Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty/@t_d_h_nair
ગાંધીનગરની માણસા જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે 10 ફેબ્રુઆરી, 2026ના રોજ આપેલા એક ચુકાદામાં અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (એઇએલ) દ્વારા દાખલ કરાયેલા બદનક્ષીના એક કેસમાં દિલ્હીસ્થિત પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવ્યા છે.
કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 500 હેઠળ એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો છે.
પત્રકાર નાયરે પોતાના ટ્વિટર હૅન્ડલ અને એક વેબસાઇટ www.adaniwatch.org પર અદાણી ગ્રૂપ પર ભ્રષ્ટાચાર, આર્થિક ગેરરીતિઓ, પર્યાવરણીય ઉલ્લંઘનો અને અનૈતિક વ્યાવસાયિક પ્રથાઓ સંબંધે પોતાના લેખો દ્વારા આક્ષેપો લગાવ્યા હતા.
ફરિયાદી પક્ષે આરોપો લગાવ્યા હતા કે ઑક્ટોબર 2020થી જુલાઈ 2021 દરમિયાન નાયરે આ ટ્વીટ અને લેખ લખ્યા હતા. આ ગુનો એ સમયનો હોવાથી તેમાં આઇપીસીની કલમો પ્રમાણે સજા ફટકારવામાં આવી છે.
ફરિયાદી મુજબ, આ આક્ષેપો કોઈ ચકાસણી, સત્તાવાર નિષ્કર્ષ અથવા તથ્ય કે આધાર વિના કરવામાં આવ્યા છે અને તે ફરિયાદી કંપની સામે શંકા, અવિશ્વાસ અને નકારાત્મક જાહેર મત ઊભો થાય તે રીતે રજૂ કરવામાં આવ્યા છે.
શું છે મામલો?
ઇમેજ સ્રોત, Getty Images
અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે એક ખાનગી ફરિયાદ દાખલ કરીને દાવો કર્યો હતો કે રવિ નાયરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ @t_d_h_nair અને સંકળાયેલી વેબસાઇટ મારફતે ખોટી અને બદનામીકારક માહિતી પ્રકાશિત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે આ નિવેદનોના કારણે તેની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થયું છે અને રોકાણકારો, નિયમનકારી સંસ્થાઓ તથા અન્ય હિતધારકોમાં વિશ્વાસને ઠેસ પહોંચી છે.
ફરીયાદ પક્ષે કોર્ટ સમક્ષ મૌખિક સાક્ષી તથા ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કર્યા હતા, જેમાં ટ્વીટ્સ અને ઑનલાઇન લેખોની નકલ સામેલ હતી. કંપનીના ત્રણ કર્મચારીઓએ સાક્ષી આપતા જણાવ્યું હતું કે પ્રકાશિત સામગ્રીના કારણે કંપનીની છબીને નુકસાન થયું અને વિશ્વાસમાં ઘટાડો થયો. આ કર્મચારીઓમાં અંશુલ સૈની, બ્રિજેશ ગોસાઇ, અને મહેશ વાઢેર નામની વ્યક્તિનો સમાવેશ થાય છે.
પત્રકાર રવિ નાયર દિલ્હીમાં રહે છે અને વિવિધ મીડિયા સંસ્થાનો માટે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરે છે. તેમના બચાવ પક્ષે આ ઘટનામાં ફરિયાદ ન થઈ શકે તેના પર પ્રશ્ન ઊભો કર્યો હતો અને કોર્ટના અધિકારક્ષેત્ર પર પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. બચાવ પક્ષે દલીલ કરી હતી કે પ્રકાશિત સામગ્રીમાં “અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ”નું સ્પષ્ટ નામ લેવામાં આવ્યું નહોતું, પરંતુ “અદાણી ગ્રૂપ” શબ્દનો ઉપયોગ થયો હતો. તેમના મત અનુસાર “અદાણી ગ્રૂપ” કોઈ અલગ ‘જ્યુરિસ્ટિક એન્ટિટી’ નથી, તેથી બદનક્ષીનો ગુનો લાગુ પડતો નથી.
બચાવ પક્ષે આ પણ દાવો કર્યો હતો કે કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ તરફથી કોર્ટ સમક્ષ યોગ્ય ઠરાવ રજૂ કરવામાં આવ્યો નથી. ઠરાવમાં બોર્ડ ડિરેક્ટરની સહી નથી અને તેમાં ફરિયાદીની ચોક્કસ હોદ્દો પણ નોંધ્યો નથી.
ઇલેક્ટ્રોનિક પુરાવાની સ્વીકાર્યતા અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. બચાવ પક્ષે દલીલ કરી હતી કે ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ ઇલેક્ટ્રોનિક રેકૉર્ડને સ્વીકારવા માટેના જરૂરી માપદંડો પૂર્ણ થયા નથી.
આ ઉપરાંત, રવિ નાયરે દલીલ કરી હતી કે તેમનાં નિવેદનો જાહેર હિતમાં સદભાવથી અને જાહેર રીતે ઉપલબ્ધ માહિતીના આધારે કરવામાં આવ્યા હતા. તેમણે તેને જાહેર ચર્ચાનો ભાગ ગણાવ્યો હતો.
આ કેસમાં કોર્ટે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
માણસા કોર્ટનાં જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ દામિની દીક્ષિતે પોતાના વિગતવાર ચુકાદામાં નોંધ્યું કે ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ 199 હેઠળ ફરિયાદ જાળવવા યોગ્ય છે.
“અદાણી ગ્રૂપ” અંગેના આક્ષેપો ફરિયાદી કંપની સાથે ઓળખી શકાય તેવા છે અને તેનાથી પ્રતિષ્ઠાને અસર થઈ શકે છે.
બચાવ પક્ષે પોતાની રજૂઆતમાં કોર્ટને કહ્યું હતું કે આ ફરિયાદ માણસાની હદમાં થઈ શકે તેમ નથી. ફરિયાદીએ નોંધ્યું હતું કે તેઓ પોતે જ્યારે માણસાથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે આ ટ્વીટ જોઈ હતી. જોકે, બચાવ પક્ષની રજૂઆત હતી કે તેમણે આવી કોઈ હોટલનાં બિલ કે બીજા કોઈ પુરાવા રજુ કર્યા નહોતાં, જેથી સાબિત થાય કે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.
આ વિશે કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે જે સ્થળે ફરિયાદીને ટ્વીટ વિશે જાણ થઈ એ સ્થળે તેઓ ફરિયાદ કરી શકે છે.
કોર્ટે જણાવ્યું હતું કે પ્રતિષ્ઠાને થયેલા નુકસાનની અસર તેના વિસ્તારમાં અનુભવાઈ હોવાથી કોર્ટને મામલો સાંભળવાનો અધિકાર છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે યોગ્ય ટીકા અને બદનામી વચ્ચે સ્પષ્ટ રેખા છે. ચુકાદામાં નોંધાયું છે કે આરોપીના ટ્વીટ્માં ભાષા સ્પષ્ટ અને આક્ષેપાત્મક હતી, અનુમાનાત્મક અથવા શંકાસ્પદ નહીં.
આવાં નિવેદનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સીધો સંકેત આપે છે અને તેથી તે બદનક્ષીનો ગુનો બની જાય છે.
કોર્ટે વધુમાં નોંધ્યું કે બદનામી કેસમાં કાનૂની અપવાદો સાબિત કરવાનો ભાર આરોપી પર રહે છે. આ કેસમાં આરોપી સદભાવ અથવા સત્યતાનો પૂરતો પુરાવો રજૂ કરી શક્યા નહોતા, માટે તેમનો પરના આરોપો સાબિત થાય છે.
ચુકાદામાં સોશિયલ મીડિયાની વ્યાપક પહોંચ અને ઝડપને પણ ધ્યાનમાં લેવામાં આવી. કોર્ટે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર પ્રકાશિત નિવેદનો તુરંત જ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે છે અને તેનાથી પ્રતિષ્ઠાને નુકસાન થવાની સંભાવના વધી જાય છે. તેથી પ્રકાશન પહેલાં પૂરતી ચકાસણી જરૂરી છે.
કોર્ટે નોંધ્યું કે પ્રતિષ્ઠાને થયેલ નુકસાન હંમેશાં આર્થિક રીતે માપી શકાય તેમ નથી, પરંતુ વિશ્વાસ, વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા પણ વ્યવસાય માટે મહત્ત્વપૂર્ણ મૂલ્ય ધરાવે છે, માટે આ ગુનો બને છે.
સજાની બાબતમાં કોર્ટે જણાવ્યું કે નામમાત્રની સજા પૂરતી નથી અને આવનારા સમયમાં આવા ગુનાને અટકાવવા માટે દંડાત્મક અસર જરૂરી છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ કેસ અંગે પત્રકાર રવિ નાયરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પ્રશ્નો મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ અહેવાલ પ્રકાશિત થતા સુધી તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
આ ઉપરાંત, કેસ અંગે વધુ વિગતો મેળવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને સત્તાવાર ઇમેઇલ મોકલવામાં આવ્યો છે. અહેવાલ પ્રકાશિત થયા ત્યાં સુધી કંપની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જવાબ મળતાં જ આ અહેવાલ અપડેટ કરવામાં આવશે.
કાયદાકીય નિષ્ણાતોના મત મુજબ, બદનક્ષીના કેસોમાં કોર્ટો સામાન્ય રીતે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને પ્રતિષ્ઠા વચ્ચેનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. આ કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બંધારણીય રીતે મળેલ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સામે આધારવિહોણા અને ગંભીર આક્ષેપો કરી શકાય.
ફોજદારી બદનક્ષીનો કાયદો શું કહે છે?
ઇમેજ સ્રોત, Getty Images
કાયદાના નિષ્ણાતો મુજબ ભારતમાં બદનક્ષી બે રીતે થઈ શકે છે, એક દીવાની (સિવિલ) અને બીજું ફોજદારી (ક્રિમિનલ).
ફોજદારી બદનક્ષી અંગેની જોગવાઈઓ ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 499 અને 500 હેઠળ કરવામાં આવી છે.
કલમ 499 મુજબ, જો કોઈ વ્યક્તિ શબ્દો (લેખિત કે મૌખિક), સંકેત અથવા દૃશ્ય રૂપે કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશે એવા આક્ષેપ કરે જે તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે અથવા પહોંચાડવાનો આશય ધરાવે, તો તેને બદનક્ષી તરીકે ગણી શકાય છે.
અમદાવાદ મેટ્રો કોર્ટના વકીલ કૈલાસ તમાયચેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “કાયદા પ્રમાણે આક્ષેપ કરનાર પાસે ઇરાદો હોવો જોઈએ અથવા એ જાણ હોવી જોઈએ કે નિવેદનથી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. આવી જ રીતે કલમ 500 હેઠળ ફોજદારી બદનક્ષી માટે બે વર્ષ સુધીની સાદી કેદ, અથવા દંડ, અથવા બંને થઈ શકે છે.”
તેમણે ઉમેર્યું કે કલમ 499માં કેટલાક મહત્ત્વપૂર્ણ અપવાદો પણ આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, સત્ય અને જાહેર હિતમાં કરાયેલ નિવેદન, સદભાવથી કરવામાં આવેલી ટીકા, જાહેર સેવક અંગે જાહેર હિતમાં કરેલી ટિપ્પણી, ન્યાયિક કાર્યવાહી અંગેનો અહેવાલ વગેરે, પરંતુ આ અપવાદો લાગુ પડે છે કે નહીં, તેનો પુરાવો રજૂ કરવાનો ભાર સામાન્ય રીતે આરોપી પર રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



