Home તાજા સમાચાર gujrati ગ્યાસુદ્દીન બલબન: તુર્કીમાંથી આવેલો એ ગુલામ જેણે દિલ્હીની સલ્તનત સંભાળી

ગ્યાસુદ્દીન બલબન: તુર્કીમાંથી આવેલો એ ગુલામ જેણે દિલ્હીની સલ્તનત સંભાળી

10
0

Source : BBC NEWS

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NCERT

ઇલ્તુતમિશના સૌથી નાના પુત્ર નાસિરુદ્દીન મહમૂદે દિલ્હીની ગાદી સંભાળી તેની સાથે જ દિલ્હી સલ્તનતમાં પુનઃ રાજકીય સ્થિરતા સ્થપાવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ એમાં સુલતાન મહમૂદની કોઈ ખાસ ભૂમિકા નહોતી.

આ કામ તેમના સૌથી ખાસ મંત્રી ગ્યાસુદ્દીન બલબને કર્યું હતું, જેમને મહમૂદના શાસનકાળમાં સૌથી વધુ શક્તિ મળી હતી.

બલબને 1246થી લઈને 1287 સુધી, 40 વર્ષ સુધી આ શક્તિનો ભરપૂર ઉપયોગ કર્યો હતો, પહેલા બે દાયકા સુલતાનના પ્રતિનિધિ તરીકે અને પછીના બે દાયકા દિલ્હીના સુલતાન તરીકે.

આ દરમિયાન સત્તા મેળવવા માટેની તેમની સફરમાં બે વર્ષનો વિલંબ થયો; કેમ કે, તેમના રાજકીય વિરોધીઓની ચાલના કારણે લગભગ બે વર્ષ સુધી તેઓ સત્તાથી વંચિત રહ્યા.

બલબનના સમયના સાક્ષી રહેલા ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બર્નીએ તેમના પુસ્તક ‘તારીખ-એ-ફિરોઝશાહી’માં લખ્યું છે, “નાસિરુદ્દીન મહમૂદ જ્યારે ગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી.”

“તેનામાં ન તો શાસન કરવાનો કોઈ ગુણ હતો અને રસ પણ નહોતો. તેણે શાસનની સંપૂર્ણ જવાબદારી બલબન પર છોડી દીધી હતી.”

“મહમૂદ એક સૌમ્ય, ઉદાર અને ધાર્મિક વ્યક્તિ હતો અને તેનો મોટા ભાગનો સમય કુરાનની નકલો બનાવવામાં પસાર થતો હતો.”

“તે સમયની ઊથલપાથલભરી પરિસ્થિતિમાં આ ગુણ ભલે સારો ગણાતો હોય, પરંતુ સુલતાન તરીકે આ ગુણો અયોગ્ય ગણાતા હતા.”

“બલબને વિરોધી દરબારીઓનાં ઈર્ષા અને કાવતરાં છતાં પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું.”

ગુલામ બનાવીને બગદાદમાં વેચી દેવાયા હતા

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Primus Books

હકીકતમાં, નાસિરુદ્દીન મહમૂદના 20 વર્ષના સમગ્ર શાસનકાળ દરમિયાન બલબન જ હકૂમત ચલાવતા હતા.

બર્નીએ લખ્યું છે, “આ દરમિયાન બલબને મહમૂદનો એક કઠપૂતળીની જેમ ઉપયોગ કર્યો. સમગ્ર રાજકાજ ચલાવ્યું અને સુલતાન ન હોવા છતાં પણ બધાં રાજચિહ્નો—જેમ કે ‘છત્ર’—નો ઉપયોગ કર્યો. એક રીતે, મહમૂદનો સમગ્ર શાસનકાળ બલબનનો શાસનકાળ હતો.”

ઈસવીસન 1216માં જન્મેલા ગ્યાસુદ્દીન બલબન એક ઇલ્બારી તુર્ક હતા. પહેલાં તેમનું નામ બહાઉદ્દીન હતું. મંગોલોએ તેમને બંધક બનાવીને બગદાદમાં એક ગુલામ તરીકે વેચી દીધા હતા. તેમના માલિક ખ્વાજા જમાલઉદ્દીન તેમને દિલ્હી લઈ આવ્યા હતા, જ્યાં 1233માં ઇલ્તુતમિશે તેમને ખરીદીને પોતાના ખાસદાર બનાવી દીધા હતા.

ઇલ્તુતમિશ પછી તેમનાં પુત્રી રઝિયાએ તેમને અમીર-એ-શિકારના પદ પર નિયુક્ત કર્યા હતા. ઈસવીસન 1249માં તેમણે સુલતાન નાસિરુદ્દીનની પુત્રી સાથે લગ્ન કરી લીધાં. નાસિરુદ્દીન મહમૂદે તેમને નાયબ-એ-મુમલિકતનું પદ આપ્યું.

આ પદ મેળવતાં જ બલબને મહત્ત્વપૂર્ણ પદો પર પોતાની પસંદગીના લોકોને બેસાડવાનું શરૂ કરી દીધું. તેમણે પોતાના નાના ભાઈ કિશ્લીખાંને રાજમહેલનાં વહીવટી કાર્યોના પ્રમુખ બનાવી દીધા.

એ કાળખંડમાં મૉરક્કોથી ભારત આવેલા પ્રખ્યાત મુસાફર ઇબ્ન બતૂતા અનુસાર, “બલબન કદમાં ઠીંગણા હતા, જે દેખાવે આકર્ષક નહોતા, પરંતુ તેમનાં ઉચ્ચ માનસિક સ્તર અને પ્રતિભા તેમની આ ખામીને ઢાંકી દેતાં હતાં.”

મિનહાજ-એ-સિરાજે તેમના પુસ્તક ‘તબાકત-એ-નાસિરી’માં લખ્યું છે, “ઇલ્તુતમિશ બલબનને ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિ માનતા હતા, તેથી તેમણે તેમને ઊંચું પદ આપ્યું અને એક રીતે પોતાના હાથ પર ભાગ્યનું બાજ બેસાડી દીધું. બલબનનું કદ દિવસે ને દિવસ વધતું ગયું અને થોડા દિવસોમાં તેઓ સુલતાનને સલાહ આપનાર 40 વિશિષ્ટ લોકોના સમૂહ ‘તુર્કાન-એ-ચિહલગાની’ના સભ્ય બની ગયા.”

આ રીતે બલબનનો પ્રભાવ ઝડપથી વધ્યો તે તેમના વિરોધીઓને ગમ્યું નહીં અને તેમણે તેમને પદ પરથી હટાવવા માટે કાવતરાં ઘડવાનું શરૂ કરી દીધું.

બલબનની બરતરફી અને પુનઃસ્થાપના

સતીશચંદ્રએ તેમના પુસ્તક ‘હિસ્ટરી ઑફ મિડઇવલ ઇન્ડિયા’માં લખ્યું છે, “નાસિરુદ્દીન મહમૂદના દરબારીઓએ તેમની કાન ભંભેરણી કરીને બલબનને તેમના પદ પરથી હઠાવી દીધા. બલબનની જગ્યા ઇમાદુદ્દીન રેહાને લીધી.”

“જોકે તુર્ક સરદાર સંપૂર્ણ શક્તિ પોતાના હાથમાં લેવા માગતા હતા, પરંતુ તેઓ એ વાત સાથે સંમત ન થઈ શક્યા કે બલબન પછી તેમનામાંથી કોણ આ પદ સંભાળશે, તેથી તેઓ રેહાનની નિયુક્તિ માટે સંમત થઈ ગયા.”

“બલબને પોતાને પદ પરથી હટાવ્યાનો વિરોધ ન કર્યો, પરંતુ દોઢ વર્ષની અંદર જ તેઓ પોતાના કેટલાક વિરોધીઓનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ ગયા.”

“બલબનના સાથીઓની વધારે શક્તિના કારણે સુલતાન મહમૂદે રેહાનને તેમના પદ પરથી હઠાવી દીધા.”

“થોડા સમય પછી રેહાનની હત્યા કરાવી દેવામાં આવી. બલબને આ રીતે પોતાના ઘણા વિરોધીઓનાં મોં બંધ કરી દીધાં.”

ફેબ્રુઆરી 1266માં મહમૂદનું મૃત્યુ થયું ત્યાં સુધી બલબન આ પદ પર રહ્યા.

મહમૂદે પોતાના મૃત્યુ પહેલાં બલબનને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધા હતા. તેની પાછળનું કારણ એ હતું કે ઇલ્તુતમિશના કોઈ પુત્ર જીવિત નહોતા અને બલબનના સ્તરની વ્યક્તિ જ રાજ્યમાં વ્યાપેલી અરાજકતાને ડામી શકે તેમ હતી.

આ ઉપરાંત, બલબને પોતાને તુર્ક નાયક અફરાસિયાબના વંશજ ગણાવીને સિંહાસન પર પોતાનો દાવો મજબૂત કરી લીધો હતો. સુલતાન તરીકે બલબને ઘણી જવાબદારી અને મહેનતથી કામ કર્યું.

સુલતાન બનતાંની સાથે જ તેમણે એ બધી આનંદ-પ્રમોદની વસ્તુઓનો ત્યાગ કર્યો જેના તેઓ વ્યસની થઈ ચૂક્યા હતા.

ઝિયાઉદ્દીન બર્નીએ લખ્યું છે, “દરબારી તરીકે બલબન દારૂ પીવા અને અનેક પ્રકારનાં મનોરંજનના શોખીન હતા. અઠવાડિયામાં ત્રણ વાર તેઓ દાવત આપતા હતા અને પોતાના મહેમાનોની સાથે જુગાર રમતા હતા; પરંતુ ગાદી પર બેસતાં જ તેમણે પોતાને આ બધા નશાથી અળગા કરી દીધા.”

“તેમનો માત્ર એક શોખ ચાલુ રહ્યો, તે હતો શિકાર કરવાનો. તેનો પણ તેમણે રાજકીય ઉપયોગ કર્યો અને શિકારના બહાને પોતાના સૈનિકો તૈયાર કર્યા.”

બલબન ઝાકઝમાળ અને શાહી શાનમાં વિશ્વાસ રાખતા હતા

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NCERT

ઇલ્તુતમિશને બાદ કરતાં બલબનની પહેલાં સુધી દિલ્હીના સુલતાનોનો દરજ્જો લગભગ બરાબરીના દરબારીઓમાં પ્રથમ હતો.

બલબનનું માનવું હતું કે તેનાથી વહીવટમાં ઢીલ ઊભી થતી હતી અને સામ્રાજ્યમાં અવ્યવસ્થા ફેલાતી હતી.

દરબારીઓ અને પ્રાંતીય ગવર્નરોને હંમેશાં સુલતાન સાથે વિરોધ રહેતો હતો, જેના કારણે તેમની શક્તિ નબળી પડતી હતી.

મંત્રી તરીકેના પોતાના જૂના અનુભવો અને પ્રાચીન ઈરાની દરબારમાંથી પ્રેરણા લઈને બલબને અનુભવ્યું કે મુકુટે દરબારીઓના સ્તરથી પોતાનો મોભો વધારવો પડશે. આમ વિચારીને જ તેમણે સુલતાનને ‘ઇશ્વરના પ્રતિનિધિ’ ગણાવવાનું શરૂ કરી દીધું.

બર્નીએ લખ્યું, “બલબનની બાદશાહતની વ્યાખ્યામાં એ વાત પર ભાર અપાવા લાગ્યો કે જ્યારે દરબારી સુલતાનની સામે આવે ત્યારે તેઓ દંડવત્ થઈને સિંહાસન કે સુલતાનના પગ પર ચુંબન કરે.”

“દરબારમાં કે સાર્વજનિક રીતે બલબન હંમેશાં શાહી અંગરક્ષકોથી ઘેરાયેલા રહેતા હતા, જેમના હાથમાં ખુલ્લી તલવાર રહેતી હતી.”

“તેના કારણે સુલતાન અને બીજા લોકોની વચ્ચે એક શારીરિક અને માનસિક દીવાલ ઊભી થઈ જતી હતી.”

“આની પહેલાં દિલ્હીમાં કોઈ પણ શાસકે આટલી ભવ્યતા અને ઝાકઝમાળ નહોતી બતાવી.”

“તેમના સેવકોએ મને જણાવ્યું હતું કે જ્યારે તેમને કોઈ જોતું ન હોય ત્યારે પણ તેઓ ઔપચારિક પોશાક પહેરતા હતા.”

બલબન ઉચ્ચ વર્ગના પરિવારોના હિમાયતી હતા

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Penguin Books

સમગ્ર કાર્યકાળ દરમિયાન તેઓ એવી કોઈ વ્યક્તિ સાથે વાત કરતા નહોતા દેખાયા જે તેમના સ્તર કે હોદ્દા કરતાં નીચી હોય અને અજાણ્યા લોકો સાથે પણ સંબંધ વધારતા જોવા ન મળ્યા.

સતીશચંદ્રએ લખ્યું છે, “બલબને બધા ભારતીય મુસલમાનોને સત્તાનાં મહત્ત્વનાં પદો પરથી ઉતારી મૂક્યા.”

“સરકારી પદો પર તેમણે એવા લોકોને બેસાડવાનું બંધ કરી દીધું જેઓ ઉચ્ચ વર્ગના પરિવારના નહોતા.”

“કેટલીક વાર તો તેમણે હાસ્યાસ્પદ રીતે મહત્ત્વપૂર્ણ વેપારીઓને મળવાનો ઇનકાર કરી દીધો, કેમ કે તેઓ ઉચ્ચ પરિવારમાં જન્મ્યા નહોતા.”

બર્નીએ બલબનને એમ કહેતા વર્ણવ્યા કે, “હું જ્યારે પણ કોઈ અકુલીન વ્યક્તિને જોઉં છું, ત્યારે મારી આંખો બળવા લાગે છે અને મારા હાથ મારી તલવાર બાજુ આગળ વધે છે.”

“બલબને લોકો સાથે મજાક કરવાનું છોડી દીધું. કોઈની હિંમત નહોતી કે તેઓ તેમની હાજરીમાં અરસપરસ મજાક કરે.”

“પોતાના દરબારમાં તેઓ પોતે તો ખડખડાટ હસ્યા નહીં અને કોઈને હસવાની મંજૂરી પણ ન આપી.”

“બલબને પોતાના સામ્રાજ્યમાં બધાં સંવેદનશીલ સ્થળોએ સાવચેતીપૂર્વક પસંદ કરેલા જાસૂસોની એક રીતે જાળ પાથરી રાખી હતી, જેથી તેમની પાસે સંભવિત વિદ્રોહીઓની ગુપ્ત માહિતીઓ પહોંચતી રહે.”

સૈન્ય અભિયાનોના વિરોધી

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રાજાઓની જેમ બલબનને યુદ્ધમાં જીત મેળવી નામના કમાવાની ભૂખ નહોતી.

અબ્રાહમ ઇરાલીએ લખ્યું છે, “તેનું કારણ એ નહોતું કે તેઓ સૈન્ય અભિયાનોના વિરોધી હતા. તેઓ માનતા હતા કે નવાં વિજય અભિયાનોમાં સમય બગાડવો મૂર્ખામી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તેમના અધિકારવાળા ક્ષેત્રને સંપૂર્ણ મજબૂતી ન મળી શકી હોય અને જેના પર મોંગોલો વારંવાર હુમલા કરતા હોય.”

બર્નીએ લખ્યું છે, “એક વાર જ્યારે બલબનના દરબારીઓએ તેમને વિનંતી કરી કે તેઓ સૈન્ય જીત નોંધાવીને પોતાનું નામ ઇતિહાસમાં અમર કરી દે, ત્યારે બલબને આ પ્રસ્તાવને ધડમૂળમાંથી નકારી દીધો.”

તેમણે કહ્યું, “મેં મારા સામ્રાજ્યની બધી આવકનો મારી સેનાને મજબૂત કરવા પાછળ ખર્ચ કર્યો છે. મારી સેનાઓ મંગોલ હુમલાનો સામનો કરવા માટે હંમેશાં તૈયાર રહે છે.”

“હું મારું રાજ્ય ક્યારેય નહીં છોડું અને ક્યારેય હું તેનાથી દૂર નહીં જાઉં.”

હલાકૂ સાથે સંપર્ક કર્યો

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Orient Black Swan

દિલ્હી સલ્તનતના મંત્રી તરીકે બલબને મંગોલોના પડકારોનો સામનો ચતુર કૂટનીતિ, સાવધાની અને સૈન્યશક્તિના પ્રદર્શનના સમન્વયથી કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે મંગોલ તેમના સામ્રાજ્યને ગંભીર નુકસાન ન પહોંચાડી શક્યા.

અબ્રાહમ ઇરાલીએ લખ્યું છે, “બલબને ઈરાનમાં મંગોલોના પ્રતિનિધિ અને ચંગેઝખાંના પૌત્ર હલાકૂ સાથે હંમેશાં સારા સંબંધ જાળવી રાખ્યા. હલાકૂએ તેમને આશ્વાસન આપ્યું હતું કે મંગોલ સતલજ નદીથી આગળ નહીં વધે.”

“હલાકૂએ ઈસવીસન 1259માં એક સદ્ભાવના મિશન દિલ્હી મોકલ્યું, જેનું બલબને જોરદાર સ્વાગત કર્યું, પરંતુ તેમણે મંગોલોને એવો આભાસ પણ ન થવા દીધો કે તેઓ સૈનિક રૂપે નબળા નથી.”

મેવાતી લૂટારા વિરુદ્ધ અભિયાન

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Penguin India

બલબનના સમયમાં મેવાતના મેવ લોકોએ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં આતંક ફેલાવ્યો હતો.

બર્નીએ લખ્યું છે, “મેવાતી લોકો દિલ્હીની બાજુના ગ્રામીણ વિસ્તારોમાં લૂંટફાટ કરતા હતા. તેઓ ગાઢ જંગલોમાં છુપાઈ રહેતા હતા, જ્યાંથી ઘણા રસ્તા પસાર થતા હતા.”

“તેઓ લાગ ગોઠવીને મુસાફરો પર હુમલો કરતા હતા, તેમનો બધો સામાન લૂંટી લેતા હતા. તેમની બીકથી બપોરની નમાજ પછી દિલ્હીના પશ્ચિમી દરવાજા બંધ કરી દેવાતા હતા.”

“બલબનને એ લૂંટારાઓનું દુસ્સાહસ પસંદ ન હતો.”

“તેમનો સામનો કરવા માટે તેમણે પોતે એક અભિયાનનું નેતૃત્વ કર્યું. સતત 20 દિવસ સુધી તેમના સૈનિકો મેવ લોકોનાં ઠેકાણાં પર હુમલા કરતા રહ્યા.”

“બલબને પોતાના સૈનિકોમાં એવી જાહેરાત કરાવી કે દરેક મેવનું માથું કાપવા બદલ એક ટંકા અને તેને જીવતો પકડવા બદલ બે ટંકાનું ઇનામ આપવામાં આવશે.”

“પરિણામ એ આવ્યું કે ઘણા મેવાતી લૂંટારાને પકડીને દિલ્હી લાવવામાં આવ્યા.”

“કેટલાક લોકોને હાથીના પગ નીચે કચડી નાખવામાં આવ્યા, તો કેટલાકનાં શરીરના ટુકડા કરી દેવાયા.”

બલબને તેમના ઉપર નિયંત્રણ રાખવા દિલ્હીની આસપાસનાં બધાં જંગલ કપાવી નાખ્યાં અને ત્યાં સૈન્ય ચોકીઓ ઊભી કરી દીધી.

બંગાળના વિદ્રોહને ડામી દીધો

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બલબનની સામે લૂંટારા કરતાં વધારે પડકાર તો તેમના પ્રાંતીય ગવર્નરોએ ઊભા કર્યા. બંગાળ એક મહત્ત્વનું રજવાડું હતું, તેથી બલબને પોતાના સૌથી વધારે વિશ્વાસુ તુગરિલખાંની ત્યાંના ગવર્નર તરીકે નિમણૂક કરી હતી. તુગરિલ ખૂબ સક્રિય અને નીડર વ્યક્તિ હતા, પરંતુ બંગાળ પહોંચ્યાના થોડા સમય પછી તેમણે બલબન વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો.

બર્નીએ લખ્યું છે, “બલબને ત્યારે અવધના ગવર્નર અમીનખાંને તુગરિલને નાથવા મોકલ્યા, પરંતુ તુગરિલે તેમને આસાનીથી હરાવી દીધા. ત્યારે બલબને પોતે બંગાળ જઈને વિદ્રોહને ડામી દેવાનું બીડું ઉઠાવ્યું.”

“જ્યારે બલબન પોતાના સૈનિકોની સાથે ત્યાં પહોંચ્યા, ત્યારે તુગરિલ ત્યાંથી એવી આશાએ ત્રિપુરા તરફ ભાગી ગયા કે બલબન તેમનો પીછો નહીં કરે, પરંતુ બલબને ત્યાં સુધી તેમનો પીછો કર્યો. શાહી સૈનિકોએ પકડીને તેમને મારી નાખ્યા.”

“બલબન તુગરિલને પકડવા ગયેલા સૈનિકોની સાથે લખનૌતી પાછા ફર્યા. ત્યાં તેમણે સંભવિત વિદ્રોહીઓને ચેતવણી આપવાના ભાગરૂપે મુખ્ય બજારની બંને બાજુ ફાંસીના માચડા બનાવી દીધા. તેમણે તુગરિલના બધા પુત્રો અને જમાઈઓને ફાંસી આપવાનો હુકમ આપ્યો.”

પુત્ર બુગરાખાંને બંગાળના ગવર્નર બનાવ્યા

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી સલ્તનતનો વહીવટ સુધારવાનું શ્રેય બલબનને આપવામાં આવે છે.

તેમણે વહીવટની ગરિમા પુનઃ સ્થાપિત કરી. તેમના કડક કાયદા અને તેને લાગુ કરવાના દૃઢ નિશ્ચયે ઉચ્ચ વર્ગના કે નિમ્ન વર્ગના બધા લોકોને તેમની સત્તા માનવા માટે મજબૂર કરી દીધા.

તેમણે ગરિમા, સન્માન અને શક્તિની સાથે પોતાનું રાજ ચલાવ્યું. ઈસવીસન 1285માં મુલ્તાનમાં થયેલા મંગોલો સાથેના યુદ્ધમાં બલબનના સૌથી મોટા પુત્ર અને ઉત્તરાધિકારી મોહમ્મદનું મૃત્યુ થયું. આ દુર્ઘટનાએ બલબનને હચમચાવી નાખ્યા.

બર્નીએ લખ્યું છે, “તેમણે આ શોકગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નીકળવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા.”

“દિવસે તેઓ પોતાનો દરબાર ભરતા, જાણે કે બધું સામાન્ય હોય; પરંતુ, રાત્રે તેઓ દુઃખમાં ચીસો પાડતા, પોતાનાં કપડાં ફાડી નાખતા અને પોતાના માથા પર માટીનો લેપ કરતા.”

“ધીમે-ધીમે બલબનનું શાસન તેના અંત તરફ આગળ વધવા લાગ્યું હતું.”

71 વર્ષની વયે મૃત્યુ

ગ્યાસુદ્દીન બલબન, ગુલામ વંશ, દિલ્હી સલ્તનના સુલતાન, ગ્યાસુદ્દીન બલબન કોણ હતા, ગ્યાસુદ્દીન બલબનનો કાર્યકાળ, ગ્યાસુદ્દીન બલબનની સિદ્ધિઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મોહમ્મદનું મૃત્યુ થયાનાં બે વર્ષ પછી ઈસવીસન 1287માં બલબને પણ આ દુનિયાને અલવિદા કહી દીધી.

તેમણે પોતાના બીજા પુત્ર બુગરાખાંને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો.

તેમણે તેને બોલાવીને કહ્યું, “તારા ભાઈના મૃત્યુએ મને મૃત્યુશય્યા પર લાવી દીધો છે. મારું જીવન ગમે ત્યારે પૂરું થઈ શકે છે. આ તારી ગેરહાજરીનો સમય નથી, કેમ કે, મારી જગ્યા લેવા માટે મારો બીજો કોઈ પુત્ર નથી. તારે મારી પાસે જ રહેવું પડશે. લખનૌતી જવાની ઇચ્છા છોડી દે.”

પરંતુ બુગરાખાંએ પોતાના પિતાની સલાહ ન માની.

બર્નીએ ટિપ્પણી કરી છે, “તે એક બેદરકાર શાહજાદો હતો. તેને દિલ્હીની ગાદીનો કશો મોહ નહોતો. દિલ્હીમાં બે મહિના રહ્યા પછી જ્યારે તેને લાગ્યું કે બલબનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, ત્યારે તે પોતાના પિતાને કહ્યા વગર લખનૌતી પાછો જતો રહ્યો.”

બલબને પોતાના દરબારીઓને બોલાવીને કહ્યું કે તેઓ તેના પૌત્ર ખુસરોને રાજગાદી માટે તૈયાર કરે.

બલબને કહ્યું, “હું જાણું છું કે તે યુવા છે અને શાસન કરવા લાયક નથી; પરંતુ હું બીજું શું કરી શકું?”

આમ કહ્યાના ત્રણ દિવસ પછી સુલતાન બલબને પોતાની આંખો હંમેશ માટે મીંચી દીધી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS