અને તેમણે યુએઈ વિશે વ્યાપકપણે લખ્યું છે. તેઓ માને છે કે આ હુમલાને કારણે થોડો સમય માટે દુબઈ પ્રત્યે લોકોનું આકર્ષણ ઘટશે.
તેઓ કહે છે, “માળખાકીય સુવિધા, કાયદોવ્યવસ્થા, હવામાન અને ભૌગોલિક પરિસ્થિતિ, જેવી મૂળભૂત બાબતો યથાવત છે.”
“લાંબા ગાળે દુબઈ પ્રત્યેનું આકર્ષણ જળવાય રહેશે.”
યુએઈના સત્તાધીશો દ્વારા હુમલા અંગે નિયમિત રીતે અપડેટ આપવામાં આવે છે તથા સંભવિત હુમલા અંગે નિયમિત રીતે મોબાઇલ ઍલર્ટ આપવામાં આવે છે. જેની રહીશો અને વ્યવસાયિકો પ્રશંસા કરે છે.
યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદે સ્થાનિકોને ખાતરી આપી હતી કે દેશ દ્વારા તેમની સુરક્ષા કરવામાં આવશે. સાથે જ ચેતવણી આપી હતી કે જે લોકો યુએઈની સુરક્ષા માટે જોખમ ઊભું કરવા માંગે છે, તેઓ જાણી લે કે દુબઈ કોઈ ‘સરળ શિકાર’ નથી.
દુબઈના વરિષ્ઠ નેતાઓ જાહેરસ્થળોમાં આંટફેરા કરતા રહે છે, જેથી કરીને એવો સંદેશ આપી શકાય કે દુબઈમાં બધું સામાન્ય છે.
જોકે, યુએઈમાં સરકારની સાર્વજનિક ટીકા નથી થઈ શકતી, દેશ કે તેનાં નેતૃત્વની ટીકા કે અવહેલના કરવા સંદર્ભે કડક નિયમો અમલમાં છે.
યુએઈના સત્તાધીશોએ ચેતવણી આપી છે કે યુદ્ધના અપૃષ્ટ વીડિયોને ઑનલાઇન શૅર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમને જેલ કે ભારે દંડ થઈ શકે છે.
ગુરુવારે 60 વર્ષના બ્રિટિશ નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર આરોપ છે કે તેણે કથિત રીતે શહેરમાં આવી રહેલી ઈરાનની મિસાઇલોનો વીડિયો ઉતાર્યો હતો.
યુદ્ધના શરૂઆતના થોડા દિવસો દરમિયાન રસ્તા ઉપર ચહલપહલ ઘટી ગઈ હતી. પરંતુ હવે અહીંના માર્ગો ઉપર ટ્રાફિક અને ભીડ સામાન્ય જેવી જ જોવા મળે છે.
જાણકારોનું કહેવું છે કે યુદ્ધમાં હવે શું થાય છે તેના ઉપરથી દુબઈ અને યુએઈની ઉપર લાંબાગાળે શું અસર થશે, તેનો કયાસ કાઢી શકાશે.
ડેવિડસન કહે છે, “જો ઈરાન નબળું પડશે, તો દુબઈનું આકર્ષણ વધશે.”
એક ઇન્વેસ્ટમેન્ટ બૅન્કરે મને કહ્યું કે જો ઈરાનમાં સત્તાપરિવર્તન નહીં થાય તો ગલ્ફના પાડોશી દેશો સાથેનો તણાવ વધી શકે છે.
તેમણે જણાવ્યું, “એ વાતની ચિંતા પ્રવર્તે છે. જો કોઈ બૅન્ક કે નાણાકીય સંસ્થા ઉપર હુમલો થયો તો બિઝનેસ સૅન્ટિમેન્ટ ઉપર તેની ભારે અસર થશે.”
ગત સપ્તાહે ઈરાનની એક બૅન્ક ઉપર હુમલો થયો હતો. એ પછી બુધવારે ઈરાનની સેનાએ ધમકી આપી હતી કે આ ભૂભાગમાં આવેલાં અમેરિકા-ઇઝરાયલના બૅન્કિંગ અને આર્થિક હિતો ઉપર નિશાન સાધવામાં આવશે.
હાલ દુબઈના રહીશો સાવચેત પણ આશાસ્પદ છે. તેમનું કહેવું છે કે આ શહેરે અગાઉ પણ આવી સમસ્યાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો છે અને મજબૂત બન્યું છે.
આ માટે તેઓ વર્ષ 2008ની આર્થિક મંદી તથા વર્ષ 2020ની મહામારીનું ઉદાહરણ ટાંકે છે.
ડૉ. મદદ કહે છે, “દુબઈ હંમેશાં ઝડપભેર બેઠું થઈ જાય છે.” તેઓ કહે છે, “લવચિકતાએ યુએઈના ડીએનએમાં છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



