Home તાજા સમાચાર gujrati ગુજરાત : વાવેતરમાં ઘટાડો, રોગચાળાની ફરિયાદો છતાં શરૂઆતમાં જીરાના ભાવ કેમ ઘટી...

ગુજરાત : વાવેતરમાં ઘટાડો, રોગચાળાની ફરિયાદો છતાં શરૂઆતમાં જીરાના ભાવ કેમ ઘટી રહ્યા છે?

7
0

Source : BBC NEWS

ગુજરાતમાં ખેતી, જીરુંના ભાવ, ઊંઝા માર્કેટમાં જીરુંના ભાવ, જીરું, બીબીસી ગુજરાતી, ખેતીવાડી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને જીરાના પાકની લણણી કરવાની મોસમ શરૂ થઈ ગઈ છે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતો પોતાનાં ખેતરોમાંથી જીરાં ઉંબાળી (ખેતરમાંથી જીરું લેવું) રહ્યા છે અને તેને થ્રેસરમાં નાખી છોડમાંથી દાણા છૂટા પાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે અગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીઓ (ટૂંકમાં, એપીએમસી)ના યાર્ડ્ઝમાં લઈ જવાનું ચાલુ કરી દીધું છે.

ગુજરાતમાં આ વર્ષે જીરાના વાવેતરમાં દસેક ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત કમોસમી વરસાદ અને રોગોના ઉપદ્રવની જીરાના પાક પાર માઠી અસર થઈ હોવાની ફરિયાદો અમુક ખેડૂતો કરી રહ્યા છે.

આવા સંજોગો છતાં જીરાની નવી મોસમ શરૂ થતા જ ભાવમાં આંશિક ઘટાડો થયો છે. બજારના જાણકારો કહે છે કે આ વર્ષે જીરાની કિંમતમાં કોઈ મોટી ઊથલપાથલ થવાની શક્યતા દેખાતી નથી, કારણ કે રાજસ્થાનમાં સારો પાક થવાની અપેક્ષા છે તેમજ ગયા વર્ષનું જીરું પણ સારી એવી માત્રામાં પડ્યું હોવાથી બજારમાં તંગી સર્જાય તેવો વર્તારો નથી.

જીરુંના ભાવો કેમ ઘટી રહ્યા છે?

ગુજરાતમાં ખેતી, જીરુંના ભાવ, ઊંઝા માર્કેટમાં જીરુંના ભાવ, જીરું, બીબીસી ગુજરાતી, ખેતીવાડી

મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલી એપીએમસી યાર્ડ ભારતમાં જીરાનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે.

એપીએમસી યાર્ડના સત્તાવાર આંકડા અનુસાર 16 ફેબ્રુઆરી, 2026ના દિવસે જીરાનો સૌથી ઊંચો ભાવ રૂપિયા 5050 પ્રતિ મણ (20 કિલો=1 મણ) રહ્યો હતો, જ્યારે સૌથી નીચો ભાવ 3721 રહ્યો હતો, પરંતુ વેપારીઓએ જણાવ્યું કે મોડાલ પ્રાઇસ એટલે કે મોટા ભાગનું જીરું જે ભાવે વેચાયું તે ભાવ આશરે 4500 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો.

ભારતમાં મસાલા પાકોના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના સંગઠન એટલે કે ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસીઝ સ્ટેકહોલ્ડરસ (ટૂંકમાં, ફિસ્સ)ના પ્રમુખ તેજસભાઈ ગાંધી કહે છે કે ભાવમાં છેલ્લા પંદરેક દિવસમાં 300 રૂપિયા જેટલો ઘટાડો થયો છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, “નવેમ્બરમાં ભાવ 3600-3700 હતા તે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધીને 4500થી 4800 થઈ ગયા હતા. તે સમયે વાવેતર ઓછું થયેલું અને એવી ધારણા હતી કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં રમજાન મહિનાને કારણે માર્કેટમાં જીરાની ડિમાન્ડ (માગ) આવશે. ધારણા મુજબ આ બે મહિનાઓ દરમિયાન ડિમાન્ડ સારી રહેતા ભાવમાં વધારો થયો, પરંતુ હવે તે ડિમાન્ડ પૂરી થઈ ગઈ છે અને હાલ ડિમાન્ડ સુસ્ત છે.

“ભારતમાં ગ્રાહકો નવા જીરાની રાહ જોઈ રહ્યા હોવાથી હાલ જીરું ખરીદી રહ્યા નથી. ચીન અને ખાડી દેશો ભારતમાંથી જીરાની આયાત કરે છે, પરંતુ હાલ ત્યાં અનુક્રમે નવા વર્ષ અને રમજાનનો માહોલ છે અને આ રજાઓ માટે તેમણે ડિસેમ્બર-જાન્યુઆરીમાં જ જીરાની ખરીદી કરી લીધી છે. વળી, જીરાના ઉત્પાદનમાં કોઈ મોટો ઘટાડો થાય તેવી વકી નથી. પરિણામે ફેબ્રુઆરીની શરૂઆતથી ભાવ ઘટવા લાગ્યા છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં કિલોએ 10થી 15 રૂપિયાની મંદી આવી છે.”

ગુજરાતમાં આ વખતે જીરુંનું ઉત્પાદન કેટલું રહેશે?

ગુજરાતમાં ખેતી, જીરુંના ભાવ, ઊંઝા માર્કેટમાં જીરુંના ભાવ, જીરું, બીબીસી ગુજરાતી, ખેતીવાડી

તેજસભાઈએ કહ્યું કે ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં દસેક ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ રાજસ્થાનમાં જીરાના વાવેતર વિસ્તારમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી.

તેમણે ઉમેર્યું, “ગુજરાત અને રાજસ્થાનના વાવેતર વિસ્તારમાં એકંદરે બહુ મોટો ઘટાડો નથી નોંધાયો, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તડકા પાડવા લાગ્યા તેની જીરાના પાક પર શું અસર થશે તેનો તાગ મેળવવા હાલ ફિસ્સ સર્વે કરી રહ્યું છે અને પંદરેક દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.”

ઊંઝા યાર્ડમાં જીરાના પીઢ વેપારી અને અગ્રણી એવા સીતારામ પટેલ કહે છે કે આ વર્ષે ગુજરાતમાં જીરાનું ઉત્પાદન 32 લાખથી 35 લાખ ગુણી રહેવાનો અંદાજ છે. એક ગુણીમાં 55 કિલો જીરું ભર્યું હોય. તે હિસાબે ગુજરાતમાં જીરાનું ઉત્પાદન અંદાજે 88 લાખ મણથી 96.25 લાખ મણ રહેશે તેમ સીતારામ પટેલ જણાવે છે.

તેઓ ઉમેરે છે, “ગયા વર્ષે ગુજરાતમાં ઉત્પાદન આશરે 45 લાખ બોરા રહ્યું હતું તેની સામે આ વર્ષે 32થી 35 લાખ બોરા રહેશે, પરંતુ રાજસ્થાનમાં જીરું સારું પાકે તેવા સંજોગો છે અને ત્યાં ઉત્પાદન આશરે 45થી 48 લાખ બોરા રહેવાનો અંદાજ છે. તેથી, આ વર્ષે દેશનું કુલ ઉત્પાદન 80થી 85 લાખ બોરા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે 97 લાખ બોરા જીરું પાક્યું હતું. તેની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઘટ્યું છે, પરંતુ ગયા વર્ષનું 20 લાખ બોરા જેટલું જીરું હજુ પણ વેચાયું નથી. તેના કારણે આ ઘટ દેખાશે નહીં. આ માલ તેજી થવા દેશે નહીં.”

જીરુંના ભાવ ગત વર્ષે કેવા હતા?

ગુજરાતમાં ખેતી, જીરુંના ભાવ, ઊંઝા માર્કેટમાં જીરુંના ભાવ, જીરું, બીબીસી ગુજરાતી, ખેતીવાડી

મોરબીમાં આવેલ હળવદ એપીએમસી સૌરાષ્ટ્રમાં જીરાનું મોટું જથ્થાબંધ માર્કેટ ગણાય છે. હળવદમાં જીરાના વેપારી ગોપાલ કચરોલાએ કહે છે કે ગત વર્ષે પણ સિઝનની શરૂઆતમાં ભાવ આ વર્ષ જેવા જ હતા.

તેમણે બીબીસીને કહ્યું, “આ વર્ષે ઉઘડતા બજારના ભાવ ગત વર્ષની ઉઘડતા બજારના ભાવ જેવા જ છે. અત્યારે જૂના જીરાના ભાવ 3500થી 4100 રૂપિયા ચાલી રહ્યા છે અને નવા માલના ભાવ 4000થી 43000 છે. આ જ ભાવ ગયા વર્ષે પણ ખૂલ્યા હતા. પંદરેક દિવસ બાદ નવું જીરું મોટા પ્રમાણમાં બજારમાં આવવા લાગશે, પરંતુ ભાવમાં કોઈ મોટો ફેરફાર થાય તેવું લાગતું નથી. જોકે ફેબ્રુઆરીમાં તડકો પડવાથી કાચા જીરા પણ વળી જશે (પાકી જશે). આવાં જીરાં વજનમાં હલકાં હોઈ શકે છે અને ગુણવત્તામાં ઊતરતાં સાબિત થઈ શકે છે. તેથી જો બજારમાં આવો જ માહોલ રહે તો ભાવ હજુ પણ નીચા જઈ શકે છે.”

જીરુંના વાવેતર વિસ્તારમાં કેટલો ઘટાડો થયો છે?

ગુજરાતમાં ખેતી, જીરુંના ભાવ, ઊંઝા માર્કેટમાં જીરુંના ભાવ, જીરું, બીબીસી ગુજરાતી, ખેતીવાડી

ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરીએ રવી સિઝન એટલે કે શિયાળુ પાકના વાવેતર વિસ્તારના અંતિમ આંકડા જાહેર કર્યા હતા. તે આંકડા અનુસાર ગુજરાતમાં 2025-26ના વર્ષમાં આશરે 4.08 લાખ આઠ હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. સવા છ વીઘાએ એક હેક્ટર થાય અને તે હિસાબે ગુજરાતમાં જીરાનો વાવેતર વિસ્તાર અંદાજે 25.50 લાખ વીઘા થાય. ગત વર્ષે આ આંકડો 4.76 લાખ હેક્ટર (29.75 લાખ વીઘા) હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં 68000 હેક્ટર (4.25 લાખ વીઘા)નો ઘટાડો થયો છે.

ટકાવારીની દૃષ્ટિએ ગત વર્ષ કરતાં આ વર્ષે વાવેતરમાં આશરે 15 ટકા જેટલો ઘટાડો થયો છે. ગુજરાતમાં આગલાં ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ 4.38 લાખ હેક્ટર (27.37 લાખ વીઘા)માં જીરાનું વાવેતર નોંધાયું હતું. તેથી, સરેરાશ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષનો ઘટાડો લગભગ 30 લાખ હેક્ટર (1.87 લાખ વીઘા) એટલે કે લગભગ સાત ટકા જેટલો જ છે.

પરંતુ સીતારામ પટેલ જણાવે છે કે રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર ગત વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 8 લાખ હેક્ટર (50 લાખ વીઘા)માં જીરાનું વાવેતર નોંધાયું છે.

હવામાન, જીરુંમાં રોગ અંગે ખેડૂતો શું કહે છે?

ગુજરાતમાં ખેતી, જીરુંના ભાવ, ઊંઝા માર્કેટમાં જીરુંના ભાવ, જીરું, બીબીસી ગુજરાતી, ખેતીવાડી

ઇમેજ સ્રોત, Ramesh Uteliya

ગુજરાતમાં આ વર્ષે નોંધાયેલ જીરાના 4.08 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાંથી 2.75 લાખ હેક્ટર (17.85 લાખ વીઘા) વાવેતર સૌરાષ્ટ્ર વિસ્તારના નવ જિલ્લામાં નોંધાયું છે. તેમાંનો એક જિલ્લો છે બોટાદ.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇતરિયા ગામના ખેડૂત રમેશભાઈ ઉતેળિયાએ 16 ફેબ્રુઆરીએ પોતાના જીરાને થ્રેસરમાં નાખતાં બીબીસીને ફોન પર જણાવ્યું, “આ વર્ષે પાક એકંદરે તો સારો છે. વીઘે આઠથી અગિયાર મણનો ઉતારો (ઉત્પાદન) મળશે તેવું લાગે છે, પરંતુ ગયા વર્ષે મને 14 મણ કરતાં પણ વધારે ઉતારો મળ્યો હતો.”

“આ વર્ષે વાતાવરણ સળંગ આઠ દિવસ સુધી પણ એક સરખું રહ્યું નથી. તેથી, મારા જીરામાં શરૂઆતની અવસ્થામાં જ લીલો સુકારો આવી ગયો અને લગભગ અઢી વીઘામાં જીરું સુકાઈ ગયું. પછી વરિયાળી થવા લાગી ત્યારે કાળી ચરમીનો રોગ આવી ગયો. તેના કારણે મારે દર અઠવાડિયે દવા છાંટવી પડી. મારા ગામમાં 30થી 40 ટકા જીરાં બગાડી ગયાં છે.”

ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ગુજરાતના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો અને ખેડૂતોએ જીરાના પોક માટે તે નુકસાનકારક હોવાની ફરિયાદો કરી હતી.

પરંતુ સીતારામ પટેલ કહે છે કે આ વર્ષે હવામાન અને રોગચાળો જીરાના ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો નહીં કરે.

તેમણે 16 ફેબ્રુઆરીએ બીબીસીને જણાવ્યું, “હું હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છું અને જીરાનો સર્વે કરી રહ્યો છું. હું બોટાદ, (રાજકોટ જિલ્લાના) જસદણ અને રાજકોટમાં લોકોને મળ્યો છું. આજે મોરબી જઈ રહ્યો છું. મેં જોયું છે કે આ વિસ્તારોમાં જીરાનો પાક ઘણો સારો છે. ખરાબ હવામાન અને રોગચાળાને કારણે જીરાને નુકસાનના જે અહેવાલો આવી રહ્યા છે તેટલું નુકસાન હકીકતમાં છે નહીં. તેથી, ઉત્પાદન સારું રહેશે તેવું લાગે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS