Home તાજા સમાચાર gujrati ગુજરાતના હાલારી ગધેડાની સંખ્યા કેમ ઘટી રહી છે, ડૉન્કી ફાર્મ માટે 50...

ગુજરાતના હાલારી ગધેડાની સંખ્યા કેમ ઘટી રહી છે, ડૉન્કી ફાર્મ માટે 50 લાખ રૂપિયાની સરકારી સહાય શું છે?

11
0

Source : BBC NEWS

ગધેડાપાલન, ગુજરાતમાં ગધેડાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

“અમે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે ગધેડીના દૂધના ભાવ અંગે મોટા દાવા કરવામાં આવે છે, પણ અમારી પાસે ગધેડીનું દૂધ છે છતાં કોઈ લેવા આવતું નથી. અમે શોધી રહ્યા છીએ કે રૂ. 7000નું એક લિટર ગધેડીનું દૂધ કોણ ખરીદી રહ્યું છે? અમારે ત્યાંથી તો કોઈ રૂ. 200માં પણ ગધેડીનું દૂધ લેવા તૈયાર નથી.”

ઉપરોક્ત શબ્દો ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામના ભારાભાઈ ભૂંડિયાના છે. તેમના આ શબ્દો ગુજરાતમાં ગધેડાનું પાલન કરનારા પશુપાલકોની સ્થિતિ અને ગુજરાતમાં ગધેડાની સ્થિતિ સ્પષ્ટ કરે છે.

તેઓ આગળ કહે છે કે, “હાલારી ગધેડાની સંખ્યા ઘટી રહી છે, પણ આ ગધેડાનું પાલન કરનારાઓ માટે સરકારી એવી કોઈ યોજના નથી જેથી તેમને પ્રોત્સાહન મળે.”

ગુજરાત જ નહીં પણ દેશભરનાં જુદાં જુદાં રાજ્યોમાં ગધેડાની સંખ્યા ઘટી રહી છે. આ સંખ્યામાં ઘટાડાની ચર્ચાના કેન્દ્રમાં ભારત સરકારની એક જાહેરાત પણ જવાબદાર છે.

કારણ કે, ભારત સરકારે તાજેતરમાં ગધેડાની વસ્તી વધે તે માટે ગધેડાનું પાલન કરનારા પશુપાલકોને રૂ. 50 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

ગધેડાનું પાલન કરનાર પશુપાલકો શું કહે છે?

ગધેડાપાલન, ગુજરાતમાં ગધેડાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BHARABHAI BHUNDIYA

ગુજરાતમાં ગધેડાની સ્થિતિ શું છે તે અંગે ગધેડાના પશુપાલક ભારાભાઈ ભૂંડિયાના પરિવારમાં છેલ્લાં 200 વર્ષથી ગધેડા ઉછેર કરવામાં આવતો હોવાનો તેમનો દાવો છે.

ભારાભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મારા બાપા, મારા દાદા અને મારા પરદાદા બધા જ ગધેડા પાળતા હતા. તેઓ માલસામાનની હેરફેર માટે ગધેડા રાખતા હતા.”

“મારી ઉંમર 38 વર્ષની થઈ છે. મેં બાળપણથી મારા ઘરે ગધેડા જોયા છે. હું ગધેડાની વચ્ચે ઊછર્યો છું.”

“પહેલાં મારા ઘરે 100 જેટલા ગધેડા હતા, હાલમાં 25 જેટલા ગધેડા છે. અમે નાના હતા ત્યારે જોયું હતું કે રાજસ્થાનથી મારવાડ પ્રદેશના લોકો માલની હેરફેર માટે ગધેડા ખરીદવા આવતા હતા. જોકે, હવે કોઈ આવતું નથી.”

તેમણે જણાવ્યું હતું કે, “અમારી સરકારને અપીલ છે કે ગધેડાનું વેચાણ થાય અને ગધેડીનું દૂધ પણ વેચાય તે અંગે કામ કરે. “

“ગુજરાત સિવાયના બીજાં રાજ્યોમાં બ્રિડિંગ માટે હાલારી ગધેડાઓની માંગ છે, પણ અમારી પાસે તે અંગે કોઈ સંપર્ક નથી. જેથી ખરીદનારા અને વેચનારા વચ્ચે સરકારે કોઈ મધ્યસ્થીની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. “

“સહાય કરતાં પણ વધારે જરૂરિયાત એ છે કે જે લોકો પહેલાંથી જ ગધેડાનું પાલન કરે છે, તેમની આજીવિકામાં વધારા માટે સરકાર પ્રયત્ન કરે.”

સરકારે જાહેર કરેલી સ્કીમ અંગે પશુપાલન અધિકારીએ શું કહ્યું?

ગધેડાપાલન, ગુજરાતમાં ગધેડાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પશુપાલન અધિકારી ડૉ. ધીરેન્દ્ર કાપડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારે નૅશનલ લાઇવ સ્ટૉક મિશનમાં ગધેડાના ફાર્મ માટે રૂ. 50 લાખ સુધીની સહાયની યોજના જાહેર કરી છે.”

“જેમાં આ યોજનાનો લાભ એક કે બે ગધેડાનું પાલન કરનારા માટે નથી, પણ જે પશુપાલકો ગધેડાનું ફાર્મ બનાવવા માંગે છે તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.”

“આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા પાંચ ગધેડા અને પચાસ ગધેડી હોવી અનિવાર્ય છે. આ ફાર્મના ખર્ચના 50 ટકા સુધી કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. “

“એટલે કે ફાર્મ બનાવવામાં 1 કરોડ સુધીનો ખર્ચ થાય તો સરકાર તરફથી 50 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવે છે. જોકે, આ સબસિડી માટે સરકારે નિયમો નક્કી કરેલા છે.”

તેઓ વધુમાં જણાવે છે કે, “દેશમાં ગધેડાની સંખ્યા ઘટી રહી છે. ગુજરાતમાં પણ ગધેડાની સંખ્યા ઘટવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.”

“ગધેડાની સંખ્યા ઘટવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે પહેલાં માલવાહક તરીકે ગધેડાનો ઉપયોગ થતો હતો, પણ હવે મશીનો અને વાહનોમાં માલની હેરફેર થાય છે.”

“જેથી માલવાહક તરીકે ગધેડાનો ઉપયોગ ઘટ્યો છે, જેની અસર ગધેડાની વસ્તી ઉપર પણ જોવા મળી રહી છે.”

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, “20મા લાઇવ સ્ટૉક સેન્સસના આંકડા અનુસાર, ગુજરાતમાં ગધેડાની સંખ્યા 11,286 છે. જેમાંથી 700 હાલારી ગધેડા છે, જ્યારે બાકીના કચ્છી ગધેડા છે.”

ગધેડાપાલન, ગુજરાતમાં ગધેડાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. કાપડિયા જણાવે છે કે, “ગુજરાતમાં મુખ્યત્વે કચ્છી ગધેડા અને હાલારી ગધેડા એમ બે પ્રકારના ગધેડા છે.”

“કચ્છી ગધેડા ઊંચાઈમાં નાના અને રંગમાં રાતા દેખાય છે, જ્યારે હાલારી ગધેડા ઊંચા અને સફેદ રંગના હોય છે.”

“હાલારી ગધેડા સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જોવા મળે છે.”

“કચ્છી ગધેડાની સંખ્યા સ્થિર છે, જ્યારે હાલારી ગધેડાની સંખ્યા ખૂબ જ ઘટી છે. જેથી ગુજરાત સરકારે વર્ષ 2015માં પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ‘હાલારી ગધેડા કન્ઝર્વેશન સેન્ટર’ કાર્યરત્ કર્યું છે.”

“આ સેન્ટરમાં 25 જેટલા હાલારી ગધેડા લાવીને તેનું બ્રિડિંગ કરાવવાનું શરૂ કરાયું હતું.”

“આ સેન્ટરમાં ગધેડાની સંખ્યા વધી છે, તેથી વધારાના ગધેડાની હરાજી કરીને વેચાણ કરવામાં આવે છે.”

“બીજાં રાજ્યોના લોકો પણ હરાજીમાં ભાગ લઈને ગધેડા ખરીદે છે અને તેમના રાજ્યમાં બ્રિડિંગ માટે લઈ જાય છે. ગધેડાપાલકોની આજીવિકામાં વધારો થાય તે માટે સરકાર કામ કરી રહી છે.”

ગધેડાપાલન, ગુજરાતમાં ગધેડાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગધેડીના દૂધની કિંમત પ્રતિ લિટર 7 હજાર રૂપિયા હોય છે તે અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “ગધેડીના દૂધનો ફાર્માસ્યુટિકલ ઉપયોગ છે, પણ દૂધની કિંમત આટલી વધારે હોય છે તેવું અમારા ધ્યાને આવ્યું નથી.”

“આ અંગે અમે તપાસ પણ કરી હતી. એક સ્વસ્થ ગધેડી દિવસ દરમિયાન 800 ગ્રામથી એક લિટર જેટલું દૂધ આપે છે, જ્યારે સામાન્ય ગધેડી દિવસ દરમિયાન 500 ગ્રામ દૂધ આપે છે, જે તેના બચ્ચાં માટે જરૂરી હોય છે.”

“તેથી અમે અમારા સેન્ટર ઉપર ગધેડીનું દૂધ કાઢતા નથી, તે માત્ર તેનાં બચ્ચાં માટે હોય છે. જે પ્રકારે ગાય કે ભેંસનું પાલન કરનારા પશુપાલકોનો મુખ્ય આશય દૂધ મેળવવાનો હોય છે, જ્યારે બીજી તરફ ગધેડાપાલકો દ્વારા ગધેડા પાલન કરવાનો મુખ્ય આશય દૂધ મેળવવાનો નથી.”

“કેન્દ્ર સરકારે ગધેડા પાલન અંગે યોજના જાહેર કર્યા બાદ અમારી પાસે ઇન્ક્વાયરી વધી છે. આ અંગે એક વાર પોર્ટલ ખુલ્લે અને પ્રોજેક્ટ રિપોર્ટ આવે એટલે કાર્યવાહી શરૂ થશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગધેડાની લાઇફ સાયકલ 25 વર્ષની હોય છે. ગધેડી ત્રણ વર્ષની થાય એટલે પ્યુબર્ટીમાં આવે છે અને ચાર વર્ષની ઉંમરે ગર્ભધારણ કરી શકે છે.”

“સામાન્ય રીતે પશુના દાંત જોઈને તેની ઉંમર અંગે અંદાજ લગાવી શકાય છે, પરંતુ ગધેડાના કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ છેતરાઈ શકે છે; તેની ઉંમરનો અચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે.”

ગધેડાની સંખ્યા કેમ ઘટી રહી છે?

ગધેડાપાલન, ગુજરાતમાં ગધેડાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કચ્છમાં ગધેડા સંવર્ધન ઉપર કામ કરનારી ‘સહજીવન’ સંસ્થા વર્ષ 2011થી હાલારી ગધેડા ઉપર કામ કરે છે.

આ સંસ્થાએ હાલારી ગધેડા બ્રીડનું રજિસ્ટ્રેશન કરાવવાની કામગીરી કરી હતી. આ સંસ્થા દ્વારા હાલારી ગધેડાના કન્ઝર્વેશન માટે કામ કરવામાં આવે છે.

પશુપાલકો દ્વારા હાલારી ગધેડાનું પાલન કરવામાં આવે તે માટે જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.

પશુપાલકો અને અન્યોનું હાલારી ગધેડા તરફ ધ્યાન જાય તે માટે ભૂતકાળમાં હાલારી ગધેડીના સીમંતવિધિનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સહજીવન સંસ્થામાં હાલારી ગધેડા ઉપર કામ કરનારા નરેન્દ્રભાઈ નંદાણીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ગધેડા ઘટવાનું મુખ્ય કારણ એ છે કે હવે ગધેડાથી મળતી આજીવિકામાં ઘટાડો થયો છે. માલવાહક તરીકે ગધેડાનો ઉપયોગ નહિવત્ થઈ ગયો છે.”

“ગધેડીના દૂધ માટે અમે પ્રયત્ન કર્યા હતા; એક ખાનગી સંસ્થા દ્વારા ગધેડીનું દૂધ પ્રતિ લિટર રૂ. 200ના ભાવે ખરીદવામાં આવતું હતું પરંતુ થોડા સમય બાદ આ સંસ્થાએ પણ દૂધ લેવાનું બંધ કરી દીધું હતું.”

“અન્ય રાજ્યોમાંથી હાલારી ગધેડાની માંગ છે, લોકો બ્રિડિંગ માટે તેની ખરીદી કરે છે. “

“એક હાલારી ગધેડાની કિંમત રૂ. 70 હજારથી રૂ. 1 લાખ સુધી હોય છે. થોડા સમય પહેલાં ગધેડીના દૂધ અંગેના અહેવાલો છપાતાં ગધેડાની માંગ વધી હતી, જોકે થોડાક સમયમાં જ હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.”

“હાલારી ગધેડી દિવસમાં એકવારમાં એક લિટર સુધી દૂધ આપી શકે છે. ગધેડાને લોકો આજીવિકાના સાધન તરીકે જોતા ન હોવાથી તેની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.”

જામનગરની ખાનગી સંસ્થા દ્વારા ગધેડીનું દૂધ ખરીદવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો પણ તે લાંબો ચાલ્યો નહીં.

આ સંસ્થામાં કામ કરનારા હિતેશભાઈ રાઠીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમે ગધેડીનું દૂધ ખરીદતા હતા.”

“પ્રતિ લિટર રૂ. 200ના ભાવે ખરીદી કરાતી હતી, જેમાં દૈનિક ધોરણે 20 લિટર દૂધ આવતું હતું.”

“જોકે, માર્કેટિંગના પ્રશ્નોને કારણે અમે વધુ ખરીદી કરી શકતા નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS