Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
અપડેટેડ 3 કલાક પહેલા
વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનના તેહરાન અને બીજાં કેટલાંક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટ થયા છે. સૌથી પહેલાં ઇઝરાયલે ઈરાન પર હુમલાની જાહેરાત કરી અને ત્યાર પછી અમેરિકાએ પણ હુમલો કર્યો છે.
આજે ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ જાહેરાત કરી કે “સતર્કતા રાખીને ઈરાન પર પહેલો હુમલો” કરવામાં આવ્યો છે.
ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર આઠ મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો. તેમાં તેમણે પુષ્ટિ કરી કે ઈરાન પર હુમલામાં અમેરિકા પણ સામેલ છે.
ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે નિવેદનમાં સમગ્ર ઇઝરાયલમાં ‘વિશેષ અને સ્થાયી કટોકટીની સ્થિતિ’ની જાહેરાત કરી છે.
સમાચાર સંસ્થા રૉયટર્સે ઇઝરાયલના સંરક્ષણ મંત્રીને ટાંકતા જણાવ્યું છે કે ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ પૂર્વવ્યાપી મિસાઇલ હુમલો કર્યો હતો.
ઇઝરાયલની સેનાએ ઘોષણા કરી છે કે તેણે દેશમાં કેટલાય વિસ્તારોમાં હવાઈ હુમલાનાં સાયરન વગાડ્યાં છે જેથી જનતાને ઈરાનની જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલ પર રૉકેટ હુમલાની સંભાવના માટે તૈયાર કરી શકાય.
ઈરાનનું કહેવું છે કે ઇઝરાયલે એક કન્યાશાળા ઉપર હુમલો કર્યો હતો, ત્યાં 40 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 48 અન્ય ઘાયલ થયા છે.
આને કારણે ઈરાનના રસ્તાઓ ઉપર અંધાધૂંધી અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
અલગ-અલગ ખાડી દેશોમાં રહેલાં અમેરિકાનાં સૈન્ય મથકોને ટાર્ગેટ કરીને ઈરાને મિસાઇલહુમલા કર્યા છે. આ મિસાઇલોને આંતરવામાં આવી રહી છે.
મધ્ય પૂર્વ એશિયાના દેશોમાં તણાવને પગલે આંતરરાષ્ટ્રીય હવાઇયાત્રાને પણ અસર થઈ છે અને કેટલાક રૂટ બદલવામાં આવ્યા છે.
મધ્ય-પૂર્વ એશિયાના અલગ-અલગ દેશોમાં અમેરિકન મથકો ઉપર હુમલા

બહેરીનની રાજધાનીમાં અમેરિકાના પાંચમા નૌકાકાફલાનું મથક છે. ત્યાં ધડાકા સંભળાયા હતા. બહેરીનના નૅશનલ કૉમ્યુનિકેશન સેન્ટરે આ વાતની પુષ્ટિ કરી હતી.
અહીં રહેલો અહીંનો કાફલો, ખાડી દેશ, રાતા સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર, અરબ સાગર તથા હિંદ મહાસાગરના કેટલાક ભાગો ઉપર નજર રાખે છે.
કતારની રાજધાની દોહામાં કેટલાક ધડાકા સંભળાયા છે. કતાર, સંયુક્ત આરબ અમિરાત, કુવૈત, બહરની તથા જૉર્ડનનું કહેવું છે કે તેમના દેશમાં રહેલાં અમેરિકાના સૈન્યમથકોને નિશાન બનાવીને ઈરાનમાંથી મિસાઇલો છોડવામાં આવી રહી છે. જેને આંતરવામાં આવી રહી છે.
દોહાથી બીબીસી સંવાદદાતા બાર્બરા પ્લેટ અસરનું કહેવું છે કે ‘આરબ દેશો વળતો હુમલો કરી શકશે, પરંતુ એ પહેલાં તેઓ ગણતરી માંડશે. ટ્રમ્પ સરકારે તેના આરબ સહયોગી દેશોના બદલે ઇઝરાયલની વાત સાંભળી હોય એમ લાગે છે.’
બીજી બાજુ, ઇઝરાયલમાં પણ તણાવ પ્રવર્તી રહ્યો છે. લોકોને ઍલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, તેમણે સુરક્ષિત આશ્રયસ્થાનોમાં પનાહ લીધી છે.
બીબીસીના ઇન્ટરનૅશનલ ઍડિટર જર્મી બોવેનનું કહેવું છે કે ઈરાનમાં આર્થિકસંકટ પ્રવર્તે છે અને તાજેતરનાં વિરોધપ્રદર્શનોને કડક હાથે કચડી નાખવામાં આવ્યાં હતાં. એ પછી અમેરિકા અને ઇઝરાયલનું માનવું છેકે ઈરાન અત્યારે ખૂબ જ કફોળી સ્થિતિમાં છે અને અત્યારે તક છે.
ઇઝરાયલે આ હુમલાને ‘જોખમ ટાળવા’ માટેના હુમલા ગણાવ્યા છે, પરંતુ તેના ઉપર શું જોખમ હતું, તેના વિશે સ્પષ્ટતા નથી કરી. જોકે, તેનાથી આગળ શું થશે એ કહી ન શકાય તેવી જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે.
‘સત્તાનાં સૂત્રો તમારા હાથમાં લઈ લો’
ઇમેજ સ્રોત, Reuters
ફાર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે તેહરાનના ડાઉનટાઉનમાં કેટલાક બ્લાસ્ટનો અવાજ સંભળાયો છે. એજન્સીએ તેહરાનના ડાઉનટાઉનમાં થયેલા ત્રણ બ્લાસ્ટની તસવીરો પ્રકાશિત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે “અમેરિકાએ ઈરાનમાં એક મોટું યુદ્ધ અભિયાન શરૂ કર્યું છે.”
ટ્રમ્પે જણાવ્યું કે “અમારો લક્ષ્ય ઈરાની શાસન દ્વારા પેદા થયેલા ખતરાને ખતમ કરીને અમેરિકાના લોકોનું રક્ષણ કરવાનો છે.”
ટ્રમ્પે કહ્યું કે, “અમે વારંવાર ડીલ કરવાનો પ્રયાસ કર્યો. અમે કોશિશ કરી. અમે તેમની મિસાઇલોને નષ્ટ કરી દેશું અને તેમના મિસાઇલ ઉદ્યોગને ખતમ કરી દેશું. તેને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે.”
ઈરાનની રાજધાની તહેરાનમાં વિસ્ફોટ સંભળાયા એ પછી ટ્રમ્પે પોતાના ટ્રૂથ સોશિયલ હૅન્ડલ ઉપર વીડિયો પોસ્ટ કર્યો હતો.
વીડિયોમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાનની મિસાઇલ ઇન્ડસ્ટ્રીનો નાશ કરી દેવામાં આવશે તથા ઈરાનના નૌકાદળનો “સર્વનાશ” કરી દેશે.
ટ્રમ્પે કહ્યું હતું કે “આ અભિયાનમાં કેટલાક અમેરિકન નાયકોનાં મૃત્યુ થઈ શકે છે અને કેટલાક જીવ જશે.”
તેમણે ઈરાનના નાગરિકોને આહ્વાન કર્યું હતું કે “સ્વતંત્રતા તમારા હાથવેંતમાં છે” અને ઉમેર્યું હતું “આગળ આવો અને સત્તાનાં સૂત્રો સંભાળી લો.”
અમેરિકાએ યુએઈમાં રહેલા નાગરિકો માટે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યા છે અને ઍડ્વાઇઝરી સાર્વજનિક કરી છે.
ઈરાનના પૂર્વ શાહ રઝા પહલવીએ પણ વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો અને કહ્યું હતું કે “જે મદદનો વાયદો કરવામાં આવ્યો હતો, તે પહોંચી ગઈ છે.”
બીજી બાજુ, બહેરીનની રાજધાનીમાં વિસ્ફોટ સંભળાયા છે. તે અમેરિકાના પાંચમા નૌકાકાફલાનું મથક છે. આ વાતની સમાચાર સંસ્થાઓએ પુષ્ટિ કરી છે.
ઈરાનમાં “લગભગ પૂર્ણપણે” ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે અને ખાડી દેશોમાંથી અવરજવર કરતી અનેક ફ્લાઇટ્સના રૂટ બદલી દેવામાં આવ્યા છે.
ઇઝરાયલમાં ઇમરજન્સીની જાહેરાત

સમાચાર એજન્સીએ જણાવ્યું કે પ્રારંભિક રિપોર્ટ મુજબ દાનેશગાહ સ્ટ્રીટ અને જોમ્હુરી ક્ષેત્રમાં અનેક મિસાઇલ પડી છે.
ઈરાનની કેટલીક સમાચાર સંસ્થાઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે કેટલાક શહેરોમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે.
તેહરાન ઉપરાંત કરમાનશાહ, કોમ, લોરેસ્તાન, કરાઝ અને તબરીઝ શહેરમાં પણ મીડિયાએ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે.
ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે તેમની ઍરસ્પેસને નાગરિક ઉડાનો માટે બંધ કરવામાં આવી છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)એ એક્સ પોસ્ટમાં જણાવ્યું કે દેશમાં આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે.
ઇમેજ સ્રોત, Reuters
નિવેદનમાં જણાવાયું છે કે “પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી નક્કી કરવામાં આવ્યું કે આજે (શનિવારે) સવારે આઠ વાગ્યાથી હોમ ફ્રન્ટ કમાન્ડ ગાઇડલાઇન્સમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવશે.”
“આ ફેરફારો હેઠળ દેશના તમામ વિસ્તારોમાં માત્ર જરૂરી સેવાઓ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. આ ગાઇડલાઇનમાં જરૂરી સેક્ટરને બાદ કરતા, શિક્ષણ, લોકોના એકઠા થવાની અને કામ કરવાની જગ્યા પર રોક લગાવવાનું સામેલ છે.”
તેમાં જણાવાયું છે કે, “સામાન્ય લોકોએ ઑફિશિયલ હોમ ફ્રન્ટ કમાન્ડ ચેનલ પર જારી ગાઇડલાઇન્સ માનવાની રહેશે. સમગ્ર ગાઇડલાઇન્સ નૅશનલ ઇમરજન્સી પોર્ટલ અને હોમ ફ્રન્ટ કમાન્ડ એપ પર અપડેટ કરવામાં આવશે.”
બીબીસી જેરુસલેમ સંવાદદાતા હ્યુગો બાચેગા દ્વારા વિશ્લેષણ
ઇમેજ સ્રોત, EPA/Shutterstock
ઇઝરાયલમાં સ્થાનિક સમય મુજબ સવારે 08:15 વાગ્યે (06:15 જીએમટી) સાયરન વાગ્યું, તેના દ્વારા લોકોને સંભવિત મિસાઇલ હુમલાની ચેતવણી આપવામાં આવી હતી.
ઇઝરાયલી હુમલા એવા સમયે થયા, જ્યારે અમેરિકા અને ઈરાનના અધિકારીઓ વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા અને યુદ્ધ ટાળવા જેવા વિષયો પર રાજનૈતિક પ્રયત્નો ચાલી રહ્યા છે, તેમજ આવતા અઠવાડિયે ફરીથી આ બાબતે વાટાઘાટો થવાની શક્યતા છે.
ઈરાને આ વાટાઘાટોમાં કેટલીક છૂટ આપી હતી. પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે કહ્યું હતું કે વાટાઘાટો જે રીતે ચાલી રહી છે,તેઓ તેનાથી સંતુષ્ટ નથી. આ તે જ ટ્રમ્પ છે જેમણે ઈરાન પર હુમલો કરવાની અને તેના નેતાઓને કરાર સ્વીકારવા માટે દબાણ કરવાની ધમકી આપી હતી.
2003માં અમેરિકાના નેતૃત્વ હેઠળના ઇરાક પર થયેલા આક્રમણ પછી ટ્રમ્પે મધ્ય પૂર્વમાં મોટા પાયે અમેરિકાના લશ્કરી જમાવટનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમણે સમજાવ્યું નહીં કે, લશ્કરી કાર્યવાહીની જરૂર કેમ પડી હતી. આ દરમિયાન, ઈરાને જવાબમાં કાર્યવાહી પ્રતિજ્ઞા લીધી છે.
ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે કહ્યું છે કે, “આ હુમલો દેશ પરના ખતરાને ખતમ કરવા માટે એક પૂર્વવ્યાપી હુમલો છે. ગયા વર્ષે જૂનમાં ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો હતો. પછી યુદ્ધ 12 દિવસ ચાલ્યું. અંતે, અમેરિકા ઇઝરાયલ સાથે સંઘર્ષમાં જોડાયું અને ઇરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી.”
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં જ ઈરાનની બૅલિસ્ટિક મિસાઇલોથી ઇઝરાયલ માટે ઊભા થયેલા ખતરા અંગે ચેતવણી આપી હતી, અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કેન્દ્રિત કરારનો વિરોધ કર્યો હતો.
ઈરાને તેના બૅલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પર મર્યાદાઓ નક્કી કરવા અને ગાઝામાં હમાસ, લેબનોનમાં હિઝબુલ્લાહ, ઇરાકમાં મિલિશિયા, યમનમાં હૌથી જેવા ક્ષેત્રનાં જૂથોને ટેકો આપવાનો અંત લાવવાનો ઇનકાર કર્યો છે, જેને લઈને તેનું કહેવું છે કે તે તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



