Home તાજા સમાચાર gujrati પાકિસ્તાન માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, આજે રમાશે આ મહત્ત્વની મૅચ ...

પાકિસ્તાન માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, આજે રમાશે આ મહત્ત્વની મૅચ – ન્યૂઝ અપડેટ

25
0

Source : BBC NEWS

પાકિસ્તાની ક્રિકેટ ટીમ, ટી 20 વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

18 ફેબ્રુઆરી 2026, 09:16 IST

અપડેટેડ 5 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

ટી20 વર્લ્ડકપમાં આજે (18 ફેબ્રુઆરી) પાકિસ્તાનનો મુકાબલો એક મહત્ત્વપૂર્ણ મૅચમાં થશે. પાકિસ્તાન નામિબિયા સામે ‘કરો યા મરો’ની સ્થિતિમાં ટકરાશે.

જો સલમાન આગાની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ આ મૅચ જીતી જાય છે, તો તે સુપર-8 રાઉન્ડમાં આગળ વધશે. જો તે હારી જાય છે, તો તેને ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવાનું જોખમ રહેશે.

ગયા વખતે, પાકિસ્તાન ટી20 વર્લ્ડકપના ગ્રૂપ સ્ટેજમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે હારીને બહાર થઈ ગયું હતું.

પાકિસ્તાને આ ટી20 વર્લ્ડકપ શ્રેણીમાં ત્રણ મૅચ રમી છે, જેમાં બે જીતી છે અને ચાર પૉઇન્ટ મેળવ્યા છે. જોકે, નેટ રન રેટના સંદર્ભમાં તે યુએસએથી પાછળ છે.

આજની મૅચ ગ્રૂપ A માં પાકિસ્તાનની છેલ્લી મૅચ છે. નામિબિયા સામેની મૅચ આજે (બુધવાર) બપોરે 3 વાગ્યે રમાશે.

ભારત ગ્રૂપ A માં ત્રણ મૅચ રમીને છ પૉઇન્ટ સાથે આગળ છે, જ્યારે યુએસએ અને પાકિસ્તાન રન રેટના આધારે બીજા અને ત્રીજા ક્રમે છે, બંને ટીમોના ચાર-ચાર પૉઇન્ટ છે. નામિબિયા હજુ સુધી એક પણ મૅચ જીતી શક્યું નથી.

ગ્રૂપ બીમાં, શ્રીલંકા છ પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઝિમ્બાબ્વે પાંચ પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે.

બાંગ્લાદેશમાં નવી સરકારના ગઠન બાદ ભારતે ત્યાંના મુખ્ય વિપક્ષનો સંપર્ક સાધ્યો

તારિક રહમાન, ઓમ બિરલા, વિક્રમ મિસરી, જમાત-એ-ઇસ્લામી શફીકુર રહમાન સાથે મુલાકાત, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ,

ઇમેજ સ્રોત, x/hamidullah_riaz

બાંગ્લાદેશમાં 18 મહિનાની અંધાધૂંધી અને અનિશ્ચિતતા બાદ મંગળવારે બીએનપીના (બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી) નેતૃત્વમાં નવી સરકારનું ગઠન થયું હતું.

બીજી બાજુ, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી જમાત-એ-ઇસ્લામીના નેતા ડૉ. શફીકુર રહમાન સાથે મુલાકાત કરી હતી.

ઢાકાસ્થિત ભારતીય હાઇકમિશને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે આ સૌજન્ય મુલાકાત હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, નવી સરકારના શપથગ્રહણ સમારંભ દરમિયાન આ બેઠક થઈ હતી.

મિસરીએ જમાત-એ-ઇસ્લામીના નેતાને તેમની નવી ભૂમિકા માટે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ સામાન્ય લોકોનાં હિતો સાથે જોડાયેલાં છે.

ડૉ. શફીકુર રહમાને બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધો ઉપર ભાર મૂકતા દ્વિપક્ષી સંબંધોને વધુ મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

શપથવિધિના કાર્યક્રમમાં ભારત તરફથી લોકસભાના સ્પીકર ઓમ બિરલા પહોંચ્યા હતા. તેમણે બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા વડા પ્રધાન તારિક રહમાન સાથે મુલાકાત કરીને તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો શુભેચ્છા સંદેશ સોંપ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહમાનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. બીબીસીની બાંગ્લા સેવાના જણાવ્યા મુજબ, નવગઠિત મંત્રીમંડળની પહેલી બેઠક બુધવારે બપોરે ત્રણ વાગ્યે મળશે.

ઉલ્લેખનીય છે કે તા. 12મી ફેબ્રુઆરીના બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી અને જનમત સંગ્રહ એકસાથે યોજાયા હતા. જેમાં બીએનપીને ભારે બહુમતી મળી છે, જ્યારે જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વવાળું ગઠબંધન બીજા ક્રમે રહ્યું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો માટે ‘માર્ગદર્શક સિદ્ધાંતો’ નક્કી થયા

અરાગચી, ખામેનેઈ, ઈરાન વિદેશ મંત્રી અબ્બા, ઈરાન અને અમેરિકા તણાવ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CYRIL ZINGARO / POOL / AFP via Getty Images

અમેરિકા અને ઈરાન વચ્ચે ‘અપ્રત્યક્ષ’ વાટાઘાટોનો બીજો ક્રમ જિનેવામાં યોજાયો હતો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ આ મસલતોને અગાઉની સરખામણીએ વધુ સકારાત્મક ગણાવી હતી.

અરાગચીએ ઈરાની ટેલિવિઝનને જણાવ્યું હતું કે ચર્ચા ખૂબ જ ગંભીર રહી તથા વધુ સકારાત્મક માહોલ હતો. અલગ-અલગ વિચાર રજૂ કરવામાં આવ્યા તથા તેના ઉપર ગંભીરતાથી ચર્ચા થઈ.

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ‘માર્ગદર્શક સિદ્ધાંતો’ અંગે સહમતિ સધાઈ ગઈ છે તથા આ સિદ્ધાંતોના આધારે જ અમે મુસદ્દો લખવાનો ચાલુ કરીશું. હવે, અમારી પાસે આગળ વધવા માટેનો સ્પષ્ટ માર્ગ છે, જે સકારાત્મક છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું, “આ કામ તત્કાળ પૂરું નહીં થાય, પરંતુ સંભવિત મુસદ્દા ઉપર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પછી તેની આપલે કરવામાં આવશે. એ પછી ત્રીજા તબક્કાની મંત્રણા માટે તારીખ નક્કી કરવામાં આવશે.”

ત્યાં હાજર રહેલા પત્રકારોને ટાંકતા બીબીસી ઉર્દૂ જણાવે છે કે જે ઇમારતમાં ઇરાનનું પ્રતિનિધિમંડળ અને ઓમાનના વિદેશમંત્રી હાજર હતા, ત્યાં અમેરિકાના પ્રતિનિધિમંડળે પ્રવેશ નહોતો કર્યો.

બીજી બાજુ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈએ ઍક્સ ઉપર એક પછી એક અનેક પોસ્ટ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી હતી.

તેમણે ઍક્સ ઉપર લખ્યું, “અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા 47 વર્ષથી ઇસ્લામિક રિપબ્લિકને ખતમ નથી કરી શક્યું. આ સારું કબૂલનામું છે. હું કહું છું કે અમને ખતમ નથી કરી શક્યા કે ખતમ નહીં કરી શકો.”

ખામેનેઈએ લખ્યું, “અમેરિકા સતત કહી રહ્યું છે કે તેણે ઈરાન તરફ યુદ્ધજહાજ મોકલ્યા છે. તે ચોક્કસપણે ખતરનાક ચીજ છે, પરંતુ યુદ્ધજહાજથી પણ ખતરનાક એ હથિયાર છે, જે યુદ્ધજહાજને ભેદીને તેને દરિયાના તળિયે મોકલી દે.”

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનમાં સત્તાપરિવર્તન ‘સૌથી સારી બાબત હોય શકે છે.’ સાથે જ કહ્યું હતું કે ‘આપણે 47 વર્ષોથી વાટાઘાટો જ કરતા રહ્યા અને ઘણા જીવ ગુમાવી દીધા.’

ચાર ધામની યાત્રા માટે શ્રદ્ધાળુઓએ ફી ભરવી પડશે

કેદારનાથ, ચાર ધામ, શ્રદ્ધાળુઓ  ફીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

તા. 19 એપ્રિલથી ચાર ધામની યાત્રા શરૂ થશે. ત્યારે અધિકારીઓના કહેવા પ્રમાણે, આ જાત્રામાં ભાગ લેવા માંગનારાઓએ ‘લઘુત્તમ રકમ’ ફી પેટે ભરવી પડશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, મંગળવારે ગઢવાલ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં ફી વસૂલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે, ફી પેટે કેટલી રકમ લેવામાં આવશે, તે હજુ નક્કી નથી, પરંતુ તે રકમ ‘ખૂબ ઓછી’ હશે, એવું કહેવાય રહ્યું છે.

યાત્રાળુઓની સંખ્યા ઉપર કોઈ ટોચમર્યાદા નહીં હોય, પરંતુ તેમણે ફરજિયાતપણે નોંધણી કરાવવી પડશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ડમી રજિસ્ટ્રેશનને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે તથા આને કારણે શ્રદ્ધાળુઓને હાલાકી ન પડે અને સ્થાનિક વેપારધંધાને કોઈ અસર ન થાય, તેની કાળજી રાખવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS