Home તાજા સમાચાર gujrati ગુજરાત : ‘ધૂળિયા શહેર’ તરીકે ઓળખાતું અમદાવાદ ધૂળ વિનાનું થઈ શકશે?

ગુજરાત : ‘ધૂળિયા શહેર’ તરીકે ઓળખાતું અમદાવાદ ધૂળ વિનાનું થઈ શકશે?

14
0

Source : BBC NEWS

અમદાવાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી, મ્યુનિસિપલ કૉર્પોરેશન, ધૂળ, પ્રદૂષણ

ઇમેજ સ્રોત, Lakshmi Patel

‘ધૂળિયા શહેર’ તરીકે જાણીતા અમદાવાદ શહેરને ‘ડસ્ટ ફ્રી સિટી’ બનાવવાની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને વર્ષ 2026-27ના બજેટમાં જાહેરાત કરી છે.

અમદાવાદ શહેરનો 480 ચો.કિ.મી.નો વિસ્તાર છે તો તેવા સંજોગોમાં શું અમદાવાદ શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવું શક્ય છે?

કેન્દ્ર સરકારના ક્લીન ઍર ઍક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવા અને અમદાવાદ શહેરમાં ઍર ક્વૉલિટી સુધારણા ઉપર એએમસી ભાર મૂકે છે.

હવાનું પ્રદૂષણ ઘટાડવા અમદાવાદ શહેરમાં ક્લીન ઍર ઍક્શન પ્લાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વર્ષ 2020-21માં રૂ.182 કરોડ, વર્ષ 2021-22માં રૂ. 92 કરોડ, વર્ષ 2022-23માં રૂ. 71.25 કરોડ અને વર્ષ 2023-24માં રૂ. 114.29 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી.

અમદાવાદને ધૂળ વિનાનું કરવાનો પ્લાન શું છે?

અમદાવાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી, મ્યુનિસિપલ કૉર્પોરેશન, ધૂળ, પ્રદૂષણ

ઇમેજ સ્રોત, UGC

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી મળેલી માહિતી અનુસાર શહેરમાં ધૂળનું પ્રમાણ વધવા અંગેનાં કારણોનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જોવા મળ્યું કે અમદાવાદ શહેરની હવામાં PM 10 અને PM 2.5ની વધુ માત્રા પાછળ રોડ-ધૂળ જવાબદાર છે.

એએમસી અનુસાર, શહેરમાં રોડ રિસરફેસ, વ્હાઇટ ટોપિંગ/આરસીસી રોડ અને ઍન્ડ ટુ ઍન્ડ રોડ બનાવવા માટેના પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યા છે. શહેરમાં લેફ્ટ ટર્ન ફ્રી કરવા અને બ્રિજની નીચે વર્ટિકલ ગાર્ડન ઊભા કરવાના પ્રોજેક્ટ અમલી બનાવાયા છે.

એએમસી કહે છે કે અમદાવાદ શહેરની એએમટીએસની તમામ બસો સીએનજી કે ઇલેક્ટ્રિક બસો કરવામાં આવી રહી છે. તેમજ નૅશનલ ક્લીન ઍર પ્રોગ્રામ હેઠળ ઍર ક્વૉલિટી મૅનેજમૅન્ટ સેલની રચના કરાઈ છે.

ઍર ક્વૉલિટીની સુધારવા માટે નવા પેવમેન્ટ રોડ, પાર્ક ઍન્ડ ગાર્ડન, અર્બન ફૉરેસ્ટ/ઑક્સિજન પાર્ક, મિકેનિકલ સ્માર્ટ પાર્કિગ સિસ્ટમ, મિસ્ટ મશીન, સોલાર પૅનલ ઇન્સ્ટૉલેશન, સ્મશાનમાં સીએનજી ભઠ્ઠીઓ, સીએનજી તથા ઇ-બસો માટે પાવર સપ્લાયની કામગીરી કરાઈ રહી છે.

મ્યુનિસિપલ કૉર્પોરેશન અનુસાર, શહેરની 143 ખાનગી બાંધકામ સાઇટોમાં ડસ્ટ સેન્સર ઇન્સ્ટૉલ કરાયાં છે. શહેરમાં કુલ 24 ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશન ઊભાં કરાયાં છે.

એએમસી અને જીપીસીબી ભેગા મળીને શહેરમાં નવાં 10 ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશન ઊભાં કરવાનું આયોજન કરી રહ્યાં છે.

એએમસીમાં ઍર ક્વૉલિટી મુદ્દે કામગીરી કરતાં સાહિલ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે 16 મિસ્ટ મશીન છે. જે પૈકી 6 મિસ્ટ મશીન પિરાણા ડમ્પ સાઇટની આસપાસના રોડ ઉપર તહેનાત કરેલાં છે. કેમ કે, હાલમાં પિરાણા ડમ્પ સાઇટ ખાતે કચરાનો ઢગલો હઠાવવાની કામગીરીની સાઇટ ચાલી રહી છે. બાકીનાં 10 મિસ્ટ મશીનો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કામ કરી રહ્યાં છે. તેમજ વૉલ ટુ વૉલ રોડ પ્રોજેક્ટ કરી રહ્યાં છીએ.”

હવાનું પ્રદૂષણ અટકાવવા બાંધકામની સાઇટો અંગે શું નિયમો ઘડવામાં આવ્યા છે?

અમદાવાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી, મ્યુનિસિપલ કૉર્પોરેશન, ધૂળ, પ્રદૂષણ

ઇમેજ સ્રોત, Lakshmi Patel

શહેરમાં બાંધકામનું કામ ચાલતું હોવાથી વધારે ધૂળ ઊડતી હોય છે, જેના કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું હોવાનું જોવા મળ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા 17 એપ્રિલ 2023ના દિવસે શહેરમાં વાયુપ્રદૂષણ અટકાવવા માટે ઑનગોઇંગ બાંધકામ સાઇટ માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો.

પરિપત્રમાં જણાવ્યું છે કે, “અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવેલી ચાલુ બાંધકામ સાઇટ પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે પૂરતાં પગલાં લેવાની જવાબદારી માલિકની રહે છે તેવું નક્કી કરાયું હતું.

પરિપત્રમાં જણાવ્યું છે કે, “શહેરની ઑનગોઇંગ બાંધકામ સાઇટના બે સ્ટેજ નક્કી કરાયા હતા. આ બંને સ્ટેજે બાંધકામની પ્રવૃતિ સાથે સંકળાયેલાં ડમ્પરો, ટ્રકો, સાધનો, વાહનોનાં ટાયર કે પૈડાં ધોવાની/સફાઈની પૂરતી વ્યવસ્થા સ્થળે કરાવવી તથા આવાં વાહનોને કારણે મ્યુનિસિપલ રસ્તાઓ તથા ફૂટપાથ વગેરેને નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે. જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો રજાચિઠ્ઠી (ડેવલપમેન્ટ પરમિશન) સ્થગિત કરવા સુધીનાં પગલાં લેવામાં આવશે.”

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ પરિપત્ર કર્યા બાદ માર્ચ 2025માં અમદાવાદ શહેર માટે ‘પૉલિસી ઑન ગૂડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ ઇન અમદાવાદ ટૂ રિડ્યુસ ધ ઍર પોલ્યુશન’ અમલી બનાવાઈ હતી.

આ પૉલિસીમાં શહેરની ઑનગોઇંગ બાંધકામ સાઇટના કારણે ઊડતી ધૂળ અને તેનાથી થતાં વાયુપ્રદૂષણને રોકવા માટે દિશાનિર્દેશ નક્કી કરાયાં હતાં.

સાહિલ પટેલે જણાવ્યું હતું કે, “પૉલિસી હેઠળ દરેક બાંધકામ સાઇટ માટે ગ્રીન નેટ ફરજિયાત કરાઈ છે. 20 હજાર ચો.મી. કે તેથી વધુ બિલ્ટઅપ એરિયાની સાઇટ હોય તો તેમાં દરેક ડેવલપરે ડસ્ટ સેન્સર મશીન ઇન્સ્ટૉલેશન કરવા ફરજિયાત છે. અત્યારે અમદાવાદ શહેરમાં 143 બાંધકામ સાઇટમાં ડસ્ટ સેન્સર ઇન્સ્ટૉલ કરાયાં છે. તમામ સેન્સરનું મૉનિટરિંગ કરવાની વ્યવસ્થા છે.”

અમદાવાદ શહેર ધૂળ વિનાનું શક્ય છે?

અમદાવાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી, મ્યુનિસિપલ કૉર્પોરેશન, ધૂળ, પ્રદૂષણ

ઇમેજ સ્રોત, AMC PUBLICITY DEPARTMENT

પર્યાવરણવિદ્ મહેશ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેરને ડસ્ટ ફ્રી બનાવવું શક્ય નથી, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે કોઈ પ્લાનિંગ નથી. વાસ્તવમાં તો મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જ શહેરમાં સૌથી વધુ ધૂળ ઉડાડવામાં આવે છે.

“ઉદાહરણ તરીકે, પહેલાં રોડ બનાવવામાં આવે છે પછી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રોડ તોડીને તેમાં ગટર અને પાણીની લાઇનો નાંખવાનું કામ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવે છે. આ રોડ તૂટી જાય છે, જેથી પણ ધૂળ ઊડતી જોવા મળે છે. પહેલાં ફૂટપાથ બનાવે છે અને પછી એ જ ફૂટપાથ તોડીને એક વર્ષમાં તેની જગ્યાએ પેવર બ્લૉક લગાડવાની કામગીરી કરાય છે.”

તેઓ કહે છે, “પાંદડાં ઉપરની ધૂળ ન ઊડે તે માટે મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરાય છે, પણ તેનાથી કોઈ આશય પૂરો થતો નથી. ધૂળ તો વાતાવરણમાં રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરીજનોની સુખાકારી માટે પ્રોજેક્ટો કરતાં નથી, પણ માત્ર માનીતા કૉન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે પ્રકારે વિવિધ પ્રોજેક્ટો અમલી બનાવવામાં આવે છે.”

પર્યાવરણના મુદ્દે રજૂઆત કરનારાં ઍક્ટિવિસ્ટ જતીન શેઠે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમદાવાદ સાબરમતી નદીની ધૂળ ઊડવાને કારણે ‘ધૂળિયું શહેર’ કહેવાતું હતું. જોકે હવે રિવરફ્રન્ટ બનાવી દેવાને કારણે નદીની ધૂળ તો નથી ઊડતી, પરંતુ એએમસીની નિષ્ફળતાને કારણે શહેરમાં ધૂળ ઊડતી જોવા મળે છે. તેમાં પણ ચોમાસા બાદ રસ્તાઓ તૂટી જવાને કારણે શહેરના દરેક રસ્તાઓ પર ધૂળ ઊડતી જોવા મળે છે.

તેમના મતે, “રસ્તાઓની ખરાબ ગુણવત્તા અને એએમસીના અણઘડ વહીવટને કારણે શહેર ડસ્ટ ફ્રી થવું અશક્ય છે.”

તો એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “એએમસી દ્વારા શહેરમાં ઊડતી ધૂળના પ્રદૂષણને રોકવા માટે મિસ્ટ મશીનો વસાવાયાં છે. શહેરના તમામ રોડને ફૂટપાથ બનાવવી, વધુમાં વધુ વૃક્ષારોપણ માટે મિશન ફૉર મિલિયન ટ્રી ઝુંબેશ જેવાં અસરકારક પગલાં લેવાયાં છે. શહેરમાં બાંધકામ સાઇટો દ્વારા થતાં ઍર પૉલ્યુશનને રોકવા માટે કડક નિયમો બનાવીને તેનો અમલ શરૂ કરાયો છે. ઍર પૉલ્યુશન કરનારી બાંધકામ સાઇટોને પેનલ્ટી કરાઈ રહી છે.”

અમદાવાદ શહેરમાં રોડ તૂટી જવા કે પછી અંડરગ્રાઉન્ડ યુટિલિટી નાંખવા માટે રોડમાં ખાડા કરવા તેમજ પૉલિસીનો અમલ કરવામાં આવતો ન હોવાના જેવા આરોપ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, “અમે અધિકારીઓને કડક સૂચના આપી છે કે શહેરમાં સારી ગુણવત્તાવાળા રોડ બને તે જરૂરી છે. નવા રોડ બનાવતાં પહેલાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી જેવી કે, પાણીની લાઇન, ડ્રૅનેજ લાઇન કે સ્ટૉર્મ વૉટર લાઇન નાંખવાની હોય તો પહેલાં તે કામગીરી પૂર્ણ કરવી. શહેરને ડસ્ટ ફ્રી બનાવવા માટે એએમસી દ્વારા પૉલિસીનું પાલન પણ કરાવાય છે.”

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી મળેલી માહિતી અનુસાર 22 મે, 2025ના દિવસે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઍર પૉલ્યુશન ઘટાડવા માટે શહેરના રહેણાક વિસ્તારોમાં આવેલા રેડી મિક્સ કૉંક્રિટ પ્લાન્ટ (આરએમસી)ને શહેરની બહાર ખસેડવા માટે નિર્ણય કરાયો હતો. જેથી એએમસી દ્વારા શહેરના રહેણાક વિસ્તારોમાં આરએમસી પ્લાન્ટ માટે નવી પૉલિસી જાહેર કરી છે.

15 સપ્ટેમ્બર, 2025ના દિવસે અમદાવાદ શહેરની હદમાં આરએમસી પ્લાન્ટ કાર્યરત્ કરવા માટે પૉલિસી જાહેર કરાઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS