Home તાજા સમાચાર gujrati ઈરાનના શાસકોને હટાવવા કેમ અત્યંત મુશ્કેલ છે?

ઈરાનના શાસકોને હટાવવા કેમ અત્યંત મુશ્કેલ છે?

12
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અરેબિયન વર્લ્ડ, ઈરાનના શાસકો, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સંઘર્ષ

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Images

ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થયાને ચાર દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે.

પરંતુ હવે ઈરાનના શાસકોએ પોતાના સૌથી કઠિન સમયનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અને ઘણા ઉચ્ચ સૈન્ય કમાન્ડર્સનાં મૃત્યુ થઈ ગયાં છે.

આ હુમલાઓમાં મહત્ત્વપૂર્ણ મૂળભૂત માળખાંને પણ નુકસાન થયું છે.

અમેરિકા અને ઇઝરાયલ બંનેએ સંકેત આપ્યો છે કે તેઓ ઈરાનમાં સત્તાપલટો ઇચ્છે છે.

તેમણે ઈરાનીઓને પણ તેમની સરકાર ઉથલાવી દેવાની અપીલ કરી છે.

જોકે, નિષ્ણાતો કહે છે કે, ઈરાનની સત્તાની સિસ્ટમ એવી બનાવવામાં આવી છે કે તે મજબૂત રહે અને તેને સરળતાથી ઉથલાવી ન શકાય.

સવાલ એ ઊભો થાય છે કે, તેની મજબૂતીનું કારણ શું છે અને મધ્યપૂર્વના અન્ય દેશો કરતાં તે કઈ રીતે જુદી છે?

જટિલ સંરચના

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અરેબિયન વર્લ્ડ, ઈરાનના શાસકો, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સંઘર્ષ

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

નિષ્ણાતો અનુસાર, ઈરાનની રાજાશાહીને હટાવ્યા પછી ઇસ્લામિક રિપબ્લિકે ધીમે ધીમે એવું રાજકીય માળખું બનાવ્યું, જે મોટા મોટા આંચકા પણ સહન કરી શકે.

તેમાં સખત નિયંત્રણવાળી સંસ્થા, વૈચારિક તાલીમ, ભદ્ર વર્ગની એકતા અને વહેંચાયેલી વિપક્ષી શક્તિનો સમાવેશ થાય છે.

બૅલ્જિયમની યુરોપિયન જીઑપૉલિટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં મધ્યપૂર્વનાં સંશોધક સેબાસ્તિયાં બુસ્વા કહે છે, “તે હાઇડ્રા જેવી સંરચના છે. તમે એક માથું કાપો તો નવાં માથાં ઊગી જાય છે.”

રવિવારે અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈને તેમના ઉત્તરાધિકારી તરીકે ચૂંટવામાં આવ્યા, જે તેમના મૃત્યુ પછીનાં બે અઠવાડિયાં કરતાં પણ ઓછા સમયમાં થયું.

એવું મનાય છે કે તેઓ તેમના પિતાની કટ્ટર નીતિઓને જ આગળ વધારશે.

‘પૉલિડિક્ટેટરશિપ’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અરેબિયન વર્લ્ડ, ઈરાનના શાસકો, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સંઘર્ષ

ઇમેજ સ્રોત, Majid Asgaripour/WANA (West Asia News Agency) via REUTERS

નિષ્ણાતોનું કહેવું છે કે, ટ્યૂનિશિયા, ઇજિપ્ત અને સીરિયા—જ્યાં નેતાઓને સત્તા પરથી હટાવી દેવાયા—જેવા ક્ષેત્રના અન્ય દેશોથી ઊલટું, ઈરાન બાહ્ય ઝટકાને સહન કરવામાં વધુ સક્ષમ રહ્યું છે. તેનું કારણ તેનું વૈચારિક પાયા પર બનેલું સુરક્ષા માળખું છે.

એક વ્યક્તિ પર કેન્દ્રિત સામાન્ય સરમુખત્યારશાહીના બદલે ઈરાનમાં પૉલિડિક્ટેટરશિપ (બહુસ્તરીય સરમુખત્યારશાહી) છે.

તહેરાન સ્થિત ફ્રૅન્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઇન ઈરાનના પૂર્વ ડાયરેક્ટર બર્નાર્ડ આઉરકાદ અનુસાર, આ “રાજકીય ઇસ્લામ અને કટ્ટર ઈરાની રાષ્ટ્રવાદના સમર્થકો વચ્ચે ગઠબંધન” છે.

સત્તા અનેક કેન્દ્રમાં વહેંચાયેલી છે. તેમાં ધાર્મિક સંગઠન, સશસ્ત્ર દળ અને અર્થવ્યવસ્થાનો મોટો ભાગ સામેલ છે. તેના કારણે એક વ્યક્તિની સરમુખત્યારશાહીની સરખામણીએ આવી વ્યવસ્થાને તોડી નાખવાનું વધુ મુશ્કેલ થઈ જાય છે.

સત્તા ધરાવનાર બીજી સંસ્થાઓમાં ગાર્જિયન કાઉન્સિલ પણ સામેલ છે, જે કાયદાને વિટો કરી શકે છે અને ચૂંટણીઓ માટે ઉમેદવારોની ચકાસણી કરે છે.

તેનાથી કોઈ એક જૂથ માટે રાજ્યને ગંભીર પડકાર આપવો વધુ મુશ્કેલ થઈ જાય છે. વ્યાપક રૂપમાં ઈરાનને એક નિરંકુશ વ્યવસ્થા માનવામાં આવે છે, પરંતુ ત્યાં લોકોને કેટલીક ચૂંટણીમાં મત આપવાની પ્રતીકાત્મક તક મળે છે, જેમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો પણ સમાવેશ છે.

જોકે, આ પ્રક્રિયા સખત નિયંત્રણમાં રહે છે. ઉમેદવારોની તપાસ ગાર્જિયન કાઉન્સિલ કરે છે અને તેમાં ઇસ્લામિક રિપબ્લિક પ્રત્યે પ્રતિબદ્ધતા જેવા માપદંડ સામેલ હોય છે.

રિવૉલ્યૂશનરી ગાર્ડ્સની કેન્દ્રીય ભૂમિકા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અરેબિયન વર્લ્ડ, ઈરાનના શાસકો, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સંઘર્ષ

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

જો વ્યવસ્થાનું માળખું સંસ્થા બનાવે છે, તો સુરક્ષા દળોને તેની શક્તિ માનવામાં આવે છે. આઉરકાદ કહે છે, “ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી) નિયમિત સેના સાથે કામ કરે છે અને ઘણી વાર તેને વ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે.”

લશ્કરી ભૂમિકાથી આગળ વધીને તે એક રાજકીય અને આર્થિક શક્તિ પણ બની ગઈ છે. તેનાં વ્યાપક વેપારી હિત છે અને બસીઝ મિલિસિયા દ્વારા તેનો પ્રભાવ ફેલાયેલો છે. બસીઝ એક વૉલન્ટિયર પૅરા મિલિટરી ફોર્સ છે. મહત્ત્વની વાત એ છે કે વારંવાર થતી અશાંતિ દરમિયાન પણ સુરક્ષા દળ સંગઠિત રહે છે. બુસ્વા આને વિચારધારા સાથે સંકળાયેલી વફાદારી સાથે સાંકળીને જુએ છે.

તેઓ કહે છે, “શહીદીની આ સંસ્કૃતિ—જે શિયા સમુદાય અને હમાસ અને હિઝબુલ્લાહ જેવાં સંગઠનોમાં જોવા મળે છે—લગભગ નોકરીનો ભાગ મનાય છે.”

ઈરાનના નાયબ સુરક્ષા મંત્રી રઝા તલાઇનિકે તાજેતરમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે દરેક આઇઆરજીસી કમાન્ડર માટે નીચેનાં ત્રણ સ્તર સુધી ઉત્તરાધિકારી નક્કી કરાય છે, જેથી વ્યવસ્થા સતત ચાલતી રહે.

ગાર્ડ્સ ઍટ યુનાઇટેડ અગેન્સ્ટ ન્યૂક્લિયર ઈરાન પર સંશોધનનાં પ્રમુખ કસરા આરાબીનું માનવું છે કે જો આ વ્યવસ્થા જળવાઈ રહે તો “ગાર્ડ્સની ભૂમિકા વધારે મહત્ત્વપૂર્ણ થઈ જશે”.

પેટ્રનઝ સિસ્ટમ અને ભદ્ર વર્ગની એકતા

ઈરાનની અર્થવ્યવસ્થાના મોટા ભાગ પર રાજ્ય સાથે સંકળાયેલાં સંગઠનોનું નિયંત્રણ છે. તેમાં બોનયાડ્સ પણ સામેલ છે.

તે ચૅરિટી ટ્રસ્ટ છે, જે સમયની સાથે વિકસીને અર્થવ્યવસ્થાનાં ઘણાં ક્ષેત્રોમાં હજારો કંપનીઓનાં માલિક બની ચૂક્યાં છે.

આ નેટવર્ક વ્યવસ્થા પ્રત્યે વફાદાર સમૂહોને નોકરીઓ અને કોન્ટ્ર્રૅક્ટ વહેંચે છે.

આઇઆરજીસીનું વેપાર સામ્રાજ્ય, જેમાં ખાતમ અલ અનબિયા કોંગ્લોમરેટ પણ સામેલ છે, વેપાર સાથે સંકળાયેલી આ ‘પેટ્રનઝ’ સિસ્ટમને વધુ મજબૂત કરે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમી પ્રતિબંધોએ ઈરાનની વ્યાપક અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન કર્યું છે, પરંતુ આ નેટવર્ક મહત્ત્વના ભદ્ર વર્ગને સુરક્ષિત રાખે છે અને વ્યવસ્થા જળવાઈ રહેવામાં તેમનાં હિતોનું રક્ષણ કરે છે.

બુસ્વા અનુસાર, “આ વ્યવસ્થા એટલી મજબૂત છે કે આપણને લગભગ કોઈ પણ પક્ષપલટો જોવા નથી મળતો.”

વિચારધારા અને ક્રાંતિનો વારસો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અરેબિયન વર્લ્ડ, ઈરાનના શાસકો, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સંઘર્ષ

ઇમેજ સ્રોત, KHOSHIRAN/Middle East Images/AFP via Getty Images

સત્તા જાળવી રાખવામાં ધર્મ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ક્રાંતિ પછી ધાર્મિક, રાજકીય અને શૈક્ષણિક સંસ્થાઓનું એક મજબૂત નેટવર્ક બન્યું, જે આજે પણ રાજ્યની વિચારધારાને પ્રભાવિત કરે છે.

બુસ્વા કહે છે, “આ ખૂબ જૂનું અને ખૂબ શક્તિશાળી માળખું છે – વૈચારિક, અમલદારશાહી અને વહીવટી – જે વ્યવસ્થાને મજબૂત બનાવે છે.”

તેમનું કહેવું છે કે આ વિચારધારા “એકતા, ઉદ્દેશ અને ભરતીનો ખરો સ્રોત” બને છે.

ઈરાનમાં વિપક્ષ વિખેરાયેલો છે

ઐતિહાસિક રીતે ઈરાનનો વિપક્ષ વહેંચાયેલો રહ્યો છે.

તેમાં સુધારાવાદી, રાજતંત્ર સમર્થક, ડાબેરી જૂથ, ઈરાનની નૅશનલ કાઉન્સિલ ઑફ રેજિસ્ટેન્સ જેવાં પ્રવાસી આંદોલનો અને ઘણાં કબીલા સંગઠનો સામેલ છે.

બ્રિટનની થિંક ટૅન્ક યુરોપિયન કાઉન્સિલ ઑન ફૉરિન રિલેશન્સનાં વરિષ્ઠ નીતિ વિશ્લેષક એલી ગેરાનમાયેહ કહે છે કે આ વેરવિખેરપણું લાંબા સમયથી ચાલ્યું આવે છે.

તેમના અનુસાર, ક્રાંતિ પછી રાજકીય પક્ષ બનાવવાની ચર્ચાને બાજુ પર મૂકી દેવાઈ. તેનું માટું કારણ 1980માં ઈરાન ઇરાક સાથે યુદ્ધે ચડ્યું તે હતું, જે લગભગ આઠ વર્ષ ચાલ્યું.

ગેરાનમાયેહ કહે છે કે, જુદા-જુદા સમયે મધ્યમમાર્ગી જૂથોને વ્યવસ્થા અને કટ્ટરપંથી જૂથો દ્વારા “હાંશિયા પર ધકેલવામાં આવ્યાં, બદનામ કરવામાં આવ્યાં કે જેલમાં પૂરવામાં આવ્યાં”.

અગાઉનાં વર્ષોમાં વ્યવસ્થાની વિરુદ્ધ ઘણાં બધાં મોટાં વિરોધપ્રદર્શનો થયાં છે. જેમ કે, 2009ની ગ્રીન મૂવમેન્ટ અને 2022માં મહસા અમીનીનાં મૃત્યુ પછી શરૂ થયેલું પ્રદર્શન.

પરંતુ, આ પ્રદર્શનોમાં કેન્દ્રીય નેતૃત્વની ગેરહાજરી રહી અને તેમણે રાજ્યના સખત દમનનો સામનો કરવો પડ્યો.

જોકે, આ વર્ષે અને ગયા વર્ષે વિરોધની તાજી લહેર દેશના છેલ્લા શાહના દેશનિકાલ પુત્રની અપીલ પછી શરૂ થઈ.

ઈરાનની મૉનિટરિંગ સિસ્ટમ ક્ષેત્રની સૌથી અદ્યતન દેખરેખ વ્યવસ્થાઓમાંની એક છે.

તેમાં સતત ઇન્ટરનેટ બંધ કરવું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મૉનિટરિંગ અને વિદેશોમાં કાર્યકરોને નિશાન બનાવનારાં સાઇબર એકમોનો સમાવેશ થાય છે.

ઈરાનની જનતામાં ખચકાટ

ગેરાનમાયેહ કહે છે કે ઘણાં વર્ષો સુધી ઈરાની લોકો સત્તાપરિવર્તનની માગ કરવામાં ખચકાતા રહ્યા. તેમણે અફઘાનિસ્તાન અને ઇરાકમાં અમેરિકાના નેતૃત્વવાળા હસ્તક્ષેપ પછીની સ્થિતિ જોઈ હતી. આરબ વિદ્રોહો પછીની સ્થિતિએ પણ આ તકેદારી વધારી દીધી.

પરંતુ, હવે આ વિચારસરણી બદલાઈ રહી છે. ઘણા ઈરાનીઓને લાગવા માંડ્યું છે કે રાજ્ય નોકરીઓથી લઈને સ્વચ્છ પાણી સુધીની પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ નથી રહ્યું, સામે, વિરોધને દબાવવા માટે બળપ્રયોગ વધતો જાય છે.

તેઓ કહે છે, “જાન્યુઆરીમાં વિરોધની નવી લહેર સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીએ આ પરિવર્તનને વધુ તીવ્ર બનાવી દીધું. દેશમાં અત્યાર સુધીનાં સૌથી મોટાં પ્રદર્શનોમાં કેટલાક હજારો લોકો મૃત્યુ પામ્યાં.”

આઉરકાદ કહે છે કે વ્યવસ્થાની બાબતમાં ઈરાની પેઢીઓ વચ્ચે વિચારસરણીનો તફાવત છે.

તેમના અનુસાર, યુવા ઈરાની, જેમનામાંના ઘણા ઉચ્ચ શિક્ષિત છે, દુનિયા સાથે જોડાયેલા છે અને સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયેલા છે, તેઓ આ વ્યવસ્થાને નકારે છે. તેઓ આને “ભ્રષ્ટ, જુલમી અને પોતાની આમજનતાની આકાંક્ષાઓથી અળગી” માને છે.

‘દરેક સત્તાનો અંત આવે છે’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અરેબિયન વર્લ્ડ, ઈરાનના શાસકો, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સંઘર્ષ

ઇમેજ સ્રોત, EPA

વિશ્લેષકોનું કહેવું છે કે સામાન્ય રીતે સત્તાવાદી વ્યવસ્થાઓ ત્યારે પડી ભાંગે છે, જ્યારે ત્રણ પરિસ્થિતિ એકસાથે સર્જાય છે – વ્યાપક લોકઆંદોલન, સત્તાની અંદર ભાગલા અને સુરક્ષાદળોએ સાથ છોડી દેવો.

નિષ્ણાતો અનુસાર, ઈરાનમાં પહેલા જેવી સ્થિતિ ઘણી વાર થઈ છે, પરંતુ બાકીની બે નથી થઈ.

આઉરકાદ માને છે કે ઇસ્લામિક રિપબ્લિકનો અંત નક્કી છે, પરંતુ હમણાં નહીં.

તેઓ કહે છે, “દરેક વ્યવસ્થાનો અંત આવે છે. ખરો સવાલ સમયનો છે. ખામેનેઈનું મૃત્યુ વ્યવસ્થા માટે મોટો ઝટકો છે. તેમના જેવા બીજા કોઈ નહીં પાકે. તેમના ઉત્તરાધિકારી ક્યારેય પણ એવી સત્તા નહીં ધરાવી શકે જેવી ખામેનેઈ પાસે હતી.”

પરંતુ બુસ્વા કહે છે કે ઇસ્લામિક રિપબ્લિકનું પતન અત્યારે નક્કી નથી.

જો એ થયું અને તેની પાછળ વિદેશી સૈન્ય હસ્તક્ષેપ રહ્યો, તો પછીની સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ને કહી ચૂક્યા છે કે વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા ઈરાન માટે “સૌથી યોગ્ય સ્થિતિ” હશે.

પરંતુ બુસ્વા કહે છે, “તેનાથી ઊલટું પણ થઈ શકે છે. જેમ કે, ઉત્તર કોરિયા કે ક્યૂબામાં થયું, જ્યાં રેડિકલ જૂથની પકડ ઘણી વધારે મજબૂત થઈ ગઈ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS