Home તાજા સમાચાર gujrati ‘હું ઊંઘમાં ચીસો પાડું છું, અનેક વખત રેપ કરાયો’ – અપહરણ તથા...

‘હું ઊંઘમાં ચીસો પાડું છું, અનેક વખત રેપ કરાયો’ – અપહરણ તથા બળાત્કારનો ભોગ બનેલી સીરિયાના અલવાઇટ સમુદાયની મહિલાઓની વ્યથા

15
0

Source : BBC NEWS

સીરિયા, મહિલાઓ, બળાત્કાર, અલાવાઇટ સમુદાય, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

(ચેતવણીઃ આ અહેવાલમાં જાતીય હુમલા અને હિંસા સંબંધી કેટલીક એવી માહિતી છે, જે વાચકોને વિચલિત કરી શકે છે.)

પશ્ચિમ સીરિયાના લટાકિયા પ્રાંતમાં આવેલા પોતાના ગામમાં રામિયા ઉનાળાના એક ગરમ દિવસે પારિવારિક પિકનિકની તૈયારી કરી રહ્યાં હતાં એ વખતે એક સફેદ કાર આવી હતી.

તરુણ વયનાં રામિયા(સલામતી જાળવવા અને ઓળખ ગુપ્ત રાખવા નામ બદલવામાં આવ્યું છે)એ બીબીસી વર્લ્ડ સર્વિસને જણાવ્યું હતું કે એ કારમાંથી ત્રણ સશસ્ત્ર પુરુષો ઊતર્યા હતા અને પોતે સરકારી સલામતી દળના સભ્યો હોવાનું જણાવીને તેમને કારમાં ખેંચી ગયા હતા.

રામિયાના જણાવ્યા અનુસાર, એ પુરુષોએ તેમને માર માર્યો અને તેઓ રડવા તથા ચીસો પાડવા લાગ્યાં એટલે તેમને વધુ માર મારવામાં આવ્યો હતો.

રામિયાએ ઉમેર્યું હતું કે, “એ પૈકીના એકે મને પૂછ્યું હતું કે હું સુન્ની છું કે અલવાઇટ. મેં અલવાઇટ કહ્યું ત્યારે તેમણે સંપ્રદાયનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું.”

ડિસેમ્બર 2024માં બશર અલ-અસદની સરમુખત્યારશાહીના પતન પછી ડઝનબંધ મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું છે અને રામિયા એ મહિલાઓ પૈકીનાં એક છે.

મહિલા અધિકારોનું હિમાયતી જૂથ સીરિયન ફેમિનિસ્ટ લૉબી (એસએફએલ) જણાવે છે કે તેમણે પરિવારો, મીડિયા અને અન્ય સ્રોતોમાંથી માહિતી મેળવીને 80થી વધુ મહિલાઓ ગુમ થયાની માહિતી રેકૉર્ડ કરી છે. એ પૈકીના 26 કેસ અપહરણના હોવાની પુષ્ટિ થઈ છે.

ગુમ થયેલી તમામ મહિલાઓ અલવાઇટ સંપ્રદાયની સભ્ય છે. અલવાઇટ શિયા ઈસ્લામની એક શાખા છે અને સીરિયાની વસ્તીમાં કુલ પૈકીના લગભગ 10 ટકા લોકો અલવાઇટ છે. પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ પણ અલવાઇટ સંપ્રદાયના છે.

સાંપ્રદાયિક હિંસા

સીરિયા, મહિલાઓ, બળાત્કાર, અલાવાઇટ સમુદાય, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kenana Hendawi/Anadolu via Getty Image

બે અલવાઇટ મહિલાઓ અને ત્રણ અન્ય લોકોના પરિવારોએ બીબીસી સાથે અપહરણ તથા હુમલાની વિગત શેર કરી હતી. ગોપનીયતા અને સલામતીનાં કારણોસર એ બધાંનાં નામ બદલવામાં આવ્યાં છે.

એ બધાંએ જણાવ્યું હતું કે વચગાળાની સરકારની જનરલ સિક્યૉરિટી સર્વિસ સંપૂર્ણ તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. એક મહિલાએ જણાવ્યું હતું કે તેમણે તેમની કરુણ કથની અધિકારીઓને જણાવી ત્યારે અધિકારીઓએ તેમની મજાક ઉડાવી હતી.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ નવેમ્બરમાં જણાવ્યું હતું કે તેમણે કથિત 42 અપહરણની તપાસ કરી હતી અને એક સિવાયના બધા “ખોટા” હોવાનું જાણવા મળ્યું હતું. બીબીસીએ સંપર્ક સાધ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે વિશેષ કશું કહેવાનું નથી.

જોકે, સલામતી દળના એક સૂત્રે બીબીસીને જણાવ્યું હતું કે અપહરણની ઘટનાઓ બની છે. તેમાં સુરક્ષા સેવાના કેટલાક સભ્યો સંડોવાયેલા છે અને એવા લોકોને બરતરફ કરવામાં આવ્યા છે.

એસએફએલએ લોકોના અપહરણ અને ગુમ થવાના જે કિસ્સાઓની નોંધ કરી છે તે ફેબ્રુઆરી 2025થી ડિસેમ્બરના પ્રારંભ સુધીના સમયગાળામાં નોંધાયા હતા.

આ માર્ચ પહેલાં અને પછીની વાત છે. આ સમયગાળામાં પશ્ચિમી દરિયાકાંઠાના પ્રદેશોમાં સાંપ્રદાયિક હિંસામાં 1,400થી વધુ લોકો માર્યા ગયા હતા અને એ પૈકીના મોટાભાગના અલવાઇટ સંપ્રદાયના હતા.

અસદના સમર્થકોના ઘાતક હુમલાઓનો બદલો લેવા માટે સુન્ની ઇસ્લામી નેતૃત્વ હેઠળની સરકારને વફાદાર દળોએ આ લોકોની હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અસદ સરકારના ઘણા સભ્યો અલવાઇટ હતા, પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો વિરોધ કરવા બદલ સંપ્રદાયના અન્ય સભ્યોએ દમનનો સામનો કરવો પડ્યો હતો.

‘આત્મહત્યાનો પ્રયાસ’

સીરિયા, મહિલાઓ, બળાત્કાર, અલાવાઇટ સમુદાય, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

રામિયાએ દબાતા સ્વરે જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ શરીર ઢંકાઈ જાય તેવાં વસ્ત્રો અને માત્ર આંખો જ દેખાય તેવો બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવી હતી.

તેમને એક ભંડકિયામાં કેદ કરવામાં આવ્યાં હતાં. ભંડકિયામાં એક ખાટલો અને એક ડ્રેસર હતું.

તેના પર ટૉયલેટરીઝ અને એક કૉન્ડોમ રાખવામાં આવ્યું હતું.

રામિયાના જણાવ્યા અનુસાર, તેમને બે દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવ્યાં હતાં. તેમણે એક વાર ભાગવાનો અને બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

રામિયાના કહેવા મુજબ, તેમનો અપહરણકર્તા સારી રીતે અરબી બોલી શકતો ન હતો અને તેનાં “ફીચર્સ એશિયન પુરુષ” જેવાં હતાં. એ માણસે રામિયાનો નકાબ હટાવીને તેના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા.

રામિયાએ ઉમેર્યું હતું કે એ જ ઇમારતમાં રહેતી અને અપહરણકર્તાની પત્નીએ જણાવ્યું હતું કે “રામિયાને વેચવાનો ભાવ નક્કી કરવા માટે ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં આવ્યા હતા.”

રામિયાના કહેવા મુજબ, તે મહિલાએ તેમને જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ પૈકીની કેટલીક મહિલાઓને બળાત્કાર કરીને છોડી દેવામાં આવી હતી, જ્યારે અન્ય મહિલાઓને “વેચી નાખવામાં આવી હતી.”

અપહૃત મહિલાઓના ખરીદ-વેચાણની કોઈ ઘટનાને બીબીસી વેરિફાઈ કરી શકી નથી, પરંતુ કર્મશીલોએ એવી ઘટનાઓ વિશે માહિતી આપી છે, જેમાં પીડિતાઓને વેચવા કે લગ્ન માટે મજબૂર કરવાની ઘમકી આપવામાં આવી હોય.

‘ઘણી વાર બળાત્કાર કરવામાં આવ્યો’

30 વર્ષનાં માતા નેસમાએ બીબીસીને કહ્યું હતું, “અનેક વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો.”

નેસમાને લટાકિયા પ્રાંતમાંના તેમના ગામમાંથી પડદાવાળી વેનમાં ઉઠાવી જવામાં આવ્યાં હતાં.

ફોન પર વાત કરતી વખતે નેસમાનો અવાજ ધ્રુજતો હતો.

તેમણે જણાવ્યું હતું કે તેમને ઊંચી બારીઓવાળા એક ઓરડામાં સાત દિવસ સુધી રાખવામાં આવ્યાં હતાં. એ ઓરડો કોઈ ઇન્ડસ્ટ્રીયલ જગ્યા જેવો લાગતો હતો.

ત્રણ લોકોએ તેમને તેમના ગામના લોકો તથા અગાઉની સરકાર વચ્ચે કોઈ પણ પ્રકારનું જોડાણ હતું કે કેમ તેના વિશે પૂછપરછ કરી હતી.

નેસમાના જણાવ્યા મુજબ, તેમને બંધક બનાવનાર તમામ પુરુષોએ નકાબ પહેર્યો હતો અને તેઓ સીરિયન અરબીમાં વાતો કરતા હતા. તેમણે કહ્યું હતું કે “અલવાઇટ મહિલાઓની રચના સબાયા બનાવવા માટે કરવામાં આવી છે.”

સબાયા એક જૂનો અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છેઃ બંદીવાન મહિલા.

કેટલાક ઇસ્લામી કટ્ટરપંથીઓ તે શબ્દનો ઉપયોગ, જેની સાથે સેક્સ સ્લેવ જેવું વર્તન કરવામાં આવતું હોય એવી મહિલાઓ માટે કરે છે.

નેસમાએ જણાવ્યું હતું કે તેમને બંધક બનાવનાર લોકોએ તેમના પર અનેક વખત બળાત્કાર કર્યો હતો.

“હું માત્ર મારા મોત વિશે વિચારતી હતી. એવું વિચારતી હતી કે હું મરી જઈશ અને મારાં સંતાનો માતાવિહોણાં થઈ જશે.”

સીરિયા, મહિલાઓ, બળાત્કાર, અલાવાઇટ સમુદાય, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Abdulvacit Haci Isteyfi/Anadolu via Getty Images

લીન નામની એક અન્ય તરુણીનાં માતા હસ્નાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમની દીકરીને માર મારવામાં આવતો હતો, બંદૂકની અણીએ ધમકાવવામાં આવતી હતી અને તેના પર રોજેરોજ જાતીય હુમલાઓ કરવામાં આવતા હતા.

હસ્નાએ જણાવ્યું હતું કે લીનનો અપહરણકર્તા ખુદનો ચહેરો ઢાંકી રાખતો હતો, ખરાબ અરબી બોલતો હતો અને માર્ચની હિંસા દરમિયાન અલવાઇટ લોકોની હત્યામાં પોતે સામેલ હોવાના બડાશ મારતો હતો.

હસ્નાએ કહ્યું હતું, “તેઓ અમારી દીકરીઓને સબાયા કહેતા હતા, કારણ કે તેઓ ભગવાનમાં વિશ્વાસ કરતા નથી.” કેટલાક સુન્ની કટ્ટરપંથીઓ અલવાઇટ સંપ્રદાયના લોકોને ધર્મદ્રોહી માને છે.

બીબીસીએ અલી સાથે પણ વાત કરી હતી.

અલીનાં પત્ની નૂરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને અનેક સપ્તાહ સુધી કેદ બંદી બનાવવામાં આવ્યાં હતાં.

બીબીસીએ સોમાયા નામની એક મહિલા સાથે પણ વાત કરી હતી.

સોમાયાએ જણાવ્યું હતું કે તેમની તરુણ વયની દીકરી પર “સતત 10 દિવસ સુધી” જાતીય અત્યાચાર કરવામાં આવ્યો હતો.

‘ફોનથી ધમકીઓ અપાઈ’

નેસ્માએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ તેમનાં અપહરણની ફરિયાદ કરવા ગયાં ત્યારે સલામતી અધિકારીઓએ તેમની “મજાક ઉડાવતાં અપમાનજનક” વર્તન કર્યું હતું. “તેમણે મને કહેલું કે તું પિકનિક પર ગઈ હતી એવું તારે કહેવું જોઈએ.”

રામિયાએ જણાવ્યું હતું કે અધિકારીઓ શરૂઆતમાં તેમના કેસ પર કામ કરતા રહ્યા હતા, પરંતુ અપહરણકર્તાની ઓળખ થઈ કે તરત જ તેમણે તેમના કૉલ્સ લેવાનું બંધ કરી દીધું હતું.

રામિયાએ ઉમેર્યું હતું, “અમે વાત કરીશું તો તેની કિંમત ચૂકવવી પડશે,” એવી ધમકી પરિવારને ફોન પર આપવામાં આવતી હતી. આખરે તેમણે દેશ છોડવાનો નિર્ણય કર્યો હતો.

અલીએ બીબીસીને કહ્યું હતું, “તેમણે અપહરણકર્તાની ધરપકડ કરી હતી, પરંતુ એ પછી શું થયું તેની અમને ખબર નથી.” તેમને ડર હતો કે અપહરણકર્તાને મુક્ત કરવામાં આવશે અને એ “અમારી પાછળ પડી જશે,” એવું અલીએ કહ્યું હતું.

લીનનાં માતાએ જણાવ્યું હતું કે સલામતી અધિકારીઓએ “દિલચસ્પી અને હમદર્દી સાથે” તેમની દીકરી સાથે અનેક વખત વાત કરી હતી, પરંતુ તપાસનું કોઈ પરિણામ મહિનાઓ પછી પણ જણાવવામાં આવ્યું ન હતું.

સોમાયાનું કહેવું છે કે તેમની સાથે જે થયું હતું તેની ફરિયાદ તેમણે કરી હતી, પરંતુ તેમને કોઈ અપડેટ મળી નથી.

જનરલ સિક્યૉરિટી સર્વિસના કામકાજ પર નજર રાખતા સીરિયાના આંતરિક મંત્રાલયે નવેમ્બરમાં, અપહરણની 42 નોંધાયેલી ઘટનાઓ વિશેની પોતાની તપાસ વિશે એક પત્રકાર પરિષદ યોજી હતી.

મંત્રાલયના પ્રવક્તા નૂર અલ-દીન અલ-બાબાએ જણાવ્યું હતું કે માત્ર એક કેસ “વાસ્તવિક અપહરણનો હતો.”

બાકીની ઘટનાઓ “પોતાની મરજીથી ભાગવાની, સંબંધીઓ કે દોસ્તો સાથે રહેવાની, ઘરેલુ હિંસાથી ભાગવાની, સોશિયલ મીડિયા પર ખોટા દાવા કરવાની કે વેશ્યાવૃત્તિ અને બળજબરીથી નાણાં પડાવવાની હતી.” ચાર કેસ “ગુનાહિત અપરાધ” હતા અને એ માટે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

સીરિયા, મહિલાઓ, બળાત્કાર, અલાવાઇટ સમુદાય, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OMAR HAJ KADOUR/AFP via Getty Images

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા અહેવાલો બાબતે મંત્રાલય “બહુ ગંભીર અને જવાબદાર છે.”

સલામતી દળના તટીય વિસ્તારના એક સૂત્રએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે “કેટલાક લોકો કશું વિચાર્યા-સમજ્યા વિના એવા કામ કરી રહ્યા છે, જેનો હેતુ નાણા પડાવવાનો હોય છે. કેટલાક બેજવાબદારીપૂર્વક એવું કરી રહ્યા છે અથવા તો અગાઉની સરકાર સામેના વ્યક્તિગત હેતુસર થોડા સમય માટે અપહરણ કરે છે.”

તેમાં જનરલ સિક્યૉરિટી સર્વિસના સભ્યો પણ સામેલ છે, એવું જણાવતાં તેમણે ઉમેર્યું હતું, “કેટલાક અધિકારીઓ બદલો લેવા માટે અપહરણ કરે છે.”

“કેટલાક એવા કિસ્સા બહાર આવ્યા છે, જેમાં સંડોવાયેલા અધિકારીઓને તત્કાળ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.”

ચાર મહિલાઓ અને પરિવારોએ બીબીસી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓ કોણ હતા એ તેઓ જાણતા નથી.

અપહરણકર્તાને ઓળખતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તે સિક્યૉરિટી સર્વિસ સાથે સંકળાયેલો ન હતો.

બે મહિલાઓએ જણાવ્યું હતું કે લોકોના દબાણને કારણે તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં.

અન્યોએ જણાવ્યું હતું કે આરોપીઓને શા માટે છોડી મૂકવામાં આવ્યાં હતાં એ તેઓ જાણતા નથી.

‘સજા નહીં થવાનું વાતાવરણ’

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે જુલાઈમાં જણાવ્યું હતું કે તેમને ઓછામાં ઓછી 36 મહિલાઓના અપહરણના ખાતરીપૂર્વકના અહેવાલો મળ્યા છે. એ મહિલાઓની વય ત્રણથી 40 વર્ષ વચ્ચેની હતી. આઠ કિસ્સાને વિગતવાર ડૉક્યુમેન્ટ કરવામાં આવ્યા છે.

ડેપ્યુટી રીજનલ ડિરેક્ટર ક્રિસ્ટીન બેકરલેએ બીબીસીને કહ્યું હતું, “લગભગ તમામ કિસ્સા ડૉક્યુમેન્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં પીડિતોના પરિવારોને કોઈ ઉપયોગી અપડેટ મળી નથી અને તપાસમાં કોઈ ભરોસાપાત્ર પ્રગતિ થઈ નથી.”

જર્મનીમાં રહેતા સીરિયન માનવાધિકાર કાર્યકર અને લેખક યામન હુસૈન આવી ઘટનાઓ પર ચાંપતી નજર રાખે છે.

તેમના જણાવ્યા મુજબ, પીડિતાઓને નિવેદન પરથી જાણવા મળે છે કે વૈચારિક કારણોસર તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે વિચારધારા “પરાજિત પક્ષ ઉપર દમન કરવા” આધારિત છે અને તેનો હેતુ “અલવાઇટ મહિલાઓમાં ડર ફેલાવવાનો હતો.”

તેમણે ઉમેર્યું હતું કે “પોતાને સજા નહીં થાય” એ વાતની ખાતરી વૈચારિક હેતુવાળા જૂથના લોકોને છે અને આવી પરિસ્થિતિને કારણે અપહરણ કરવાનું પ્રોત્સાહન મળી રહ્યું છે.

સીરિયન ફેમિનિસ્ટ લોબીના જણાવ્યા અનુસાર, કેટલીક ડ્રૂઝ અને સુન્ની મહિલાઓના અપહરણના સમાચાર પણ આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને મુક્ત કરવામાં આવી હતી.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે 16 મહિલાઓ અલવાઇટ સંપ્રદાયની હતી અને એ બધી હજુ પણ લાપતા છે.

બીબીસીએ જે પરિવારો સાથે વાત કરી તેઓ ભયભીત છે. તેમને બોલવા બદલ મળનારી સજા અને જાતીય હુમલા સાથે જોડાયેલા કલંક બન્નેનો ડર છે.

લીનનાં માતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી સતત ચિંતાતુર રહે છે. કોઈ દરવાજે ટકોરા મારશે તેનો ભય રહે છે. નેસ્માનું લગ્નજીવન ભાંગી પડ્યું છે.

“હું ઊંઘમાં ચીસો પાડું છું,” એમ કહેતાં રામિયાએ ઉમેર્યું હતું કે તેઓ એક થેરપિસ્ટ પાસે સારવાર લઈ રહ્યાં છે, પરંતુ હજુ પણ ઊંઘ આવતી નથી અને “પૂરતો આરામ મળતો નથી.”

અલીએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ અને નૂર ન્યાય માંગવાથી બહુ ડરે છે. સોમાયાએ જણાવ્યું હતું કે તેમની દીકરી ફરી સ્કૂલે જવા લાગી છે, પરંતુ “શું થયું હતું તેની મારા સિવાય આસપાસની બીજી કોઈ વ્યક્તિને ખબર નથી.”

તેમણે ઉમેર્યું હતું, “આપણી સાથે જે થયું હતું તેનો ઇનકાર ન કરવો જોઈએ, પરંતુ આપણે ખુદ પર જોખમ પણ સર્જવું ન જોઈએ.”

આ અહેવાલ એ બીબીસી વર્લ્ડ સર્વિસની શ્રેણી ‘ગ્લોબલ વુમન’નો એક ભાગ છે, જેમાં વિશ્વની વણકહી તથા અગત્યની કહાણીઓ રજૂ કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS