Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Ashok Rathod
“સૉરી મમ્મી, મારે તમને એક સારી જિંદગી આપવી હતી. ભગવાને તમને એક સારો દીકરો આપ્યો હતો. હું ખોટો નથી. નાનો હતો, ત્યારથી કોઇ એક દિવસ સારો નથી જોયો, અને અત્યારે લોકોને નડું છું.”
ખેડાના એક દલિત વિદ્યાર્થીએ લખેલી સ્યૂસાઇડ નોટના અમુક અંશ અહીં રજુ કરેલા છે.
ખેડાની દિનશા પટેલ કૉલેજ ઑફ નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલે પહેલી ફેબ્રુઆરી, 2026ના રોજ આત્મહત્યા કરીને તેનું જીવન ટુંકાવી દીધું હતું. તે પહેલાં તેણે બીજી સ્યૂસાઇડ નોટ લખી હતી. આ સ્યૂસાઇડ નોટની એક કૉપી બીબીસી ગુજરાતી પાસે છે. આ સ્યૂસાઇડ નોટ 19 વર્ષના વિદ્યાર્થી જય પાટીલે લખી હતી.
પરિવારનો આરોપ છે કે “જય પોતે દલિત વિદ્યાર્થી હોવાથી કૉલેજમાં તેની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો અને તેને પરેશાન કરવામાં આવતો હતો.”
પરિવારે આ મામલે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દલિત વિદ્યાર્થીના મોતનો શું છે મામલો?
ઇમેજ સ્રોત, Ashok Rathod
ખેડા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરીયાદ પ્રમાણે, દિનશા પટેલ નર્સિંગ કૉલેજનાં પ્રોફેસર ધારા, પ્રકૃતિ, શહેરીન તેમજ આ કૉલેજના પ્રિન્સિપાલ તેમજ કૉલેજની બહારની એક વ્યક્તિ સ્મિત સહિત કુલ પાંચ લોકો સામે ફરીયાદ નોંધાઈ છે.
આ ફરિયાદમાં ઉલ્લેખ છે કે, દલિત વિદ્યાર્થી તરીકેની જય પાટીલની સ્કૉલરશિપનો પહેલો હપતો જ્યારે કૉલેજના એકાઉન્ટમાં આવ્યો, ત્યારબાદ કૉલેજના સ્ટાફને જાણ થઈ હતી કે જય એક દલિત વિદ્યાર્થી છે.
ફરીયાદમાં નોંધાયેલી વિગતો પ્રમાણે, ‘સ્કૉલરશિપના હપતા બાદ કૉલેજમાં પ્રોફેસરોનો તેના પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો હતો. તેની પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, તેની પાસે માફીનામું લખાવવામાં આવ્યું હતું, તેમનાં માતા ઉર્મિલાબહેનની હાજરીમાં તેના પર મહિલા પ્રોફેસરનાં બૉડી શૅમિંગના ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેને કૉલેજમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી હતી.’
ફરીયાદ પ્રમાણે જયની કૉલેજમાં તેમનાં માતાને બોલાવવામાં આવ્યાં હતાં, જેમની સામે જય અનુશાસનમાં રહેતો નથી, તેવી ફરીયાદો કરવામાં આવી હતી.
ઇમેજ સ્રોત, Ashok Rathod
આ ફરિયાદ વિશે બીબીસી ગુજરાતીએ જયનાં માતા ઉર્મિલાબહેન સાથે વાત કરી.
તેઓ કહે છે કે “હું જ્યારે પ્રિન્સિપાલની ઑફિસમાં પહોંચી તો તેમણે એક પછી એક ત્રણ મહિલા પ્રોફેસરોને બોલાવી. તે તમામ એક પછી એક મારા દિકરાને જાહેરમાં મન ફાવે તેમ બોલવાં લાગી. પ્રિન્સિપાલે તેને કૉલેજમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. હું આ બધું જોઈ રહી હતી. મારી સાથે વાત કરવાની જગ્યાએ આ મહિલા પ્રોફેસરો મારા દિકરાને જાહેરમાં વઢી રહી હતી.”
ઉર્મિલાબહેન એક આંગણવાડી કાર્યકર્તા છે અને પોતે પણ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનાં સંતાનોમાં એક દીકરો જ હતો, તેમના પતિ બીમાર રહે છે. તેમની ઇચ્છા હતી કે તેમનો દીકરો નર્સિંગનો કોર્ષ પૂરો કરીને કોઇ પ્રાઇવેટ નોકરી કરીને મહિને પગાર મેળવતો થઈ જાય.
ઉર્મિલાબહેન વધુમાં કહે છે કે, “જે રીતે મારા પુત્રને મહિલા પ્રોફેસરો વઢી રહી હતી, તેનાથી મને મનમાં ખૂબ લાગી આવ્યું હતું. તેણે પોતાની સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘સૉરી મમ્મી મારે કારણે તને આટલી બધી સમસ્યા થઈ.’ મારા દિકરાને બીક લાગી ગઈ હતી કે ભેદભાવને કારણે હવે તે કૉલેજમાં અભ્યાસ નહીં કરી શકે અને તેનું જીવન બરબાદ થઈ જશે.”
દલિત પરિવારે પોલીસ ફરિયાદ કરવા આંદોલન કરવું પડ્યું
ઇમેજ સ્રોત, Ashok Rathod
જય પાટીલના પરિવારજનોનો આરોપ છે કે જયના મોત બાદ ત્રણ દિવસ સુધી પોલીસે ફરિયાદ સુદ્ધા લીધી નહોતી.
દલિત આગેવાન અશોકભાઇ કહે છે કે, “તેમણે એક અરજી લઇને તેને આધારે તપાસ કરવાની વાત કરી હતી. આટલો ગંભીર ગુનો બન્યો તેમ છતાં આરોપીઓને પૂરતો સમય આપ્યો કે તેઓ ભાગી શકે, કોર્ટમાં અરજીઓ કરી શકે. જ્યારે દલિત સમાજના અસંખ્ય લોકો ભેગા થયા અને જિલ્લા પોલીસ મથકે પહોંચ્યા ત્યાર પછી જ આ ફરિયાદ નોંધાઈ.”
આ ઘટનાને પગલે ઘણા દલિત આગેવાનોમાં નારાજગી છે, કારણ કે પહેલી ફેબ્રુઆરીએ બનેલી ઘટનાની ફરીયાદ 4થી ફેબ્રુઆરીએ થઈ હોવા છતાં ખેડા પોલીસ હજી સુધી માત્ર એક જ આરોપીની ધરપકડ કરી શકી છે.
જોકે, આ વિશે ખેડા જિલ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ વિજય પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, જય પાટીલની સ્યૂસાઇડ નોટમાં કોઇનું નામ લખેલું ન હતું, તેમાં ફક્ત મેડમનો ઉલ્લેખ હતો. આ મેડમ કોણ છે, શું ઘટના છે, તેની તપાસ કર્યા બાદ અમે નામજોગ ફરીયાદ નોંધી છે, એટલા માટે મોડું થયું હતું.”
આ સંદર્ભે તપાસ અધિકારી અને ડીવાયએસપી કૃણાલ રાઠોડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે “આરોપીઓને પકડવા માટે તમામ કામગીરી ચાલી રહી છે. વિવિધ ટીમો બનાવીને આરોપીઓનાં ઘરે તપાસ કરી રહી છે, પરંતુ હજી સુધી માત્ર એક જ વ્યક્તિની ધરપકડ થઈ શકી છે. બાકીના લોકોની ટૂંક સમયમાં ધરપકડ થઈ જશે.”
પોલીસે હજી સુધી પ્રકૃતિ પટેલ નામનાં મહિલા પ્રોફેસરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ધારા, શહેરીન, સ્મિત તેમજ પ્રિન્સિપાલની ધરપકડ થઈ નથી.
બીજી તરફ, ખેડાના દલિત નેતાઓ પોલીસની કામગીરીથી નારાજ છે.
આ વિસ્તારના દલિત આગેવાન અશોક રાઠોડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, “એફઆઈઆરમાં જેમનું નામ છે, તે લોકોને પોલીસ પૂરતો સમય આપી રહી છે કે તેઓ હાઇકોર્ટમાં ક્વૉશીંગની અરજી કરી શકે કે પછી આગોતરા જામીનની અરજી કરી શકે, જેથી તેમને પોલીસ સ્ટેશન કે જેલમાં જવું ન પડે અને પહેલેથી જ તેમને જામીન મળી જાય. અમે પોલીસની કામગીરીથી ખુશ નથી, કારણ કે તેઓ આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.”
જોકે, પોલીસ આ આરોપોને ફગાવે છે. પોલીસે ખાતરી આપી છે કે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
આ ઘટના બાબતે બીબીસી ગુજરાતીએ દિનશા પટેલ કૉલેજના સ્થાપક દિનશા પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. કૉલેજના સત્તાવાર નંબર પર ફોન કરતા ત્યાં પણ કોઇ જવાબ મળ્યો ન હતો. જ્યારે તેમનો જવાબ મળશે ત્યારે અહીં અપડેટ કરવામાં આવશે.
નોંધ- દવા અને થૅરાપી દ્વારા માનસિક સમસ્યાઓનો ઇલાજ શક્ય છે. આને માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. તમે આ હેલ્પલાઇનનો પણ સંપર્ક કરી શકો છો –
સામાજિક ન્યાય તથા અધિકાર મંત્રાલયની હેલ્પલાઇન – 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ)
ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એપ્લાઇડ સાયન્સિસ – 9868396824, 9868396841, 011-22574820
હિતગુજ હેલ્પલાઇન, મુંબઈ – 022- 24131212
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરૉસાયન્સ – 080 – 26995000
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



