Source : BBC NEWS
ઇમેજ સ્રોત, AFP via Getty Images
અપડેટેડ 6 કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
આઇસીસી ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં મંગળવારે પાકિસ્તાન અને અમેરિકા (ગ્રૂપ-ડી), નામિબિયા વિરુદ્ધ નૅધરલૅન્ડ્સ (ગ્રૂપ-એ) અને ન્યૂઝીલૅન્ડ સામે સંયુક્ત આરબ અમિરાત (ગ્રૂપ-ડી) એમ ત્રણ મૅચ રમાવાની છે.
જોકે, ક્રિકેટરસિકોની નજર પાકિસ્તાન વિરુદ્ધ અમેરિકાની મૅચ ઉપર રહેશે, કારણ કે બંને ટીમો વચ્ચે માત્ર એક વખત ટક્કર થઈ છે અને તેમાં પણ યુએસની સામે મજબૂત મનાતી પાકિસ્તાનનો પરાજય થયો હતો.
ગત શનિવારે ભારતે ટુર્નામેન્ટના પહેલા જ દિવસે તેની પ્રથમ મૅચ અમેરિકા સામે રમી હતી. જેમાં ભારતનો 29 રને વિજય થયો હતો.
જોકે, ભારતે આ વિજય માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને અમેરિકાની ટીમ ઑલઆઉટ નહોતી થઈ અને છેલ્લા બૉલ સુધી સંઘર્ષ કર્યો હતો, જે મહેમાન ટીમની દક્ષતા દેખાડે છે.
કોલંબો ખાતે આયોજિત આ મૅચમાં અમેરિકા પોતાનું ભૂતકાળનું પ્રદર્શન દોહરાવીને ટુર્નામેન્ટમાં પહેલો વિજય મેળવવા ઇચ્છશે, તો બીજી બાજુ પાકિસ્તાન પણ ભારત સામેની મૅચ આ જીત દ્વારા મનોવૈજ્ઞાનિક મજબૂતી મેળવવા માંગશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા સંયુક્તપણે આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) ટી20 વર્લ્ડકપ 2026નું આયોજન કરી રહ્યા છે.
સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની ટીમની બધી મૅચ શ્રીલંકામાં રમાઈ રહી છે. પહેલાં પાકિસ્તાન ભારત સામેની મૅચ નહોતું રમવાનું, હવે તે રમવા તૈયાર થયું છે એટલે રવિવારે દક્ષિણ એશિયાના પરંપરાગત હરીફો વચ્ચે ટક્કર થશે.
જ્યારે પાકિસ્તાનને મળ્યો પરાજય
ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ એજન્સી આઇએએનએસના અહેવાલ પ્રમાણે, પાકિસ્તાન અને યુએસએ વચ્ચે અત્યારસુધી માત્ર એક મૅચ રમાઈ છે.
લગભગ 20 મહિના પહેલાં ટી20 વર્લ્ડકપ દરમિયાન જ બંને દેશો વચ્ચે ટક્કર થઈ હતી.
તા. છઠ્ઠી જૂન 2024ના યોજાયેલી મૅચમાં પાકિસ્તાને પહેલાં બેટિંગ કરી હતી અને સાત વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં દાવ લેવા ઊતરેલી યુએસની ટીમે નિર્ધારિત ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા.
એ મૅચ સુપર ઓવર સુધી ખેંચાઈ ગઈ હતી, જેમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો.
પાકિસ્તાન અને યુએસનું તાજેતરનું પ્રદર્શન
ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન ટુર્નામેન્ટ દરમિયાન ભારત, પાકિસ્તાન, નૅધરલૅન્ડ, યુએસ તથા નામિબિયાને ગ્રૂપ-એમાં રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાને ટુર્નામેન્ટની પહેલી મૅચ ટુર્નામેન્ટના પહેલાં જ નૅધરલૅન્ડ સામે રમી હતી, જેમાં તેનો ત્રણ વિકેટે વિજય થયો હતો.
જાણકારોના કહેવા પ્રમાણે, સમગ્ર મુકાબલા દરમિયાન પાકિસ્તાન મૅચ ઉપર પ્રભુત્વ મેળવવા સંઘર્ષ કરતું જણાયું હતું. છેક છેલ્લી-છેલ્લી ઓવરોમાં તેનો વિજય થયો હતો.
ભારત સામેની મૅચમાં અમેરિકાએ તમામ 20 ઓવર રમીને આઠ વિકેટે 132 રન બનાવ્યા હતા. આ મૅચમાં તેનો 29 રને પરાજય થયો હતો. આ પહેલાં ભારતે નવ વિકેટના ભોગે 161 રન બનાવ્યા હતા.
એક તબક્કે મહેમાન ટીમ ભારત ઉપર ભારે પડતી જણાય હતી અને યજમાન ટીમે 77 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.. સૂર્યકુમાર યાદવની આક્રમક ઇનિંગે ભારતને હારમાંથી ઉગાર્યું હતું.
આને જોતા પાકિસ્તાનની ટીમ નવોદિત યુએસની ટીમને હળવાશથી નહીં લેવા ઇચ્છે.
પાકિસ્તાને છેલ્લી પાંચમાંથી ચાર મૅચો જીતી છે. તેમાં ઘર આંગણે ટી20 સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું એટલે તેનો આત્મવિશ્વાસ બુલંદ છે.
તો યુએસની ટીમ પણ પાંચમાંથી ત્રણ મૅચ જીતી છે.
બંને દેશની ટીમ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



