Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Raju Karpada/FB
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી (આપ) રાજીનામું આપી દીધું છે.
ગુજરાત ખાતેના આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષપદે રહેલા રાજુ કરપડાએ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે “સવિનય નિવેદન છે કે, હું રાજુ કરપડા, આમ આદમી પાર્ટીનાં તમામ પદો પરથી અને જવાબદારીઓમાંથી તારીખ 11-02-2026થી રાજીનામું આપું છું.”
“વ્યક્તિગત કારણોને લઈને મારે માટે વર્તમાન જવાબદારીઓ નિભાવવી શક્ય નથી. પાર્ટીએ મને જે તક, સન્માન અને સહયોગ આપ્યો તેના માટે હું તેનો હ્રદયથી આભારી છું.”
ઉલ્લેખનીય છે કે બોટાદમાં આપની સભામાં પથ્થરમારા બાદ રાજુ કરપડા ચર્ચામાં આવ્યા હતા.
બોટાડના હડદડ ગામે પોલીસ-ખેડૂત વચ્ચેના સંઘર્ષ મામલે 108 દિવસ જેલમાં કાઢ્યા બાદ હાલમાં જ તેઓને જામીન મળતા જેલની બહાર આવ્યા હતા.
રાજુ કરપડા કોણ છે?
ઇમેજ સ્રોત, SACHIN PITHVA
રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. ચૂંટણીપંચના રેકૉર્ડ મુજબ, તેમનું નામ 63-ચોટીલા વિધાનસભાના (ગુજરાત) મતદાર વિભાગમાં છે.
બીબીસી ગુજરાતીએ અગાઉ તેમના કાકા રામકુભાઈ કરપડા સાથે વાતચીત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, “રાજુભાઈના મોટા બાપુ સરપંચ હતા. રાજુ કરપડાના પિતા મેરામભાઈ કરપડા પર પોલીસ દમન થયું હતું. તેમના પિતાને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. તે સમયે રાજુ અભ્યાસ કરતા હતા.”
જોકે, પોલીસ દમનના આ દાવાની બીબીસી પુષ્ટિ કરતું નથી.
રામકુભાઈ કરપડા પ્રમાણે, “તેમણે (રાજુભાઈએ) ધોરણ 12 પછી કૉલેજના અભ્યાસ સાથે દૂધ ડેરીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમણે 2011-12 દરમિયાન કૉલેજમાં અભ્યાસની સાથે દૂધની ડેરીનો વ્યવસાય ચાલુ રાખ્યો હતો.”
તેમના પરિવારના જણાવ્યા અનુસાર હજુ પણ રાજુ કરપડાનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે અને તેમને બે દીકરા છે.
રામકુભાઈ કરપડા અનુસાર રાજુ કરપડા સૌપ્રથમ ત્યારે લાઇમલાઇટમાં આવ્યા જ્યારે તેમણે પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
ચારેક દાયકાથી સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકારણ ઉપર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા બીબીસી સંવાદદાતા જયદીપ વસંત સાથેની વાતચીતમાં કહે છે, “રાજુ કરપડાએ બોટાદ ખેડૂત આંદોલનનું નેતૃત્વ લીધું હતું અને તેના માટે જેલમાં પણ ગયા હતા. તેમને ચોટિલા અથવા બોટાદ જિલ્લાની વિધાનસભા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીની ટિકિટના દાવેદાર માનવામાં આવતા હતા.”
“એવામાં તેઓ જેલમાંથી બહાર નીકળીને તેમની આક્રમકતા ઘટી ગઈ હતી. કરપડા રાજીનામું આપી દે તે વાત ચોંકાવનારી અને આશ્ચર્યજનક છે. તેના અનેક ગૂઢાર્થ કાઢી શકાય એમ છે.”
મહેતા ઉમેરે છે, “રાજુ કરપડાની લોકપ્રિયતા કોઈ જ્ઞાતિ કે સમાજ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેઓ ખેડૂતોના નેતા તરીકે ઊભરી રહ્યા હતા, ત્યારે કરપડાના રાજીનામાથી આ વિસ્તારમાં આપને નુકસાન થઈ શકે છે.”
જોકે, કરપડાના રાજીનામાને કારણે આપને સમગ્ર સૌરાષ્ટ્રમાં નુકસાન થાય કે ખેડૂત સમાજમાં પેઠ વધારવામાં મુશ્કેલી પડશે, એવી શક્યતાને મહેતા નકારે છે.
કરપડાના રાજીનામા અંગે આપ નેતાઓએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
આપના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આના વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું, “રાજુ કરપડા સાથે શું થયું અને તેમની કઈ મજબૂરી છે તેની મને ખબર નથી. તેમની સાથે મારી વાત થઈ નથી પરંતુ ભાજપ હંમેશાં અમારા નેતાને તોડવાની કોશિશ કરે છે.”
“રાજુ કરપડા મજબૂત આગેવાન છે અને આમ આદમી પાર્ટી અને રાજ્યના ખેડૂતો તેમનું ઘણું સન્માન કરે છે. તેમણે ખેડૂતોની સમસ્યા માટે કરેલાં આંદોલનો માટે પાર્ટી આજે પણ તેમની આભારી છે.”
હડદડ આંદોલન બાદ કરપડા સાથે 108 દિવસનો જેલવાસ ભોગવનારા પ્રવીણ રામે રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, “રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે દુઃખી છું. કારણ કે હડદડ મુકામે મેં અને રાજુભાઈએ ગુજરાતના ખેડૂતો માટે મજબૂત લડાઈ લડી અને ગુજરાતના ખેડૂતો માટે મજબૂત અવાજ ઊઠાવવાનો પ્રયત્ન કર્યો.”
“ખેડૂતોની લડાઈને તોડી પાડવા અને આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની ભાજપ સરકારે મને, રાજુભાઈને તથા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્રપૂર્વક 108 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા…મને શંકા છે કે ભાજપના દબાણને કારણે ક્યાં ને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે.”
ઇમેજ સ્રોત, Raju Karpada/FB
આમ આદામી પાર્ટીના ધારાસભ્ય અને યુવા નેતા ચૈતર વસાવાએ એક વીડિયો સ્ટેટમેન્ટમાં જણાવ્યું, “તેઓ ખેડૂતોના મજબૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને તેમણે ખેડૂતો માટે અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. આ લડતો પૈકી બોટાદ કદડા પ્રથાને નાબૂદ કરવા માટેની પણ હતી. તે માટે તેમણે 100થી વધુ દિવસો માટે જેલમાં રહેવું પડ્યું.”
તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે “ભાજપની નીતિ છે કે તેઓ વિપક્ષના નેતાને ડરાવીને ધમકાવીને એમની પડખે કરી લે છે. કઈ રીતે આંદોલનને દબાવી દેવું? ભાજપ આ નીતિમાં માને છે. ભાજપે આ નીતિનો જ ઉપયોગ રાજુ કરપડા પર પણ કર્યો છે.”
ચૈતર વસાવાએ એ પણ આરોપ લગાવ્યો કે “મને લાગે છે કે આખરે વશ થઈને રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું છે.”
ચૈતર વસાવા અને પ્રવીણ રામે ઉમેર્યું હતું કે તેમની કે પાર્ટીના અન્ય નેતાઓની રાજુભાઈ સાથે વાત નથી થઈ.
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સમગ્ર ઘટનાક્રમ અંગે બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા સાથે વાત કરી હતી અને પ્રતિક્રિયા આપી હતી.
પ્રકાશભાઈ વરમોરાએ કહ્યું, “ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તથા તેણે આવા કાવાદાવા કરવાની જરૂર નથી. રાજુભાઈનો અંતરાત્મા વહેલો જાગ્યો, એટલે તેમણે આપમાંથી રાજીનામું આપ્યું છે.”
રાજુ કરપડાની સક્રિયતાની શરૂઆત અને રાજકીય સફર
ઇમેજ સ્રોત, Raju karpada/FB
2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી.
રામકુભાઈ કરપડાએ બીબીસીને જણાવ્યું હતું, “તે વખતે પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને થઈ રહેલા આંદોલનમાં મૂળી તેમજ ધાંગધ્રા તાલુકાના વિવિધ દસ્તાવેજો ભેગા કરીને હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. ફસલ વીમા યોજનાના માપદંડ હેઠળ ખેડૂતોને મળવાપાત્ર રકમ 67 હજાર હતી, પરંતુ વીમા કંપનીએ માત્ર એક હજાર જ ચૂકવ્યા હતા, જેના કારણે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં ન્યાયિક લડાઈના અંતે વીમા કંપનીને આઠ ટકાના દરે રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો અને 2021માં ખેડૂતોને પાછા પૈસા ચૂકવાયા હતા.”
રામકુભાઈ અનુસાર, “તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા સીમિત હતાં.”
2021-22માં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45,937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા.
2021થી રાજીનામું આપ્યું, ત્યાર સુધી તેઓ આમ આદમી પાર્ટીમાં કિસાન પાંખના વડા રહ્યા.
ખેડૂતલક્ષી આંદોલનોમાં સક્રિય ભૂમિકા
ઇમેજ સ્રોત, SACHIN PITHVA
રાજુ કરપડા કચ્છના નખત્રાણા જણોદર, ઘેડ પંથકમાં થયેલાં ખેડૂતો સાથે સંકળાયેલાં આંદોલનોમાં સક્રિય રહ્યા હતા.
એ પહેલાં અતિવૃષ્ટિમાં મળતી સરકારી એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફ (NDRF)ની સહાય માટેનાં આંદોલનો સહિત ખેડૂતોને લગતા આંદોલનમાં તેઓ સક્રિય રહ્યા છે.
રાજુ કરપડા ગુજરાત કિસાન કૉંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાના પણ એક સમયના સાથી હતા.
અગાઉ બીબીસી સાથે વાત કરતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું, “2017-18માં ખેડૂતોની આગેવાનોની પાક વીમા બાબતે યોજાયેલી એક બેઠકમાં રાજુ કરપડાએ એક સવાલ કર્યો હતો કે વીમા કંપનીઓ સામે પોલીસ ફરિયાદ કરી શકીએ કે નહીં? ત્યારે તેમની તરફ ધ્યાન કેન્દ્રિત થયું હતું. ત્યારે પ્રથમ મુલાકાત થઈ હતી. તે સમયે રાજુ કરપડા અમારી સાથે ત્રણ-ચાર આંદોલનોમાં રહ્યા હતા.”
“પછી રાજુ કરપડા સાગર રબારીના ‘ગુજરાત ખેડૂત સંગઠન’ સાથે જોડાયા હતા અને અમારી જમીન માપણીની લડાઈમાં પણ થોડા અંશે તેઓ જોડાયા હતા. સુરેન્દ્રનગરમાં તેઓ આંદોલન કરતા તે દરમિયાન હું પણ હાજરી આપતો હતો.”
આંબલિયાનું માનવું છે કે એ પછીના વર્ષોમાં રાજુ કરપડાની ભાષામાં બદલાવ આવ્યો હતો અને ટાળી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



