Home તાજા સમાચાર gujrati ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પે કહ્યું, ‘મેં હસ્તક્ષેપ ન કર્યો હોત, તો 3.5...

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પે કહ્યું, ‘મેં હસ્તક્ષેપ ન કર્યો હોત, તો 3.5 કરોડ લોકો મરી ગયા હોત’ – ન્યૂઝ અપડેટ

23
0

Source : BBC NEWS

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પે કહ્યું, 'મેં હસ્તક્ષેપ ન કર્યો હોત, તો 3.5 કરોડ લોકો મરી ગયા હોત' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

25 ફેબ્રુઆરી 2026, 07:31 IST

અપડેટેડ 3 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરી ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે નિવેદન આપ્યું છે.

તેમણે અમેરિકાની સંસદ (કૉંગ્રેસ)ને સંબોધિત કરતાં કહ્યું, “પાકિસ્તાન અને ભારત વચ્ચે પરમાણુ યુદ્ધ શરૂ થઈ જાત, પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે જો મેં હસ્તક્ષેપ ન કર્યો હોત, તો 35 મિલિયન (3.5 કરોડ) લોકો માર્યા ગયા હોત.”

ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન અન્ય દેશોના સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પોતાના પ્રથમ 10 મહીનાના કાર્યકાળમાં તેમણે ‘આઠ યુદ્ધો સમાપ્ત’ કરાવ્યાં.

અમેરિકાના રાષ્ટ્રપતિએ મંગળવારે (ભારતીય સમય મુજબ–બુધવાર) અમેરિકાની સંસદ એટલે કે કૉંગ્રેસમાં પોતાનું વાર્ષિક સંબોધન આપ્યું.

આ સંબોધન ‘સ્ટેટ ઑફ ધ યુનિયન’ તરીકે ઓળખાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદમાં કેમ કહ્યું, ‘આપણો દેશ પુનરાગમન કરી રહ્યો છે’

ડોનાલ્ડ ટ્રમ્પ, સ્ટેટ ઓફ યુનિયન ભાષણ, ઇલિગિલ ઇમિગ્રેશન, ફેન્ટાનિલ અને મોંઘવારી વિશે શું કહ્યું, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર,

ઇમેજ સ્રોત, Win McNamee/Getty

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘આપણો દેશ પુનરાગમન’ કરી રહ્યો છે. તેમણે પોતાના આર્થિક ઍજન્ડાની પણ પ્રશંસા કરી હતી.

આ સિવાય ટ્રમ્પે અમેરિકાની સરહદોને ‘સૌથી મજબૂત અને સુરક્ષિત’ કહી હતી. અમેરિકાની સંસદના વાર્ષિક સંબોધન ‘સ્ટેટ ઑફ ધ યુનિયન’ દરમિયાન ટ્રમ્પે આ વાતો કરી હતી.

ટ્રમ્પના સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન ઇમિગ્રેશન મહત્ત્વપૂર્ણ મુદ્દો હતો. જેના વિશે બોલતા ટ્રમ્પે કહ્યું કે તેમની સરકારે ઇલિગલ ઇમિગ્રેશન તથા સરહદ પારથી આવતા ફેન્ટાનિલને અટકાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

ટ્રમ્પે કહ્યું હતું કે “ચાર વર્ષ સુધી લાખો ગેરકાયદેસસર ઇમિગ્રન્ટ કોઈપણ જાતની રોકટોક અને તપાસ વગર આપણી સરહદમાં પ્રવેશ્યા છે. હવે આપણી પાસે અમેરિકાના ઇતિહાસની સૌથી મજબૂત અને સૌથી સુરક્ષિત સરહદો છે.”

ટ્રમ્પે દાવો કર્યો હતો, “સરહદ પારથી આવતા ઘાતક ફેન્ટાનિલની તસ્કરીમાં એક વર્ષમાં 56 ટકા જેટલો રેકૉર્ડ ઘટાડો નોંધાયો હતો.”

ટ્રમ્પે કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન ‘અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ મોંઘવારી હતી. અને વર્તમાન સરકારના કાર્યકાળમાં પાંચ વર્ષના સૌથી નીચેના સ્તરે છે.

જોકે ટ્રમ્પના આ સંબોધનનો મોટાભાગના વિપક્ષી (ડેમૉક્રેટ) સાંસદોએ વિરોધ કર્યો હતો. ટ્રમ્પના ભાષણ પહેલાં ટૅક્સાસમાંથી સંસદસભ્ય અલ ગ્રીનને કૉંગ્રેસમાંથી (અમેરિકાની સંસદ) બહાર લઈ જવાયા હતા.

ટ્રમ્પે સંસદમાં ઍન્ટ્રી કરી, ત્યારથી તેમના હાથમાં તકતી હતી, જેમાં ‘કાળા’ લોકો સાથે ભેદભાવ વિશે વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ ટ્રમ્પ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વંશીય ભેદભાવપૂર્ણ વીડિયોના સંદર્ભમાં હતો. જેમાં અમેરિકાના પ્રથમ બ્લૅક રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ‘વાનર’ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા હતા.

ગત વર્ષે પણ ટ્રમ્પના ભાષણમાં ખલેલ નાખવાને કારણે બહાર કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીનો ઇઝરાયલ પ્રવાસ, વિપક્ષના નેતાએ હિંદીમાં પોસ્ટ કરીને કર્યું સ્વાગત

પીએમ મોદીનો ઇઝરાયલ પ્રવાસ, વિપક્ષ નેતાએ હિંદીમાં પોસ્ટ કરીને કર્યું સ્વાગત- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Eyal Warshavsky/SOPA Images/LightRocket via Getty

ઇઝરાયલના પૂર્વ વડા પ્રધાન અને વિપક્ષ નેતા યેર લાપિડે હિંદીમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઇઝરાયલમાં સ્વાગત કર્યું છે.

તેમણે પીએમ મોદીને ઇઝરાયલના સાચા મિત્ર ગણાવ્યા છે.

લાપિડે મંગળવારે મોડી રાત્રે ઍક્સ પર લખ્યું, “આખું ઇઝરાયલ કાલે (25 ફેબ્રુઆરી) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ઉત્સુક છે. તેઓ ઇઝરાયલના સાચા મિત્ર છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે સંબંધ માત્ર એક રણનીતિક સંબંધ જ નથી પરંતુ રાષ્ટ્રો વચ્ચે ગહેરી મિત્રતાનું બંધન છે.”

વડા પ્રધાન આજે એટલે કે બુધવારે ઇઝરાયલ પહોંચશે. તેઓ બે દિવસના ઇઝરાયલ પ્રવાસે જઈ રહ્યા છે.

ટી20 વિશ્વકપ : પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચનારી ઇંગ્લૅન્ડ બની પહેલી ટીમ

ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકે માત્ર 51 બૉલમાં 100 રન બનાવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ટી20 વિશ્વકપના સુપર-8 મુકાબલામાં ઇંગ્લૅન્ડની ટીમે પાકિસ્તાનને બે વિકેટે હરાવ્યું છે. ઇંગ્લૅન્ડે આ રોમાંચક મુકાબલો માત્ર પાંચ બૉલ બાકી રહેતા જીત્યો હતો.

આ સાથે ઇંગ્લૅન્ડની ટીમ આ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.

આ જીતમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેમણે માત્ર 51 બૉલમાં 100 રન બનાવીને ઇંગ્લૅન્ડને જીતની નજીક પહોંચાડ્યું હતું.

ટૉસ જીતીને પાકિસ્તાને પહેલી બેટિંગ પસંદ કરી હતી અને ઇંગ્લૅન્ડની સામે જીત માટે 165 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જે ઇંગ્લૅન્ડે 8 વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં પાર પાડ્યું હતું.

પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાને સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. બાબર આઝમ અને ફખર ઝમાને 25-25 રનની પારી રમી હતી. ઇંગ્લૅન્ડ તરફથી લિએમ ડૉસને સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી હતી. જોફ્રા આર્ચર અને જેમી ઓવરટને બે-બે વિકેટો ઝડપી હતી.

શરૂઆતમાં તો ઇંગ્લૅન્ડે પણ ઝડપથી વિકેટ ગુમાવી હતી, પરંતુ બ્રૂકે એક છેડો જાળવી રાખ્યો અને ઇંગ્લૅન્ડને જીત સુધી પહોંચાડ્યું.

પાકિસ્તાન તરફથી શાહીનશાહ આફ્રીદીએ ચાર વિકેટો ઝડપી જ્યારે કે મોહમ્મદ નવાઝ અને ઉસ્માન તારિકે બે-બે વિકેટો ઝડપી હતી.

કેરળનું નામ ‘કેરલમ્’ કરવા કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી, વિધાનસભામાં હવે પેશ થશે બિલ

કેરળનું નામ 'કેરલમ્' કરવા કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી, વિધાનસભામાં હવે પેશ થશે બિલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારની કૅબિનેટે કેરળનું નામ બદલીને ‘કેરલમ્’ કરવાની મંજૂરી આપી દીધી છે. નામ બદલવાની પ્રક્રિયા અહીં માત્ર શરૂ થઈ છે.

કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી બાદ ભારતના રાષ્ટ્રપતિ એક બિલ કેરળની વિધાનસભામાં મોકલશે જેથી વિધાનસભા પોતાના અભિપ્રાયો આપી શકે. આ પ્રક્રિયા સંવિધાનના અનુચ્છેદ 3 અંતર્ગત થશે.

રાજ્ય વિધાનસભાના અભિપ્રાયો મળ્યા બાદ ભારત સરકાર આગળની કાર્યવાહી કરશે.

તેના માટે રાષ્ટ્રપતિની ભલામણ લેવામાં આવશે જેથી આ અંગેનું બિલ સંસદમાં પેશ કરી શકાય આ બિલ મારફતે કેરળનું નામ બદલીને ‘કેરલમ્’ કરવામાં આવશે.

પીઆઈબી દ્વારા પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું, “કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક, જેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહી, આજે કેરળનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી.”

જેમાં જણાવાયું છે કે કેરળ વિધાનસભામાં 24મી જૂન, 2024ના રોજ એક પ્રસ્તાવ આવ્યો હતો કે રાજ્યનું નામ કેરળથી બદલીને ‘કેરલમ્’ કરવામાં આવે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS