Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC
માસિક (પિરિયડ)માંથી પસાર થનારી ઘણી મહિલાઓની માફક જ ઍમા બૅકલુંડ પણ દર મહિને થતા માસિકસ્રાવ વિશે વધુ ન વિચારતાં નહોતાં, પણ જ્યારે બાયોટેક સ્ટાર્ટઅપ નેક્સ્ટજેન જેને 2023માં તેમની પાસે માસિકસ્રાવનું લોહી માગ્યું, ત્યારે ઍમાએ તરત જ એક માસિકચક્રમાંથી આઠ ટેમ્પોન્સ બચાવીને પોસ્ટ મારફત કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં આવેલી કંપનીની લૅબોરેટરીમાં મોકલી આપ્યું.
સાચે જ, આ એક અસામાન્ય વિનંતી હતી, પણ ઍમાને તેમાં કોઈ ખાસ અગવડ પડી નહોતી. ઊલટું, નાની વયે માસિકચક્ર શરૂ થયું, ત્યારથી લઈને તેમણે જે પીડાદાયક અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું. ભાવિ છોકરીઓ સાથે આવું ન થાય, તે માટેના અભ્યાસમાં મદદરૂપ બનવાથી તેઓ ખુશ હતાં.
અમેરિકાના મિનેસોટાનાં 27 વર્ષીય સ્નાતક વિદ્યાર્થિની ઍમા કહે છે, “હું 11 વર્ષની હતી, ત્યારે પ્રથમ વખત માસિકસ્રાવ થયો હતો. તે ભયાનક દરદથી મને લાગ્યું કે, હું મરી જઈશ. મને યાદ છે, મેં મારાં માતાને કહ્યું હતું કે, મારે હૉસ્પિટલ જવું પડશે. તે પછી લગભગ દરેક વખતે મને એવો જ માસિકસ્રાવ થયો છે. દર મહિને મને ઊલટી થતી. હું સામાજિક પ્રવૃત્તિઓ અને શાળાએ જવાનું ટાળતી. માસિક વખતની બળતરા અને અસહ્ય દરદ સતત ચાલુ રહેતાં હતાં.”
ઍમાને એ જાણતાં 13 વર્ષ લાગ્યાં કે તેમને એન્ડોમેટ્રિયોસિસ છે. તે એક લાંબો સમય ચાલતી અને કમજોર કરી દેતી સ્થિતિ છે, જેમાં ગર્ભાશયની ટિસ્યૂ લાઇનિંગ બહારની બાજુ વધવા માંડે છે.
એન્ડોમેટ્રિયોસિસને કારણે વિશ્વભરની 19 કરોડ મહિલાઓ (પ્રજનન વય ધરાવનારી મહિલાઓનો દસમો ભાગ) ભારે માસિકસ્રાવ, પેડુમાં ખૂબ દુખાવો થવો, મૂત્રાશય કે આંતરડાની સમસ્યા અને વ્યંધત્વ જેવી તકલીફો વેઠે છે.
વધુ પરેશાનીની વાત એ છે કે, તેનું નિદાન થતાં સામાન્ય રીતે પાંચથી 12 વર્ષ જેટલો સમય લાગી જતો હોય છે. ઍમાના કિસ્સામાં પણ આમ જ થયું છે.
નેક્સ્ટજેન જેનનાં સહ-સ્થાપક તથા ચીફ એક્ઝિક્યુટિવ રિદ્ધિ તારિયાલના જણાવ્યા પ્રમાણે, આ બીમારીની પુષ્ટિ કરવા માટે લેપ્રોસ્કોપી કરવી પડે છે, તે ઉપચાર માટેની એક પ્રક્રિયા છે, જેમાં પેલ્વિક કેવિટીની અંદર નાનો કૅમેરા દાખલ કરવામાં આવે છે.
આથી જ, તારિયાલ તથા નવતર પહેલ કરનારા અન્ય કેટલાક સ્ટાર્ટઅપ આગેવાનો બહેતર નિદાનાત્મક પરીક્ષણ ઊભું કરવા માટે કાર્યરત્ છે. એવું પરીક્ષણ, જે સર્જરીની તુલનામાં વધુ ઝડપી, સસ્તું અને ઓછું પીડાદાયક હોય, તેમજ મહિલાના એન્ડોમેટ્રિયોસિસના નિદાન ઉપરાંતની પણ ઘણી વધુ જાણકારી પ્રગટ કરી શકતું હોય.
તેમનું માનવું છે કે, આ રહસ્ય માસિકસ્રાવના લોહીમાં છુપાયેલું છે.
માસિક કેમ તબીબી વિશ્વનો ‘ખજાનો’ માનવામાં આવે છે?
ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC
ચિકિત્સકો બેબિલોનિયન અને સુમેરિયન કાળથી આશરે 6,000 વર્ષો પૂર્વેથી પેશાબના નમૂના ચકાસતા આવ્યા છે. મળ અને નસોમાં વહેતા રક્તની તપાસ પણ એક-બે સદી પહેલાં શરૂ થઈ હતી, પરંતુ માસિકસ્રાવના લોહી પર તબીબી દૃષ્ટિએ કદી ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી.
માસિકસ્રાવ એ જટિલ પ્રવાહી છેઃ તેનો અડધો ભાગ સામાન્ય લોહી હોય છે, જ્યારે બાકીના ભાગમાં પ્રોટીન, હોર્મોન્સ, બૅક્ટેરિયા, ગર્ભાશય ગ્રીવાના કોષો તથા યોનિમાર્ગનાં પોલાણ, ફેલોપિયન ટ્યૂબ, અંડાશય, વગેરેમાંથી નીકળતા કોષોનો સમાવેશ થાય છે.
તારિયાલ જણાવે છે, “તેનાથી સંપૂર્ણ લોહી, લાળ અને અન્ય પ્રકારના નમૂનામાંથી ન મળતી આણ્વિક લાક્ષણિકતાઓ અને કોષોના પ્રકારો સુધીની પહોંચ મળી રહે છે. મુખ્યત્વે તે કુદરતી બાયોપ્સી છે, જે તમને પ્રજનન અંગો વિશેની વિગતો પૂરી પાડે છે.”
તેમની ફર્મ નેક્સ્ટજેન જેન ઍમા જેવાં વૉલન્ટિયર્સને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલાં કોટનનાં ટેમ્પોન્ઝ મોકલે છે. 2014માં સ્થપાયેલી તેમની કંપની અત્યાર સુધીમાં 330 કરતાં વધુ મહિલાના 2,000થી વધુ માસિકસ્રાવના નમૂનાનું વિશ્લેષણ કર્યું છે.
અમેરિકામાં નૉર્થવેલ હેલ્થ ખાતે ફાઇનસ્ટીન ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચનાં પ્રજનન જીવવિજ્ઞાની ક્રિસ્ટીન મેટ્ઝ જણાવે છે, “ગર્ભાશયને નુકસાન પહોંચાડતી કોઈ પણ સમસ્યાની જાણકારી મેળવવા માટે માસિકસ્રાવના લોહીનો ઉપયોગ કરી શકાય છે.”
મેટ્ઝે એક દાયકા પહેલાં એન્ડોમેટ્રિયોસિસ બાયોમાર્કરની તપાસ કરવા માટે માસિકના લોહીનો અભ્યાસ શરૂ કર્યો હતો, પણ હવે તેઓ તે જાણવા માટે પણ ઉત્સુક છે કે, શરીરનો આ પ્રવાહી પદાર્થ એન્ડોમેટ્રિયલ કૅન્સર, એડેનોમાયોસિસ (જેમાં ગર્ભાશયની દીવાલમાં ગર્ભાશયની લાઇનિંગ વધી જાય છે) અને એન્ડોમેટ્રાઇટિસ, (જેમાં એન્ડોમેટ્રિયલ લાઇનિંગમાં સતત સોજો રહે છે) જેવી અન્ય સમસ્યાઓનો સંકેત આપી શકે છે કે કેમ.
મેટ્ઝ જણાવે છે, “માસિક દરમિયાન નીકળતો પ્રવાહી પદાર્થ ગર્ભાશયના સ્વાસ્થ્યને સમજવામાં ઘણો ઉપયોગી છે. અન્યથા તે વિશેની જાણકારી મળી શકતી નથી. તે અલગ જ પ્રકારનો જૈવિક નમૂનો છે.” ઉદાહરણ તરીકે, એક અભ્યાસમાં માસિકસ્રાવમાં મળી આવેલાં 385 પ્રોટીન્સની ઓળખ કરાઈ હતી.
માસિકનું લોહી દર મહિને ઉપલબ્ધ હોવા ઉપરાંત, તેનો અન્ય એક ફાયદો એ છે કે, તે એન્ડોમેટ્રિયલ બાયોપ્સી દરમિયાન નીકાળવામાં આવતા પેશીના નાના ભાગની સરખામણીમાં ગર્ભાશયના આરોગ્યનું વધુ વ્યાપક ચિત્ર રજૂ કરે છે.
અભ્યાસમાં સામેલા વૉલન્ટિયર્સ પાસેથી માસિકના નમૂના એકત્રિત કરાવતાં મેટ્ઝ કહે છે, “ગર્ભાશયનું કદ લગભગ એક મોટા સફરજન જેવડું હોય છે. આથી એન્ડોમેટ્રિયલ બાયોપ્સીના આધારે સર્વાંગી મૂલ્યાંકન કરી શકાતું નથી, પરંતુ માસિક ધર્મનો સ્રાવ સમગ્ર એન્ડોમેટ્રિયમને દર્શાવે છે.”
વિશિષ્ટ બાયોમાર્કર્સની શોધ
ઇમેજ સ્રોત, Qvin
પિરિયડના લોહીની વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપેક્ષા થતી આવી હોવાથી હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, એન્ડોમેટ્રિયોસિસના નિદાન માટે વિશ્વાસપાત્ર વિશિષ્ટ બાયોમાર્કર્સ મોજૂદ છે કે કેમ.
જોકે મેટ્સ તથા તેમના સહયોગી પિટર ગ્રેગર્સને 3,700 કરતાં વધુ મહિલા પર અભ્યાસ કર્યો હતો અને અત્યાર સુધીનાં પરિણામો ઉત્સાહજનક રહ્યાં છે.
મેટ્ઝ કહે છે, “ઘણા તફાવતો રહેલા છે.” સૌપ્રથમ તો, એન્ડોમેટ્રિયોસિસથી ગ્રસ્ત મહિલાઓમાં ગર્ભાશયના “નેચરલ કિલર” કોષો ઘણા ઓછા હોય છે – આ રોગપ્રતિકારક કોષો ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં ભ્રૂણના આરોપણ, ગર્ભનાળના વિકાસ અને સંક્રમણ સામે રક્ષણ પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મેટ્ઝ કહે છે, “તે પ્રજનન ક્ષમતા સાથે જોડાયેલા હોય છે, આથી તેમની સંખ્યા ઓછી હોય, તે સારી બાબત નથી.”
તેમની ટીમે સ્ટ્રોમલ ફાઇબ્રોબ્લાસ્ટ કોષોમાં પણ મહત્ત્વનો તફાવત જોયો હતો. આ કોષો દરેક માસિક પછી ગર્ભાશયની સપાટીની મરામતમાં મદદ પૂરી પાડે છે. એન્ડોમેટ્રિયોસિસની સ્થિતિમાં આ કોષોમાં સોજાનાં લક્ષણ વધુ જોવા મળ્યાં હતાં અને તે કોષો ગર્ભાવસ્થા માટે ગર્ભાશયને તૈયાર કરનારાં પરિવર્તનો લાવવા માટે ઓછા સક્ષમ હતા. આ સ્થિતિ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (પીસીઓએસ) અને વારંવારના ગર્ભપાત સાથે સંબંધ ધરાવે છે..
મેટ્ઝની પ્રયોગશાળામાં એ પણ જોવા મળ્યું કે, એન્ડોમેટ્રિયોસિસથી પ્રભાવિત મહિલાઓમાં અમુક જિન્સની અભિવ્યક્તિમાં બદલાવ આવે છે.
આ તમામ તફાવતોને ધ્યાનમાં રાખીને ડૉક્ટર માસિકના લોહીના વિશ્લેષણ પર આધારિત એન્ડોમેટ્રિયોસિસ માટે એક વૈકલ્પિક, બિન-આક્રમક (નૉન-ઇન્વેઝિવ) નિદાન પરીક્ષણ વિકસાવી શકે છે.
મેટ્ઝને ઘરે ઉપયોગ કરી શકાય, તેવી કિટ માટે 2027માં અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશનની મંજૂરી મેળવવા માટે અરજી કરવાની અપેક્ષા છે.
આ તરફ, નેક્સ્ટજેન જેનના સંશોધકો માસિકના લોહીમાંથી મૅસેન્જર આરએનએ (એમઆરએનએ) કાઢી રહ્યા છે અને તેનું સિક્વન્સિંગ કરી રહ્યા છે, જેથી ત્યાં એન્ડોમેટ્રિયોસિસનાં વિશિષ્ટ બાયોમાર્કર્સની તપાસ કરી શકાય.
અત્યાર સુધીમાં, તેમણે જે કેટલાંક માર્કર્સની ઓળખ કરી છે, તે વંધ્યત્વ ધરાવનારી મહિલાઓમાં તંદુરસ્ત કેસોથી એન્ડોમેટ્રિયોસિસને વિશ્વસનીય રીતે અલગ પાડી શકે છે, એવું તેમનું માનવું છે.
તારિયાલ કહે છે કે, તેમનાં તારણોની પુષ્ટિ કરવા માટે અમેરિકામાં હાલ સેંકડો મહિલાઓ પર અભ્યાસ હાથ ધરાયો છે. મે, 2025માં નેક્સ્ટજેન જેને વંધ્યત્વનાં દર્દીઓમાં એન્ડોમેટ્રિયોસિસ માટે માસિકના પરીક્ષણની ક્લિનિકલ માન્યતા માટે 22 લાખ ડૉલરનું ફંડ મેળવ્યું હતું.
માત્ર પ્રજનન સ્વાસ્થ્ય પૂરતું સીમિત નહીં
ઇમેજ સ્રોત, NextGen Jane
અલબત્ત, માસિકનું લોહી માત્ર એન્ડોમેટ્રિયોસિસ પૂરતું સીમિત નથી. જેમ કે, નેક્સ્ટ જેનના સંશોધનથી ગર્ભાશયના સ્વાસ્થ્ય તથા વય વધવા વચ્ચેનો સંબંધ સામે આવ્યો છે. તારિયાલ કહે છે, “આ હજુ પ્રારંભિક આંકડા છે, પણ શરીરમાં એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો (જે વય વધવાનું એક લક્ષણ છે) અને માસિક વચ્ચે સ્પષ્ટ પ્રવાહ જોવા મળે છે.”
તેમનાં અવલોકન એ પણ સૂચવે છે કે, માસિકનું લોહી ભવિષ્યમાં હાઇપોથાઇરોઇડિઝમ અથવા હાઇપરથાઇરોઇડિઝમ જેવી બીમારીઓનું સચોટ નિદાન કરવામાં સહાયક બની શકે છે.
ઉપર જણાવેલી બીમારીમાં શરીરની થાઇરોઇડ ગ્રંથિ ચયાપચયને નિયંત્રિત કરનારાં હોર્મોન્સ, થાઇરોક્સિન અને ટ્રાઇઆયોડોથાઇરોનિનનો અત્યંત ઓછો અથવા તો વધુ પડતો સ્રાવ કરે છે.
તારિલાય કહે છે, “યોગાનુયોગે એન્ડોમેટ્રિયોસિસથી પીડિત મહિલાઓમાં મોટા ભાગે કોઈને કોઈ ઓટોઇમ્યૂન સ્થિતિ જોવા મળે છે.”
તારિયાલના જણાવ્યા પ્રમાણે, માસિકચક્ર દરમિયાન શરીર સોજાથી લઈને નિશાન વિનાના ઘા ભરવાની પ્રક્રિયામાંથી પસાર થતું હોવાથી માસિકના લોહીનો અભ્યાસ રૂમેટોઇડ આર્થરાઇટિસ, લ્યૂપસ અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી સોજા અને ઇમ્યૂન-મીડિયેટેડ બીમારીઓ માટે નવી મોડલ સિસ્ટમ પૂરી પાડી શકે છે.
આ ઉપરાંત માસિકનું લોહી ડાયાબિટીસની જાણકારી મેળવવામાં પણ ઉપયોગી પુરવાર થયું છે. 2021 અને 2024માં થયેલા અભ્યાસોમાં કૅલિફોર્નિયાસ્થિત સ્ટાર્ટઅપ ક્વિનના સંશોધકોને માલૂમ પડ્યું હતું કે, માસિકના લોહીમાં મપાયેલી લોહી શર્કરાની સરેરાશ માત્રા શરીરના જુદા-જુદા ભાગોમાં લોહી શર્કરાના પ્રમાણને સચોટપણે દર્શાવે છે.
તેમનાં તારણોએ 2024માં પ્રથમ અને એકમાત્ર એફડીએની માન્યતાપ્રાપ્ત માસિક લોહી શર્કરા સ્વાસ્થ્ય પરીક્ષણ માટેનો માર્ગ મોકળો કર્યો – તે ક્યૂ-પૅડ તરીકે ઓળખાતો સેનિટરી નૅપ્કિન છે. આ નૅપ્કિનમાં રિમૂવેબલ પટ્ટી હોય છે. તેમાં લોહી એકત્રિત કરીને યૂઝર્સ તેને વિશ્લેષણ માટે ક્વિનની લૅબ્ઝમાં મોકલે છે.
ક્વિને થાઇલૅન્ડમાં હાથ ધરવામાં આવેલા 2022ના અભ્યાસમાં દર્શાવ્યું હતું કે, તેમના વિશિષ્ટ પૅડનો ઉપયોગ કરીને એકત્રિત કરાયેલા નમૂનાઓ પારંપરિક પેપ સ્મીયર્સની સરખામણીમાં (સર્વાઇકલ કૅન્સરનું સંકટ ઊભું કરતા) હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી)નું ઊંચું જોખમ ધરાવતા સ્ટ્રેઇનને શોધવામાં ઉત્તમ હતા. આ તારણોની પુષ્ટિ માટે અમેરિકામાં વ્યાપક સ્તરે પરીક્ષણ ચાલી રહ્યું છે.
ક્વિનના કો-સીઇઓ મેડ્ઝ લિલેલ્યુંડના જણાવ્યા મુજબ, આ વર્ષથી શરૂ થનારા પરીક્ષણમાં ક્લેમાઇડિયા અને ગોનોરિયા જેવા જાતીય સંબંધથી થતાં સંક્રમણોની તપાસ કરવા માટે ક્યૂ-પૅડનો ઉપયોગ થઈ શકે કે કેમ – તેની પણ ચકાસણી કરવામાં આવશે.
તેમને આશા છે કે, ત્યાર બાદ તેઓ થાઇરોઇડ અને પ્રજનન હોર્મોન, સોજાને લગતા સંકેતો અને સાર્સ-કોવિડ સામે રોગપ્રતિકારક પ્રતિસાદ આપનારા એન્ટિબૉડીઝ જેવા આરોગ્ય માર્કર્સના અભ્યાસ તરફ આગળ વધશે.
એ જ રીતે, બર્લિનસ્થિત સ્ટાર્ટઅપ ધ બ્લડ હાલમાં એન્ડોમેટ્રિયોસિસ, પ્રારંભિક મેનોપોઝ, પીસીઓએસ અને વંધ્યત્વની સમસ્યાઓનું અનુમાન કરવામાં મદદરૂપ થતી એક ટેસ્ટ કિટની યથાર્થતા ચકાસી રહ્યું છે.
અગાઉ તેમણે એક નાના પાયાના અભ્યાસમાં દર્શાવ્યું હતું કે, માસિકના લોહીમાં વિટામિન-2 અને વિટામિન-ડીનું સ્તર સમગ્ર શરીરના લોહીમાં માપવામાં આવેલા સ્તરને અનુરૂપ હોય છે, અલબત્ત, તે સતત નીચા સ્તર પર જોવા મળે છે.
ધ બ્લડનાં સહ-સ્થાપક ઇઝાબેલ ગુએનો કહે છે, “અમારો લક્ષ્યાંક મહિલાઓ માટે નિદાન, ઉત્તમ સારવાર અને ઉત્તમ નિવારણ ઝડપથી ઉપલબ્ધ બને, તે માટે કામગીરી કરવાનો છે.” ગુએનો બાળપણમાં એન્ડોમેટ્રિયોસિસથી પીડાતાં હતાં અને નિદાન થતાં આઠ વર્ષ લાગ્યાં હતાં. એટલું જ નહીં, આ માટે તેમણે ઘણી સર્જરીઓ પણ કરાવવી પડી હતી.
આ ઉપરાંત, માસિકનું લોહી વ્યક્તિ જે પ્રકારનાં ઝેરી તત્ત્વોના સંપર્કમાં આવી હોય, તેનો સંકેત પણ આપી શકે છે, એમ મેટ્ઝ દ્વારા હાથ ધરવામાં આવેલા 2022ના એક નાના અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું.
આ અભ્યાસમાં ચાર વૉલન્ટિયરના માસિકના લોહીમાં ફિનોલ, પેરાબેન્સ, થેલેટ અને અન્ય પર્વયાવરણીય પ્રદૂષકો શોધવામાં આવ્યા હતા.
માસિકચક્રના ક્ષેત્રમાં ક્રાંતિ
આ પ્રગતિ છતાં, માસિક અંગે ઘણું રહસ્ય પ્રવર્તે છે. ઘણા સંશોધકોના મતે, સૌથી મોટું રહસ્ય એ છે કે, આપણે હજી સુધી તેમાં રહેલા તમામ ઘટકોની ઓળખ કરી નથી અને માસિક દરમિયાન આ ઘટકો કેવી રીતે ઝડપથી બદલાઈ શકે છે, તે પણ આપણે જાણતા નથી.
સંશોધન હજુ પ્રાથમિક તબક્કામાં છે, જેનું મુખ્ય કારણ આજે પણ આ વિષય સાથે જોડાયેલું સાંસ્કૃતિક કલંક છે. માસિક ધર્મ માટે અભિશાપ, શેતાનનું ઝરણું, “કોડ રેડ ઍલાર્મ” વગેરે જેવા અપમાનજનક શબ્દો વાપરવામાં આવે છે.
મેટ્ઝ કહે છે, “આપણા સૌના મનમાં એ વાત ઠસી ગઈ છે કે, આ એક વર્જિત વિષય છે, જેના વિષે વાત સુધ્ધાં ન કરવી જોઈએ.”
તબીબી સંશોધન ક્ષેત્રે પુરુષોને પ્રાથમિકતા આપવાનો ઐતિહાસિક પક્ષપાત અને મહિલાઓના આરોગ્યલક્ષી અભ્યાસો માટે પ્રમાણમાં ઓછું ભંડોળ પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે.
વૈશ્વિક સ્તર પર 2020માં વૈશ્વિક સંશોધન અને વિકાસના કુલ ભંડોળની માત્ર પાંચ ટકા રકમ મહિલાઓના સ્વાસ્થ્ય પરના સંશોધન માટે ફાળવાઈ હતી. જ્યારે, બ્રિટનમાં, તબીબી સંશોધનના જાહેર ભંડોળનો માત્ર 2.1 ટકા ભાગ પ્રજનન સંબંધિત સમસ્યાઓ પાછળ ખર્ચાય છે.
લિલેલુંડ કહે છે, “અત્યાર સુધી જે પણ દવાઓની શોધ થઈ, તેમાંની મોટા ભાગની દવાઓ પુરુષો માટેની છે અને તેમાંયે સંભવતઃ શ્વેત પુરુષો માટે, જેમાં જાતિગત કે વંશીય વૈવિધ્યતા ઘણી ઓછી છે. એન્ડોમેટ્રિયોસિસની તુલનામાં પુરષોની ટાલ પર વધુ નાણાં ખર્ચવામાં આવે છે.”
તેના પરિણામે, માસિક ધર્મના લોહી પર અભ્યાસ કરી રહેલા સંશોધકોએ નમૂનાના એકત્રીકરણ, સંગ્રહ અને પ્રોસેસિંગ માટે પ્રોટોકૉલ્સ વિકસાવવા પડ્યા છે અને સ્ટાન્ડર્ડાઇઝ કરવા પડ્યા છે.
મહિલાઓમાં માસિક ધર્મના સ્રાવ, ચીકાશ અને અન્ય પરિબળોમાં વિવિધતા હોઈ શકે છે.
તારિયાલ કહે છે, “આ ક્ષેત્રમાં અમે સૌ અંધારામાં તીર મારી રહ્યા છીએ આ ક્ષેત્રે ઘણાં નવાં સંશોધન અને વિકાસની જરૂર છે.”
પરંતુ, માસિક ધર્મના ક્ષેત્રે ક્રાંતિ આવવાની છે. દર્દીઓ, સંશોધકો અને રોકાણકારો તરફથી મળી રહેલા પ્રતિસાદ વિશે વાત કરતાં તારિયાલ કહે છે, “આ પ્રયત્ન હવે વધુ વેગવાન બન્યો છે.” ઉદાહરણ તરીકે, મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (એમઆઇટી)એ જુલાઈ, 2025માં માસિકચક્ર કેવી રીતે રોગ-પ્રતિરક્ષા વિજ્ઞાનને પ્રભાવિત કરે છે, તે વિશે આપણી સમજ વધારવા માટે જુલાઈ, 2025માં 10 મિલિયન ડોલર (7.48 મિલિયન પાઉન્ડ)ની પહેલ આદરી હતી.
વિશ્વભરમાં માસિક ધર્મની રક્તબૅન્કો પણ ખૂલી રહી છે.
આ પાછળનો આશય સંશોધકો માટે એવી ઇકૉસિસ્ટમનું સર્જન કરવાનો છે, જ્યાં તેઓ ઝડપથી, અસરકારક રીતે અને જવાબદાર રીતે નમૂના મેળવી શકે, તેમ યુરોપની પ્રથમ મેન્સ્ટ્રુઅલ બાયોબૅન્ક સ્થાપવામાં સહાય કરી રહેલાં બ્રિટનસ્થિત ઉદ્યોગસાહસિક કાર્લી બુચલિંગે જણાવ્યું હતું.
તેમની ટીમ ટૂંક સમયમાં જ ઘરેથી જ વાપરવામાં આવતી ખાસ કિટનો ઉપયોગ કરીને માસિકના નમૂના એકઠા કરવાનું શરૂ કરશે. તેમને આશા છે કે, 2026ના અંત સુધીમાં આ બાયોબૅન્ક મામૂલી ફી સાથે સંશોધકો માટે ઉપલબ્ધ બનશે.
એન્ડોમેટ્રિયોસિસ અને ગર્ભાશયની અન્ય સમસ્યાઓની રોજબરોજની પીડાદાયક વાસ્તવિકતા સાથે જીવતી ઍમા સહિતની ઘણી મહિલાઓનું કહેવું છે કે, આ પ્રકારના સંશોધનની ઘણા સમયથી જરૂર હતી.
ઍમા કહે છે કે, “પીડાદાયક માસિકચક્ર સાથે મોટા થવું અને વારેવાર વિચારવું કે મારી સાથે આ શું થયું – આ બહુ એકલતા અને અલગાવભર્યો અનુભવ હતો.”
તેઓ કહે છે, ” જો માસિકના લોહીના અભ્યાસુઓ બિન-આક્રમક નિદાનાત્મક ઉપકરણ બનાવવાના તેમના મિશનમાં સફળતા મેળવે, તો આગામી પેઢીની છોકરીઓની ઝડપથી સારવાર થઈ શકશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



