Home તાજા સમાચાર gujrati ગુજરાત : મોરબીનાં સિરામિક્સ કારખાનાંને 122 કરોડનો દંડ કેમ ફટકારાયો?

ગુજરાત : મોરબીનાં સિરામિક્સ કારખાનાંને 122 કરોડનો દંડ કેમ ફટકારાયો?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક સાપ્તાહિક છાપું ચલાવતા પત્રકાર બાબુભાઈ સૈનીએ 2012માં ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ કરી કે મોરબીમાં આવેલા સિરામિક્સનાં કારખાનાં પ્રદૂષણ ફેલાવે છે અને તે પ્રદૂષણને રોકવામાં આવે.

ત્યાર બાદ બાબુભાઈએ 2015માં નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)માં પણ આવી જ ફરિયાદ કરી અને માગણી કરી કે આ કારખાનાંના કૉલ ગૅસીફાયર પ્લાન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે, કારણ કે આ ગૅસીફાયર હવા, પાણી અને જમીનને દૂષિત કરી રહ્યા છે.

ચારેક વર્ષની કાનૂની લડાઈ બાદ એનજીટીએ 6 માર્ચ, 2019ના રોજ મોરબીનાં સિરામિક્સ કારખાનાંમાં ઊભાં કરવામાં આવેલા કૉલ ગૅસીફાયર પ્લાન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો.

સાથે જ ટ્રિબ્યૂનલે કારખાનેદારોને હુકમ કર્યો કે ગૅસીફાયર પ્લાન્ટ્સ ચલાવવાથી પર્યાવરણને પહોંચેલ હાનિ બદલ તેઓ એન્વાયરન્મેન્ટ ડૅમેજ કોસ્ટ (ઇડીસી) એટલે કે પર્યાવરણ નુકસાનની કિંમત ચૂકવે, જેથી પર્યાવરણને પૂર્વવત્ કરવાનાં પગલાં લઈ શકાય.

આ હુકમ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 11 સપ્ટેમ્બર, 2019ના રોજ મોરબીના 606 કારખાનેદારોને નોટિસો ફટકારી અને માગણી કરી કે કારખાનાંએ જેટલા દિવસ સુધી કૉલ ગૅસીફાયર પ્લાન્ટ્સ ચલાવ્યા હોય તે દરેક દિવસ દીઠ રૂપિયા 5000 લેખે ઇડીસી ચૂકવે. આ ઇડીસીની કુલ રકમ 122 કરોડ રૂપિયા થતી હતી.

મોરબીના કારખાનેદારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ નોટિસો સામે ગુજરાત હાઇકોર્ટ, ભારતની સુપ્રીમ કોર્ટ અને એનજીટીમાં અપીલો કરી. છ વર્ષની વધારાની કાનૂની લડત બાદ 25 ફેબ્રુઆરી, 2026ના રોજ એનજીટીએ અપીલોનો ચુકાદો આપતા મોરબીના કારખાનાંને ફટકારવામાં આવેલા 122 કરોડ રૂપિયાના દંડને યોગ્ય અને વાજબી ઠેરવ્યો છે.

મોરબીના ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે કે તેઓ એનજીટીના હુકમ બાબતે શું કરવું તેના માટે કાનૂની સલાહ લેશે અને પછી આગળનાં પગલાં ભરશે.

પત્રકારને પ્રદૂષણ બાબતે ફરિયાદ કરવાનું કેમ સૂઝ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Babubhai Saini

બાબુભાઈ સૈની પાલનપુરમાં વૉઇસ ઑફ ઇન્ડિયા નામનું સાપ્તાહિક ચલાવતા હતા, પરંતુ કેટલાંક વર્ષો પહેલાં તેમણે તે વેચી નાખ્યું અને હાલ તેઓ મુંબઈ રહે છે.

બીબીસી સાથે ફોન પર વાત કરતા 66 વર્ષીય બાબુભાઈએ જણાવ્યું કે તેમને અનાયાસે જ મોરબીના પ્રદૂષણનો જાતઅનુભવ થઈ ગયો.

બાબુભાઈએ કહ્યું, “મોરબીમાં રહેતા મારા એક મિત્રની દીકરીનાં લગ્નમાં હાજરી આપવા હું મોરબી ગયો તો બપોરે પણ વાતાવરણ ધૂળિયું લાગ્યું. મેં મારા મિત્રને પૂછ્યું કે વાતાવરણ કેમ એવું છે? તેમણે કહ્યું કે પ્રદૂષણના કારણે તે કાયમ એવું જ રહે છે, પણ તેના વિશે ફરિયાદ કોણ કરે? મેં એવા પણ અહેવાલ જોયા કે જે ભેંસો મચ્છુ નદીનું પાણી પીતી તેના વાળ ખરી જતા, કારણ કે પાણી પ્રદૂષિત હતું. મને લાગ્યું કે આના વિશે કંઈક કરવું જોઈએ. તેથી મેં આ વાત ગુજરાત હાઇકોર્ટમાં પ્રૅક્ટિસ કરતા મારા મિત્ર ધવલ બારોટને કરી અને 2012માં એક જાહેર હિતની અરજી (પીઆઇએલ) કરી. પછી એનજીટીમાં પણ ફરિયાદ કરી.”

બાબુભાઈએ ઉમેર્યુ, “મારી સામે સાડા ચારસો કંપનીઓ હતી. મને પૈસા દઈને ચૂપ કરવાની કોશિશ કરવામાં આવી. મને ધમકાવવામાં પણ આવ્યો, પણ જો હું આવાં પ્રલોભનો અને દબાણોને વશ થઈ જાઉં તેવો માણસ હોઉં તો પત્રકાર કઈ રીતે રહી શકું? મેં 32 વર્ષ સુધી છાપું ચલાવ્યું છે અને મને કાયદાની સારી સમાજ છે. તેથી, હું 2019 સુધી એકલે હાથે કાનૂની લડત લડ્યો અને છેવટે કોર્ટે પ્રદૂષણ રોકવાનો હુકમ કર્યો.”

કૉલ ગૅસીફાયર શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/BBC

મોરબીનાં સિરામિક્સ કારખાનાં સિરામિક્સ ટાઇલ્સ અને બાથરૂમ તેમજ ટૉઇલેટમાં વપરાતી સેનેટરી આઇટમોના ઉત્પાદન માટે જાણીતાં છે.

ટાઇલ્સ અને સેનેટરીવેર ચાઇના ક્લે પ્રકારની માટી, બેન્ટોનાઇટ, ફેલ્ડસ્પાર જેવાં રસાયણોમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ કાચા માલમાંથી ટાઇલ કે સેનેટરીવેર બનાવવા માટે તેને બારીક દળી, પાણી સાથે મિશ્રણ કરી બીબામાં ઢાળવામાં આવે છે અને પછી અંદાજે 800 ડિગ્રી તાપમાન ધરાવતી ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે.

ભઠ્ઠીમાં આટલી ગરમી ઉત્પન્ન કરવા માટે બળતણની જરૂર પડે છે. સિરામિક્સ પ્રોડક્ટ્સ બનાવવા જરૂરી કાચા માલમાં આ બળતણની કિંમત ઘણી વધારે હોય છે.

ભઠ્ઠી માટે જરૂરી ગરમી કોલસો બાળીને ઉત્પન્ન કરી શકાય છે, પરંતુ તેના માટે ખૂબ વધારે કોલસાની જરૂર રહે અને પ્રદૂષણ પણ ફેલાય. કોલસાની ખાસિયત એ છે કે તેનું અપૂર્ણ દહન કરી તેમાં રહેલી ઊર્જાનું ગૅસમાં રૂપાંતર કરી શકાય છે. આવા માનવસર્જિત ગૅસને સિન્થેટિક ગૅસ કહેવાય છે. આવા ગૅસનું દહન કરતા કોલસાના દહનની સરખામણીએ વધારે ઊર્જા મળે છે.

કોલસાનું સિન્થેટિક ગૅસમાં રૂપાંતર કરવા માટેના પ્લાન્ટને કૉલ ગૅસીફાયર કહેવાય છે. ગૅસીફાયર પ્લાન્ટમાં કોલસાને એક બૉઇલરમાં વરાળ અને હવાની હાજરીમાં ગરમ કરી અપૂર્ણ દહન કરવામાં આવે છે. કોલસો ગરમ થતા તેમાંથી કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ ગૅસ સ્વરૂપે છૂટા પડે છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ધરાવતા સિન્થેટિક ગૅસને ભઠ્ઠીમાં ગરમી ઉત્પન્ન કરવા માટેના બળતણ તરીકે વાપરી શકાય છે.

મોરબીનાં કારખાનાંમાં કૉલ ગૅસીફાયર કેમ લગાડાયા હતા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

મોરબીમાં સિરામિક્સ ઉદ્યોગના અગ્રણી કેજી કુંડારિયા કહે છે કે ગૅસીફાયર લગાડવાનાં એકથી વધારે કારણો હતાં.

બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, “1995ની આસપાસ મોરબીમાં સિરામિક્સ ઉદ્યોગ શરૂ થયો ત્યારે ભઠ્ઠીમાં ગરમી ઉત્પન્ન કરવા માટે અમે કેરોસીન અને ડીઝલ વાપરતા, પરંતુ ચીનમાં સિરામિક્સ ફૅક્ટરીઓ કૉલ ગૅસીફાયરનો ઉપયોગ કરતી હતી અને મોરબી કરતાં ઓછા ખર્ચે સિરામિક્સ પ્રોડકટ્સ બનાવી શકતી હતી. પછી ભારતમાં પણ સિરામિક્સ કારખાનાં માટે કૉલ ગૅસીફાયરની ટૅક્નૉલૉજી આવી. ગૅસીફાયરમાં કોલસો વપરાતો હતો, જેનું ઉત્પાદન ભારતમાં જ થતું હતું. જયારે કેરોસીન-ડીઝલ વગેરે વિદેશથી મંગાવવા પડતાં હતાં. તેથી, ભારત સરકારે કૉલ ગૅસીફાયર પ્લાન્ટ્સ લગાવવા માટે આર્થિક મદદ આપવાનું ચાલુ કર્યું. પરિણામે વર્ષ 2000ની આસપાસથી મોરબીમાં સિરામિક્સ એકમો કૉલ ગૅસીફાયર લગાડવા લાગ્યા.”

કેજી કુંડારિયાએ કહ્યું કે કૉલ ગૅસીફાયરથી પ્રદૂષણ ન ફેલાય એ માટે કૉલ ગૅસીફાયરનાં ધારાધોરણો સરકારે નક્કી કર્યાં હતાં અને મોરબીના સિરામિક્સ કારખાનાંએ નિયત ધારાધોરણો મુજબના કૉલ ગૅસીફાયર પ્લાન્ટ્સ લગાડ્યા હતા.

તેમણે કહ્યું, “જ્યારે એનજીટીએ મોરબીના સિરામિક્સ યુનિટ્સમાં કૉલ ગૅસીફાયર પ્લાન્ટ્સ બંધ કરવાનો હુકમ કર્યો ત્યારે ભારતભરમાં સિરામિક્સ સિવાય કેટલાય ઉદ્યોગોમાં કૉલ ગેસીફાયરનો ઉપયોગ થઈ રહ્યો હતો. એ સમયે દેશમાં અંદાજે 1800થી 2100 કૉલ ગૅસીફાયર કાર્યરત્ હતા.”

એનજીટીએ મોરબીમાં ગૅસીફાયર પર કેમ પ્રતિબંધ મૂક્યો હતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Rajesh Ambliya/BBC

કોલસાના દહનથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર, મેશ, રાખ વગેરે જેવાં તત્ત્વો વાતાવરણમાં ભળતાં પ્રદૂષણ ફેલાઈ શકે છે. તે જ રીતે કૉલ ગૅસીફાયરમાં કોલસામાંથી સિન્થેટિક ગૅસ બનાવવાની પ્રક્રિયામાં કોલસાને પાણીની હાજરીમાં ગરમ કરાતો હોવાથી કૉલટાર નામનું પ્રવાહી બને છે. આ પ્રવાહીમાં પાણી અને કોલસાના કણો હોય છે અને તે પ્રદૂષણ ફેલાવી શકે છે.

આ ઉપરાંત કૉલ સ્લેગ કહેવાતો ઘન પદાર્થ પણ કચરા તરીકે બહાર આવે છે અને તે પણ પ્રદૂષણ ફેલાવી શકે છે. વળી, બૉઇલરને ગરમ કરવા માટે કરાતા દહનથી પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે.

મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલી એનજીટીની વેસ્ટર્ન ઝોન બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન મોરબીમાં પર્યાવરણની સ્થિતિનો ક્યાસ મેળવવા 24 જાન્યુઆરી, 2017ના રોજ એક સમિતિની રચના કરી હતી. તેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નૅશનલ એન્વાયરન્મેન્ટલ એન્જિનિયરિગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી)ના નિષ્ણાતોનો સમાવેશ થતો હતો.

આ સમિતિએ ફેબ્રુઆરી 2018માં તેનો રિપોર્ટ સોંપ્યો અને મોરબીમાં કૉલટાર, સ્લેગ વગેરેના વ્યવસ્થાપનમાં ત્રુટિઓને કારણે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાનું રિપોર્ટમાં જણાવ્યું.

તેથી, એનજીટીએ મોરબીના સિરામિક્સ ઉદ્યોગમાં કૉલ ગૅસીફાયર પ્લાન્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. તેના કારણે મોરબીનાં કારખાનાંને રાતોરાત પાઇપ્‍ડ નૅચરલ ગેસ (પીએનજી) તરફ વળવું પડ્યું હતું, પરંતુ મોરબીમાં પીએનજી પૂરો પાડવામાં ગુજરાત સરકારની ગુજરાત ગૅસ નામની કંપનીનો ઇજારો છે. પછીથી કારખાનાં પ્રોપેન ગૅસ પણ વાપરતાં થયાં છે, જે પીએનજી કરતાં સસ્તો છે અને રિલાયન્સ, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ વગેરે જેવી એક કરતાં વધુ કંપનીઓ એ પૂરો પાડે છે.

પર્યાવરણને નુકસાન બદલ 122 કરોડના દંડ કેવી રીતે નક્કી કરાયો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/BBC

એનજીટીએ 6 ફેબ્રુઆરી, 2019ના રોજ કૉલ ગૅસીફાયર પર પ્રતિબંધ મૂક્યો એ સાથે જ ઇડીસીની રકમ કેટલી હોઈ શકે તે નક્કી કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નીરીના નિષ્ણતોની એક સંયુક્ત સમિતિ બનાવી.

આ ઉપરાંત તેના હુકમનું પાલન થાય તેની દેખરેખ રાખવા માટે દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ બીસી પટેલની આગેવાની હેઠળ એક ઓવરસાઇટ કમિટી એટલે કે દેખરેખ સમિતિની રચના કરી.

સંયુક્ત સમિતિએ પ્રદૂષણનાં વિવિધ પાસાંના અભ્યાસ માટે નીરી, ગાંધીનગરમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (આઇઆઇપીએચ) અને ભોપાલમાં આવેલ ઍડ્વાન્સ્ડ મટિરિયલ્સ ઍન્ડ પ્રોસેસિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એમ્પ્રી)ના નિષ્ણાતોની એક ઉપસમિતિની રચના કરી.

પ્રદૂષણનો તાગ મેળવવા જૉઇન્ટ સમિતિએ 13 માર્ચ, 2019થી 31 માર્ચ, 2019 દરમિયાન મોરબીનાં 952 કારખાનાંની તપાસ અને સર્વે કર્યાં. સમિતિ એવા તારણ પર આવી કે તેમાંથી 568 કારખાનાંમાં કૉલ ગૅસીફાયર પ્લાન્ટ્સ નાખવામાં આવેલા હતા, તેમજ 11 અને 12 સપ્ટેમ્બર, 2019ની સ્થિતિએ 606 કારખાનાં કૉલ ગૅસીફાયરનો ઉપયોગ કરતાં હતાં.

ઇડીસી નક્કી કરવા માટે આઇઆઇપીએચ, નીરી અને એમ્પ્રીએ અલગ-અલગ અભ્યાસો હાથ ધર્યા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/BBC

આઇઆઇપીએચે એના અભ્યાસમાં નોંધ્યું કે મોરબીમાં 15.45 ટકા લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા હતા.

તેણે જણાવ્યું કે મોરબીની હવામાં પાર્ટિક્યુલેટ મૅટર 2.5 તરીકે ઓળખાતા કણોનું પ્રમાણ રાષ્ટ્રીય લેવલે નક્કી કરેલ લેવલ કરતાં પણ વધી જવાના કિસ્સામાં લોકોનું આયુષ્ય બે વર્ષ જેટલું ઘટી શકે છે અને તેથી 69.88 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ સંસ્થાએ એમ પણ જણાવ્યું કે આ પ્રદૂષણને કારણે થતી બીમારી અને બીમારીના કારણે લોકોની કામ કરવાની ક્ષમતા પર પણ વિપરીત અસર પડે છે અને લોકોને સારવાર લેવી પડે છે. તેથી આઇઆઇપીએચે નક્કી કરેલ નુકસાનમાં દસ ટકા સ્વાસ્થ્ય ખર્ચ પેટે ઊમેરતા કુલ નુકસાન રૂપિયા 76.86 કરોડ આંક્યું.

નીરીને તેના અભ્યાસમાં ધ્યાન પર આવ્યું કે સર્વે માટે તેણે જે જગ્યાઓનું નિરીક્ષણ કર્યું, તે જગ્યાએ જમીન અને પાણીમાં જૈવિક સંયોજનોની હાજરી હતી. ઉપરાંત એ પણ ધ્યાને આવ્યું કે કેટલાક જમીન અને પાણીના નમૂનાઓમાં ફિનોલ, ભારે ધાતુ તેમજ પૉલિસાઇક્લિક અરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (પીએએચ)ની હાજરી હતી, જે કોલસા જેવા પદાર્થોના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થઈ શકે છે. અભ્યાસમાં પીએમ 2.5 અને પીએમ 10 કણોનું લેવલ પણ ઊંચું નોંધાયું. આ બધાં પરિબળોને કારણે પર્યાવરણને 43.48 કરોડનું નુકસાન થયું છે, તેમ નીરીએ જણાવ્યું.

એમ્પ્રીએ પણ તેના અભ્યાસમાં નોંધ્યું કે મોરબીમાં સિરામિક્સ ટાઇલ્સના અને સેનેટરીવેરના તૂટેલા ટુકડા નજરે ચડે છે અને આવા કચરામાં સિલિકોન ઑક્સાઇડ અને ઍલ્યુમિનિયમ ઓક્સાઇડનું ઊંચું પ્રમાણ છે.

કયા કારખાનાએ કેટલો દંડ ભરવો પડશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/BBC

પર્યાવરણને પહોંચેલા નુકસાન માટે સમિતિએ કૉલ ગૅસીફાયરનો ઉપયોગ કરતાં કારખાનાંને સંયુક્ત રીતે જબાબદાર ઠેરવ્યાં છે. કોણે કેટલું નુકસાન કર્યું છે તેની ગણતરી કરવા સમિતિએ કારખાનાં કેટલાં મોટાં હતાં તેના પર આધાર રાખ્યો અને તેને નાનાં, મધ્યમ અને મોટાં એમ ત્રણ શ્રેણીમાં વહેચી નાખ્યાં.

જે કારખાનાં બનાવવામાં પાંચ કરોડ રૂપિયા જેટલું મૂડી રોકાણ થયું હોય તેને નાના યુનિટ, પાંચ કરોડથી વધારે પરંતુ દસ કરોડથી ઓછું મૂડીરોકાણ થયું હોય તે મધ્યમ અને દસ કરોડથી વધારે મૂડીરોકાણ કરવું પડ્યું હોય તેને મોટાં કારખાનાંની શ્રેણીમાં મૂકવામાં આવ્યાં.

કારખાનાનું કદ અને તે કારખાનાએ કૉલ ગૅસીફાયર કેટલા દિવસો સુધી ચલાવ્યું તેની ગણતરી કરીને એનજીટીએ તેમને દોઢ લાખથી 32 લાખ સુધીના દંડ ફટકાર્યા છે.

કારખાનાના માલિકો દંડ ભરશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મોરબી, સિરામિક્સ ઉદ્યોગ, ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Nilesh Jetpariya/FB

મોરબી સિરામિક્સ ઍસોસિયેશનમાં વૉલ ટાઇલ ડિવિઝનના પૂર્વ પ્રમુખ અને સિરામિક્સ ઉદ્યોગના અગ્રણી નીલેશ જેતપરિયાએ બીબીસીને જણાવ્યું, “અમે જરૂરી પરમિશનો લઈને કૉલ ગૅસીફાયર ચાલુ કર્યા હતા અને અધિકારીઓએ સ્થળ પર આવીને તેમની ચકાસણી પણ કરી હતી. એનજીટીએ જેવો હુકમ કર્યો કે અમે તરત જ કૉલ ગૅસીફાયર પ્લાન્ટ્સ બંધ પણ કરી દીધા હતા. તેમ છતાં ચુકાદો અમારી વિરુદ્ધ ગયો છે. તેથી અમે આ ઑર્ડર બાબતે કાનૂની અભિપ્રાય લઈશું અને એનજીટીના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીશું.”

બાબુભાઈ સૈની કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણામંત્રી રહી ચૂકેલ ભૈરવદાન ગઢવી અને તેમના દીકરા મુકેશ ગઢવીના પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) તરીકે સેવા આપી ચૂક્યા છે.

મુકેશ ગઢવી દાંતા સીટ પરથી ત્રણ વાર ધારાસભ્ચ ચૂંટાયા હતા. આ પિતા-પુત્ર કૉંગ્રેસના નેતા હતા.

કેજી કુંડારિયા આક્ષેપ કરે છે કે મોરબીનાં સિરામિક્સ કારખાનાં વિરુદ્ધ થયેલા કેસોમાં ધંધાકીય હરીફોનો હાથ છે, પરંતુ બાબુભાઈ આ આક્ષેપને પાયીવિહોણો ગણાવે છે.

તેમણે બીબીસીને કહ્યું, “એવું કઈ નથી. હું મારા મિત્રના ઘરે લગ્નપ્રસંગમાં આવ્યો હતો અને ત્યાં મને પ્રદૂષણ દેખાતા ફરિયાદ કરી. હું તો માત્ર પત્રકાર છું. જો એવી વાત હોત તો ભૈરવદાન અને મુકેશભાઈ જેવા નેતા મને તેના પીએ તરીકે રાખે? અને પ્રદૂષણ રોકવાની સાથે સાથે મેં તો ગુજરાત સરકારને પણ ફાયદો કરાવી આપ્યો છે, કારણ કે તેના કારણે ગૅસ વપરાવા લાગ્યો. માટે ગુજરાત સરકારે તો મારું સન્માન કરવું જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS