Home તાજા સમાચાર gujrati આપણે ચંદ્ર પર પાછા કેમ જઈ રહ્યા છીએ અને નવી અવકાશ સ્પર્ધામાં...

આપણે ચંદ્ર પર પાછા કેમ જઈ રહ્યા છીએ અને નવી અવકાશ સ્પર્ધામાં શું જોખમ છે?

8
0

Source : BBC NEWS

ચંદ્ર, સૌપ્રથમ ક્રૂ મિશન, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા, નાસા, અવકાશયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA

ચંદ્રની પરિક્રમા માટેનું સૌપ્રથમ ક્રૂ મિશન 50થી વધુ વર્ષ પછી આગામી અઠવાડિયાંમાં શરૂ થવાનું છે.

અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાનું આર્ટેમિસ-ટુ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગમે ત્યારે ઉડાન ભરી શકે છે. તેના લૉન્ચિંગનો આધાર અવકાશયાન દ્વારા અંતિમ તપાસ, ચંદ્રની સ્થિતિ તથા હવામાનની પરિસ્થિતિ સહિતનાં અનેક પરિબળો પર હશે.

આ અવકાશયાનનું ચાલક દળ (ક્રૂ) ચંદ્રની સપાટી પર પગ મૂકવાનું નથી, પરંતુ નાસાને આશા છે કે એ 10 દિવસની “સ્લિંગશોટ યાત્રા ચંદ્ર પર સ્થાયી હાજરી અને અમેરિકનોને મંગળ પર મોકલવાનો માર્ગ મોકળો કરશે.”

અલબત્ત, ચંદ્ર પર માત્ર અમેરિકા જ ફરી જવા ઇચ્છતું નથી. અનેક દેશો ચંદ્રની સપાટી પર ડગલાં ભરવાં કેમ ઉત્સુક છે અને આ નવી અવકાશ સ્પર્ધામાં શું જોખમ છે?

મિશનનો હેતુ શું છે?

ચંદ્ર, સૌપ્રથમ ક્રૂ મિશન, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા, નાસા, અવકાશયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA/Sam Lott

સ્ક્રેમ્બલ ફૉર ધ સ્કાઇઝનાં લેખિકા ડૉ. નમ્રતા ગોસ્વામી બીબીસીને જણાવે છે કે 1960 અને 1970ના દાયકાના ચંદ્ર પરના પ્રખ્યાત અપોલો મિશનથી વિપરીત આ યાત્રા માત્ર લોકોને ચંદ્ર પર મોકલવા અને તેમને પાછા લાવવા પૂરતી મર્યાદિત નથી.

વાસ્તવમાં અમેરિકા માટે તે ચંદ્ર પર સ્થાયી હાજરી સ્થાપિત કરવા અને મૂલ્યવાન ખનિજો કાઢવાના ધ્યેય તરફનું એક પગથિયું છે, એમ ડૉ. નમ્રતા ગોસ્વામી જણાવે છે.

2022માં આર્ટેમિસ-વન નામનું માનવરહિત મિશન હાથ ધરવામાં આવ્યું હતું અને તે નાસાની એ સમયની નવી સઘન અવકાશ સંશોધન પ્રણાલીનું પ્રથમ પરીક્ષણ હતું. હવે આર્ટેમિસ-ટુ રવાના થવાનું છે.

આર્ટેમિસ-ટુની ક્રૂ ઓરિયન અવકાશયાનના ભવિષ્યમાં ચંદ્ર પર ઉતરાણ માટે સ્ટીયરિંગ તથા લાઇનિંગની પ્રેક્ટિસ પણ કરશે. ઊંડા અવકાશમાં એ તેના સૌથી દૂરના બિંદુએ, ચંદ્રની દૂરની બાજુથી લગભગ 4,600 માઈલ દૂર હશે.

પાછા જવા માટે આટલો સમય કેમ લાગ્યો?

ચંદ્ર, સૌપ્રથમ ક્રૂ મિશન, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા, નાસા, અવકાશયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

શીતયુદ્ધ દરમિયાન છેલ્લે 1972માં નાસાના અપોલો 17 મિશનમાં કોઈ માનવે ચંદ્ર પર પગલાં પાડ્યાં હતાં.

એ સમય સુધીમાં તો અમેરિકાએ અવકાશ સ્પર્ધા જીતી લીધી હતી. એ પૂર્વે 1969માં અપોલો 11 દ્વારા ચંદ્ર પર પ્રથમ વખત અવકાશયાત્રીઓને મોકલ્યા હતા. તે એક એવી સિદ્ધિ હતી, જેને સોવિયેત સંઘ ક્યારેય હાંસલ કરી શક્યો ન હતો.

ડૉ. નમ્રતા ગોસ્વામીના જણાવ્યા મુજબ, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી ચંદ્રની યાત્રા ચાલુ રાખવાનું અમેરિકા માટે ખાસ કોઈ કારણ ન હતું. વળી તે અત્યંત ખર્ચાળ પણ હતું.

1961થી 1972 સુધીના અપોલો કાર્યક્રમમાં 25.8 અબજ ડૉલરનો ખર્ચ થયો હતો, જેની આજના સંદર્ભમાં ગણતરી કરીએ તો 290થી 320 અબજ ડૉલર થાય.

એ પછીના સમયમાં ઇલૉન મસ્કના સ્પેસએક્સ અને જેફ બેઝોસના બ્લુ ઑરિજિનના ફરી વાપરી શકાય તેવા રૉકેટ્સના વિકાસ જેવી ટૅક્નૉલૉજિકલ સફળતાએ ખર્ચ ઘટાડવામાં મદદ કરી છે. તેનાથી અવકાશયાત્રા સ્ટાર્ટ-અપ ક્ષેત્રનો વિકાસ થયો છે અને હવે વધુ દેશો અવકાશનું અન્વેષણ કરવા ઇચ્છે છે. હવે 70થી વધુ દેશો પાસે પોતાના રાષ્ટ્રીય અવકાશ કાર્યક્રમો છે.

ચંદ્ર, સૌપ્રથમ ક્રૂ મિશન, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા, નાસા, અવકાશયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bettmann Archive/Getty Images

જોકે, અમેરિકાની ચંદ્ર માટેની નવી મહત્ત્વાકાંક્ષાઓનું સૌથી મોટું પ્રેરકબળ ચીન અને આ ક્ષેત્રમાં તેની વધતી જતી સફળતા રહી છે.

2019માં ચીન તેના ચાંગે-4 પ્રોબ સાથે ચંદ્રના દૂરના ભાગમાં ઉતરાણ કરનાર પ્રથમ દેશ બન્યો હતો.

ડૉ. નમ્રતા ગોસ્વામી જણાવે છે કે એ ઉતરાણથી અમેરિકા “જાગૃત” થયું હતું અને 1957માં અવકાશમાં લૉન્ચ કરવામાં આવેલા સૌપ્રથમ સોવિયેત ઉપગ્રહનો ઉલ્લેખ કરતાં તેણે તેને “સ્પુતનિક મોમેન્ટ” જેવું ગણાવ્યું હતું.

“તેમને સમજાયું હતું કે ચીન ફક્ત રશિયન ટૅક્નૉલૉજીની નકલ જ કરતું નથી,” એમ તેઓ કહે છે.

ચીનની સફળતા પહેલાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2017માં સ્પેસ ડિરેક્ટિવ પર હસ્તાક્ષર કર્યા ત્યારે અવકાશયાત્રીઓને ચંદ્ર પર ફરી મોકલવા અને અવકાશનું અન્વેષણ કરવા માટે સ્પષ્ટપણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારે કહ્યું હતું, આ ડિરેક્ટિવ્ઝ “અમેરિકાના અવકાશ કાર્યક્રમનું ફરીથી નેતૃત્વ કરશે અને સમગ્ર માનવજાતને પ્રેરણા મળે તે સુનિશ્ચિત કરશે.”

ચંદ્રયાત્રામાં શું દાવ પર લાગેલું છે?

ચંદ્ર, સૌપ્રથમ ક્રૂ મિશન, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા, નાસા, અવકાશયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ADEK BERRY/AFP via Getty Images

પોતે અમેરિકા સાથે અવકાશ સ્પર્ધામાં હોવાનો ચીન ઇનકાર કરે છે, પરંતુ નિષ્ણાતો વ્યાપકપણે માને છે કે ચીન ચંદ્ર પર ફરી જનાર પ્રથમ દેશ બનવાની તૈયારીમાં છે.

મોટા ભાગના વિશ્લેષકો માને છે કે જે દેશો ચંદ્ર પર વહેલી હાજરી સ્થાપિત કરશે તેઓ મૂલ્યવાન સંસાધન સ્થળો પર વાસ્તવિક નિયંત્રણ મેળવી શકે છે. તેમાં દક્ષિણ ધ્રુવનો સમાવેશ થાય છે. ત્યાંથી વૉટર આઇસ મળી આવ્યો હતો.

વૉટર આઇસનો ઉપયોગ પીવાનાં પાણી, ઑક્સિજન અને ઑક્સિજન તથા હાઇડ્રોજનને વિભાજિત કરીને, એ વાયુઓનું પ્રવાહી બનાવીને રૉકેટ ઈંધણ બનાવવા માટે પણ થઈ શકે છે. તેનાથી અવકાશમાં રિફ્યુઅલિંગ શક્ય બની શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેનાથી પૃથ્વી પરથી મોંઘા અવકાશ પ્રક્ષેપણની જરૂરિયાત ઓછી થશે અને ભવિષ્યમાં મંગળ મિશનની આશામાં વધારો થશે.

પાણી ઉપરાંત ચંદ્ર પરથી અન્ય સંસાધનો પણ મળી આવ્યાં છે. તેમાં બાંધકામમાં વપરાતી લોખંડ, ઍલ્યુમિનિયમ અને ટાઇટેનિયમ જેવી ધાતુઓનો સમાવેશ થાય છે. વધુ ધાતુઓની શોધ ચાલી રહી છે.

હિલિયમના એક દુર્લભ આઇસોટોપ, ખૂબ જ મૂલ્યવાન આઇસોટોપ હિલિયમ-3ની કિંમત પૃથ્વી પર પ્રતિ કિલો બે કરોડ ડૉલર છે. તેનો ઉપયોગ પરમાણુ ફ્યુઝન રિએક્ટરના બળતણ માટે થઈ શકે છે.

અલબત્ત, હિલિયમ-3 જેવાં સંસાધનોને કાઢવાનું કામ ખરેખર મુશ્કેલ છે. એ કામના પડકારોમાં ખાણકામનાં સાધનોનો સમાવેશ થાય છે. એ સાધનો દિવસના સમયે 120 ડિગ્રી સેન્ટિગ્રેડ (248 ફેરનહાઇટ)થી માંડીને રાતે 170 ડિગ્રી સેન્ટિગ્રેડ (-274 ફેરનહાઇટ) સુધીના તાપમાનનો સામનો કરવા સક્ષમ હોવા જોઈએ.

હિલિયમ-3ના ખાણકામ માટે ભવિષ્યમાં મોટા રોકાણની જરૂર પડશે તેમજ ચંદ્રની માટીના મોટા પ્રમાણમાં પ્રોસેસિંગની રીત શોધવી પડશે.

યુનાઇટેડ કિંગ્ડમમાં સાયન્સ મ્યુઝિયમના અવકાશ વિભાગનાં વડા લિબી જેક્સન કહે છે, “રોકાણ કરવા પાત્ર હોય તેવી કોઈ પણ વસ્તુને મૂલ્યવાન બનાવવા માટે તેને કાઢવા, વેચવા અને તેમાંથી નફો કમાવવા માટેની આવડત તથા ક્ષમતા સૌથી પહેલાં હોવી જોઈએ.”

“માત્ર બે મિલીગ્રામ હિલિયમ-3 મેળવવા માટે એક મેટ્રિક ટન લુનાર રેગોલિથ અથવા ચંદ્રની માટીને પ્રોસેસ કરવી પડશે,” તેઓ કહે છે.

ચંદ્ર પર પહેલું ડગલું કોણ મૂકશે?

ચંદ્ર, સૌપ્રથમ ક્રૂ મિશન, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા, નાસા, અવકાશયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

અમેરિકા અને ચીનને આજે વ્યાપકપણે અગ્રણી અવકાશ શક્તિઓ માનવામાં આવે છે.

અમેરિકા આર્ટેમિસ-ટુ સાથે ચંદ્ર પર ફરી પગ મૂકવા ધારે છે. તેનું વહેલામાં વહેલું લક્ષ્ય 2027માં આવું કરવાનું છે.

બીજી તરફ ચીને 2030નું લક્ષ્ય નક્કી કર્યું છે, પરંતુ અમેરિકા અને ચીન ચંદ્ર પર પગ મૂકવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હોય તેવા એકમાત્ર દેશો નથી.

ભારત તેની સ્પેસ ટૅક્નૉલૉજીમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે અને તેનું લક્ષ્ય 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાનું છે.

ભારત ઑગસ્ટ-2023માં અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર અવકાશયાન ઉતારનાર તથા દક્ષિણ ધ્રુવ પર પ્રોબ મિશન હાથ ધરનાર ચોથો દેશ બન્યો હતો.

રશિયાએ આ લક્ષ્ય માટે જાહેરમાં ક્યારેય પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી, પરંતુ સરકારી માલિકીની સમાચાર સંસ્થા તાસના 2023ના એક અહેવાલમાં જણાવાયું હતું કે રશિયા 2031 અને 2040 દરમિયાન ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાની તેમજ ચંદ્ર પર હાજરી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

પહેલા કોણ પહોંચશે?

કેટલાક નિષ્ણાતો માને છે કે ચીને હવે ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. તેણે ઝડપી ટૅક્નૉલૉજિકલ પ્રગતિ કરી છે અને આર્ટેમિસ કાર્યક્રમ કરતાં ઓછા આંચકાઓનો સામનો કરવો પડ્યો છે.

ડૉ. નમ્રતા ગોસ્વામીના કહેવા મુજબ, આ નવી અવકાશ સ્પર્ધાનું પરિણામ “પહેલાં કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે.”

“અવકાશ સંસ્થાઓ અને એજન્સીઓ સાથેના 70થી વધુ દેશોને હવે ચંદ્રની આર્થિક સંભાવનામાં રસ છે,” એમ કહેતાં તેઓ ઉમેરે છે, “આ સંપૂર્ણપણે અલગ જ ખેલ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS