Home તાજા સમાચાર gujrati ઈશાન કિશને 40 બૉલમાં 77 રન માર્યા તો પાકિસ્તાનના લોકો શું બોલ્યા?

ઈશાન કિશને 40 બૉલમાં 77 રન માર્યા તો પાકિસ્તાનના લોકો શું બોલ્યા?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ઈશાન કિશન શાહીન આફ્રિદી ક્રિકેટ ખેલાડી

ઇમેજ સ્રોત, Getty Images

“ઈશાન કિશને જ મૅચ બદલી નાખી. ઈશાન કિશનનું બૅટ ચાલ્યું ન હોત તો ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં હોત.”

ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે આ વાત કહી અને પાકિસ્તાન સામે ભારતના 61 રને વિજય માટે ઈશાન કિશનને શ્રેય આપ્યો હતો.

આ મહત્ત્વની મૅચમાં ઈશાન કિશન 77 રનની ઇનિંગ રમ્યા જેની ચર્ચા માત્ર ભારત જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ થઈ રહી છે.

ઈશાન કિશનની આ ઇનિંગ એટલા માટે પણ ખાસ હતી કે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમની પીચ મુશ્કેલ ગણવામાં આવે છે. આ મૅચમાં ઈશાન સિવાય કોઈ અડધી સદી પણ ફટકારી ન શક્યું.

કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચ પછી કહ્યું કે, “ઈશાન કિશને આઉટ ઑફ ધ બૉક્સ વિચાર્યું અને જે રીતે જવાબદારી સંભાળી તે કમાલની હતી.”

ટી20 વર્લ્ડકપની 27મી મૅચમાં ભારતીય ટીમ ટૉસ હારી ગયા પછી પ્રથમ બેટિંગ માટે મેદાન પર ઊતરી હતી, પરંતુ પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાએ પહેલી જ ઓવરમાં અભિષેક શર્માની વિકેટ ઝડપી લીધી.

અભિષેકે ખાતું પણ ખોલાવ્યું ન હતું અને ટીમ ઇન્ડિયાનો સ્કોર પહેલી ઓવર પછી એક વિકેટના ભોગે એક રન હતો. પાકિસ્તાન અહીંથી દબાણ વધારી શકે તે અગાઉ જ ઈશાન કિશને વળતો પ્રહાર શરૂ કરી દીધો.

તેમણે ત્યાર પછી શાહીન આફ્રિદીની ઓવરમાં 15 રન લઈને પાકિસ્તાન પર જ દબાણ વધારી દીધું. ત્યાર બાદ ઈશાને એવી રીતે રન બનાવવાનું શરૂ કર્યું કે પાવરપ્લેમાં જ ટીમ ઇન્ડિયાનો સ્કોર 50ને પાર કરી ગયો.

27 બૉલમાં અડધી સદી પૂરી કર્યા પછી તેમણે વધારે ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. 9મી ઓવરના ચોથા બૉલ પર સઈમ અયૂબે ઈશાન કિશાનને બોલ્ડ કર્યા ત્યાં સુધીમાં કિશને પોતાનું કામ કરી દીધું હતું.

મુશ્કેલ સમયમાંથી ઈશાન કિશનની વાપસી

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ઈશાન કિશન શાહીન આફ્રિદી ક્રિકેટ ખેલાડી

ઇમેજ સ્રોત, Getty Images

ઈશાન કિશને 40 બૉલમાં 77 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા, પરંતુ મૅચ પછી ઈશાન કિશને જણાવ્યું કે તેમના માટે આ ઇનિંગ રમવી સરળ ન હતી.

તેમણે કહ્યું કે “બેટિંગ કરવા માટે આ વિકેટ બિલકુલ સરળ ન હતી, પરંતુ ઘણી વખત તમારે પોતાના પર ભરોસો રાખવાનો હોય છે અને પોતાની સ્ટ્રેન્થ પ્રમાણે શૉટ રમવાના હોય છે. ફોકસ કરવા માટે આ બધું જરૂરી હોય છે.”

ઈશાન કિશનની આ ઇનિંગને એટલા માટે પણ બિરદાવવામાં આવે છે કે બે મહિના અગાઉ તેઓ વર્લ્ડકપ માટેની ટીમ ઇન્ડિયામાં સામેલ થાય તેવી સંભાવના પણ દેખાતી ન હતી.

તેમના માટે ટીમમાં વાપસી બહુ મુશ્કેલ રહી છે. આઇપીએલમાં સારો દેખાવ કરવા છતાં ઋષભ પંત અને કેએલ રાહુલના કારણે તેઓ ક્યારેય ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી ન શક્યા.

2022ના અંતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકાર્યા પછી બીજી જ મૅચમાં તેમને ટીમમાંથી બહાર કરી દેવાયા હતા. 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ સિરીઝમાં સારું પ્રદર્શન કરવા છતાં સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાંથી કિશનને બહાર કરી દેવાયા.

ત્યાર બાદ ઈશાન કિશન માટે મુશ્કેલ દિવસો શરૂ થયા અને તેમણે સાઉથ આફ્રિકાની ટૂર અધવચ્ચેથી છોડી દીધી.

ઈશાન કિશનના આ પગલા પાછળનું કારણ તે વખતના ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આપ્યું હતું. તેમણે કહ્યું કે, “ઈશાન કિશને માનસિક થાકના કારણે સાઉથ આફ્રિકાની ટૂરમાંથી બ્રેક લેવાનો અનુરોધ કર્યો હતો.”

પરંતુ ત્યાર પછી જાણે ટીમ ઇન્ડિયામાં ઈશાન કિશનના પુનરાગમનના રસ્તા બંધ થવા લાગ્યા. ફેબ્રુઆરી 2024માં તેમને સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરી દેવાયા.

વર્ષનો અંત આવ્યો ત્યાં સુધીમાં મુંબઈ ઇન્ડિયન્સે પણ આંચકો આપીને તેમને ટીમમાંથી બહાર કાઢ્યા. આમ છતાં તેઓ તૂટ્યા નહીં અને ડૉમેસ્ટિક ક્રિકેટ તરફ વળ્યા.

ઘરેલુ ક્રિકેટ મારફત પુનરાગમન

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ઈશાન કિશન શાહીન આફ્રિદી ક્રિકેટ ખેલાડી

ઇમેજ સ્રોત, Getty Images

અહીંથી ઈશાન કિશનનો સમય બદલાવા લાગ્યો. સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં 197ની સ્ટ્રાઇક રેટ સાથે તેમણે સૌથી વધુ 517 રન બનાવ્યા. ફાઇનલમાં 45 બૉલમાં સદી ફટકારી અને ઝારખંડને પહેલી વાર આ ટુર્નામેન્ટમાં વિજેતા બનાવ્યું.

ત્યાર બાદ તિલક વર્માને ઈજા થવાના કારણે ટીમ ઇન્ડિયામાં વાપસીનો રસ્તો ખૂલ્યો. પુનરાગમન પછી બીજા ટી20 મુકાબલામાં તેમણે 32 બૉલમાં 76 રન બનાવીને સાબિત કરી દીધું કે આ વખતે તેઓ તકને હાથમાંથી નહીં જવા દે.

ત્યાર બાદ તેમણે ન્યૂઝીલૅન્ડ સામે અંતિમ ટી20 મૅચમાં 43 બૉલમાં 103 રન બનાવ્યા. બે મહિના અગાઉ સુધી જે ઈશાન કિશનને ટી 20 વર્લ્ડકપના સંભવિતોમાં પણ ગણવામાં આવતા ન હતા, તેઓ ટુર્નામેન્ટ અગાઉ સંજુ સેમસનની જગ્યાએ ટીમ ઇન્ડિયાની પ્રથમ પસંદગી બની ગયા.

સંજય માંજરેકરે પણ ઈશાન કિશનની સફળ વાપસીનો બધો શ્રેય ડૉમેસ્ટિક ક્રિકેટને આપ્યો. તેમણે સ્પૉર્ટ્સ નૅક્સ્ટ શોમાં કહ્યું કે, “ડૉમેસ્ટિક ક્રિકેટે તેમની બેટિંગ સુધારવામાં મદદ કરી છે. છેલ્લાં બે વર્ષમાં ઘરેલુ ક્રિકેટ રમવાના કારણે તેમની સ્પિન બૉલિંગ રમવાની ક્ષમતા વધુ સુધરી છે.”

પાકિસ્તાન સામે મૅચ જીતાડનારી ઇનિંગ પછી ઈશાન કિશને પણ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી તેમણે પોતાની ગેમ પર કામ કર્યું હતું.

તેમણે કહ્યું કે “મેં મારી ગેમ પર ઘણું કામ કર્યું છે. હવે હું ઑફ સાઇડમાં પહેલાં કરતાં વધુ સારું રમું છું.”

પાકિસ્તાનમાં પણ ઈશાન કિશનની ચર્ચા

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ઈશાન કિશન શાહીન આફ્રિદી ક્રિકેટ ખેલાડી

ઇમેજ સ્રોત, Getty Images

ઈશાન કિશનની આ શાનદારી ઇનિંગ વિશે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ છે.

પાકિસ્તાનના પત્રકાર શહયાર ઇકબાલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, “બે મહિના અગાઉ સુધી ટી20 વર્લ્ડકપ માટે ઈશાન કિશન પ્લાનનો હિસ્સો પણ ન હતા, પરંતુ હવે તેમણે ભારત માટે પાકિસ્તાની બૉલિંગ ઍટેકની હાલત ખરાબ કરી દીધી. કમાલનો કમબૅક છે.”

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પણ કહ્યું કે ઈશાન કિશને પાકિસ્તાનને સરપ્રાઇઝ આપ્યું છે.

એબીપી ન્યૂઝ સાથે વાત કરતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું કે ઈશાન કિશને કમાલ કરી છે.

તેમણે કહ્યું કે, “આપણે એ વાત સ્વીકારવી પડશે કે આટલા બધા બૅટ્સમૅનો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યાં ઈશાન કિશન કમાલની ગેમ રમ્યા. આપણે બીજા ખેલાડીઓની વાતો કરતા રહ્યા, અભિષેક શર્માની વાતો કરતા રહ્યા, પરંતુ મૅચના હીરો ઈશાન કિશન રહ્યા.”

સ્પૉર્ટ્સ પત્રકાર બોરિયા મજુમદારે કહ્યું કે હવે તમામ મુશ્કેલીઓનો સામનો કર્યા પછી ઈશાન કિશન એક બહેતર ખેલાડી બની ગયા છે.

તેમણે ઍક્સ પર પોસ્ટ કરી કે, “ઈશાન કિશને પોતાને ઊંડાણપૂર્વક સમજવા પડ્યા અને નવેસરથી ઓળખવા પડ્યા. ટકી રહેવા માટે તેમણે પોતાની ખરી ઓળખ શોધવી પડી.”

“હવે તેઓ વધુ સારી વ્યક્તિ છે. દુનિયાનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર છે.”

પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રિદીની ટીકા

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ઈશાન કિશન શાહીન આફ્રિદી ક્રિકેટ ખેલાડી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં ઘણા ક્રિકેટ પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.

જાવેદ અખ્તર નામના એક ઍક્સ યૂઝરે પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રિદીની ટીકા કરી. તેમણે લખ્યું કે, “શાહીન આફ્રિદીને પાકિસ્તાન પરત મોકલી દેવા જોઈએ. તેમની જગ્યાએ અલી રઝા અથવા કોઈ સમજદાર યુવા ખેલાડીને તક આપવી જોઈએ. કૅપ્ટન દર વખતે ભૂલનું પુનરાવર્તન કરે છે અને બેજવાબદાર રીતે છેલ્લી ઓવર શાહીન આફ્રિદીને આપે છે.”

તેમણે લખ્યું કે, “આફ્રિદી, તમે અમારા યુવાન બૉલરોની બધી મહેનત પાણીમાં નાખી છે.”

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ઈશાન કિશન શાહીન આફ્રિદી ક્રિકેટ ખેલાડી

ઇમેજ સ્રોત, Social/X

યાસીન ખાન યુસૂફઝઈએ પણ ઍક્સ પર લખ્યું કે ‘શાહીન આફ્રિદી હવે ટીમ માટે એક નિયમિત બોજ બનતા જાય છે.’

તેમણે કહ્યું કે, “તેમની નથી સ્વિંગ, નથી ગતિ, નથી લાઇન કે લૅન્થ. તેને આપણા ‘શાહીન’ કહેવામાં આવે છે, પરંતુ આજે તેઓ કોઈ ક્લબ ક્રિકેટરની જેમ બૉલિંગ કરતા જોવા મળ્યા. ઈશાન કિશને તો તેમને નેટ બૉલર બનાવી દીધા.”

યાસીન ખાને આગળ લખ્યું કે, “કાં તો જૂના શાહીનને પરત લાવો અથવા આમને હઠાવી દો. આ બધું જોવું ખરેખર દુખદાયક છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS