Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ 30 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
ઓડિશાના કટકમાં આવેલી એસસીબી મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં આગ લાગવાથી દસ લોકોનાં મોત થયાં છે.
ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ આ વાતની જાણકારી આપી હતી.
મુખ્ય મંત્રી માઝીએ જણાવ્યું હતું કે , “એસસીબી મેડિકલ કૉલેજના ટ્રૉમા કેર સેન્ટરમાં આગ લાગી હતી. સંભવિત કારણ શૉર્ટ સર્કિટ છે. ટ્રૉમા પાસેના આઈસીયુમાં 23 દર્દીઓ દાખલ હતા.”
તેમણે કહ્યું, “આ ઘટનામાં સાત લોકોનાં મોત થયાં. આઈસીયુના દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા, ત્યાર બાદ વધુ ત્રણ લોકોનાં મોત થયાં હતાં.”
સીએમ માઝીએ જણાવ્યું હતું કે આ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઍકેડમી ઍવૉર્ડ્ઝ: ‘વન બૅટલ આફ્ટર અનધર’ ને મળ્યો બેસ્ટ ફિલ્મનો ઑસ્કર
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના લૉસ એન્જલસમાં 98માં ઍકૅડેમી ઍવૉર્ડ્ઝની જાહેરાત થઈ રહી છે. તેમાં અલગ-અલગ કૅટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઑસ્કર આપવામાં આવે છે.
પૉલ થૉમસ ઍન્ડરસનની ફિલ્મ ‘વન બૅટલ આફ્ટર અનધર’ને શ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કર મળ્યો છે. આ સિવાય પણ ફિલ્મે આજે છ ઑસ્કર જીત્યા છે.
‘વન બૅટલ આફ્ટર અનધર’ એ ડાર્ક કૉમેડી ઍક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં લિયોનાર્દો દી કેપ્રિઓ, શૉન પૅન, બેનિસિઓ ડેલ તોરો, રેજાઇને હૉલ, ટિયાના ટૅલર અને ચેઝ ઇન્ફિનિટી જેવા કલાકારો હતા.
આ ફિલ્મને અલગ-અલગ 13 કૅટેગરીમાં નૉમિનેશન્સ મળ્યાં હતાં, જે બીજા સૌથી વધારે નૉમિનેશન્સ છે. સૌથી વધુ 16 નૉમિનેશન્સનો રેકૉર્ડ ‘સિનર્સ’ના નામે છે.
આ ફિલ્મમાં લિયોનાર્દો દી’ કેપ્રિઓ તાનાશાહ અમેરિકી સત્તા સામે ક્રાંતિકારી લડાઈ લડે છે. એ સમયે તેમની દીકરી ગાયબ થઈ જાય છે અને તેમનો ભૂતકાળ તેમને ડરાવે છે, જેના કારણે આ ફિલ્મમાં નવો ટ્વિસ્ટ આવે છે અને વધુ રસપ્રદ બને છે.
આ ફિલ્મને બેસ્ટ ઍન્સેમ્બલ કાસ્ટ, બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર અને બેસ્ટ ઍડોપ્ટેડ સ્ક્રીનપ્લૅનો ઍવોર્ડ પણ મળ્યો છે.
આ સિવાય જાહેર થયેલા અન્ય પુરસ્કારો:
- બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી: ઍમી મૅડિગન- વીંપન્સ (ધ ઑવર ઑફ ડિસઅપીયરન્સ)
- બેસ્ટ ઍનિમેટેડ ફિલ્મ: કેપૉપ ડેમન હન્ટર્સ (ધ કે-પૉપ વૉરિયર્સ)
- બેસ્ટ ઍનિમેટેડ શૉર્ટ ફિલ્મ: ધ ગર્લ હૂ ક્રાઇડ પર્લ્સ
- બેસ્ટ કાસ્ટ: વન બૅટલ આફ્ટર અનધર
- બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા: સીન પેન (વન બેટલ આફ્ટર અનધર)
- બેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લૅ: સિનર્સ
“જો નેતન્યાહૂ જીવિત હશે તો તેમને શોધીને મારી નાખીશું” – આવી ધમકી કોણે આપી?
ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન રિવૉલ્યૂશનરી ગાર્ડ કોરે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મારી નાખવાની ધમકી આપી છે.
ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે કહ્યું છે કે, “જો ઇઝરાયલના વડા પ્રધાન જીવિત હશે તો તેમને અમે શોધીને મારી નાખીશું. નેતન્યાહૂ બાળકોના હત્યારા છે.”
આઈઆરજીસીએ કહ્યું હતું કે, “ઝિયોનિસ્ટ અપરાધી વડા પ્રધાનનો અજ્ઞાત અંજામ થયો હોય, તેમનું મોત થયું હોય કે તેમના કબ્જા વાળા વિસ્તારોમાંથી પરિવાર સાથે ભાગી નીકળ્યા હોય તેવી શક્યતા છે. આ એક સંકટ છે અને ઝિયોનિસ્ટની ડગમગતી સ્થિતિને ઉજાગર કરે છે. જો બાળકોની હત્યા કરનારો અપરાધી જીવિત છે તો અમે સંપૂર્ણ તાકાત લગાવીને તેને મારી નાખીશું.”
છેલ્લા કેટલાક દિવસોથી નેતન્યાહૂનું મૃત્યુ થઈ ગયું હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે.
જોકે, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે આ વાતને ‘ખોટા સમાચાર’ ગણાવ્યા છે. ગઈકાલે સાંજે જ નેતન્યાહૂએ ઍક્સ પર તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ કૉફી પીતા નજરે ચડે છે.
ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની ખોલવાને લઈને ચીન અને યુરોપના દેશોને શું કહ્યું?
ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો યુરોપિયન દેશો હોર્મુઝ સામુદ્રધુની ખોલવામાં મદદ નહીં કરે તો તે નાટોના ભવિષ્ય માટે ‘ખૂબ જ ખરાબ’ હશે.
ટ્રમ્પે એવી આશા પણ વ્યક્ત કરી છે કે બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ સાથેની તેમની આગામી મુલાકાત પહેલાં ચીન હોર્મુઝ સામુદ્રધુની ખોલવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે ચીન ‘તેનું 90 ટકા ઑઇલ આ સામુદ્રધુની દ્વારા મેળવે છે.’
ટ્રમ્પે ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતો કહી હતી.
નાટો અને યુરોપિયન સાથી દેશો વિશે બોલતા, અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુનીથી લાભ મેળવતા દેશોએ તેને ફરીથી ખોલવામાં મદદ કરવી જોઈએ.
તેમનો દાવો છે કે યુરોપ અને ચીન ખાડી દેશોમાંથી આવતા ઑઇલ પર અતિશય નિર્ભર છે.
ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અન્ય દેશો તરફથી કોઈ પ્રતિભાવ નહીં પણ તો એ વાત નાટો માટે સારી નથી.
અહીં ઉલ્લેખનીય છે કે હજુ ટ્રમ્પે એક દિવસ પહેલાં જ ચીન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, જાપાન અને બ્રિટનને હોર્મુઝ સામુદ્રધુની ખોલવા માટેના ‘સંયુક્ત પ્રયાસ’માં જોડાવા અપીલ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



