Home તાજા સમાચાર gujrati ટી20 વર્લ્ડકપ : અભિષેક શર્માને મળ્યો તેવો ટેકો સંજુ સેમસનને કેમ ન...

ટી20 વર્લ્ડકપ : અભિષેક શર્માને મળ્યો તેવો ટેકો સંજુ સેમસનને કેમ ન મળ્યો?

11
0

Source : BBC NEWS

અભિષેક શર્મા, બીબીસી ગુજરાતી, ક્રિકેટ, સંજુ સેમસન, ટી20 વિશ્વકપ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત ગત આઠમી માર્ચે ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવીને ત્રીજી વખત વિશ્વવિજેતા બન્યું હતું.

પહેલો દાવ લેતાં સૂર્યકુમાર યાદવની ટીમે ફાઇનલમાં 255 રન નોંધાવ્યા હતા. ભારતીય ટીમના આ જંગી સ્કોરનો પાયો અભિષેક શર્માએ નાખ્યો હતો.

આ ફાઇનલમાં અભિષેકે વર્લ્ડ કપની સૌથી ઝડપી અડધી સદી (18 બૉલમાં) ફટકારી હતી. તેનાથી ન્યૂઝીલૅન્ડ શરૂઆતથી જ પાછળ રહી ગયું હતું.

જોકે, આ ફાઇનલ મૅચ પહેલાં અભિષેક શર્માની વ્યાપક ટીકા કરવામાં આવી હતી.

તેનું કારણ એ હતું કે મોટી અપેક્ષાઓ સાથે મેદાનમાં ઊતરેલા અભિષેક શર્માએ ફાઇનલ મૅચ સુધી નોંધપાત્ર પ્રદર્શન કર્યું ન હતું.

સિરીઝની પહેલી ત્રણ મૅચમાં અભિષેક શૂન્ય પર આઉટ થયા હતા અને એ પછીની ચાર મૅચમાં તેમણે માત્ર 89 રન બનાવ્યા હતા.

ઝિમ્બાબ્વે વિરુદ્ધની એક જ મૅચમાં તેમણે અડધી સદી ફટકારી હતી. આ વર્લ્ડકપમાં સેમિફાઇનલ પહેલાં તેની ઍવરેજ 12.7ની હતી.

અભિષેકનું પ્રદર્શન પ્રશંસકો માટે અત્યંત નિરાશાજનક હતું. મહત્ત્વની ફાઇનલ મૅચમાં તેમને તક આપવી જોઈએ કે કેમ, એવા સવાલ ઊઠ્યા હતા.

કેટલીક મૅચમાં અભિષેક શર્માને તક આપવામાં આવી, પરંતુ સંજુ સેમસનને તક શા માટે આપવામાં આવી નથી, એવો સવાલ પણ ઊઠ્યો હતો.

તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આઈસીસી ટી20 રેટિંગમાં પણ બૅટિંગમાં અભિષેક શર્મા ટોચ પર રહ્યા છે. આવું કેમ?

તેમને સતત તક શા માટે આપવામાં આવી છે? આ સવાલોના જવાબ મેળવવા માટે બીબીસી તમિલે બે ક્રિકેટ નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ભારતીય ટીમનો દૃષ્ટિકોણ શું છે

અભિષેક શર્મા, બીબીસી ગુજરાતી, ક્રિકેટ, સંજુ સેમસન, ટી20 વિશ્વકપ

ઇમેજ સ્રોત, Getty Images

ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી વિદ્યુત શિવરામકૃષ્ણને કહ્યું હતું, “ભારતીય ટીમ જે ક્રિકેટ રમે છે તેની બ્રાન્ડને ધ્યાનમાં લેતાં અભિષેક શર્માનું પ્રદર્શન સ્વીકાર્ય છે.”

તેઓ માને છે કે, અભિષેક શર્માનું ખરાબ પ્રદર્શન આંશિક રીતે ભારતીય ટીમની રમવાની રીતનું પરિણામ હતું.

ભારતીય ટીમની વ્યૂહરચના બાબતે વિગતવાર વાત કરતાં તેમણે કહ્યું હતું, “ભારતીય ટીમ પાવરપ્લેમાં 70થી 80 રન બનાવવાના લક્ષ્ય સાથે રમે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ તેઓ ગમે તે રીતે આટલો સ્કોર નોંધાવવા માંગે છે.”

“બૅટિંગ હરોળમાં ઊંડાણ હોવાને કારણે તેઓ શરૂઆતમાં મોટા શૉટ્સ રમી શકે છે. બે-ત્રણ વિકેટ પડી જાય તો પણ બાદમાં મેદાનમાં ઊતરનાર બૅટ્સમૅન સારું રમી શકે છે અને સ્કોરને 200થી આગળ લઈ જઈ શકે છે.”

“તેથી તેમણે મોટા શૉટ્સ રમવા પડે છે. તેમણે જોખમ લેવું પડે છે. બેજવાબદાર બૅટિંગ કરીને કોઈ આઉટ ન થાય. ટીમને આની જરૂર છે.”

વિદ્યુતે ઉમેર્યું હતું, “અભિષેક શર્મા જેવા ખેલાડીઓ બહુ જોખમ ઉઠાવે છે. તમે 170-180ના સ્ટ્રાઇક રેટ સાથે રમતા હો ત્યારે ત્રણ-ચાર મૅચમાં નિરાશા મળવી નક્કી છે.”

“અભિષેક શર્મા સાથે પણ આવું જ થયું. એક સમયે સૂર્યકુમાર યાદવ રન બનાવવા માટે સંઘર્ષ કરતા હતા ત્યારે તેમણે એક મોટી વાત કહી હતીઃ “હું આઉટ ઑફ ફૉર્મ નથી. રન બનાવી શકતો નથી. ” અભિષેક શર્મા સાથે પણ આવું જ થયું હતું.”

“આ વર્લ્ડકપના કોઈ પણ તબક્કામાં મને તેમના ફૉર્મની ચિંતા નહોતી. મને ખબર હતી કે તેઓ બે-ત્રણ સારા શૉટ્સ રમશે તો સારી ઇનિંગ્સ જરૂર રમશે.”

વિદ્યુત શિવરામકૃષ્ણનનું કહેવું છે કે અભિષેક શર્માના સ્થાન બાબતે કોઈ સવાલ નથી, કારણ કે ટીમની વ્યૂહરચના માટે અભિષેકની રમવાની શૈલી જરૂરી છે અને ભારતીય ટીમ મૅનેજમેન્ટને પણ તેમની પાસેથી આવી જ આશા હોય છે.

સંજુ સેમસનની કહાણી

અમે વિદ્યુતને સવાલ કર્યો હતો કે ભારતીય ટીમના વલણને લીધે અભિષેક શર્માની ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો તો સંજુ સેમસનના કિસ્સામાં એવું શા માટે ન કરવામાં આવ્યું, કારણ કે સેમસનની આદત પહેલા બૉલથી જ બૅટિંગ કરવાની છે?

તેમણે પોતાના પ ર્ફૉર્મન્સની પરવા કર્યા વિના ટીમને ઝડપી શરૂઆત આપવા પર કાયમ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

હવે વિશ્વ કપની જીત બાદ તેમના બહુ વખાણ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ અગાઉ આ બાબત પર ધ્યાન કેમ આપવામાં આવ્યું ન હતું, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે વિદ્યુતે બે કારણ જણાવ્યાં હતાં.

એક સેમસનનો પાછલો રેકૉર્ડ અને બીજું અભિષેક ઍક્સ-ફૅક્ટર ધરાવતા ખેલાડી હોવાની માન્યતા.

અભિષેક શર્મા, બીબીસી ગુજરાતી, ક્રિકેટ, સંજુ સેમસન, ટી20 વિશ્વકપ

ઇમેજ સ્રોત, Getty Images

સેમસન વિશે વાત કરતાં વિદ્યુતે કહ્યું હતું, “સેમસનનું પાછલું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું નથી. મોટી ઇનિંગ્સ રમ્યા પછી બે-ત્રણ ઇનિંગ્સમાં તેઓ સારો સ્કોર કરી શકતા નથી.”

“આઈપીએલમાં આવું વારંવાર થતું રહ્યું છે. તેમણે વિશ્વકપમાં આ બધું ઉપરતળે કરી નાખ્યું.”

“એ બહુ ખુશીની વાત છે, પરંતુ તેમનો પાછલો રેકૉર્ડ કાયમ તેમની વિરુદ્ધમાં રહ્યો છે.”

વિદ્યુતે કહ્યું હતું, “તેથી ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલને તક આપવા ઇચ્છતા હતા ત્યારે તેમણે સેમસનની જગ્યાએ કોઈ અન્યને તક આપી હતી.”

“વર્લ્ડકપ પહેલાં ઇશાન કિશન શાનદાર ફૉર્મમાં હતા અને સેમસન હંમેશાંની માફક પાછળ રહી ગયા. તેમનું સ્થાન ફરી છીનવાઈ ગયું.”

પાછલાં બે વર્ષમાં સેમસનનું ઇન્ટરનૅશનલ ટી20 પ્રદર્શનમાં વિદ્યુતનાં આ કથનનો તાળો મળે છે.

જુલાઈ 2024માં હરારેમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 58 રન બનાવનાર સેમસન પછીની બે મૅચમાં શ્રીલંકા સામે શૂન્ય રનમાં આઉટ થઈ ગયા હતા.

એ જ વર્ષે નવેમ્બરમાં તેમણે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામે સતત બે મૅચમાં સદી ફટકારી હતી, પરંતુ એ પછીની બે મૅચમાં શૂન્ય પર આઉટ થઈ ગયા હતા.

એ બે મૅચમાં શૂન્ય પર આઉટ થયા પછી સદી ફટકારનાર આ ખેલાડીએ ત્યાર બાદની પાંચ મૅચમાં માત્ર 51 રન બનાવ્યા હતા.

આ વિશ્વકપ પહેલાં ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધની ટી20 શ્રેણીમાં સેમસને પાંચ મૅચમાં માત્ર 46 રન બનાવ્યા હતા.

સેમસનનું પ્રદર્શન અને ઇશાન કિશનનું શાનદાર ફૉર્મ એકસાથે જોવા મળ્યું હતું, જેને કારણે સેમસનને વર્લ્ડકપ માટેની પ્રારંભિક ટીમમાં જગ્યા મળી ન હતી.

‘ઍક્સ ફૅક્ટર’ ખેલાડી અભિષેક શર્મા

અભિષેક શર્મા, બીબીસી ગુજરાતી, ક્રિકેટ, સંજુ સેમસન, ટી20 વિશ્વકપ

ઇમેજ સ્રોત, Getty Images

અભિષેક સંઘર્ષ કરતા હોય છે ત્યારે તેમને સેમસન જેવી સફળતા કેમ નથી મળતી, એવું પૂછવામાં આવ્યું ત્યારે વિદ્યુતે જણાવ્યું હતું કે ઍક્સ-ફૅક્ટર ધરાવતા જે ખેલાડીઓમાં રમત પર વ્યક્તિગત પ્રભાવ પાથરવાની ક્ષમતા હોય છે તેમને કાયમ વધારાની તક આપવામાં આવે છે.

તેમણે કહ્યું હતું, “કેટલાક ખેલાડીઓ એકલે હાથે મોટો પ્રભાવ પાથરી શકતા હોય છે. તેઓ એકલા ટીમને વિજય અપાવી શકે છે.”

“આવા પ્રતિભાશાળી ખેલાડીઓને અન્યોની સરખામણીએ કાયમ વધારે તક આપવામાં આવે છે. દાખલા તરીકે, સૌરવ ગાંગુલી કૅપ્ટન હતા ત્યારે યુવરાજ સિંહને ઘણી તક આપવામાં આવી હતી, કારણ કે તત્કાલીન ટીમ મૅનેજમેન્ટને યુવરાજની ક્ષમતાનો ખ્યાલ હતો.”

“રોહિત શર્મા સાથે પણ આવું જ થયું છે. મિડલ ઑર્ડરમાં સંઘર્ષ કરનાર રોહિતને પણ ઘણી તક આપવામાં આવી છે અને તેમને ઓપનિંગ કરવાની તક પણ મળી છે.”

“પછી રોહિતે તેની પ્રતિભાનો પરિચય આપ્યો છે. વર્તમાન ટીમ મૅનેજમેન્ટ પણ અભિષેક શર્માને રોહિત જેવો જ ઍક્સ-ફૅક્ટર ખેલાડી માને છે.”

જોકે, તમામ ખેલાડીઓને આવી તક મળશે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે, એમ જણાવતાં વિદ્યુતે ઉમેર્યું હતું, “ધારો કે જસપ્રીત બુમરાહ બે-ત્રણ મૅચમાં ચાર ઓવરમાં 50 રન લૂંટાવી દે તો આવું નહીં થાય, પરંતુ એવી પરિસ્થિતિ સર્જાશે તો પણ બુમરાહને ટીમમાંથી પડતો મૂકવાનો વિચાર સુદ્ધાં કરવામાં આવશે નહીં.”

“બીજી તરફ, મોહમ્મદ સિરાજના કિસ્સામાં એવું થાય તો તેની સાથે બુમરાહ જેવો વ્યવહાર કરવામાં આવતો નથી. ટીમમાં તેમના સ્થાન વિશે સવાલ જરૂર ઉઠાવવામાં આવે.”

ફાઇનલ પહેલાં અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી બંનેનાં પ્રદર્શન બાબતે સવાલ ઊઠી રહ્યા હતા, પરંતુ ભારતીય ટીમે કોઈ ફેરફાર કર્યો ન હતો.

વરુણ ચક્રવર્તીને તક ન મળવાનું કારણ ઍક્સ-ફૅક્ટર ખેલાડી હોવાની માન્યતા હતું કે કેમ, એવા સવાલના જવાબમાં વિદ્યુતે કહ્યું હતું, “આ પણ એક કારણ છે. કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવા વિશે તેમણે જરૂર વિચાર્યું હશે.”

“એક બીજી વાત પણ છે. કોઈ પણ ટીમ ફાઇનલ પહેલાં પ્લેંઇગ ઇલેવનમાં વધારે ફેરફાર કરવા ઇચ્છતી નથી.”

“ખાસ કરીને વર્લ્ડકપ જેવી શ્રેણીમાં તેઓ પ્લેઇંગમાં વધારે ફેરફાર ઇચ્છતી નથી. તેથી આ બાબત તેમની તરફેણમાં કામ કરે છે.”

મહાન ટીમોની પ્રકૃતિ

અભિષેક શર્મા, બીબીસી ગુજરાતી, ક્રિકેટ, સંજુ સેમસન, ટી20 વિશ્વકપ

ઇમેજ સ્રોત, Getty Images

કમેન્ટેટર ભગવતી પ્રસાદે જણાવ્યું હતું કે એક મહાન ટીમની ઓળખ એ છે કે તે મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને સતત તક આપતી હોય છે.

ભારત-પાકિસ્તાન મૅચ પછી થયેલી વાતચીતમાં ભગવતી પ્રસાદે આવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થયો એ પછી વાત કરતાં ભગવતી પ્રસાદે કહ્યું હતું, “મોટી ટીમ તેના અગ્રણી ખેલાડીઓને વધુ તક આપતી હોય છે. કેટલીક મૅચમાં નબળા પ્રદર્શનને કારણે આવી ટીમ કોઈ ખેલાડીને પડતો મૂકતી નથી.”

“ટીમ જાણતી હોય છે કે આવા ખેલાડી ફૉર્મમાં આવે છે ત્યારે નિશ્ચિત રીતે મૅચનું વલણ બદલી નાખવા સક્ષમ હોય છે.”

“આવા ખેલાડી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં વ્યક્તિગત રીતે પણ રમત પર પ્રભાવ પાથરી શકે છે. ઇતિહાસમાં આવાં અનેક ઉદાહરણ જોવા મળ્યાં છે.”

અભિષેક શર્મા, બીબીસી ગુજરાતી, ક્રિકેટ, સંજુ સેમસન, ટી20 વિશ્વકપ

ઇમેજ સ્રોત, Getty Images

“ઍડમ ગિલક્રિસ્ટ 2007 વનડે વર્લ્ડ કપમાં શાનદાર ઇનિંગ્સ રમ્યા હતા અને ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું. એવી જ રીતે શેન વૉટસન 2019ની આઈપીએલ ફાઇનલમાં સુપર કિંગ્સને જીતની અત્યંત નજીક લાવ્યા હતા.”

“આવા ખેલાડીઓની આ ખાસિયત હોય છે. તેમને તક આપવી તે મોટી ટીમોની વિશેષતા રહી છે.”

તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, “આ ભારતીય ટીમ પણ એવું જ કરશે. અભિષેક શર્મા મહત્ત્વની મૅચોમાં મોટો પ્રભાવ પાથરશે, જે રીતે તેણે ટી20ની વર્લ્ડકપની ફાઇનલમાં કર્યું હતું.”

હજુ પણ નંબર વન કેવી રીતે?

લેટેસ્ટ રેંકિંગ અનુસાર, અભિષેક શર્મા ટી20 બૅટ્સમેનોની યાદીમાં ટોચ પર છે. ઇશાન કિશન બીજા સ્થાને આવી ગયા છે.

આ વર્લ્ડકપમાં 8 ઇનિંગ્સમાં 141 રન બનાવવા છતાં અભિષેક શર્મા ટોચ પર છે તેનું કારણ તેમના રેટિંગ પૉઇન્ટ્સ છે.

ટી20 ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરતા રહેલા અભિષેક શર્માએ ટી20 રૅંકિંગમાં અભૂતપૂર્વ ઊંચાઈ હાંસલ કરી છે.

ગયા વર્ષે એશિયા કપ વેળાએ તેમણે 931 પૉઇન્ટ્સની રૅંકિંગ પ્રાપ્ત કરી હતી, જે ટી20 ક્રિકેટમાં કોઈ પણ બૅટ્સમેને હાંસલ કરેલી અત્યાર સુધીની સર્વોચ્ચ રેટિંગ છે.

સતત સારું પ્રદર્શન કરનાર આ ખેલાડીની આ વર્ષે 28 જાન્યુઆરીએ 929 પૉઇન્ટ્સની રેટિંગ હતી, જે બીજા સ્થાન પરના ફિલ સોલ્ટથી 80 પૉઇન્ટ્સ વધારે હતી.

વર્લ્ડકપની પહેલી મૅચમાં શૂન્ય પર આઉટ થયા બાદ અભિષેકની રેટિંગ ગબડીને 908 પૉઇન્ટ્સ પર આવી ગઈ હતી અને પાકિસ્તાન સામેની મૅચમાં શૂન્ય રને આઉટ થયા પછી તે વધુ ઘટીને 891 પૉઇન્ટસ પર પહોંચી ગઈ હતી.

તેમની રેટિંગ તેમના પ્રદર્શન અનુસાર વધતી-ઘટતી રહે છે અને હાલ 875 પૉઇન્ટ્સ પર છે.

વર્લ્ડકપમાં સારું પ્રદર્શન ન કરવા છતાં અભિષેક શર્મા હજુ પણ નંબર વન છે, કારણ કે વર્લ્ડકપના પ્રારંભ પહેલાંથી તેમના અને અન્ય ખેલાડીઓ વચ્ચેનો તફાવત બહુ મોટો હતો.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

SOURCE : BBC NEWS