Home તાજા સમાચાર gujrati અકબર અને બીરબલની વાર્તાઓ શું સાચી છે, બીરબલનું ખરું નામ શું હતું...

અકબર અને બીરબલની વાર્તાઓ શું સાચી છે, બીરબલનું ખરું નામ શું હતું અને તેઓ અકબરના વિશ્વાસુ કેવી રીતે બન્યા?

19
0

Source : BBC NEWS

અકબર બીરબલ

ઇમેજ સ્રોત, Juggernaut/Getty Images

અકબર વિશે એવું કહેવાય છે કે, તેમના દરબારમાં દેશના સૌથી પ્રતિભાશાળી લોકોનો દબદબો હતો, જેમાં કવિઓ, વિદ્વાનો, તત્ત્વચિંતકો, સંગીતકારો, સર્જકો, સેનાપતિ અને વહીવટકર્તાઓનો સમાવેશ થતો હતો.

આગળ જતાં તે વિભૂતિઓ અકબરના દરબારનાં “નવ રત્નો” તરીકે વિખ્યાત થઈ.

તે પૈકી એક હતા, બીરબલ. અકબર સાથેની તેમની મૈત્રી અને તેમના હાજરજવાબીપણાંની વાર્તાઓ આજે પણ ભારતીયોમાં મશહૂર છે.

ભારતીય ઇતિહાસમાં અત્યંત લોકપ્રિય હોય, તેવી વ્યક્તિઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય, એટલી છે, પણ તેમ છતાં તેમના જીવન વિશે લોકોને ખાસ જાણકારી હોતી નથી.

અકબર હંમેશાં બીરબલને પોતાની સાથે રાખવા માગતા હતા.

અકબરનું જીવન ચરિત્ર ‘અકબર ધ ગ્રેટ મુઘલ’ લખનારાં ઈરા મુખૌટી લખે છે, “જ્યારે અકબર ફતેહપુર સિક્રીનું નિર્માણ કરાવી રહ્યા હતા, ત્યારે તેમણે બીરબલ માટે એક મહેલ બનાવવાનો આદેશ આપ્યો હતો. 1583માં જ્યારે મહેલ બનીને તૈયાર થઈ ગયો, ત્યારે તેની પૂજનવિધિમાં અકબર સ્વયં ઉપસ્થિત રહ્યા હતા.”

બંને વચ્ચેની મિત્રતા એટલી ગાઢ હતી કે, મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યાને સદીઓ વીતી ગયા પછી પણ અકબર અને બીરબલની વાર્તાઓ હજુયે લોકો એટલી જ મોજથી સાંભળતા હોય છે.

ઈરા કહે છે, “આ વાર્તાઓમાં બીરબલને હંમેશાં બાદશાહ કરતાં વધુ બુદ્ધિશાળી બતાવાય છે અને બાદશાહની મજાક ઉડાવવામાં આવે છે. આ વાર્તાઓ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોવાના ઘણા ઓછા પુરાવા છે, તેમ છતાં એ વાતમાં કોઈ શંકા નથી કે, અકબરને રમૂજ અને હાજરજવાબીપણું પસંદ હતાં.”

બીરબલનું સાચું નામ

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Juggernaut

એમએચ આઝાદ તેમના પ્રસિદ્ધ પુસ્તક ‘દરબાર-એ-અકબરી’માં લખે છે, “જે રીતે એરિસ્ટોટલનું નામ સિકંદર સાથે જોડાયેલું છે, તે જ રીતે રાજા બીરબલનું નામ અકબર સાથે જોડાઈ ગયું છે.”

“બીરબલની સ્મૃતિ ભારતીયોના માનસપટ પર ઊંડે સુધી અંકિત થઈ ગઈ છે.”

“લોકોને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે, બીરબલનું સાચું નામ ન તો રાજા હતું કે ન તો બીરબલ. આ નામ તેમને પછીથી ખિતાબ તરીકે આપવામાં આવ્યું હતું અને તે એટલું પ્રસિદ્ધ થઈ ગયું કે, તેમનું સાચું નામ ભૂલાઈ ગયું.”

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Aleph

અકબરના દરબારમાં બીરબલનો પ્રવેશ 1556માં થયો હોવાનું મનાય છે. તે સમયે તેઓ 28 વર્ષના હતા અને તેઓ અકબર કરતાં 14 વર્ષ મોટા હતા.

બીરબલના સાચા નામને લઈને ઇતિહાસકારોમાં મતમતાંતર પ્રવર્તે છે.

અકબરના સમયના ઇતિહાસકાર અબ્દુલ કાદિર બદાયૂનીના જણાવ્યા પ્રમાણે, બીરબલનું સાચું નામ ગદઈ બ્રહ્મદાસ હતું. જોકે, જ્યૉર્જ ગ્રિયરસનના મતે, બીરબલનું સાચું નામ મહેશ દાસ હતું.

‘દરબાર-એ-અકબરી’ના લેખક એમએચ આઝાદ પણ તેની પુષ્ટિ કરે છે અને એચ બ્લોકમેને પણ ‘આઇના-એ-અકબરી’ના તેમના અનુવાદમાં આ જ નામનો ઉપયોગ કર્યો છે.

અલ્હાબાદના કિલ્લામાં આવેલા અશોક સ્તંભ પર પછીથી કોતરવામાં આવેલા વર્ણનમાં બીરબલનું સાચું નામ મહેશ દાસ અને તેમના પિતાનું નામ ગંગા દાસ હોવાનું જણાવવામાં આવ્યું છે.

અકબરના દરબારમાં બીરબલનો પ્રવેશ કેવી રીતે થયો?

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, UP Tourism

અકબરના દરબારમાં બીરબલ 24 વર્ષ રહ્યા હતા. અકબર સાથે જોડાયા પહેલાં બીરબલ અન્ય ઘણા રાજાઓના દરબારોમાં દરબારી કવિ તરીકે રહી ચૂક્યા હતા.

બદાયૂનીના જણાવ્યા પ્રમાણે, બીરબલ રીવાના રાજા રામચંદ્રના દરબારમાં હતા. અકબરના દરબારમાં બીરબલના આગમનને લઈને ઇતિહાસકારોએ જુદાં-જુદાં વર્ણનો કર્યાં છે.

કેટલાક ઇતિહાસકારોના મતે, અકબર અને બીરબલ વચ્ચે આકસ્મિક મુલાકાત થઈ હતી અને બીરબલની ચતુરાઈથી પ્રભાવિત થઈને અકબરે તેમને પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું.

અન્ય કેટલાક ઇતિહાસવિદો જણાવે છે કે, બીરબલ આમેરના રાજા ભગવાનદાસના દરબારમાં હતા અને રાજાએ ભેટસ્વરૂપે બીરબલને અકબરના દરબારમાં મોકલ્યા હતા.

અન્ય એક જીવનચરિત્રકારના જણાવ્યા પ્રમાણે, બીરબલને અકબરના દરબારમાં લાવનાર ટોડરમલ હતા.

ડૉક્ટર આરપી ત્રિપાઠી તેમના પુસ્તક ‘પાર્ટીઝ ઍન્ડ પૉલિટિક્સ ઇન ધ મુઘલ કોર્ટ’માં લખે છે, “તાનસેનની માફક બીરબલ પણ અગાઉ રીવાના રાજા રામચંદ્રના દરબારમાં હતા અને અકબરે તેમને આમંત્રણ પાઠવ્યું હતું. “

બદાયૂનીનું માનવું છે કે, બીરબલ સ્વયં અકબરના દરબારમાં આવ્યા હતા અને તેમના બુદ્ધિચાતુર્ય તથા વિનોદવૃત્તિથી પ્રભાવિત થઈને અકબરે તેમને પોતાના દરબારમાં રાખી લીધા.

અકબરના શાસનમાં બીરબલની ભૂમિકા

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Aleph

જેએમ શેલત તેમના પુસ્તક ‘અકબર’માં બીરબલની ભૂમિકા અંગે લખે છે, “ઇબાદત ખાનામાં ધાર્મિક બાબતો પર થતા વાદ-વિવાદમાં અકબરે કટ્ટરવાદીઓ વિરુદ્ધ બીરબલની વાકપટુતા તથા હાજરજવાબીપણાનો બખૂબી ઉપયોગ કર્યો હતો.”

શેલત લખે છે, “વૈષ્ણવ સંપ્રદાય અને સૂર્ય પૂજામાં આસ્થા ધરાવતા બીરબલનો અકબર પર એ હદે પ્રભાવ હતો કે, અકબર પણ સૂર્ય અને અગ્નિને મહત્વ આપતા હતા.”

‘દીન-એ-ઈલાહી’માં ઇબાદત ખાનાનું વર્ણન કરતાં એમએલ રોયચૌધરી લખે છે, “અકબરના દરબારમાં બીરબલનું આસન ઉત્તર-પૂર્વમાં રહેતું, જ્યારે ફૈઝી ઉત્તર-પૂર્વમાં બેસતા. અબુલ ફઝલ દક્ષિણ-પૂર્વ દિશામાં બેસતા હતા.”

બામ્બર ગેસક્વાએન તેમના પુસ્તક ‘ધ ગ્રેટ મુઘલ્સ’માં લખે છે, “બીરબલે હિંદુ ધર્મની સમજૂતી મેળવવામાં અકબરને ઘણી મદદ કરી હતી. બીરબલે સ્વયં ઇસ્લામ અને અન્ય ધર્મો સમજવાનો પ્રયત્ન કર્યો હતો. બે અલગ-અલગ ધર્મોથી વિભાજિત સમાજમાં અકબર અને બીરબલ લોકોને એકમેકની નિકટ લાવે અને સદભાવના સાથે રહી શકે, તેવી કેટલીક સમાનતાઓ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.”

બીરબલને વહીવટી બાબતો પર પણ સારી એવી હથોટી હતી. અબુલ ફઝલથી અલગ, બીરબલ મંત્રીપદે ન હોવા છતાં તેમણે મંત્રી તરીકેનાં કાર્યો કર્યાં હતાં.

વર્તમાન પરિભાષામાં બીરબલની તુલના પોર્ટફોલિયો વિનાના મંત્રી સાથે કરી શકાય. 1577માં તેમને મથુરાના બ્રાહ્મણોનો મામલો ઉકેલવા માટે મોકલવામાં આવ્યા હતા.

1578માં તેમને મદદ-એ-માશનું કામકાજ સંભાળવા માટે જલંધર મોકલવામાં આવ્યા હતા.

સાથે જ તેમને પશુધનની કિંમત અને વેચાણનું નિયંત્રણ રાખતી મજલિસના સભ્ય પણ બનાવવામાં આવ્યા હતા.

લશ્કરી અભિયાનોમાં બીરબલનો ઉપયોગ

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Robinson

એક રાજનીતિજ્ઞ તરીકે બીરબલનું મુખ્ય કામ અકબર અને અન્ય હિંદુ રાજાઓ વચ્ચેની કડી તરીકેનું હતું.

1568માં બીરબલની દરમિયાનગીરીને કારણે જ રાજા રામચંદ્રના પ્રદેશને મુઘલ સામ્રાજ્યમાં ભેળવી દેવાનો વિચાર પડતો મૂકાયો હતો.

રાજપૂત રાજાઓ બીરબલને મુઘલ દરબારમાં તેમના સંરક્ષક તરીકે જોતા હતા. બીરબલ હિંદુ અને મુસ્લિમ ઉમરાવોમાં લોકપ્રિય હતા એટલું જ નહીં, પણ બાદશાહ સાથેની તેમની નિકટતાને કારણે લોકો તેમનાથી ડરતા પણ હતા.

અકબરના દરબારમાં બીરબલનું મહત્ત્વ એ હકીકત પરથી આંકી શકાય છે કે, બાદશાહ લશ્કરી અભિયાનોમાં પણ બીરબલને સાથે લઈ જવા લાગ્યા હતા. સૌપ્રથમ તેમને પંજાબના અશાંત પ્રદેશ પર કાબૂ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા.

કાંગડા અભિયાનમાં તેમની ભૂમિકાને પગલે, અકબરે 1572માં તેમને નગરકોટની જાગીર આપી હતી. તે પછી ગુજરાત તથા બિહારનાં અભિયાનોમાં પણ તેઓ અકબરની સાથે રહ્યા હતા.

બીરબલે કદી અકબરની નારાજગી વહોરવી નહોતી પડી.

બીરબલ વ્રજ ભાષાના કાબેલ કવિ પણ હતા. અકબરે તેમને “કવિ રાય”ની ઉપાધિથી નવાજ્યા હતા.

ઈરા મુખૌટી લખે છે, “અકબરને બીરબલના સ્વરૂપમાં એક વિચક્ષણ બુદ્ધિક્ષમતા અને ઊંડી સમજ ધરાવતી પ્રતિભા મળી હતી, જે અકબરને સંપૂર્ણપણે સમર્પિત હતી.”

“તેમનાં વાકચાતુર્ય, ઉદારતા અને કાવ્ય પ્રતિભાના ગુણ સમન્વિત થઈને બીરબલને મુઘલ દરબારના એક આદર્શ દરબારી બનાવતા હતા.”

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Rekhta Books

અકબર અને બીરબલના ગાઢ સંબંધની સૌથી મોટી સાબિતી એ હતી કે, તેમના ત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે કદી અકબરની નારાજગી નહોતી વહોરવી પડી.

અકબરના અન્ય નિકટવર્તી દરબારીઓ સમયાંતરે અકબરના ક્રોધનો ભોગ બનતા હતા.

એન્ટોનિયો ડે મોન્સેરેટે લખ્યું હતું, “સરકારી કામમાં ભૂલ કરનારા અધિકારીઓને અકબર કદી બક્ષતા ન હતા.”

“માત્ર ત્રણ દરબારી કદીયે અકબરના રોષનો ભોગ નહોતા બન્યા. તે હતાઃ કવિ ફૈઝી, સંગીતકાર તાનસેન અને બીરબલ.”

કદી પણ બીરબલની તરફેણ ન કરનારા બદાયૂનીએ સુદ્ધાં લખ્યું હતું, “અકબર સાથે વાત કરીને બીરબલ તરત જ વાતને પોતાના પક્ષમાં વાળી લેતા હતા.”

“તેમનો હોદ્દો વધ્યો હતો અને સાથે જ તેઓ રાજાના વિશ્વાસુ પણ બન્યા હતા. થોડા દિવસોની અંદર જ શરીર નોખાં, પણ આત્મા એક, એવી સ્થિતિ સર્જાઈ ગઈ.”

માત્ર એક વખત જ બીરબલ કોઈ મુશ્કેલીમાં ફસાયેલા જણાયા હતા. બદાયૂની તેમના પુસ્તક ‘મુન્તખબ-ઉત-તવારીખ’માં લખે છે, “એક વખત અકબરે ફતેહપુર સિક્રીની વેશ્યાઓને બોલાવીને પૂછ્યું કે, તેમના કયા-કયા દરબારીઓ તેમની પાસે જઈને તેમને લલચાવવાનો પ્રયત્ન કરે છે.”

“વેશ્યાઓએ જે દરબારીઓનાં નામ આપ્યાં, તેમાં બીરબલનું નામ પણ સામેલ હતું. જ્યારે બીરબલને આ વિશે જાણ થઈ, ત્યારે તેમણે દરબારમાં પ્રાણ ત્યાગવાની તૈયારી દર્શાવી.”

“તે વખતે તેમને સજા આપવાનું તો દૂર, ઊલટું, અકબર તેમને મનાવવાના પ્રયત્નો કરવા માંડ્યા.”

અકબર અને બીરબલની નિકટતા

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

અકબરના સૌથી નિકટવર્તી સલાહકાર હોવા છતાં બીરબલની ગણના તેમના જીહજૂરિયાઓમાં નહોતી થતી.

બદાયૂની માનતા હતા કે, ‘અબુલ ફઝલ અકબરના સૌથી મોટા જીહજૂરિયા હતા,’ પણ બદાયૂની સહિતના એક પણ ઇતિહાસકારે બીરબલની નિષ્ઠા કે પ્રામાણિકતાને લઈને કદી સવાલ નથી ઉઠાવ્યો કે કદી શંકા નથી સેવી.

નિષ્ઠા અને વફાદારીના મામલે, બીરબલ માન સિંહ, રહીમ અને મિર્ઝા અઝીઝ કરતાં ચઢિયાતા સાબિત થયા હતા.

અકબર અને બીરબલ વચ્ચેના પ્રગાઢ સંબંધનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, અકબરે ચાર વખત બીરબલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.

બાદશાહે અન્ય દરબારીઓનાં નિવાસસ્થાનોની પણ મુલાકાત લીધી હતી, પણ બે કરતાં વધુ વખત નહીં.

અકબર પહેલી વાર 1574માં અલ્હાબાદની સફર દરમિયાન અકબરપુરમાં બીરબલના નિવાસસ્થાને રોકાયા હતા.

અબુલ ફઝલે તેમના પુસ્તક ‘અકબરનામા’માં આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.

અકબરે બીરબલનો જીવ બચાવ્યો

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Publication Division AMU

1583માં ફતેહપુર સિક્રીમાં બનેલી એક ઘટના પરથી પણ અકબર-બીરબલની નિકટતા સાબિત થાય છે.

અમીતા સરીન તેમના પુસ્તક ‘અકબર ઍન્ડ બીરબલ, ટેલ્સ ઑફ વિટ ઍન્ડ વિઝ્ડમ’માં લખે છે, “અકબર અને તેમના દરબારીઓ એક મેદાનમાં હાથીઓની લડાઈ નિહાળી રહ્યા હતા. અકબર ઘોડા પર સવાર હતા.”

“લડાઈની વચ્ચે અચાનક જ એક હિંસક હાથીએ બીરબલ પર હુમલો કર્યો. અકબરે જ્યારે જોયું કે બીરબલનો જીવ જોખમમાં છે, ત્યારે તેઓ પોતાના ઘોડાને તે તરફ હંકારી જઈને બીરબલ અને હાથીની વચ્ચે જઈને ઊભા.”

“અકબરે શાહી રુઆબ સાથે હાથીને અટકી જવાનો આદેશ આપ્યો. અકબરનો સત્તાવાહી સ્વર સાંભળીને હાથીના પગ ત્યાં જ થોભી ગયા.”

એ જ રીતે, એક વખત પોલો રમવા દરમિયાન બીરબલ તેમના ઘોડા પરથી ગબડી પડ્યા.

પાર્વતી શર્મા તેમના પુસ્તક “અકબર ઑફ હિંદુસ્તાન”માં લખે છે, “જ્યારે બીરબલ બેભાન થઈ ગયા, ત્યારે અકબરે દોડીને પોતાના હોઠ વડે બીરબલના મોંમાં શ્વાસ ફૂંક્યા હતા.”

પશ્તૂન અભિયાનમાં બીરબલનું મૃત્યુ

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Atlantic Publishers

1586માં અકબરે સ્વાત તથા બજૌડ પ્રદેશમાં પશ્તૂન યુસુફઝાઈ લોકોના બળવાને ડામવા માટે ઝૈન ખાન કોકા અને બીરબલને મોકલ્યા હતા.

આ અભિયાનનું નેતૃત્વ અબુલ ફઝલ પણ કરવા માગતા હતા. અકબરે બંનેના નામની ચિઠ્ઠીઓ ઉછાળીને બીરબલની પસંદગી કરી, પણ 16મી ફેબ્રુઆરી, 1586ના રોજ મુઘલ સેનાએ પરાજયનો સામનો કરવો પડ્યો, જેમાં બીરબલ સહિત આઠ હજાર સૈનિકો માર્યા ગયા.

બદાયૂની લખે છે, “અફઘાનોએ મલંદરાઈ પાસની ઊંચાઈઓ પર ચઢીને તીર અને પથ્થરો વડે મુઘલો પર આક્રમણ કર્યું.”

બીરબલના મોતથી શોકાતુર અકબર

બીબીસી ગુજરાતી મુઘલ બાદશાહ અકબર બીરબલ દિલ્હી ભારતીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, Victoria & Albert Museum

ઈરા મુખૌટી લખે છે, “બીરબલના મોતના ખબર મળતાં અકબર ઊંડા શોકમાં સરી પડ્યા. તે પછીના બે દિવસ અને બે રાત સુધી તેમણે ખાવાનું તો દૂર, પાણી સુદ્ધાં ન પીધું.”

“તેમણે તુરાનના દૂતને મળવાનો ઇનકાર કરી દીધો અને લોકોને દર્શન આપવા માટે ઝરુખામાં પણ ન આવ્યા.”

અબુલ ફઝલ ‘અકબરનામા’માં લખે છે, “અકબરને કોઈ ચીજમાં રસ ન રહ્યો. તેમનાં માતા હમીદા બાનો અને સહયોગીઓની વિનંતી પર તેઓ ફરી સામાન્ય જીવન તરફ પાછા ફર્યા.”

“તેમણે મારી સમક્ષ કબૂલ્યું કે, આ ઓચિંતા આઘાતે તેમને અંદરથી હચમચાવી દીધા હતા.”

અકબરની મનઃ સ્થિતિ વર્ણવતાં બદાયૂનીએ પણ લખ્યું હતું, “અકબરને તેમના કોઈપણ ઉમરાવના મૃત્યુ પર એટલો આઘાત નહોતો લાગ્યો, જેટલો બીરબલના મૃત્યુથી લાગ્યો.”

“તેઓ ઝૈન ખાન અને અબુલ ફઝલ પર એટલા નારાજ હતા કે, તેમણે તેમને પોતાના ચહેરા ન બતાવવાનો આદેશ આપ્યો હતો.”

“તેમને એ વાતનો પણ ભારે રંજ હતો કે, તેમના સૈનિકો બીરબલનો મૃતદેહ પણ તેમની પાસે ન લાવી શક્યા, કે જેથી તેમની યોગ્ય અંતિમક્રિયા કરી શકાય.”

અકબર એટલા ક્રોધમાં હતા કે, તેઓ સ્વયં બીરબલનો મૃતદેહ લેવા કાબુલ જવા ઇચ્છતા હતા, પણ દરબારીઓએ તેમને સમજાવ્યું કે, તેમના મિત્રના પાર્થિવ શરીરને પવિત્ર કરવા માટે સૂર્ય પ્રકાશ પૂરતો છે.

બીરબલના મૃત્યુનાં ગણતરીનાં સપ્તાહોની અંદર અકબરે મિત્રના મોતનો બદલો લેવા માટે ટોડરમલની આગેવાની હેઠળ સ્વાત અને બજૌડ ઉપર હુમલો કર્યો. આ વખતે મુઘલ સેના વિજેતા થઈને પરત ફરી.

અકબરે બીરબલને શ્રદ્ધાંજલિ અર્પતાં કહ્યું, “બીરબલ સર્વશ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠ હતા. અમારા નિકટના સાથીઓમાં તેઓ સર્વશ્રેષ્ઠ હતા, જેની કોઈ બરોબરી કરી શકે નહીં.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS