Home તાજા સમાચાર gujrati ગુજરાતની ઓળખસમા ભાલિયા ઘઉં, હવે ખેડૂતો કેમ નથી વાવી રહ્યા?

ગુજરાતની ઓળખસમા ભાલિયા ઘઉં, હવે ખેડૂતો કેમ નથી વાવી રહ્યા?

11
0

Source : BBC NEWS

ભાલિયા ઘઉં, ગુજરાતમાં ખેતી, ઘઉંની ખેતી, બીબીસી ગુજરાતી, ભાલ પંથક, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભારતમાં ખેતી, શિયાળું પાક

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાનું ભડીયાદ ગામ ભાલ પંથકનું એક ગામ છે. ભાલમાં થતા ભાલિયા ઘઉં વિશ્વભરમાં તેની ગુણવત્તા અને સ્વાદ માટે પ્રખ્યાત છે.

જો તમે ભડિયાદ ગામનાં ખેડૂત મહિલા મધુ પટેલને ભાલિયા ઘઉં અને ટુકડા ઘઉંમાં શું તફાવત છે તેમ પૂછો તો તેઓ હસી પડે છે અને કહે છે, “રાણી-દાસીનો ફેર, ભાઈ! રાણી જેટલી મોટી હોય તેટલી દાસી નો હોય. ભાલિયા ઘઉં રાણી કહેવાય અને ટુકડા ઘઉં દાસી કહેવાય. રાણીનું માન કેટલું હોય! દાસીનું નો હોય તેટલું બધું. અમારા ભાલના ઘઉં રાણી કહેવાય.”

અન્ય એક મહિલા હંસા વિઠાણી પણ ઘઉંની વાત કરતા ભાલિયા ઘઉંની પ્રશંસા કરતાં થાકતાં નથી.

તેઓ કહે છે, “જેવા લાડુ, લાપસી, ચુરમુ, ભાખરી અને રોટલી ભાલિયા ઘઉંમાંથી બને તેવા બીજા ઘઉંમાંથી ન બને.”

“વળી, ભાલિયા ઘઉંના લોટમાં ચિકાશ ન હોય તેથી રોટલી વણતી વખતે લોટ પર એક વાર વેલણ ફેરવી દઈએ એટલે તે ફેલાઈ જાય અને ભેગો ન થાય.”

“ટુકડા ઘઉંમાં ચિકાશ વધારે હોવાથી વેલણ વારંવાર ફેરવવું પડે. ભાલિયા ઘઉંની ભાખરી કે રોટલી બનાવવી હોય તો તેમાં મોણ (તેલ) ન ઉમેરવું પડે, કારણ કે આ ઘઉં દેશી છે અને કસવાળા છે જ્યારે ટુકડા ઘઉંમાં મોણ નાખવું પડે અને જો ન નાખો તો રોટલી તૂટે પણ નહીં તેટલી ચીકણી થાય.”

“દેશી એ દેશી. અમારે તો ભાલિયા ઘઉં વગર ચાલે જ નહીં.”

ભાલ પંથકના અન્ય લોકો પણ મધુબહેન અને હંસાબહેન જેવી જ વાતો કરે છે.

તેમને ટુકડા ઘઉં ઓછા ભાવે છે અને ભાલિયા ઘઉં વધારે ગમે છે, પરંતુ ઘઉંની મોસમ નજીક આવી રહી છે ત્યારે લોકોને આ વર્ષે પૂરતા પ્રમાણમાં ભાલિયા ઘઉં મળી રહેશે કે કેમ તે વિષે તર્કવિતર્ક થઈ રહ્યા છે.

ભાલ પંથકમાં બિનપિયત ભાલિયા ઘઉંના વાવેતર વિસ્તારમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગત વર્ષે પણ વાવેતર વિસ્તાર ઘટ્યો હતો. તેથી હવે આ ઘઉંનું ઉત્પાદન કેટલું થશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

ભાલમાં હાલ શું સ્થિતિ છે?

ભાલિયા ઘઉં, ગુજરાતમાં ખેતી, ઘઉંની ખેતી, બીબીસી ગુજરાતી, ભાલ પંથક, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભારતમાં ખેતી, શિયાળું પાક

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

જો તમે હાલ અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરથી પૂર્વે આવેલા ધોલેરા તરફ જવા માટે સ્ટેટ હાઈવે નંબર-20 પર નીકળો તો શહેર બહાર નીકળતા જ રસ્તાની બંને બાજુ જુવાર અને ઘઉંના પાક લહેરાતા નજરે ચડશે, પરંતુ ધંધૂકાથી આઠેક કિલોમીટર દૂર રોજકા ગામથી આગળ જતા ચિત્ર ધીમે ધીમે બદલવા લાગે છે.

ડાબી તરફ વહેતી નર્મદા ડૅમ પ્રોજેક્ટની કૅનાલ નજીક આવેલાં ખેતરોમાં જુવાર, ચણા અને ઘઉં દેખાય છે, પરંતુ હાઈવેની જમણી તરફ કેટલાંક ખેતરોમાં લાણો નામના ઘાસની આછી લીલી ચાદર છે તો કેટલાંક ખેતરોમાં સ્થાનિક લોકો જેને વરલુ અને ડીલો કહે છે તેવા સોનેરી રંગના ઘાસ લહેરાઈ રહ્યા છે. તો ક્યાંક ક્યાંક ખેતરોમાં પાણી ભર્યાં છે.

તમે જેમ જેમ પૂર્વ તરફ આગળ વધતા ગયા તેમ તેમ આવાં ખેતરની સંખ્યા વધતી જાય છે. ભડિયાદની સીમમાં તો તમારી નજર પહોંચે ત્યાં સુધી જમીન પડતર પડી છે.

ખેડૂતો, સરકારી અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે ભાલ પ્રદેશના આ વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં લણો, વરલુ, ડીલો અને પાઇન નહીં પણ હવામાં લહેરાઈ રહેલા ઘઉં, પાકવાની તૈયારી હોવાથી રાતા થઈ રહેલા ચણાનાં ખેતર અને લીલી જુવાર દેખાવી જોઈએ.

ખેડૂતો કેમ ઘઉં વાવી ન શક્યા?

ભાલિયા ઘઉં, ગુજરાતમાં ખેતી, ઘઉંની ખેતી, બીબીસી ગુજરાતી, ભાલ પંથક, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભારતમાં ખેતી, શિયાળું પાક

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ચોમાસા દરમિયાન ભાલના કેટલાક વિસ્તારમાં સૌરાષ્ટ્રની નદીઓનાં તેમજ આજુબાજુના વિસ્તારોનાં પાણી ફરી વળે છે અને ચારેક મહિના જેટલા લાંબા સમય સુધી ભાલને ડુબાડેલા રાખે છે.

તો અન્ય ભાગોમાં ખેડૂતો ચોમાસાનાં પાણીને તેમનાં ખેતરોમાં જ રોકી રાખે છે અને નવરાત્રીની આજુબાજુ તેને નદીઓ કે કાંસ તરફ વહેવડાવી ખેતરોને શિયાળુ પાકના વાવેતર માટે ખાલી કરે છે.

ચોમાસાનો વરસાદ સારો હોય કે માઠો, ભાલની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો આખા વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકે છે.

અહીં, ચોમાસામાં જમીન ડૂબેલી રહે છે તેથી વાવેતર થઈ શકતું નથી. ભૂગર્ભજળ ખારા હોવાથી પિયત કરી ઉનાળા દરમિયાન પણ પાકો લઈ શકાતા નથી.

જોકે તાજેતરનાં વર્ષોમાં કેટલાંક ગામોમાં નર્મદા યોજનાની કૅનાલો પહોંચતા લોકો ઉનાળામાં પાકો લેતા થયા છે, પરંતુ ભાલમાં મોટે ભાગે માત્ર રવી સિઝન એટલે કે શિયાળા દરમિયાન જ વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેતી મોટે ભાગે વરસાદ આધારિત છે.

પરંતુ ખેડૂતો કહે છે કે આ વર્ષે તેઓ વાવેતર કરી ન શક્યા, કારણ છે દિવાળી પછી તુરંત જ ઑક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ વરસી ગયો.

ખેડૂતો કહે છે કે કમોસમી વરસાદને કારણે તેમનાં ખેતરોમાં ફરી એક વાર પાણી ફરી વળ્યાં અને તે સુકાયાં ત્યાં સુધીમાં તો ઘઉં વાવવાનો સમય જતો રહ્યો હતો.

ભાલની ખેતી કેમ ટાઇમની ખેતી છે?

ભાલિયા ઘઉં, ગુજરાતમાં ખેતી, ઘઉંની ખેતી, બીબીસી ગુજરાતી, ભાલ પંથક, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભારતમાં ખેતી, શિયાળું પાક

ભડિયાદના ખેડૂત ભરતભાઈ વિઠાણી કહે છે, “આ વર્ષે જૂન મહિનાથી સતત વરસાદ હતો. છેલ્લે નવેમ્બર મહિનામાંય સાતથી આઠ ઇંચ વરસાદ થઈ ગયો.”

“તેથી, અમારાં ખેતરોમાં ફરી વાર પાણી ભરાઈ ગયાં અને ખેડૂતો વાવેતર કરી શક્યા નહીં.”

“મારી પોતાની 90 વીઘા જમીનમાંથી 30 વીઘા પડતર પડી છે. મારી કેટલીક જમીનમાં છેક 15 જાન્યુઆરીએ પાણી સુકાયાં એટલે વાવેતર કરી શક્યા નહીં આપણે.”

તેઓ ઉમેરે છે, “ભાલની ખેતી ટાઇમની ખેતી છે. વરાપ આવે તો વાવેતર કરી દેવું પડે અને જો તે ચૂકી જઈએ તો પછી કંઈ જ ના થાય.”

“જો 15 ડિસેમ્બર સુધીમાં વાવેતર કરો તો જ તમને કંઈક વળતર મળે. જો લેટ વાવેતર કરીએ તો માર્ચ મહિનાના તડકા નડે અને ઘઉં પાકે નહીં.”

ભાડિયાદના જ અશ્વિન કુંજડિયા નામના અન્ય એક ખેડૂત કહે છે કે દર વર્ષે તેઓ 25 વીઘામાં બિનપિયત ભાલિયા ઘઉંનું વાવેતર કરે છે.

તેઓ ઉમેરે છે, “પરંતુ આ વર્ષે માત્ર 10 વીઘામાં જ ચાસિયા ઘઉં (બિનપિયત ઘઉં)નું વાવેતર કરી શક્યા, કારણ કે અન્ય જગ્યાએ વાવેતર ટાણે પાણી ભર્યાં હતાં.”

“વળી, મને ભય એ પણ હતો કે વાડિયા (પિયત ભાલિયા ઘઉં)નું ઉત્પાદન વધારે થશે અને બિનપિયત ઘઉંની સારી કિંમત નહીં મળે અને મને નુકસાન જશે, કારણ કે ચાસિયા ઘઉંનું ઉત્પાદન વીઘે સાતેક મણ મળે છે જ્યારે વાડિયા ઘઉં વીઘે 15થી 20 મણ જેટલા પાકે છે.”

આ આબોહવા પરિવર્તનની અસર છે?

ભાલિયા ઘઉં, ગુજરાતમાં ખેતી, ઘઉંની ખેતી, બીબીસી ગુજરાતી, ભાલ પંથક, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભારતમાં ખેતી, શિયાળું પાક

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ભડિયાદ ગામમાં 27 સભ્યો ધરાવતી સીમ રક્ષણ સમિતિ ગામમાં વવાતા પાકોનું રેઢિયાળ પશુઓ, જંગલી પ્રાણીઓ અને ચોરોથી રક્ષણ કરવાનું કામ કરે છે.

આ સમિતિના પ્રમુખ ઘનશ્યામસિંહ ચુડાસમા કહે છે, “અમારા ગામમાં 5000 હેક્ટર જમીન છે તેમાંથી આ વર્ષે 1500 હેક્ટર જેવી જમીન માંડ વવાણી છે.”

“ઝાઝો ભાગ જમીન પડી રહી છે, કારણ કે ત્રણ-ચાર વર્ષથી વરસાદ વધારે આવે છે અને પાણીનો નિકાલ નથી.”

વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ આબોહવામાં થઈ રહેલાં પરિવર્તનો અને તેની અસરો વિષે સંશોધન કરી રહ્યું છે.

ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર, ડૉક્ટર સંસ્કૃતિ મજુમદાર ચોમાસા અને વરસાદની પૅટર્નમાં થયેલા ફેરફાર પર સંશોધન કરાવી રહ્યાં છે.

ડૉ. મજુમદારે ગત સપ્ટેમ્બર મહિનામાં બીબીસીને જણાવ્યું હતું કે સંશોધન દરમિયાન ધ્યાને આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું તેના પરંપરાગત સમયગાળાથી પાછું ધકેલાઈ રહ્યું છે.

ભડિયાદ ગામ, ગુજરાત, ખેતી, બીબીસી ગુજરાતી

ડૉ. મજુમદાર બીબીસીને કહ્યું હતું કે નૈર્ઋત્યના ચોમાસાનો વરસાદ ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં આવી જતો અને સપ્ટેમ્બરના મધ્ય ભાગ પછી ચોમાસું વિદાય લેતું, પરંતુ પાછલા કેટલાક દાયકામાં એમાં ફેરફાર થયો હોય તેમ લાગે છે.

તેમની ટીમે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની વેધશાળા ખાતે 1901થી 2016 દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડાનું વિશ્લેષણ કર્યું અને એ તારણ પર આવ્યા કે સપ્ટેમ્બર મહિનામાં પડતા સરેરાશ વરસાદમાં વધારો થયો છે.

ગુજરાત સરકારના આંકડા મુજબ 2016થી 2025ના દાયકામાં દરમિયાન 2016, 2019, 2022, 2024 અને 2025ના ઑક્ટોબર મહિનામાં રાજ્યમાં સરેરાશ એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો.

2024ના ઑક્ટોબરમાં સરેરાશ બે ઇંચ અને 2025ના ઑક્ટોબરમાં સરેરાશ ચાર ઇંચ વરસાદ પડ્યો હતો જે આ દાયકામાં સૌથી વધારે હતો.

ઘઉંના વાવેતરમાં કેટલો ઘટાડો થયો છે?

ભાલિયા ઘઉં, ગુજરાતમાં ખેતી, ઘઉંની ખેતી, બીબીસી ગુજરાતી, ભાલ પંથક, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભારતમાં ખેતી, શિયાળું પાક

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ગુજરાત સરકારના કૃષિ નિયામકની કચેરીએ 2 ફેબ્રુઆરીના રોજ રવી સિઝનના વાવેતર વિસ્તારના ફાઇનલ આંકડા જાહેર કર્યા હતા.

આંકડા અનુસાર આ વર્ષે 22,087 હેક્ટર એટલે કે 1.28 લાખ વીઘા (1 હેક્ટર=6.25 વીઘા)માં બિનપિયત ઘઉંનું વાવેતર થયું છે.

ગત વર્ષે આ આંકડો 26,131 હેક્ટર (1.63 લાખ વીઘા) હતો.

આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બિનપિયત ઘઉંના વાવેતર વિસ્તારમાં 4044 હેક્ટર (25,275 વીઘા)નો ઘટાડો થયો છે.

ટકાવારીની દૃષ્ટિએ આ ઘટાડો લગભગ 16 ટકા થાય.

પાછલા ત્રણ વર્ષમાં બિનપિયત ઘઉંનો સરેરાશ વાવેતર વિસ્તાર 26061 હેક્ટર (આશરે 1.63 લાખ વીઘા) નોંધાયો છે. તેની સરખામણીએ પણ આ વર્ષે વાવેતરમાં પંદરેક ટકા ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં બિનપિયત ઘઉંનું વાવેતર મુખ્યત્વે ભાલ વિસ્તારમાં થાય. ભાલ પ્રદેશ સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં વસ્તરેલો છે.

કૃષિ નિયામકની કચેરીના આંકડા અનુસાર આ વર્ષે 22081 હેક્ટરમાં નોંધાયેલ બિનપિયત ઘઉંના વાવેતરમાંથી 15800 હેક્ટર (98750 વીઘા) એટલે કે રાજ્યનું આશરે 72 ટકા વાવેતર અમદાવાદ જિલ્લામાં નોંધાયું હતું.

ત્યાર બાદ 3600 હેક્ટર (22500 વીઘા) સુરેન્દ્રનગરમાં અને 1100 હેક્ટર (6875 વીઘા) ભાવનગર જિલ્લામાં નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં 1500 હેક્ટર (9375 વીઘા)માં બિનપિયત ઘઉંનું વાવેતર નોંધાયું છે.

ભાલિયા ઘઉં, ગુજરાતમાં ખેતી, ઘઉંની ખેતી, બીબીસી ગુજરાતી, ભાલ પંથક, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભારતમાં ખેતી, શિયાળું પાક

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

આણંદ કૃષિ યુનિવર્સિટીના ધંધૂકા ખાતે આવેલા કૃષિ સંશોધન કેન્દ્રના વડા ડૉ. કિંજલકુમાર સુથાર જણાવે છે કે અમદાવાદના ધંધૂકા અને ધોલેરા તાલુકાના વિસ્તારો બિનપિયત ભાલિયા ઘઉંના વાવેતર માટે જાણીતા છે.

ધોલેરા તાલુકાના ખેતી વિસ્તરણ અધિકારી શૈલેશ મકવાણાએ જણાવ્યું કે ધોલેરા તાલુકામાં બિનપિયત ઘઉંનો વાવેતર વિસ્તાર 5800 હેક્ટર (36,250 વીઘા)થી ઘટીને આ વર્ષે 4200 હેક્ટર (26,250 વીઘા) થઈ ગયો છે. એટલે કે વાવેતર વિસ્તારમાં 1600 હેક્ટર (10,000 વીઘા) જેટલો ઘટાડો નોંધાયો છે.

તે જ રીતે ધંધૂકા તાલુકાના ખેતી વિસ્તરણ અધિકારી જગદીશ ઠાકોર જણાવે છે કે ધંધૂકામાં પણ ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં 917 હેક્ટર (5731 વીઘા) જેટલો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષના 4845 હેકટર (30281 વીઘા)ની સરખામણીએ આ વર્ષે 3928 હેક્ટર (24550 વીઘા)માં બિનપિયત ઘઉંનું વાવેતર નોંધાયું છે. આમ, રાજ્યમાં નોંધાયેલા 4000 હેક્ટરના ઘટાડામાંથી 2500 હેક્ટરનો ઘટાડો માત્ર આ બે તાલુકામાંથી જ નોંધાયો છે.

ભાલિયા ઘઉંની શું ખાસિયત છે?

ભાલિયા ઘઉં, ગુજરાતમાં ખેતી, ઘઉંની ખેતી, બીબીસી ગુજરાતી, ભાલ પંથક, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભારતમાં ખેતી, શિયાળું પાક

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઘઉંને અંગ્રેજીમાં wheat (વ્હિટ) કહેવાય છે.

ધંધૂકા કૃષિ સંશોધન કેન્દ્રના વડા ડૉ. કિંજલકુમાર સુથાર કહે છે કે ભારતમાં મુખ્યત્વે ટુકડા (ટ્રીટીકમ એસ્ટિવમ) એટલે કે બ્રેડ વ્હીટ અને મૅકરોની વ્હીટ અથવા દાઉદખાની ઘઉં તરીકે ઓળખાતા ટ્રીટીકમ ડ્યુરમ ઘઉં સૌથી વ્યાપક પણે વવાતી ઘઉંની જાતો છે.

ભાલિયા ઘઉં ટ્રીટીકમ ડ્યુરમ જાતના ઘઉં છે, તેમ તેઓ જણાવે છે.

2011માં ભાલિયા ઘઉંને જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન (ટૂંકમાં જીઆઇ)નું ટૅગ એટલે કે પૃથ્વીના કયા ચોક્કસ વિસ્તારમાં જ તેનું ઉત્પાદન થાય છે તેનું લેબલ મળેલું.

બીબીસી સાથે વાત કરતા ડૉ. સુથારે કહ્યું, “ભાલિયા ઘઉંનો દાણો ટુકડા ઘઉંની સરખામણીએ મોટો હોય છે. વળી, તેમાંથી સોજી બનાવી શકાય છે.”

“જ્યારે ટુકડા ઘઉંમાં ચિકાશ વધારે હોવાથી તેમાંથી મેંદો, નુડલ્સ વગેરે સારી રીતે બનાવી શકાય છે. ભાલિયા ઘઉંનું વાવેતર ઑક્ટોબરથી 15 નવેમ્બર સુધી કરી શકાય છે.”

“જો મોડું વાવેતર થાય તો માર્ચ મહિનાના તડકા નડતા ઉત્પાદન ઘટી શકે છે.”

તેઓ ઉમેરે છે, ” જો ભાલિયા ઘઉંને એક પિયત આપવામાં આવે તો ઉત્પાદન વધે છે, પરંતુ દાણાનું કદ નાનું થઈ જાય છે, કારણ કે ઘઉંનો એક છોડ વધારે દાણા પકવવા મથામણ કરે છે.”

“બિનપિયત ભાલિયા ઘઉંનું ઉત્પાદન પિયત ઘઉંની સરખામણીએ ઓછું મળે છે, પરંતુ ગુણવત્તા અને સ્વાદની દૃષ્ટિએ બિનપિયત ઘઉં શ્રેષ્ઠ ગણાય છે.”

“ભાલિયા ઘઉંને 2011માં જીઆઇ ટેગ મળ્યું તેથી ખેડૂતોને ભાવ પણ સારા મળે છે….”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS