Source : BBC NEWS
ઇમેજ સ્રોત, KWS
ચીનના મૂળનિવાસી એક માણસ પર કૅન્યાના મુખ્ય ઍરપૉર્ટ પરથી ધરપકડ કરાઈ છે, જેના પર આફ્રિકન દેશમાંથી 2,000થી વધુ કીડી (ક્વિન ગાર્ડન ઍન્ટ)ની તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.
રાજધાની નૈરોબીના જોમો કૅન્યાટા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર સુરક્ષાની તપાસ દરમિયાન ઝાંગ કેકૂનને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા અધિકારીઓને તેમના સામાનમાં જીવિત કીડીઓનો એક જથ્થો મળી આવ્યો હતો, જેને ચીન લઈ જવાતી હતી.
આરોપીએ તેમની પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો નથી, પરંતુ તપાસકારોએ કોર્ટને જણાવ્યું હતું કે તે ગયા વર્ષે કૅન્યામાં પકડાયેલાં કીડી દાણચોરીનાં નેટવર્ક સાથે જોડાયેલો હતો.
કીડીઓને આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા સંધિઓ હેઠળ સંરક્ષણ મળેલું છે અને તેના વેપાર પર કડક નિયમો લાગુ છે.
ગયા વર્ષે કૅન્યા વાઇલ્ડલાઇફ સર્વિસ (કેડબલ્યુએસ)એ યુરોપ અને એશિયામાં બગીચાની કીડીઓની વધતી માગ (જે વૈજ્ઞાનિક રીતે મેસર સેફાલોટ્સ તરીકે ઓળખાય છે) અંગે ચેતવણી આપી હતી, જ્યાં સંગ્રાહકો તેમને પાલતુ જંતુ તરીકે રાખે છે.
બુધવારે એક ફરિયાદીએ કોર્ટને જણાવ્યું હતું કે ઝાંગે કેટલીક કીડીઓને ટેસ્ટ ટ્યૂબમાં પૅક કરી હતી, જ્યારે અન્યને ટીસ્યૂ-પેપરના રોલમાં છુપાવીને તેની સૂટકેસમાં રાખી હતી.
ફરિયાદી ઍલન મુલામાએ કોર્ટને જણાવ્યું હતું કે “ખાસ ટેસ્ટ ટ્યૂબમાં પૅક કરેલી 1,948 બગીચાની કીડીઓ તેના અંગત સામાનમાં મળી આવી હતી.”
તેમણે ઉમેર્યું હતું કે, “સામાનની અંદર ટૉઇલેટ પેપરના ત્રણ રોલમાં છુપાયેલી 300 જીવંત કીડીઓ મળી આવી હતી.”
ફરિયાદીએ કોર્ટને શંકાસ્પદનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, જેમ કે તેના મોબાઇલ ફોન અને પર્સનલ કમ્પ્યુટરની ફૉરેન્સિક તપાસ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.
કીડીની દાણચારોનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક
ઇમેજ સ્રોત, Reuters
કૅન્યાના જળ સંસાધન વિભાગના એક વરિષ્ઠ અધિકારી ડંકન જુમાએ બીબીસીને જણાવ્યું હતું કે તપાસકારો કૅન્યાનાં અન્ય શહેરોમાં પણ તપાસ કરી રહ્યા છે, જ્યાં કીડીઓનો શંકાસ્પદ સંગ્રહ છે, તેથી વધુ ધરપકડ થવાની અપેક્ષા છે.
ગયા વર્ષે મે મહિનામાં કૅન્યાની એક કોર્ટે એક અભૂતપૂર્વ કેસમાં હજારો જીવંત કીડી (રાણી)ની દાણચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ચાર લોકોને એક વર્ષની જેલ અથવા 7,700 (અમેરિકન ડૉલર)નો દંડ ફટકાર્યો હતો.
ચારેય શંકાસ્પદો (બે બૅલ્જિયમના, એક વિયેતનામી અને એક કૅન્યા)એ કેડબલ્યુએસ દ્વારા “એક સંકલિત ગુપ્ત માહિતી આધારિત કામગીરી” તરીકે વર્ણવ્યા પછી ધરપકડ બાદ આરોપો સ્વીકાર્યા હતા.
બૅલ્જિયનોએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ આ કિંમતી કીડીઓને શોખ માટે એકઠી કરતા હતા અને તેમને એ વિશ્વાસ નહોતો કે આ ગેરકાયદેસર છે.
ઇમેજ સ્રોત, Reuters
તપાસકારો હવે દાવો કરે છે કે ઝાંગ આ દાણચોરી નેટવર્કનો મુખ્ય નેતા હતો, પરંતુ તે દેખીતી રીતે ગયા વર્ષે અલગ પાસપૉર્ટનો ઉપયોગ કરીને કૅન્યાથી ભાગી ગયો હતો.
બુધવારે કોર્ટે ફરિયાદીઓને પોતાને પાંચ દિવસ માટે અટકાયતમાં રાખવાની મંજૂરી આપી હતી, જેથી વધુ અધિકારીઓ તપાસ કરી શકે.
સિંહ અને હાથી જેવાં મોટાં પ્રાણીઓનું સંરક્ષણ કરવા માટે જાણીતી કેડબલ્યુએસએ ગયા વર્ષના નિર્ણયને “ઐતિહાસિક કેસ” ગણાવ્યો હતો.
ગયા વર્ષે જપ્ત કરાયેલી કીડીઓ વિશાળ આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓ હતી, જે કેડબલ્યુએસ અનુસાર, પર્યાવરણીય રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેને ઇકૉસિસ્ટમમાંથી દૂર કરવાથી માટીના સ્વાસ્થ્ય અને જૈવવિવિધતામાં ખલેલ પહોંચી શકે છે.
માનવામાં આવે છે કે તેમનું લક્ષિત ગંતવ્ય સ્થાન યુરોપ અને એશિયામાં વિદેશી પાલતું જનાવરો માટેનાં બજારો હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



