Home તાજા સમાચાર gujrati બૅન્કમાં બાકોરું પાડી કરોડો રૂપિયાની સનસનાટીભરી લૂંટ, ઑડી અને મર્સિડિઝમાં આવેલા ચોર...

બૅન્કમાં બાકોરું પાડી કરોડો રૂપિયાની સનસનાટીભરી લૂંટ, ઑડી અને મર્સિડિઝમાં આવેલા ચોર રોકડ, સોનું લઈને ફરાર

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જર્મની,

ઇમેજ સ્રોત, Gelsenkirchen Police

તે જર્મનીમાં તાજેતરનાં વર્ષોમાં થયેલી સૌથી “સનસનાટીભરી” બૅન્ક લૂંટ ગણાય છે.

ક્રિસમસની બરાબર પછીના શાંત વીકેન્ડ પર, ચોરોની એક ટોળકી ગેલ્સેન્કિર્ચેનના પશ્ચિમી શહેરમાં હાઈસ્ટ્રીટ પર આવેલી એક બૅન્ક પર ત્રાટકી અને ઇન્ડસ્ટ્રિયલ ડ્રીલથી દીવાલમાં બાકોરું પાડીને બૅન્કમાં ઘૂસી.

ટોળકીએ 3,000 કરતાં વધુ સેફ ડિપૉઝિટ બૉક્સ પર લૂંટ ચલાવી અને લાખો યુરો લઈને ફરાર થઈ ગઈ.

એક મહિના કરતાં વધારે સમય વીતી જવા છતાં આ મામલે હજી સુધી કોઈની ધરપકડ નથી થઈ.

બૅન્કના કેટલાક ગ્રાહકોએ તેમની જીવનભરની બચત, પરિવારનાં કિંમતી આભૂષણો તથા મૂલ્યવાન ચીજો ગુમાવી દીધાં છે. સ્વાભાવિક રીતે જ, ગ્રાહકો માટે આ ક્રોધ, ગૂંચવણ અને આઘાતનો સમય છે.

સંસ્થાઓ પરથી લોકોનો વિશ્વાસ ડગી ગયો હોવાની પ્રબળ આશંકા પ્રવર્તી રહી છે.

આ મામલાથી અનેક પ્રકારના મુશ્કેલ પ્રશ્નો થયા છે અને તે પૈકીના કેટલાક પ્રશ્નો પશ્ચિમી રાજ્ય નૉર્થ રાઇન-વેસ્ટફેલિયાના ગૃહમંત્રી હર્બર્ટ રિયૂલે સ્પષ્ટ કર્યા છે.

જે કંઈ થઈ રહ્યું હતું, તે કોઈના ધ્યાન પર શા માટે ન આવ્યું? શું કોઈ જાણભેદુની તેમાં સંડોવણી હતી?

ડ્રિલિંગનો અવાજ કોઈને કેમ સંભળાયો નહીં અને ચોરો તિજોરીની તે ચોક્કસ જગ્યા કેવી રીતે જાણતા હતા?

શું બૅન્કની સિક્યૉરિટી સિસ્ટમ્સ અત્યંત નબળી હતી?

બૅન્કમાં કેવી રીતે ચોરી થઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જર્મની,

ઇમેજ સ્રોત, Gelsenkirchen police

ગેલ્સેન્કિર્ચેન પોલીસ સાક્ષીઓને આગળ આવવા અપીલ કરી રહી છે.

તપાસકર્તાઓનું માનવું છે કે, ચોરો સંભવતઃ શહેરના બ્યૂર જિલ્લામાં આવેલા નિએનહોફ્સ્ટ્રાસેમાં સ્પાર્કસે બચત બૅન્કની બાજુમાં આવેલા બહુમાળી કાર પાર્કિંગના માર્ગેથી બૅન્કમાં ઘૂસ્યા હતા.

તેમનું માનવું છે કે, ચોરોએ કાર પાર્ક અને બૅન્કની વચ્ચે આવેલા ઇમર્જન્સી દ્વાર સાથે ચેડાં કર્યાં હોઈ શકે છે.

સામાન્ય સ્થિતિ હેઠળ, દરવાજો બહારથી ખૂલી શકતો નથી, પણ ટોળકીએ તે બરાબર બંધ ન થાય, તે સુનિશ્ચિત કર્યું હતું, જેના કારણે તેઓ “કાર પાર્કિંગમાંથી સ્પાર્કસે બિલ્ડિંગમાં બેરોકટોક” પ્રવેશી શક્યા હતા.

પોલીસના મતે, ત્યાંથી તેમણે ઘણી સિક્યૉરિટી સિસ્ટમ્સ પાર કરીને બૅન્કના ભોંયરામાં તિજોરી પાસે આવેલા આર્કાઇવ રૂમમાં પ્રવેશ કર્યો હતો.

ડ્રિલિંગ મશીન ગોઠવીને ચોરોએ તિજોરી જ્યાં રાખવામાં આવી હતી, તે સ્ટ્રોંગરૂમ તરફની દીવાલમાં 40 સેન્ટિમીટર (15.7 ઇંચ) પહોળું બાકોરું પાડ્યું.

અધિકારીઓનું માનવું છે કે, આ ચોરી શનિવાર, 27મી ડિસેમ્બર અને સોમવાર, 29મી ડિસેમ્બરની વચ્ચેના કોઈ સમયમાં થઈ હોવી જોઈએ. તેમનું માનવું છે કે, તિજોરી સુધી પહોંચતાં પહેલાં જ ધાડપાડુઓ પકડાઈ ગયા હોત.

27મી ડિસેમ્બરના રોજ સવારના છ વાગ્યા પછી ગેલ્સેન્કિર્ચેનમાં ફાયરબ્રિગેડ તથા એક ખાનગી સુરક્ષા ફર્મને બૅન્કમાંથી આગ લાગવાની ચેતવણી મળી, જે સંભવતઃ ચોરો ઘૂસતાં ટ્રિગર થયું હતું.

પોલીસ અને 20 ફાયરફાઇટર્સ 6.15 વાગ્યે બૅન્ક પર આવી પહોંચ્યા, પણ “નુકસાન થયું હોવાનો કોઈ સંકેત જોવા મળ્યો નહીં,” એમ પોલીસે એક યાદીમાં જણાવ્યું હતું.

હર્બર્ટ રિયૂલે કહ્યું કે, આગનું એલારામ તિજોરીમાંથી વાગ્યું હતું.

પરંતુ, દરવાજો બંધ હોવાથી ફાયરફાઇટર્સ અંદર ન જઈ શક્યા. રિયૂલે જણાવ્યું હતું કે, “તેમને ન તો કોઈ ધુમાડો જોવા મળ્યો, ન કોઈ ગંધ આવી કે તો નુકસાન પહોંચ્યું જણાયું,” આથી તેમણે “નિષ્કર્ષ કાઢ્યો કે, તે ખોટું એલારામ વાગ્યું હતું,” જે કોઈ અસામાન્ય વાત નહોતી, એમ તેમણે કહ્યું હતું.

તેમણે રાજ્યની સંસદીય સમિતિને માહિતી આપી કે, તે સમયે આ ફાયરબ્રિગેડનો મામલો હોવાથી પોલીસને બૅન્કમાં તપાસ કરવાનો અધિકાર ન હતો. પોલીસ પાસે વૉરન્ટ હોવું જરૂરી હતું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જર્મની,

ઇમેજ સ્રોત, Reuters

તિજોરીની અંદર ઘૂસ્યા પછી ચોરો લગભગ તમામ 3,250 સેફ ડિપૉઝિટ બૉક્સ ખોલીને રોકડ, સોનું અને આભૂષણો લઈ ગયા.

રિયૂલે જણાવ્યું હતું કે, બૅન્કની કમ્પ્યુટર સિસ્ટમ્સ દર્શાવે છે કે, પ્રથમ બૉક્સ 27મી ડિસેમ્બરે સવારે 10.45 વાગ્યે અને છેલ્લું બૉક્સ 2.44 વાગ્યે ખોલવામાં આવ્યું હતું. તેમણે ચાર કલાકમાં મોટા ભાગનાં બૉક્સ ખોલી નાંખ્યાં હતાં કે પછી ટૅક્નૉલૉજીએ ડેટાનું રેકૉર્ડિંગ કરવાનું બંધ કરી દીધું, તે સ્પષ્ટ થતું નથી.

સાક્ષીઓએ પછીથી પોલીસને જણાવ્યું હતું કે, તેમણે 28મી ડિસેમ્બરની રાત્રે કાર પાર્કિંગની સીડીઓ પર ઘણા લોકોને મોટા-મોટા થેલા લઈ જતા જોયા હતા.

અધિકારીઓ જણાવે છે કે, ચોક્કસ કેટલી રકમ ચોરાઈ, તે તેઓ જાણતા નથી, પણ જર્મન મીડિયાના અંદાજ પ્રમાણે, ચોરો 100 મિલિયન યુરો (87 મિલિયન પાઉન્ડ) લઈને પલાયન થઈ ગયા હશે.

પછીથી પોલીસે કાર પાર્કના સિક્યૉરિટી કૅમેરામાંથી તસવીરો અને વીડિયો ફૂટેજ જારી કર્યાં, જેમાં ચહેરા ઢાંકેલા પુરુષો અને બે કાર – કાળી ઑડી આરએસ 6 અને સફેદ મર્સિડિઝ સિટાન દેખાય છે. બંને કાર પર નકલી લાઇસન્સ પ્લૅટ લગાવેલી હતી.

બૅન્ક પાસેથી વળતરની માગ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જર્મની,

ઇમેજ સ્રોત, Gelsenkirchen Police

સોમવારે, 29મી ડિસેમ્બરે મળસ્કે 3.58 વાગ્યે વધુ એક ફાયર એલારામ ધણધણી ઊઠ્યું અને અગ્નિશામક દળના માણસો ફરી બૅન્કમાં જઈ પહોંચ્યા અને ત્યાં તેમણે અરાજકતાનો માહોલ જોયો, ત્યારે આખરે ચોરીની ખબર પડી.

હર્બર્ટ રિયૂલે કહ્યું હતું કે, એવું લાગતું હતું કે, જાણે કચરાનો ઢગ ખડકાયો હોય, 5,00,000 કરતાં વધુ ચીજો ભોંય પર વિખરાયેલી પડી હતી – તે સેફ ડિપૉઝિટ બૉક્સનો સામાન હતો, જે ચોરો પાછળ છોડી ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ચોરોએ ઘણી ચીજો પર પાણી અને કેમિકલ્સ ફેંકતાં તેમને નુકસાન પહોંચ્યું હતું. ત્યારથી પોલીસ વધેલા સામાનની તપાસ કરીને કડી શોધી રહી છે અને કઈ ચીજ કોની છે, તે નક્કી કરવાની કોશિશ કરી રહી છે.

બૅન્કમાં લૂંટની વિગતો સપાટી પર આવતાં જ 200 જેટલા ગ્રાહકો સ્પાર્કસેની બહાર એકઠા થઈ ગયા અને અંદર જવા દેવાની માગણી કરવા લાગ્યા. પોલીસ ઘણી પેટ્રોલિંગ કાર સાથે આવી પહોંચી અને પ્રવેશદ્વારને સુરક્ષિત કર્યું.

63 વર્ષના જોઆચિમ આલ્ફ્રેડ વેગનરે કહ્યું કે, તેમણે હજારો યુરોના મૂલ્યના સોનાની સાથે-સાથે તેમના પિતા અને દાદા-દાદીનાં આભૂષણો પણ ગુમાવી દીધાં છે.

‘ફ્લૅટ વેચીને રોકડ જમા કરી હતી’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જર્મની,

ઇમેજ સ્રોત, Gelsenkirchen police

તેમના એપાર્ટમેન્ટ પર ઘણી વખત ચોરી થઈ હોવાથી તેમણે બૅન્કમાં તિજોરી ભાડે લીધી હતી અને વિચાર્યું હતું કે, ત્યાં તેમનો સામાન સલામત રહેશે. “હું ક્રોધાવેશમાં રડી પડ્યો હતો,” એમ તેમણે કહ્યું હતું.

બૅન્કે કહ્યું હતું કે, સિક્યૉરિટી બૉક્સમાં રાખેલી ચીજોનો સામાન્યપણે 10,300 યુરો પ્રતિ બૉક્સનો વીમો હોય છે.

બૅન્ક સામે દાવો માંડનારા પ્રથમ લોકોમાં વેગનરનો સમાવેશ થાય છે અને તેમના વકીલ ડેનિયલ કુહલમેનના જણાવ્યા મુજબ, સલામતી વ્યવસ્થામાં કચાશ બદલ વળતરની માગણી કરી છે. અન્ય એક વ્યક્તિએ તેમની નિવૃત્તિ માટે રાખવામાં આવેલા એક ફ્લૅટને વેચી દઈને 4,00,000 યુરો રોકડા જમા કર્યા હતા.

બૅન્કે કહ્યું છે કે, તે સ્વયં પણ આ અપરાધનો ભોગ બની છે અને બૅન્કનું પરિસર “માન્યતાપ્રાપ્ત અત્યાધુનિક ટૅક્નૉલૉજી અનુસાર સુરક્ષિત કરવામાં આવ્યું હતું.”

કેટલાક ક્લાયન્ટ્સ તેમના સેફ ડિપૉઝિટ બૉક્સમાં રાખેલી વસ્તુઓની સત્તાવાર રસીદો ધરાવતા હતા, જ્યારે કેટલાક પાસે તે રસીદ નહોતી.

હર્બર્ટ રિયૂલે જણાવ્યું હતું, “સ્પાર્કસેને પણ નથી ખબર કે, પેટીઓમાં શું હતું, કારણ કે દરેક વ્યક્તિ તેની ઇચ્છા મુજબ તેમાં કશું પણ મૂકી શકે છે.”

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, મનોવૈજ્ઞાનિક નુકસાનની અવગણના ન કરવી જોઈએ.

તેમણે કહ્યું હતું, “આપણે પીડિતોની મદદ કરવી જોઈએ. ઘણા લોકો માટે આ કેવળ મિલકતનું નુકસાન નથી, બલકે તેનાથી તેમની સુરક્ષાની ભાવના અને આપણી વ્યવસ્થા પરના તેમના વિશ્વાસને પણ ઠેસ પહોંચી શકે છે.”

‘બૅન્ક લૂંટ રાજકીય મુદ્દો બની ગઈ’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જર્મની,

ઇમેજ સ્રોત, Gelsenkirchen police

પોલીસવડા ટીમ ફ્રોમેયરે કહ્યું હતું કે, તેઓ ઉત્તર રાઇન-વેસ્ટફેલિયા રાજ્યના ઇતિહાસના સૌથી મોટા અપરાધિક મામલા પૈકીના એકનો સામનો કરી રહ્યા છે.

“મારો વિભાગ તથા તેના તમામ કર્મચારીઓ આ કેસની ગંભીરતા સમજે છે. તેનાથી વ્યાપક સ્તર પર નાણાકીય નુકસાન, અનિશ્ચિતતા અને નિરાશા સર્જાયાં છે. “

લૂંટની જાણ થઈ, તે પછી તરત જ જર્મનીના દક્ષિણપંથી પક્ષ ઓલ્ટરનેટિવ ફૉર જર્મની (એએફડી)એ બૅન્કની બહાર રેલીનું આયોજન કર્યું હતું, જેના કારણે કેટલાક લોકોએ પક્ષ પર અવ્યવસ્થા ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જર્મન સામયિક ડેર સ્પીગલે કહ્યું હતું કે, આ બૅન્ક લૂંટ રાજકીય મુદ્દો બની ગઈ છે અને તે અપરાધ કરતાં પણ મોટી કોઈ બાબતનું પ્રતીક બની ગઈ છેઃ “સુરક્ષાનાં વચનો પોકળ હોવાની ભાવના, સંસ્થાઓ નિષ્ફળ જઈ રહી હોવાની ભાવના અને આખરે કોઈને ઉત્તરદાયી નહીં ઠરાવાયું હોવાની ભાવના.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS