Home તાજા સમાચાર gujrati ‘ઍપ્સ્ટીનની પીડિતાઓને ન્યાય મળે, તે માટે મેં મારી નોકરી છોડી દીધી’

‘ઍપ્સ્ટીનની પીડિતાઓને ન્યાય મળે, તે માટે મેં મારી નોકરી છોડી દીધી’

20
0

Source : BBC NEWS

ઍલી લિયોનાર્ડ, ઍપસ્ટીન ફાઇલ્સ, જેફ્રી ઍપ્સ્ટીન, સેક્સ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ellie Leonard

2 કલાક પહેલા

વાંચવાનો સમય: 5 મિનિટ

ઍપ્સ્ટીન કેસની તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ફાઇલ્સને પગલે નવેસરથી તપાસ શરૂ થઈ છે, ત્યારે મોટા ન્યૂઝરૂમ દસ્તાવેજોના વિશાળ જથ્થાને ફંફોસી રહ્યા છે એટલું જ નહીં, પણ ઑનલાઇન થતી જનતાને પણ તેમાં ખાસ્સો રસ પડ્યો છે.

આ પ્રયાસોમાં જોડાનારાં સ્વતંત્ર પત્રકારોમાં એલી લિયોનાર્ડ પણ સામેલ છે, જેઓ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરવા માટે અન્ય લોકો સાથે મળીને કામ કરી રહ્યાં છે.

લિયોનાર્ડે બીબીસીને જણાવ્યું હતું, “મારે એ હકીકત સ્વીકારવી પડશે કે, હું તમામ 35 લાખ પાનાં વાંચી નહીં શકું.”

તેઓ કહે છે કે, અગાઉ તેમને જેફ્રી ઍપ્સ્ટીન વિશે કોઈ જાણકારી નહોતી, પણ સામાજિક ન્યાયમાં તેમની રુચિ તેમજ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક તેમજ ઇમિગ્રેશનની નીતિઓ માટેના વિરોધથી પ્રેરાઈને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઍપ્સ્ટીનના સંબંધો વિશે જાણવાનું શરૂ કર્યું.

ગત 30મી જાન્યુઆરીના રોજ જે સામગ્રી જારી કરવામાં આવી, તેમાં 30 લાખ પાનાં, 1,80,000 પાનાં, 2,000 વીડિયો તેમજ રિચર્ડ બ્રેન્સન, બિલ ગેટ્સ અને ઇલૉન મસ્ક જેવાં પ્રસિદ્ધ નામો સામેલ છે.

ઍલી લિયોનાર્ડ, ઍપસ્ટીન ફાઇલ્સ, જેફ્રી ઍપ્સ્ટીન, સેક્સ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દસ્તાવેજોમાં ઉલ્લેખ થવાથી કશું ખોટું કામ કર્યું હોય, એવો કોઈ સંકેત નથી.

અગાઉના ઘણા દસ્તાવેજોમાં જેમનો ઉલ્લેખ થઈ ચૂક્યો હોય, એવા ઘણા લોકોએ ઍપ્સ્ટીન સાથેના સંબંધ દરમિયાન કોઈ ગેરકાયદેસર કામ કર્યું હોવાનો ઇન્કાર કર્યો હતો.

લિયોનાર્ડ કહે છે કે, તેઓ તેમના પુત્રની સ્કૂલમાં નોકરી કરતાં હતાં, પણ આ કાર્ય પ્રત્યે સ્વયંને સમર્પિત કરવા માટે તેમણે ડિસેમ્બર, 2025ના અંતમાં નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે, દસ્તાવેજોની વધતી સંખ્યા જોઈને તેઓ સમજી ગયાં કે, તેમને મદદની જરૂર પડશે.

તાજેતરની ફાઇલ્સ ઍપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી ઍક્ટ હેઠળ નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાનાં સપ્તાહો બાદ જારી કરવામાં આવી છે. કાયદા હેઠળ ઍપ્સ્ટીનને લગતા તમામ દસ્તાવેજો પૂર્ણપણે પ્રગટ કરવા આવશ્યક છે.

લિયોનાર્ડે ફાઇલ્સની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં તેમની મદદ કરવા માટે વિશ્વભરના લોકોને હાકલ કરી હતી અને તેઓ જણાવે છે, “લોકોએ મારી હાકલનો પ્રતિસાદ આપ્યો હતો.”

તેમના અનુમાન પ્રમાણે, દક્ષિણ કોરિયાથી લઈને નૉર્વે સુધીના દેશોના એક હજાર કરતાં વધુ સ્વતંત્ર પત્રકારો ઑનલાઇન પ્લૅટફૉર્મ સબસ્ટેક પર તેમના આ પ્રોજેક્ટ સાથે જોડાઈ ચૂક્યા છે. આ પત્રકારો મનોવિશ્લેષણ, ડેટા મેટ્રિક્સ તથા કાયદા સહિતનાં ક્ષેત્રોમાં રુચિ તથા વિશેષતા ધરાવે છે.

‘હું તેમના પર વિશ્વાસ કરીશ’

ઍલી લિયોનાર્ડ, ઍપસ્ટીન ફાઇલ્સ, જેફ્રી ઍપ્સ્ટીન, સેક્સ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

લિયોનાર્ડ જટિલ રાજકીય દસ્તાવેજોનું સરળીકરણ કરવાની કાબેલિયત ધરાવે છે, જેથી લોકોને જાગૃત મતદાતા બનવામાં સહાય મળી શકે. તેમને લાગ્યું કે, જાતીય અપરાધી ઍપ્સ્ટીનને લગતા દસ્તાવેજોમાં પણ તેઓ આ રીતે મદદ પૂરી પાડી શકશે.

જોકે, મુખ્યત્વે તેમનો ઉદ્દેશ્ય જેમની જુબાનીઓ પર વિશ્વાસ નથી કરવામાં આવ્યો, તેવી પીડિતાઓને ન્યાય અપાવવાનો છે.

“જો મહિલાઓ આગળ આવીને અથવા તો પીડિત આગળ આવીને સ્વયં તેમની કહાણી જણાવે, તો હું તેમનો વિશ્વાસ કરીશ. હું તેમના પર વિશ્વાસ મૂકીશ,” એમ તેઓ કહે છે.

“તે પછી હું તેમણે કહેલી વાતોની તપાસ કરવાનું અને શોધખોળ કરવાનું શરૂ કરીશ. મને લાગે છે કે, તેમણે વર્ણવેલી વાતોને તે રીતે પ્રમાણિત કરવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.”

અગત્યની વાત એ છે કે, આ જૂથનો અભિગમ ઘણાં વિશાળ મીડિયા સંગઠનોથી અલગ છે.

લિયોનાર્ડ નવા પ્રગટ કરવામાં આવેલા દસ્તાવેજોના દરેક ભાગને પહેલા પાનેથી શરૂ કરવાને બદલે, અન્ય રીતે શરૂ કરવાની તેમના ગ્રૂપને સલાહ આપે છે.

“જ્યારે દસ્તાવેજોનો નવો ભાગ રજૂ કરવામાં આવે છે, ત્યારે ઘણી એવી ખાસ બાબતો હોય છે, જેના વિશે લોકો વારંવાર વાતો કરે છે… અને તે બાબતો સામાન્યપણે ફાઇલના શરૂઆતના ભાગમાંથી જ આવતી હોય છે,” એમ તેઓ જણાવે છે.

“આથી, હું હંમેશાં લોકોને ભલામણ કરું છું કે, તેઓ વચ્ચેના ભાગથી શરૂઆત કરે, અંતના ભાગમાંથી શરૂઆત કરે અને આ રીતે આગળ વધતા જાય.”

તેઓ જણાવે છે કે, આ રીતે એકમેક સાથે દસ્તાવેજોની આપ-લે કરવાથી ગ્રૂપ સરળતાથી નોંધોની તુલના કરી શકે છે, ઊણપની ઓળખ કરી શકે છે અને એકમેકનાં કામનું પુનરાવર્તન થતું ટાળી શકે છે.

તેઓ કહે છે, “દરેક વ્યક્તિ તેની પાસે રહેલા ફાઇલના ચોક્કસ ભાગની તેના પોતાના કૌશલ્યના આધારે તપાસ કરે છે અને પછી અમે સૌ સાથે મળીને કામ કરીએ છીએ.”

નાની-નાની વિગતો

ઍલી લિયોનાર્ડ, ઍપસ્ટીન ફાઇલ્સ, જેફ્રી ઍપ્સ્ટીન, સેક્સ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જાહેર સ્તરે થતો સંવાદ ઘણી વખત દસ્તાવેજમાં ઉલ્લેખિત પ્રસિદ્ધ હસ્તીઓ તરફ વળી જતો હોય છે. નવી સામગ્રી રજૂ કરવામાં આવે, ત્યારે આવી જાણીતી વ્યક્તિઓ સમાચારોમાં અને સમગ્ર મીડિયામાં છવાઈ જતી હોય છે.

પરંતુ લિયોનાર્ડ કહે છે કે, આ બાબત પર વધુ ધ્યાન આપવાથી રેકૉર્ડના એટલું જ મહત્ત્વ ધરાવતા અન્ય ભાગો દબાઈ જવાની શક્યતા રહે છે.

તેમના મતે, “મને લાગે છે કે, આ કેસમાં ઘણી નાની-નાની બાબતોમાં વધુ વિગતો રહેલી છે.”

તેઓ જણાવે છે કે, ઇમેઇલની આપ-લે, આંતરિક કૉમ્યુનિકેશન અને પુરાવાના નાના-નાના અંશો “પીડિતાઓની કહાણીઓની પુષ્ટિ તરીકે કામ કરે છે.”

તેઓ શરૂઆતમાં અધિકારીઓ સમક્ષ ઍપ્સ્ટીનની ફરિયાદ કરનારી એક મહિલા તરફ ઇશારો કરે છે.

“મારિયા ફાર્મરે 1996માં એફબીઆઇને આ અંગે જાણ કરી હતી. અલબત્ત, હવે આપણે તેનો એફબીઆઈ રિપોર્ટ જોઈ શકીએ છીએ. અને તેના પરથી પુરવાર થાય છે કે, તે સમયે તે મહિલા જે કહી રહી હતી, તે સાચું હતું. આ રિપોર્ટ તે મહિલા દાયકાથી જે દાવા કરતી આવી છે, તેની પુષ્ટિ કરે છે.”

ઍપ્સ્ટીન માટે કામ કરનાર મહિલા કલાકાર ફાર્મરે એફબીઆઇને જણાવ્યું હતું કે, ઍપ્સ્ટીને તેની 12 વર્ષની અને 16 વર્ષની બહેનોની અંગત તસવીરો ચોરી લીધી હતી.

ફાર્મરેએ ફરિયાદમાં કહ્યું હતું કે, તેમને વિશ્વાસ હતો કે, ઍપ્સ્ટીને તે તસવીરો સંભવિત ખરીદકર્તાઓને વેચી દીધી હતી. સાથે જ, તેમણે આરોપ લગાવ્યો હતો કે, ઍપ્સ્ટીને તેમને ધમકી આપી હતી કે, જો તેઓ આ વિશે કોઈને કશું જણાવશે, તો તે તેમના ઘરને આગ લગાવી દેશે.

ફાર્મરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઍપ્સ્ટીને તેમને સ્વિમિંગ-પૂલમાં નહાતી યુવાન છોકરીઓની તસવીરો લેવા માટે જણાવ્યું હતું.

ફાઇલ્સ રજૂ થયા બાદ ફાર્મરે કહ્યું હતું કે, લગભગ 30 વર્ષ પછી તેમને “મુક્તિ”નો અનુભવ થયો હતો.

લિયોનાર્ડ કહે છે કે, પુરાવાના નાના-નાના ટુકડાની સંયુક્ત અસર ઘણી પ્રભાવશાળી બની રહે છે, કારણ કે, તેનાથી ખૂટતી કડીઓ જોડાય છે તે સમયના ક્રમની પુષ્ટિ કરે છે.

“હું જોઈ શકું છું કે, લોકો શું વિચારી રહ્યા હતા, તેઓ કોની સાથે વાતો કરી રહ્યા હતા, તેમના મિત્રો કોણ હતા, કઈ જગ્યાએ તેમણે બેદરકારી દાખવી અને તે વાર્તાલાપોમાં તેઓ આપણને શું માહિતી આપી રહ્યા હતા.”

“હું દૃઢપણે માનું છું કે, આ કેસના મુખ્ય મુદ્દા તે વાતચીતોમાંથી જ મળશે, કારણ કે, તેમણે કદીયે નહીં વિચાર્યું હોય કે, તેમની વચ્ચે થયેલી વાતો જાહેર થઈ જશે.”

‘પીડિતાઓને ન્યાય મેળવવાની હકદાર છે’

લિયોનાર્ડ કહે છે કે, તેઓ પરંપરાગત ન્યૂઝ રિપોર્ટરના બૅકગ્રાઉન્ડ વિના, પરંતુ ક્લાસિક્સમાંની તેમની ડિગ્રી થકી આકાર પામેલાં વિશ્લેષણાત્મક કૌશલ્યો સાથે દસ્તાવેજોનો અભ્યાસ કરે છે.

“પરંપરાગત પત્રકારત્વ માપદંડો જાળવવા વિશે તથા ગેટકીપર્સ (માહિતીને ચકાસનારા સંપાદકો) હોવા વિશે છે,” એમ તેઓ કહે છે.

“પરંતુ મને લાગે છે કે – ખાસ કરીને મારા માટે, સંદર્ભની શોધ અને તથ્યોની શોધ વધુ મહત્ત્વની છે.”

તેમ છતાં તેઓ તેમના પરિચિત તાલીમબદ્ધ પત્રકારો સાથે સલાહ-વિમર્શ કરે છે અને પ્રકાશન પહેલાં તેમને મુસદ્દો બતાવે છે.

“તેમની પાસેથી મને ઘણું પ્રોત્સાહન મળે છે. અને મને લાગે છે કે, તેનાથી મને આગળ વધવાની તેમજ એ જાણવાની મદદ મળે છે કે, મેં આ સ્ટોરી યથાસંભવ શ્રેષ્ઠ રીતે તૈયાર કરી છે.”

લિયોનાર્ડ કહે છે કે, એક માતા તરીકે, તેમના માટે આ કામ જવાબદારી માગી લેનારું છે.

“હું એક માતા છું અને મારાં બાળકો માટે આ વિશ્વને એક બહેતર અને સલામત સ્થળ બનાવવા માટે હું મારાથી બનતા તમામ શક્ય પ્રયત્નો કરીશ.”

અને રહી વાત તેમના સંશોધનાત્મક કાર્યની, તો તેમને આશા છે કે, આ કાર્ય પૂરું થઈ જશે.

તેઓ કહે છે, “પીડિતાઓ માટે આનો અંત આવવો જોઈએ અને તેમને ન્યાય મળવો જોઈએ.”

“મને લાગે છે કે, ધ્યેય – અને આપણે સૌ આટલી સખ્ત મહેનત શા માટે કરી રહ્યાં છીએ, તેનું કારણ – પીડિતો માટે ન્યાય, સત્ય શોધી કાઢવાનું છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS