Home તાજા સમાચાર gujrati ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફ રદ, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘સીમા બહાર જઈને ટ્રમ્પે...

ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફ રદ, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘સીમા બહાર જઈને ટ્રમ્પે અધિકારનો ઉપયોગ કર્યો’

13
0

Source : BBC NEWS

યુએસ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ગ્લોબલ ટેરિફ સુપ્રીમ કોર્ટે રદ કર્યા, ભારત અમેરિકા વેપારકરાર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

એક કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના અનેક દેશો સાથેની વેપારખાધને પૂરવા માટે આ દેશો પર ટેરિફ લાદ્યા હતા. ત્યારે યુએસની સર્વોચ્ચ અદાલતે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધા છે.

એક તબક્કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉપર 25 ટકાના રેસિપ્રોકલ ટેરિફ તથા રશિયન ઑઇલ ખરીદવા બદલ 25 ટકા એમ કુલ 50 ટકા ટેરિફ લાદ્યો હતો.

ભારત-અમેરિકા વચ્ચે વેપારકરાર થયા બાદ ટેરિફનો દર ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે 6-3ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. ખંડપીઠનું અવલોકન હતું કે ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી પાવર્સ ઍક્ટ હેઠળ મળેલી સત્તાઓનો કટોકટીના સંજોગોમાં ઉપયોગ થઈ શકે, પરંતુ તેના હેઠળ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જે સત્તાઓ મળેલી છે, તેનો ઉપયોગ ટેરિફ લાદવા માટે ન થઈ શકે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ટ્રમ્પે પોતાની સીમા બહાર જઈને અધિકારોનો ઉપયોગ કર્યો અને નૅશનલ કટોકટી માટે બનાવેલા કાયદાનો આશરો લીધો.

ફેબ્રુઆરી-2025માં ટ્રમ્પે સૌ પહેલા ચીન, મૅક્સિકો અને કૅનેડા સહિતના દેશો પર ટેરિફ લાદવા માટે આ કાયદાનો ઉપયોગ કર્યો હતો. એ પછી ભારત સહિત લગભગ દરેક દેશ પર ટેરિફ લાદ્યા હતા, જેની ઉપર આ ચુકાદાની અસર થશે.

જોકે, ઍલ્યુમિનિયમ, સ્ટીલ અને ઑટોમેટિવ પાર્ટ્સ ઉપર ટ્રેડ ઍક્સ્પાન્સન ઍક્ટ-1962ની કલમ 232 હેઠળ જે ટેરિફ લાદવામાં આવ્યા છે, તેની ઉપર અસર નહીં થાય એવું નિષ્ણાતોનું આકલન છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની અમેરિકાના શૅરબજારો પર સકારાત્મક અસર જોવા મળી હતી અને નાસ્ડેક, એસઍન્ડપી 500 તથા ડાઉ જોન્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.

‘અનંતકાળથી ચુકાદાની રાહ જોતો હતો’

યુએસ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ગ્લોબલ ટેરિફ સુપ્રીમ કોર્ટે રદ કર્યા, ભારત અમેરિકા વેપારકરાર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પ અથવા વ્હાઇટ હાઉસે હજુ આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. તેઓ આગામી કલાકોમાં પત્રકારો સાથે વાર્તાલાપ કરે તેવી શક્યતા છે.

આજે તેમની રાજ્યોના ગવર્નરો સાથે બેઠક હતી, ત્યારે તેમણે અચાનક જ રિપોર્ટરોને બહાર નીકળી જવા કહ્યું હતું. ટ્રમ્પનું કહેવું હતું કે તેઓ ગવર્નરો સાથે મુક્તપણે વાતચીત કરવા માગતા હતા.

જોકે, બપોરે જ્યૉર્જિયા ખાતેની એક સભામાં ટ્રમ્પે કહ્યું હતું કે જો ટ્રમ્પ હઠી જશે તો બધા નાદાર થઈ જશે. એ સભામાં તેમણે વારંવાર ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો અને તેની હિમાયત કરી હતી.

અમેરિકામાં ઉત્પાદન વધારવા, સસ્તાભાવે માલ વેચાતા દેશો સાથેની વેપારખાધ ઘટાડવા તથા અમેરિકામાં રોકાણ વધે અને નાગરિકો અમેરિકન માલ ખરીદે તે માટે ટેરિફ નાખ્યા હોવાનું ટ્રમ્પે કહ્યું હતું.

ટેરિફની કાયદેસરતા અંગે નવેમ્બર મહિનામાં દલીલો પૂર્ણ થઈ હતી, પરંતુ ચુકાદો નહોતો આવ્યો. ત્યારે જ્યૉર્જિયાની સભામાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘હું ચુકાદાની રાહ જોઈ રહ્યો છું, જાણે અનંતકાળથી ચુકાદાની રાહ જોઈ રહ્યો છું.’

ટ્રમ્પે અગાઉ અનેક વખત કહ્યું હતું કે જો તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે ટેરિફ લાદી નહીં શકે તો “આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાક્ષેત્રે આપદા” ઊભી થશે. જેની અનેક ક્ષેત્રે ગંભીર અસરો થશે.

ફેડરલ ગવર્નરની હકાલપટ્ટી કરવી, જન્મસિદ્ધ નાગરિકત્વનો અધિકાર નાબૂદ કરવો વગેરે જેવા અનેક કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર છે. ત્યારે આગામી સમયમાં ટ્રમ્પની વધુ કેટલીક પીછેહઠ થઈ શકે છે, એવી શક્યતા જોવાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS