Home તાજા સમાચાર gujrati ‘તો બાત બન જાયે…’ : 15 વર્ષની ઉંમરે ફિલ્મફેર જીતનાર પાકિસ્તાની ગાયિકા...

‘તો બાત બન જાયે…’ : 15 વર્ષની ઉંમરે ફિલ્મફેર જીતનાર પાકિસ્તાની ગાયિકા નાઝિયા હસનની કહાણી

6
0

Source : BBC NEWS

નાઝિયા હસન

ઇમેજ સ્રોત, NAZIA HASSAN FAN PAGE

ઝીનત અમાન સાથે પોતાની પુત્રીનો પરિચય કરાવતાં મુનીઝા બસીર હસને કદાચ વિચાર્યું પણ નહીં હોય કે આ પ્રખ્યાત અભિનેત્રીને તેમના ડ્રૉઇંગ રૂમમાં રાખેલા ગિટારમાં પડેલો રસ તેમની પુત્રીનું ભવિષ્ય નક્કી કરશે.

ઝીનત અમાન લંડનમાં મુનીઝાના ઘરે આવ્યાં અને તેમણે ગિટાર જોઈને પૂછ્યું, “આ કોણ વગાડે છે?”

મુનીઝા અનુસાર, “મેં તેમને કહ્યું કે મારાં બંને બાળકો નાઝિયા અને ઝોહૈબ સંગીતમાં રસ ધરાવે છે. નાઝિયા ઘરે જ હતી. જ્યારે તેણે ગીત સંભળાવ્યું ત્યારે ઝીનતજી ખૂબ ખુશ થયાં અને કહ્યું કે નાઝિયા ખૂબ સરસ ગાય છે, તેનો અવાજ અલગ છે.”

મુનીઝા અનુસાર, “બીજા દિવસે ઝીનત અમાને મને ફોન કર્યો અને કહ્યું કે પ્રોડ્યૂસર ફિરોઝ ખાન એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેના માટે તેઓ એક નવો અવાજ શોધે છે અને મને લાગે છે કે તેમને નાઝિયા જેવા અવાજની જરૂર છે.

મારી ના હોવા છતાં ઝીનત અમાને જીદ કરી એટલે મેં વિચાર્યું કે નાઝિયાના પિતા સાથે વાત કરી જોઉં. નાઝિયાના પિતા અને તેમનો પરિવાર રૂઢિવાદી છે. મને તેમને મનાવવા માટે થોડી રકઝક કરવી પડી. અમારા ઘરનું વાતાવરણ એવું રહ્યું છે કે અમે એકબીજાં સાથે વાત કરી શકીએ છીએ.”

પહેલું ગીત

નાઝિયા હસન

ઇમેજ સ્રોત, NAZIA HASSAN FAN PAGE

“મને યાદ છે કે નાઝિયા સ્કૂલ યુનિફૉર્મમાં હતી, અડધી રજા પછી રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં ગઈ હતી. તેમણે તે જ સમયે ગીત રેકૉર્ડ કરાવ્યું, જેના શબ્દો હતા, ‘આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે, તો બાત બન જાયે’ અને પછી જે થયું તે ઇતિહાસનો ભાગ છે.”

નાઝિયા હસને આ ગીત અભિનેતા અને નિર્દેશક ફિરોઝ ખાનની ફિલ્મ ‘કુરબાની’ માટે ગાયું હતું અને તેના મ્યૂઝિક અરેન્જર બિદુ હતા. તેમણે આ ગીતનો આઇડિયા અમેરિકન ગાયક લૂ રૉલ્સના લોકપ્રિય ગીત ‘યૂ વિલ નેવર ફાઇન્ડ’માંથી લીધો હતો.

આ ફિલ્મનાં બીજાં બધાં ગીત ભારતના પ્રસિદ્ધ સંગીતકાર કલ્યાણજી–આનંદજીએ આશા ભોંસલે, મોહમ્મદ રફી અને અન્ય પ્રસિદ્ધ ગાયકો પાસે ગવડાવ્યાં હતાં, પરંતુ વર્ષ 1980માં સર્વશ્રેષ્ઠ ગાયિકાનો પુરસ્કાર નાઝિયા હસનને મળ્યો હતો.

15 વર્ષની ઉંમરે ફિલ્મફેર અવૉર્ડ

નાઝિયા હસન સંગીતકાર બિદુ સાથે

ઇમેજ સ્રોત, NAZIA HASSAN FAN PAGE

મુનીઝા બસીર હસન જણાવે છે કે આ ગીત રેકૉર્ડ કર્યા પછી નાઝિયા પોતાના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયાં અને તેમને એ યાદ પણ નહોતું રહ્યું કે તેણે કોઈ ભારતીય ફિલ્મમાં કોઈ ગીત ગાયું છે.

જ્યારે ફિલ્મ રિલીઝ થઈ અને ગીત લોકપ્રિય થઈ ગયું, ત્યારે એક દિવસ રાજ કપૂરનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે ફિલ્મફેર અવૉર્ડ કમિટીએ નિર્ણય કર્યો છે કે આ વર્ષનો બેસ્ટ સિંગરનો અવૉર્ડ નાઝિયાને આપવામાં આવે. શું તમે લોકો આ અવૉર્ડ લેવા આવી શકો છો?”

જે ઉંમરે નાઝિયા હસને સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો, તે આ પુરસ્કારના 66 વર્ષના ઇતિહાસમાં ફરીથી ક્યારેય ન થયું. મુંબઈની જે હોટલમાં નાઝિયા હસન રોકાયાં હતાં, ત્યાં ભારતીય મીડિયા રિપોર્ટરોની લાઇન લાગતી રહી.

નાઝિયાને આ પુરસ્કાર ખુદ રાજ કપૂરના હાથે મળ્યો. ત્યાર પછી, બૉલીવુડમાં ‘શો મૅન’ તરીકે જાણીતા રાજ કપૂર સહિત ફિલ્મ ઉદ્યોગના દરેક સફળ પ્રોડક્શન હાઉસે નાઝિયા હસનને ‘બ્લૅન્ક ચેક’ની સાથે ફિલ્મોમાં ગાયિકા તરીકે કામ કરવાની ઘણી બધી ઑફર આપી. પરંતુ તેમણે બધાનો જવાબ ‘નકાર’માં આપ્યો.

સીનિયર ઍક્ટ્રેસ બેબી તબસ્સુમ

ઇમેજ સ્રોત, FB/Baby Tabassum

ના પાડવાનું કારણ એ હતું કે નાઝિયા હસન એક એવા પરિવારમાંથી આવતાં હતાં જેમાં શો બિઝનેસ અને ગ્લૅમરને ખરાબ તો નહોતાં સમજાતાં, પરંતુ તેને શિક્ષણથી ચડિયાતાં નહોતાં ગણવામાં આવતાં.

સીનિયર ઍક્ટ્રેસ બેબી તબસ્સુમની સાથે નાઝિયા હસનનો ટીવી ઇન્ટરવ્યૂ તેમના વ્યક્તિત્વનું ઉમદા ‘ટ્રેલર’ છે.

ઇન્ટરવ્યૂમાં નાઝિયા હસનની પારિવારિક પૃષ્ઠભૂમિ, શિક્ષણ, તેમના વ્યક્તિત્વની ઈમાનદારી અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળે છે. તબસ્સુમના નટખટ સવાલોને સાંભળીને નાઝિયા શરમાઈ રહ્યાં હતાં. તેઓ સવાલનો ઘણો નાનો પરંતુ સ્પષ્ટ અને સીધો જવાબ આપતાં હતાં.

તબસ્સુમ પૂછે છે, “ઇન્ટરવ્યૂની શરૂઆતમાં આપણે તમારા શુદ્ધ અને પ્યોર અવાજમાં સાજ વગર એ ગીત કેમ ન સાંભળીએ જેણે ધૂમ મચાવી દીધી છે.”

ત્યાર પછી ટીવી સ્ક્રીન પર નાઝિયાનો ચમકતો ચહેરો જોવા મળે છે. નાઝિયાની મોટી-મોટી આંખોમાં સવાલ છે અને તે પૃષ્ટિ માટે પૂછે છે, ‘આપ જૈસા કોઈ?’ અને પછી ધ્યાનથી થોડુંક ગાય છે.

પછીનો સવાલ હતો, “નાઝિયા, સ્ત્રીત્વ તમારી રગેરગમાં ભરેલું છે. જ્યારે હું તમને જોતી હતી, તો વિચારતી હતી કે જે પ્રકારે તમારા અવાજમાં કોમળતા છે અને તમારા અંગેઅંગમાં જે રિધમ દેખાય છે, એવું લાગે છે જાણે તમે ડાન્સ પણ શીખ્યાં હોવ?” તેના જવાબમાં નાઝિયા કહે છે, “ના”.

તબસ્સુમ નટખટ અંદાજમાં પૂછે છે, “તો આ બધી કારસ્તાની, શીખ્યા વગર આવી ગઈ છે?” આ વાત પર નાઝિયા ‘કારસ્તાની’ શબ્દને દોહરાવતાં તેમને અહેસાસ કરાવે છે કે આ શબ્દની પસંદગી યોગ્ય નથી.

તબસ્સુમે પોતાની વાત સમજાવતાં કહ્યું, “મારો મતલબ એ હતો કે તમે શીખ્યા વગર જ (પ્રલય લાવી દીધો છે/ છવાઈ ગયાં છો) ઉત્કૃષ્ઠ કરો છો. જો આ કલા શીખી લેશો તો આથી પણ વધુ સારું થઈ જશે.” જવાબમાં નાઝિયા કહે છે, “હજી સુધી તો હું શીખી નથી, કેમ કે સ્કૂલના અભ્યાસમાંથી સમય નથી મળતો, સ્કૂલ કે કૉલેજ પૂરી થયા પછી જોઈશ.”

અસહાય બાળકોની દેખરેખ

નાઝિયા હસન પોતાના પરિવારની સાથે

ઇમેજ સ્રોત, ZOHAIB HASSAN

નાઝિયાએ અમેરિકાની સ્કૂલમાંથી ગ્રૅજ્યુએશન કર્યા પછી લંડનમાંથી બિઝનેસ લૉમાં ડિગ્રી મેળવી.

નાઝિયા હસનના નાના ભાઈ અને મ્યૂઝિક પાર્ટનર ઝોહૈબ હસન પોતાની બહેનને યાદ કરતાં કહે છે કે પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી નાઝિયા સંયુક્ત રાષ્ટ્રની વિભિન્ન પરિયોજનાઓ માટે કામ કરતાં રહ્યાં. જેમાં તેમણે વૈશ્વિક મહિલા નેતૃત્વ યોજના અને રાજદ્વારી બાબતોના વિભાગમાં મહત્ત્વપૂર્ણ સેવાઓ આપી. તેઓ બાળકોના અધિકારો અને શિક્ષણ માટે યુનિસેફનાં બ્રાન્ડ ઍમ્બૅસેડર પણ રહ્યાં.

“તેઓ ખૂબ જ હોશિયાર, લાગણીશીલ અને ઉચ્ચ વિચાર ધરાવતી વ્યક્તિ હતાં, જે હંમેશાં લોકો, ખાસ કરીને અસહાય બાળકોની જરૂરિયાતોનો વિચાર કરતાં હતાં.”

તેમના અનુસાર, “જ્યારે તેઓ ઘણાં નાનાં હતાં, ત્યારે પોતાનો જન્મદિવસ ઊજવતાં હતાં, પરંતુ જ્યારે તેઓ 14 વર્ષનાં થયાં અને માએ હંમેશની જેમ તેમના જન્મદિવસની તૈયારી કરતાં તેમને પૂછ્યું કે તેઓ લંડનમાંના કયા મિત્રોને આમંત્રિત કરવા ઇચ્છે છે? ત્યારે નાઝિયાએ કહ્યું કે મા હવે હું બાળક નથી કે જન્મદિવસ ઊજવું.”

“માને ખૂબ આશ્ચર્ય થયું અને કહ્યું, ‘હજી તો તું માત્ર 14 વર્ષની થઈ છો, તું પોતાને એટલી મોટી કેમ સમજે છે?’ નાઝિયાએ માને પૂછ્યું કે હું જે રીતે કહીશ તે રીતે તમે મારો જન્મદિવસ ઊજવશો? માએ હા પાડી, એટલે નાઝિયાએ કહ્યું કે આ કેક અને મારી બધી ગિફ્ટ અનાથ બાળકોને આપી દો. પછી એવું જ થયું અને જ્યાં સુધી નાઝિયા આ દુનિયામાં રહ્યાં, તેમણે પોતાનો‌ જન્મદિવસ આ જ પ્રમાણે ઊજવ્યો.”

ઝોહૈબ જણાવે છે, “વર્ષ 2000માં નાઝિયા આ દુનિયામાંથી જતાં રહ્યાં અને ત્યારથી અમે લંડન, કરાચી અને દુનિયાના અન્ય ભાગોમાં નાઝિયાનો જન્મદિવસ તેમના જણાવ્યા પ્રમાણે જ મનાવીએ છીએ.”

ઝોહૈબ કહે છે, “આમ તો નાઝિયા મારાથી માત્ર દોઢ વર્ષ મોટાં હતાં, પરંતુ ક્યારેક-ક્યારેક તો મને લાગતું હતું કે તે મારી મોટી બહેન નહીં પરંતુ મારી મા હતાં. માએ જણાવ્યું હતું કે નાઝિયા જ્યારે અઢી વર્ષની હતી ત્યારે નાનીએ તેને લાલ જૂતાં ભેટમાં આપ્યાં હતાં. એ લાલ જૂતાં નાઝિયાને ખૂબ ગમતાં હતાં અને તેઓ એ જૂતાં પહેરવાને બદલે પોતાના ખોળામાં મૂકી રાખતાં હતાં.”

“માએ જણાવ્યું હતું કે તે સમયે હું એક વર્ષનો હતો અને પથારીમાં સૂતો હતો. નાઝિયા મારી પથારીની આસપાસ આંટા મારતાં હતાં અને ઇચ્છતાં હતાં કે હું ઊઠીને તેમની સાથે રમું. દેખીતું છે કે એટલી નાની ઉંમરે હું નાઝિયાની ઇચ્છા પૂરી નહોતો કરી શકતો. તેથી તેમણે એ લાલ જૂતાં મારી પથારી પર રાખતાં વિચાર્યું કે હું તને મારી સૌથી મોંઘી વસ્તુ આપી રહી છું, હવે તો ઊઠ!”

ઝોહૈબે પોતાનાં મોટાં બહેનને યાદ કરતાં બીજી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો.

14 દેશોના ટૉપ 10 ચાર્ટ પર નાઝિયા અને ઝોહૈબ છવાયેલાં રહ્યાં

નાઝિયા અને ઝોહૈબ

ઇમેજ સ્રોત, Zoheb Hassan Official Fan Page

નાઝિયા અને ઝોહૈબની જોડીએ દક્ષિણ એશિયામાં આધુનિક સંગીતમાં ક્રાંતિ લાવી દીધી હતી.

આ બંનેને આ ક્ષેત્રમાં પૉપ સંગીતના સંસ્થાપકોમાં ગણવામાં આવે છે. ભાઈ-બહેનની આ જોડીએ ક્ષેત્રમાં અડધી સદીથી પ્રચલિત સંગીત પરંપરાને બદલી નાખી. વર્ષ 1931માં પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’થી લઈને વર્ષ 1980 સુધી જેટલા પણ પ્રયોગ થયા હતા, નાઝિયા હસનના અવાજ અને તેની સાથે વાદ્ય યંત્ર વગાડવાનો અનુભવ એક ખૂબ સુંદર અને અનોખું સંગીત સાબિત થયું.

ગાયક જવ્વાદ અહમદનું કહેવું છે કે ભારતમાં એસડી બર્મન અને કિશોરકુમારનું ગીત ‘મેરે સપનોં કી રાની’ અને પાકિસ્તાનમાં ‘કો-કો કોરિના’ જેને સોહેલ રાણાએ અહમદ રશ્દી પાસે ગવડાવ્યું હતું, આ ક્ષેત્રમાં પૉપ સંગીતની શરૂઆત માની શકાય છે. પરંતુ નાઝિયા ઝોહૈબ અને બિદુએ આ ક્ષેત્રમાં સંગીતની પરંપરાને બદલી નાખી. આ ત્રણેએ જે શૈલીનું સંગીત આપ્યું તેને પ્રશંસકો અને મીડિયાએ ‘નાઝિયા ઝોહૈબ પૉપ મ્યૂઝિક’ નામ આપ્યું.

નાઝિયા અને ઝોહૈબે સાથે પાંચ આલ્બમ બનાવ્યા, જેમાં પહેલો ‘ડિસ્કો દીવાને’ હતો, જે 1981માં આવ્યો અને તેમાં 10 ગીતો સામેલ હતાં, જે બધાં જ સુપરહિટ થયાં. નાઝિયા અને ઝોહૈબનું આ પહેલું આલ્બમ રિલીઝ થયું તે પહેલા જ દિવસે એકલા મુંબઈમાં તેની એક લાખ કૉપીઓ વેચાઈ ગઈ હતી.

‘ડિસ્કો દીવાને’એ પોતાની રિલીઝના 15 દિવસમાં જ પ્લેટિનમ ટાઇટલ જીત્યું અને તેના ત્રીજા અઠવાડિયે આ એવૉર્ડ ડબલ પ્લૅટિનમમાં બદલાઈ ગયો હતો. આ આલ્બમ પાકિસ્તાન, ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, લૅટિન અમેરિકા, કૅનેડા, બ્રિટન, વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા સહિત 14 દેશોમાં ટૉપ ટેન ચાર્ટમાં પહેલા નંબરે રહ્યું. દુનિયાભરમાં તેની 1 કરોડ 40 લાખ કૉપીઓ વેચાઈ હતી, જે તે સમયે એક રેકૉર્ડ હતો.

તેમનો બીજો આલ્બમ ‘બૂમ બૂમ’ હતું અને તે પણ સુપરહિટ. ત્યાર પછી 1992માં આલ્બમ ‘યંગ તરંગ’, ચોથું આલ્બમ ‘હૉટ લાઇન’ અને 1992માં પાંચમું આલ્બમ ‘કૅમરા કૅમરા’ આવ્યું હતું.

જ્યારે નાઝિયા અને ઝોહૈબનાં ગીતના વીડિયો આવ્યા ત્યારે પશ્ચિમી સંગીતની દુનિયામાં મ્યૂઝિક આલ્બમની સાથે વીડિયો બનાવવાની પરંપરા જરૂરી બની ગઈ અને ભારત-પાકિસ્તાન સહિત એશિયન મૂળની અમેરિકન અને બ્રિટિશ યુવાપેઢીએ આ ટ્રેન્ડને અપનાવતાં મ્યૂઝિક બૅન્ડ્સ બનાવ્યાં.

શબ્દ નાઝિયાના અને ધૂન ઝોહૈબની

'ડિસ્કો દીવાને'એ પોતાની રિલીઝના 15 દિવસમાં જ પ્લેટિનમ ટાઇટલ જીત્યું અને તેના ત્રીજા અઠવાડિયે આ એવૉર્ડ ડબલ પ્લૅટિનમમાં બદલાઈ ગયો હતો.

ઇમેજ સ્રોત, DISCO DEWANE COVER

નાઝિયા અને ઝોહૈબને એક વખત પૂછવામાં આવ્યું હતું કે તમારું સંગીત શુદ્ધ પશ્ચિમી નથી અને તેને પૂર્વીય પણ ન કહી શકાય; શું તમે ફ્યૂઝન કર્યું? તેનો નાઝિયાએ જવાબ આપ્યો હતો, “અમે તો માસૂમિયત સાથે પોતાના દિલની વાત માનતાં હતાં, દિલમાંથી નીકળતા અવાજને લોકો સુધી પહોંચાડતાં હતાં, જેને લોકોએ પસંદ કર્યો.”

જ્યારે તે બંનેને પૂછવામાં આવ્યું કે તમે કામ કઈ રીતે કરો છો? તો તેમણે કહ્યું, “અમે ભાઈ-બહેન તો છીએ જ, સાથે-સાથે મિત્રો પણ છીએ. અમે ચર્ચા કરીએ છીએ, ઝઘડીએ છીએ અને એ રીતે અમે સંગીત બનાવીએ છીએ.”

નાઝિયા અને ઝોહૈબની જોડીમાં શબ્દો લખવાનું કામ નાઝિયાનું હતું અને ધૂન બનાવવાની જવાબદારી ઝોહૈબની હતી. નાઝિયા પણ ધૂન બનાવતાં હતાં, પરંતુ ઝોહૈબની પાસે વીટો શક્તિ હતી, એટલે કે ધૂનનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો હક ધરાવતા હતા.

નાઝિયા હસનના પહેલા શિક્ષક ‘સોહેલ અંકલ’

નાઝિયા અને ઝોહૈબ

ઇમેજ સ્રોત, NAZIA HASSAN FAN PAGE

નાઝિયા હસન પોતાને સંગીત પ્રત્યે આકર્ષિત કરવાનું શ્રેય સંગીતકાર સોહેલ રાણાને આપતાં હતાં. તેઓ કહેતાં હતાં કે સોહેલ રાણા કરાચી ટીવી પર બાળકોનો સંગીત કાર્યક્રમ ‘સંગ સંગ ચલતે રહના’ કરતા હતા અને તેમણે ઝોહૈબની સાથે એ જ ટીવી શોથી ગાવાનું શરૂ કર્યું હતું.

“અમે બંને તેમની કાયમી ટીમનો ભાગ નહોતાં, પરંતુ જ્યારે અમે લંડનથી કરાચી જતાં હતાં ત્યારે અમે આ શોમાં સામેલ થઈ જતાં હતાં.”

મુનીઝા બસીર જણાવે છે કે પ્રોડ્યૂસર સુલ્તાના સિદ્દીકીએ આ પ્રોગ્રામમાં પહેલાં નાઝિયાને રાખ્યાં હતાં અને ત્યાર પછી ઝોહૈબ પણ પ્રોગ્રામમાં સામેલ થઈ ગયા હતા.

સોહેલ રાણાએ બીબીસીને કહ્યું કે, “મને નાઝિયા હસનને યાદ કરતાં ગર્વ થાય છે. જ્યારે હું પહેલી વાર નાઝિયાને મળ્યો ત્યારે તે છ કે સાત વર્ષનાં હતાં. તેઓ ખૂબ જ હોશિયાર અને સુંદર છોકરી હતાં. હું તેમને જે પણ ધૂન યાદ કરાવતો તેઓ તરત તેને યાદ કરી લેતાં હતાં. તેઓ મારા કાર્યક્રમમાં એ બે-ત્રણ બાળકોમાંનાં એક હતાં જે ખૂબ ખાસ હતાં.

સોહેલ રાણાએ જણાવ્યું કે, “નાઝિયા અને ઝોહૈબે મારાં ગીત યાદ કરી લીધાં હતાં. તે બંને મારાં બે ગીત ‘આ જા ચાંદ ન જા’ અને ‘ગાયે જા કોયલ કૂ કૂ કૂ’ ઉત્સાહથી ગાતાં હતાં.

“એક ખૂબ જ સુંદર આત્મા જે દુનિયામાં આવેલો”

નાઝિયાનાં માતા-પિતા સાથે ગાઢ સંબંધ રાખનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સીનેટર જાવેદ જબ્બારનું કહેવું છે કે જો હું નાઝિયાને યાદ કરું, તો હું કહીશ કે તે એવી નાની છોકરી હતી, જેનું દિલ ઘણું વિશાળ હતું.

“તે ઘણાં હોશિયાર હતાં. તે મહાન કલાકાર હોવાની સાથે-સાથે એક સારી વ્યક્તિ પણ હતાં. તેમનામાં જાણવા અને શીખવાની ક્ષમતા હતી, તેમને દુનિયાની પરિસ્થિતિમાં રસ હતો.”

“સૌથી વધુ તો, તેમની અંદર લોકોની ભલાઈ માટે ઘણું બધું કરવાનો જુસ્સો હતો.” તેમણે પોતાના ટૂંકા જીવનમાં માનવતાની ભલાઈ માટે ઘણું બધું કર્યું. તેમનું કહેવું હતું કે, “આપણે તેમને ભૂલવાં ન જોઈએ અને તેમને યાદ રાખવાની સાથે-સાથે તેમના મિશનને આગળ વધારવું જોઈએ.”

‘ગોલ્ડન વૉઇસ’ માટે મારી પાસે પણ એક નામ છે, ‘મા’

નાઝિયા હસન

ઇમેજ સ્રોત, NAZIA HASSAN FAN PAGE

નાઝિયા હસન જીવનના અંતિમ દિવસોમાં ફેફસાંના કૅન્સર સામે ઝઝૂમતાં આ દુનિયામાંથી ચાલ્યાં ગયાં.

જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમનો એકમાત્ર પુત્ર અરીઝ હસન માત્ર બે કે અઢી વર્ષનો હતો. અરીઝનું કહેવું છે કે તેનાં દિલ અને દિમાગમાં તેમની માતાની માત્ર આછી યાદો છે. “તેઓ મને પ્રાણી સંગ્રહાલય લઈ ગયાં હતાં.”

તેમણે કહ્યું, “મારી માને ‘ગોલ્ડન વૉઇસ’ અને ‘પૉપ મ્યૂઝિકનાં પાયનિયર’નાં નામથી યાદ કરવામાં આવે છે. મારી પાસે પણ તેમના માટે એક નામ છે, ‘મા’. તેઓ મારી મા હતાં. જ્યાં સુધી મારી મા આ દુનિયામાં રહ્યાં, તેમણે લોકોની ભલાઈ વિશે વિચાર્યું અને તેમની જરૂરિયાતો પૂરી કરવાની કોશિશ કરી. હું પણ આ કોશિશ ચાલુ રાખીશ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS