Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Punit PARANJPE / AFP via Getty Images
અપડેટેડ 52 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 5 મિનિટ
રવિવારે અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 ફાઇનલ મૅચ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચેલ સૅંટનરે ટૉસ જીત્યો હતો.
પીચની તાસિરને જોતા તેમણે અપેક્ષા મુજબ જ બૉલિંગ પસંદ કરી હતી. જોકે, ભારતીય બૅટ્સમૅનોએ મહેમાન ટીમના કૅપ્ટનનો નિર્ણય મોંઘો સાબિત કર્યો હતો.
ભારતની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 255 રન બનાવ્યા હતા. ભારતના ટોચના બૅટ્સમૅનોએ 190 કરતાં વધુની સ્ટ્રાઇકરેટથી બૅટિંગ કરી હતી.
જવાબમાં દાવ લેવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમ ઉપર મોટા સ્કોરનું મનોવૈજ્ઞાનિક દબાણ જોવા મળ્યું હતું.
પાવરપ્લૅના અંતે ન્યૂઝીલૅન્ડનો સ્કોર ત્રણ વિકેટના ભોગે 52 રન થયો હતો. સાપેક્ષમાં જોઈએ તો આ તબક્કે ભારતનો સ્કોર 92 રન હતો.
ન્યૂઝીલૅન્ડના ઓપનર અને વિકેટકીપર ફિન એલન નવ રન (સાત બૉલ) બનાવીને આઉટ થયા હતા. અક્ષર પટેલના બૉલને રમવા જતા તેઓ તિલક વર્માના હાથે કૅચ-આઉટ થઈ ગયા હતા.
એ પછી રચિન રવીન્દ્રન (બે બૉલ, એક રન) ચોથી ઓવરના પહેલા જ બૉલે આઉટ થયા હતા. તેનો કૅચ ઇશાન કિશને લપક્યો હતો.
એ પછી ગ્લેન ફિલિપ્સને અક્ષર પટેલે બૉલ્ડ કર્યા હતા. અક્ષરની બૉલ લૅગ સ્ટમ્પને અડકી ગઈ હતી. ગ્લેને પાંચ બૉલમાં પાંચ રન કર્યા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલાં ભારતની ઇનિંગની વાત કરીએ તો રવિવારની મહત્ત્વપૂર્ણ મૅચમાં તેઓ સંજુ સેમસન સાથે ખીલ્યા હતા.
અભિષેક શર્માના 52 રન સ્કોર (21 બૉલ, છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા) પર આઉટ થયા હતા.
બે મૅચથી ભારતીય ટીમના ‘સેવિયર’ બનનાર સંજુ સેમસને ધીમી શરૂઆત કરી હતી. તેમણે 33 બૉલમાં અડધી સદી ફટકારી હતી. એ પછી સેમસને ગતિ પકડી હતી અને 46 બૉલમાં 89 રન (પાંચ ચોગ્ગા, આઠ છગ્ગા) બનાવીને આઉટ થયા હતા.
વર્લ્ડકપ દરમિયાન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનારા ઇશાન કિશન 24 બૉલમાં 54 રન (ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા) માર્યા હતા.
સેસમન, ઇશાન કિશન તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવને (એક બૉલ, શૂન્ય રન) જૅમ્સ નિશમે પેવોલિનય ભેગા કર્યા હતા.
સેમસનના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા (13 બૉલ, 18 રન) મેદાન ઉપર આવ્યા હતા. જોકે, તેઓ ટૂંક સમયમાં આઉટ થઈ ગયા હતા.
નિર્ધારિત 20 ઓવરના અંતે ભારતે પાંચ વિકેટના ભોગે 255 રન બનાવ્યા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
આ પીચ ઉપર એક જ મૅચ રમાઈ છે અને તે ‘નવા જેવી’ જ છે. આ હાઇબ્રીડ પીચની તાસિર જોતા ભારતના બલ્લેબાજોએ પહેલાં બૅટિંગ કરીને જે સ્કોર ખડક્યો છે, તે સન્માનજનક છે.
છતાં આ પીચ ‘રનોની આતશબાજી’ કરાવી શકે એમ હોવાથી ભારતીય બૅટ્સમૅનોએ જેટલો બને એટલો મોટો સ્કોર ખડકવો પડશે.
આજની મૅચમાં ભારત અને ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ તેમની ટીમ સાથે જોડાયેલી ‘માન્યતાઓ’ને દૂર કરવાનો ઇરાદો રાખે છે.
ભારતીય ટીમ સંજુ સેમસન તથા જસપ્રીત બુમરાહ ઉપર મદાર રાખી રહી છે. આ સિવાય ટીમને હોમ પીચ તથા સ્ટેડિયમમાં હાજર સ્થાનિક દર્શકોનો લાભ મળશે.
બીજી બાજુ, ન્યૂઝીલૅન્ડના તમામ ખેલાડીઓ ટીમની જીતમાં ફાળો આપી રહ્યા છે અને લગભગ બધા ફૉર્મમાં છે. મહેમાન ટીમ કોઈ ચોક્કસ ખેલાડીના પર્ફૉર્મન્સ ઉપર આધાર નથી રાખી રહી.
જો કોઈ પણ કારણસર રવિવારે મૅચનું પરિણામ નહીં આવે, તો સોમવારના દિવસને ‘રિઝર્વ ડે’ રાખવામાં આવ્યો છે. ત્યારે મૅચ યોજાઈ શકે છે.
બંને ટીમ સાથે જોડાયેલી માન્યતા
ઇમેજ સ્રોત, Getty Images
1) ફાઇનલની મૅચમાં પહોંચવાની સાથે જ ભારતની ટીમે એક કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. અત્યાર સુધી કોઈ પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ, સતત બીજી આવૃત્તિમાં ફાઇનલ સુધી નથી પહોંચી શકી.
ભારતની ટીમે વર્ષ 2024માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો અને અત્યારે ફરી ફાઇનલમાં પહોંચી છે.
વર્ષ 2023માં આઇસીસી વર્લ્ડકપની ફાઇનલ મૅચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ટીમ ફાઇનલની મૅચમાં મહેમાન ટીમ સામે હારી ગઈ હતી.
એ પછી સુપર-8 રાઉન્ડની મૅચ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામેની મૅચ ભારત હારી ગયું હતું. ટુર્નામેન્ટ પહેલાં અને દરમિયાન હૉટ ફેવરિટ ભારતની ટીમના આ પરાજયે સ્થાનિક ક્રિકેટરસિકોને નિરાશ કર્યા હતા.
એક તબક્કે ટુર્નામેન્ટમાં ભારતનું આગળ વધવું અનિશ્ચિત અને ‘જો’ કે ‘તો’ ઉપર આધારિત થઈ ગયું હતું. ‘હાઇપ્રોફાઇલ મૅચ દરમિયાન આ ટીમ ઉપર ભારતની ટીમ હારે જ છે’ એ માન્યતાને આજે ટીમ ઇન્ડિયા તોડવા માંગશે.
2)ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી. બંને વચ્ચે થયેલી ત્રણ મૅચમાં તમામ ન્યૂઝીલૅન્ડ જીત્યું છે. આ માન્યતાને પણ મૅન-ઇન-બ્લુઝ ખંડિત કરવા માંગશે.
3) બીજી બાજુ, ન્યૂઝીલૅન્ડની ટીમ પણ સુપર-8 રાઉન્ડ દરમિયાન ભારતની જેમ જ પોતાના ગ્રૂપમાં બીજાક્રમે રહી હતી.
મહેમાન ટીમ હજુ સુધી ક્યારેય આઇસીસી ટી20 વર્લ્ડકપ કે આઇસીસી વર્લ્ડકપ જીતી નથી શકી. અમુક વખત તેઓ એક વિજયથી ટ્રૉફીથી દૂર રહી ગયા છે.
આ વખતે તેઓ આ માન્યતાને તોડવા માંગશે અને આઇસીસી ખિતાબ જીતવા માંગશે.
માર્ચ-2025માં દુબઈ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમની ટક્કર થઈ હતી. જેમાં ભારતનો વિજય થયો હતો. એ વાતનું ‘વેર’ કિવીઝના ખેલાડીઓ લેવા ઇચ્છશે.
ન્યૂઝીલૅન્ડની ટીમ તેમની સાથે જોડાયેલું ‘ચૉકર્સ’નું ટૅગ દૂર કરવા ઇચ્છશે.
ભારત વિરુદ્ધ ન્યૂઝીલૅન્ડ
ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર ટુર્નામેન્ટમાં આ મેદાન ઉપર ન્યૂઝીલૅન્ડે એક જ્યારે ભારતે બે મૅચ રમી છે. આ મેદાન ઉપર ન્યૂઝીલૅન્ડની સામે દક્ષિણ આફ્રિકાની ટીમે સાત વિકેટે વિજય મેળવ્યો હતો.
ભારતની ગ્રૂપ રાઉન્ડની છેલ્લી મૅચ આ સ્ટેડિયમમાં નૅધરલૅન્ડ્સ સામે થઈ હતી. જેમાં ભારતનો 17 રને વિજય થયો હતો.
જ્યારે સુપર-8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટક્કર આ મેદાન ઉપર જ થઈ હતી.
ટી20 મૅચના ઇતિહાસમાં બંને વચ્ચે કુલ 30 મૅચ થઈ છે. ભારતે 16 જીતી છે અને 11 મૅચ ન્યૂઝીલૅન્ડ જીતવામાં સફળ રહ્યું છે.
આ સિવાય ત્રણ મૅચ ટાઇ રહી છે. આ ત્રણેય ટાઇ મૅચમાં બે ભારતે સુપર ઓવરમાં જીતી છે જ્યારે કે એક ટીઆરએસ એટલે કે ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત ટાઈ રહી છે.
હવામાન વિશે આગાહી કરતી વેબસાઇટ ઍક્યુવેધરના અનુમાન પ્રમાણે રવિવારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
દિવસ દરમિયાન કોઈ વાદળ જોવા નહીં મળે. વરસાદ કે જોરથી પવન ફૂંકાવાની પણ કોઈ શક્યતા નથી.
મૅચ સાંજે શરૂ થશે. એટલે ગરમીની એટલી અસર ખેલાડીઓ ઉપર નહીં થાય. ભેજનું પ્રમાણ 25 ટકા રહેશે અને 19 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



