Home તાજા સમાચાર gujrati પર્વતારોહકે પોતાની પ્રેમિકાને માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં ઊંચા પહાડ પર કેમ ‘છોડી...

પર્વતારોહકે પોતાની પ્રેમિકાને માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં ઊંચા પહાડ પર કેમ ‘છોડી દીધી’?

21
0

Source : BBC NEWS

પર્વતારોહણ, ઑસ્ટ્રિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, www.foto-webcam.eu

33 વર્ષીય મહિલાનું આજથી એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં ઑસ્ટ્રિયાના સૌથી ઊંચા પર્વત પર બરફમાં થીજી જવાથી મૃત્યુ થઈ ગયું. હવે તેમના બૉયફ્રેન્ડ પર આ મામલે અદાલતમાં ગત ગુરુવારે 12 ફેબ્રુઆરીના રોજ ખટલો ચાલ્યો છે, અને ઘોર બેદરકારીથી હત્યા કરવાનો આરોપ છે.

કર્સ્ટિન જીનું હાયપોથર્મિયાને કારણે ગ્રોસગ્લોકનર પર્વત પર મૃત્યુ થઈ ગયું હતું. તેમના બૉયફ્રેન્ડ પર આરોપ છે કે તેમણે સમિટની નજીક કર્સ્ટિનને અસુરક્ષિત માહોલમાં બર્ફીલા તોફાન વચ્ચે 19 જાન્યુઆરી, 2025ના રોજ છોડી દીધાં હતાં અને તેઓ મદદ માગવા ચાલ્યા ગયા હતા.

આ સુનાવણીને કારણે ઑસ્ટ્રિયામાં જ નહીં, પરંતુ અનેક દેશોના પર્વતારોહકો વચ્ચે ચર્ચા જાગી છે.

ફરિયાદીઓનું કહેવું છે કે, વધુ અનુભવી પર્વતારોહક તરીકે બૉયફ્રેન્ડ ‘આ ટૂર માટે જવાબદાર માર્ગદર્શક’ હતો અને તે ગર્લફ્રેન્ડને મદદ કરવા માટે સમયસર પાછા ફરવામાં અથવા મદદ માટે ફોન કરવામાં નિષ્ફળ ગયો.

ઑસ્ટ્રિયન મીડિયામાં આ વ્યક્તિનું નામ થોમસ પી. લખાઈ રહ્યું છે અને તેમણે આવા આરોપોને નકાર્યા છે. તેમના વકીલ કુર્ત જૅલિનેકે આ મહિલાના મૃત્યુને ‘દુ:ખદ અકસ્માત’ ગણાવ્યો છે.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે આ યુગલ 3798 મીટર (12460 ફૂટ) ઊંચા આ પહાડનું આરોહણ કરવા ગયું હતું.

ફરિયાદીઓનો આરોપ છે કે થોમસ પી. એ શરૂઆતથી જ ભૂલો કરી છે અને તેમણે નવ ભૂલોની યાદી પણ જાહેર કરી છે.

ઑસ્ટ્રિયાના ડેર સ્ટાન્ડર્ડ અખબારે લખ્યું હતું કે, “સવાલ એ છે કે વ્યક્તિગત નિર્ણય અને જોખમ લેવાની વાતે એ ક્યારે ગુનાહિત બેદરકારી સાબિત થઈ શકે. જો આ મામલામાં આરોપી દોષી સાબિત થાય છે તો માઉન્ટેઇન સ્પૉર્ટ્સમાં ધરમૂળથી પરિવર્તન લાવશે.”

ઇન્સબ્રુકના સ્ટેટ પ્રૉસિક્યુટર્સ અનુસાર આ કેસમાં મુખ્ય વાત એ છે કે આરોપીને ‘આ ટૂર માટે જવાબદાર બનાવામાં આવશે’ અને ‘તે ખરેખર આલ્પાઇન ટૂર્સ માટે અતિશય અનુભવી માણસ હતો અને તેણે જે આ ટૂરને પ્લાન કરી હતી.’

પર્વત પર એ દિવસે ખરેખર શું થયું હતું?

પર્વતારોહણ, ઑસ્ટ્રિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, www.foto-webcam.eu

ફરિયાદીઓનો આરોપ છે કે તેમની ગર્લફ્રેન્ડે ‘આટલો લાંબો, કઠિન અને ઊંચાઈ ધરાવતો આલ્પાઇન પ્રવાસ ક્યારેય કર્યો ન હતો, અને શિયાળાની પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં’ તેમણે આ પ્રવાસનો પ્રયાસ કર્યો.

તેમનો એવો પણ આરોપ છે કે આ પ્રવાસ બે કલાક મોડા શરૂ થયો હતો અને ‘પૂરતાં ઇમરજન્સી બાયવૉક સાધનો’ સાથે લેવાયાં નહોતાં.

પી. થોમસે ‘તેમની ગર્લફ્રેન્ડને… સ્નોબોર્ડ સોફ્ટ બૂટ જેવાં સાધનોનો ઉપયોગ કરવાની પણ છૂટ આપી જે મિશ્ર ભૂપ્રદેશમાં ઊંચાઈવાળા પ્રવાસ માટે યોગ્ય નથી’ – ફરિયાદીઓનો આવો પણ દાવો છે.

જોકે, પી. થોમસ આ વાતનો ઇનકાર કરે છે. એક નિવેદનમાં, તેમના વકીલ કુર્ત જેલિનેકે જણાવ્યું હતું કે યુગલે સાથે મળીને જ પ્રવાસનું આયોજન કર્યું હતું.

તેમણે કહ્યું, “બંને પોતાને… પૂરતાં અનુભવી, પૂરતા પ્રમાણમાં તૈયાર અને સારી રીતે સજ્જ માનતાં હતાં. બંનેને સંબંધિત આલ્પાઇન અનુભવ હતો અને તેઓ ખૂબ જ સારી શારીરિક સ્થિતિમાં હતાં.”

એક વાર પર્વત પર પહોંચ્યાં પછી, ફરિયાદીઓનું કહેવું છે કે 74 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા અને શિયાળાની ઠંડીને કારણે તેમણે પાછા ફરી જવું જોઈતું હતું. તેમણે કહ્યું હતું કે તાપમાન માઇનસ આઠ ડિગ્રીથી માઇનસ 20 ડિગ્રી સુધી ચાલ્યું ગયું હતું.

આરોહણની એ જગ્યા જ્યાંથી પાછા ફરવું શક્ય નથી હોતું

પર્વતારોહણ, ઑસ્ટ્રિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bergrettung Kals

પરંતુ આ યુગલ પાછું ફર્યું નહોતું. ખરેખર ત્યાં શું બન્યું હતું એ અંગે બંને પક્ષો અલગ-અલગ દાવો કરે છે.

પી. થોમસના વકીલ અનુસાર, તેઓ 18 જાન્યુઆરીના રોજ દોઢ વાગ્યે ફ્રુહસ્ટ્રુકપ્લાટ્ઝ નામના સ્થળે પહોંચ્યા હતા, આ આરોહણની એ જગ્યા હતી જ્યાંથી પાછા ફરવું શક્ય નથી હોતું.

વકીલ કુર્ત જેલીનેકે જણાવ્યું હતું કે, “તેમાંથી કોઈ થાકેલું નહોતું દેખાતું અને તેમણે આગળ પ્રવાસ શરૂ રાખ્યો હતો.”

તો બીજી તરફ ફરિયાદીઓનું કહેવું છે કે યુગલ સાંજે 8 અને 50 મિનિટે ફસાઈ ગયું હતું અને પી. થોમસ પોલીસને ફોન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. રાત્રે 10:50 આસપાસ પોલીસ હેલિકૉપ્ટર ઉડાણ ભરી રહ્યું હતું ત્યારે તેઓ મુશ્કેલીમાં હોવાનું કોઈ સિગ્નલ પણ આપ્યું નહોતું.

બૉયફ્રેન્ડના વકીલનું કહેવું છે કે એ ક્ષણ સુધી હજુ યુગલ મુશ્કેલીમાં નહોતું અને તેમણે એટલો ફોન નહોતો કર્યો, કારણ કે તેઓ સમિટથી વધુ નજીક હતા.

વેબકૅમ ઇમેજીસમાં તેમની ટોર્ચની લાઇટ્સ દેખાય છે અને તેઓ પર્વત પર આગળ વધતાં જોઈ શકાય છે.

પરંતુ ત્યાર પછી થોડી વારમાં જ પરિસ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ હતી તેવું બૉયફ્રેન્ડના વકીલનું કહેવું છે. બૉયફ્રેન્ડના આશ્ચર્ય વચ્ચે તેમની ગર્લફ્રેન્ડમાં અતિશય થાકી જવાની અસર દેખાવા લાગી હતી અને એ સમયે પાછા ફરવું અશક્ય હતું.

19 જાન્યુઆરીએ રાત્રે 00:35 વાગ્યે તેમણે માઉન્ટેન પોલીસને ફોન કર્યો હતો. શું વાતચીત થઈ એ સ્પષ્ટ નથી, પરંતુ વકીલનું કહેવું છે કે તેમણે મદદ માગી હતી અને તેમણે પોલીસને એવું કહ્યું નહોતું કે બધું બરાબર છે. પોલીસનું કહેવું છે કે પછી તેમણે તેમનો ફોન સાઇલન્ટ પર મૂકી દીધો હતો અને પછી ફોન ઉઠાવ્યો ન હતો.

વકીલ કુર્ત જેલિનેકનું કહેવું છે કે યુગલ પછી સમિટથી 130 ફૂટ નીચે સુધી આરોહણ કરવામાં સફળ રહ્યું હતું. ગર્લફ્રેન્ડ વધુ આગળ જવામાં અસમર્થ હતી, એટલે તેમણે તેમને છોડીને મદદ માગવા જવાનું શરૂ કર્યું હતું. આ માટે તેઓ સમિટની બીજી સાઇડ ગયા હતા. ફરિયાદીઓનું કહેવું છે કે રાત્રિના બે વાગ્યે તેમની ગર્લફ્રેન્ડને છોડી દીધી હતી.

ચુકાદાને કારણે પર્વતારોહણ ક્ષેત્રમાં નવા નિયમો બની શકે

શિખર પરથી નીચે ઊતરતી વખતે તેમની મશાલને આધારે આકૃતિ વેબકૅમમાં કેદ થઈ હતી. ફરિયાદીઓનો આરોપ છે કે તેમણે ગર્લફ્રેન્ડને બચાવવા ઍલ્યુમિનિયમ રૅસ્ક્યૂ બ્લૅન્કેટ કે અન્ય સાધનોનો ઉપયોગ કર્યો નહોતો અને સાડા ત્રણ સુધી ઇમરજન્સી સેવાઓને સૂચિત કરી નહોતી.

એ ક્ષણે કદાચ ઘણું મોડું થઈ ગયું હતું. તોફાની પવનોને કારણે રાત્રે કોઈ હેલિકૉપ્ટર પણ રૅસ્ક્યૂ કરી શકે તેમ નહોતું. કર્સ્ટિન જી.નું બરફમાં એકલાં થીજીને મૃત્યુ થઈ ગયું હતું.

તેમની સોશિયલ મીડિયા ફીડ ઉપરથી ખ્યાલ આવે છે કે તેઓ પર્વતારોહણમાં અતિશય રસ ધરાવતાં હતાં અને તેમનાં માતાએ જર્મન મીડિયાને જણાવ્યું હતું કે તેમને રાત્રે પર્વતારોહણ કરવું પસંદ હતું.

થોમસ પી.ના વકીલનું કહેવું છે કે, “મારા ક્લાયન્ટ તેમના મૃત્યુને માટે અતિશય દુ:ખ વ્યક્ત કરે છે. તેમના પરિવાર પ્રત્યે તેમની ઊંડી સંવેદના છે.”

જો દોષી સાબિત થશે તો થોમસ પી.ને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે અને આ ચુકાદાની અસર અન્ય પર્વતારોહકો પર થઈ શકે છે. ભવિષ્યમાં કેટલું વળતર મળી શકે તેના માટેના નિયમો પણ ઘડાઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS