Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે તે દેશમાં લાખો ઊંટો માટે પાસપૉર્ટ જારી કરી રહ્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે આ પગલું દેશનાં આ કિંમતી પ્રાણીઓના વધુ સારા ઉછેરમાં મદદ કરશે.
સાઉદી અધિકારીઓના મતે, આ પગલાંથી ઊંટના પાલનના ફાયદામાં વધારો થશે અને પ્રાણીઓની ઓળખ અને માલિકો વિશે એક વિશ્વસનીય ડેટા-બેઝ બનશે.
પર્યાવરણ, પાણી અને કૃષિ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં આ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ દર્શાવવામાં આવ્યા છે જેમાં એક લીલો પાસપૉર્ટ છે જેમાં દેશનું રાજચિહ્ન (કોર્ટ ઑફ આર્મ્સ) અને ઊંટ દર્શાવતી સોનેરી મહોર બતાવવામાં આવી છે.
2024માં સરકારે અંદાજ લગાવ્યો હતો કે સાઉદી અરેબિયામાં આશરે 22 લાખ ઊંટ હતાં.
આ ઊંટો દર વર્ષે દેશના અર્થતંત્રમાં બે અબજ રિયાલથી વધુનું યોગદાન આપે છે.
‘અરબ ન્યૂઝ’ અનુસાર, વિશ્વભરમાં આશરે 3.5 કરોડ ઊંટ છે, જેમાંથી 1.70 કરોડ ઊંટ તો આરબ દેશોમાં જ છે. આ સંખ્યામાં સોમાલિયા આરબ વિશ્વમાં સૌથી આગળ છે, ત્યારબાદ સુદાન, મૉરિટાનિયા, સાઉદી અરેબિયા અને યમનનો ક્રમ આવે છે.
ઊંટ સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય પ્રતીકનો એક ભાગ છે. દેશમાં ઊંટ સૌંદર્ય સ્પર્ધાઓ અને શો પણ યોજાય છે, જ્યાં શ્રેષ્ઠ ઊંટોને ઇનામો આપવામાં આવે છે.
સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય તહેવારો, ખાસ કાર્યક્રમો અને ઐતિહાસિક પ્રસંગો ઊંટ વિના અધૂરા છે. સાઉદી અરેબિયા અને આરબ ખાડીના દેશોમાં ઊંટનો લાંબો ઇતિહાસ છે.
ઊંટોનો ઇતિહાસ
ઇમેજ સ્રોત, Getty Images
જો આપણે ઇતિહાસ પર ટૂંકમાં નજર નાખીએ, તો આપણને 20મી સદીની શરૂઆતનાં વર્ષોની એવી તસવીરો મળે છે જે દર્શાવે છે કે ઇસ્લામનાં પવિત્ર શહેરો મક્કા અને મદીનાની મુસાફરી માટે ઊંટ એકમાત્ર સાધન હતું.
અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને દૂર-સુદૂર પૂર્વના યાત્રાળુ કાફલાઓ ઊંટ પર લાંબા અંતરની મુસાફરી કરીને જ સાઉદી અરેબિયા જતા હતા. ખાડીદેશોના ઉજ્જડ રણમાં ઊંટનો ઉપયોગ કરવાની પરંપરા સદીઓ જૂની છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સાઉદી અરેબિયામાં પથ્થર પર કોતરવામાં આવેલી ઊંટોની આ તસવીરો દુનિયાની સૌથી જૂની તસવીરો હોઈ શકે છે.
2018 માં જ્યારે પહેલી વાર તે સ્થળોએ ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે સંશોધકોએ અનુમાન લગાવ્યું હતું કે પથ્થરો પર કોતરેલી આ છબીઓ લગભગ બે હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવી હશે.
આ ધારણા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, પથ્થરની કોતરણી જૉર્ડનના પ્રખ્યાત પ્રાચીન શહેર પૅટ્રામાં મળી આવેલ પુરાતત્વ અવશેષો સાથે મળતી આવતી હતી. જોકે, પછીનાં સંશોધનોએ આ ઊંટની તસવીરોની ઉંમર સાતથી આઠ હજાર વર્ષ જૂની હોવાનો અંદાજ લગાવ્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
પથ્થરની કોતરણીની ચોક્કસ ઉંમર નક્કી કરવી સંશોધકો માટે એક મોટો પડકાર રહ્યો છે કારણ કે, ગુફાચિત્રોથી વિપરીત, આ નમૂનાઓમાં ઘણીવાર કોઈ કાર્બનિક પદાર્થ હોતો નથી. આ પ્રદેશમાં આ સ્તરની ગુણવત્તા હોય તેવું ‘રૉક આર્ટ’ મળવું પણ દુર્લભ છે.
સપ્ટેમ્બર 2021માં, આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમે જર્નલ ઑફ આર્કિયૉલૉજિકલ સાયન્સમાં તેમનાં પરિણામો પ્રકાશિત કર્યાં.
તેમણે મૂર્તિઓ માટે નવી તારીખ નક્કી કરવા માટે આ વિસ્તારમાં મળી આવેલા ધોવાણની પૅટર્ન, તેની નિશાનીઓ અને પ્રાણીઓનાં હાડકાંનું વિશ્લેષણ કર્યું હતું.
આવાં સ્મારકો પથ્થરયુગ પહેલાંનાં હોવાનું કહેવાય છે, જે પાંચ હજાર વર્ષ જૂનાં છે. તેઓ ગિઝા પિરામિડ કરતાં પણ જૂનાં હોઈ શકે છે, જે સાડા ચાર હજાર વર્ષ જૂનાં છે.
ઊંટોને પાલતુ પ્રાણી તરીકે રાખવામાં આવતાં પહેલાં આવાં સ્મારકો બનાવવામાં આવ્યાં હતાં અને જે-તે પ્રદેશના આર્થિક વિકાસનું મહત્ત્વપૂર્ણ પ્રતીક હતાં.
જ્યારે આ મૂર્તિઓ બનાવવામાં આવી હતી, ત્યારે સાઉદી અરેબિયા આજનાં રણ કરતાં તદ્દન અલગ હતું. આજનાં રણને બદલે, ત્યાં ઘણા લીલા અને ઘાસવાળા વિસ્તારો હતા જ્યાં તળાવો પણ હતાં.
જોકે, આ ઊંટની મૂર્તિઓ શા માટે બનાવવામાં આવી હતી તે હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ સંશોધકો માને છે કે આ વિચરતી જાતિઓ માટેનું મિલન સ્થળ હોઈ શકે છે.
‘ઊંટો વિના રણમાં જીવિત રહેવું અશક્ય હતું’
ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી ઇતિહાસકાર અને રિયાધ અખબારના કૉલમિસ્ટ બદર બિન સઉદનું કહેવું છે કે સદીઓથી અરબી દ્વીપકલ્પમાં ઊંટ જીવનનો અભિન્ન ભાગ રહ્યા છે.
તેઓ કહે છે, “ઊંટો વિના આ દઝાડનારા રણમાં ટકી રહેવું અશક્ય હતું.”
તેની આ ગુણવત્તાને કારણે ઊંટ એ આરબ વિશ્વમાં અર્થતંત્ર, સંસ્કૃતિ અને જીવનનાં અન્ય પાસાંઓમાં અભિન્ન અંગ રહ્યાં છે.
જેમ બદર બિન સઉદ કહે છે, “ઇસ્લામ પૂર્વેના યુગમાં, તરફા ઇબ્ને અલ-અબ્દ જેવા કવિઓએ તેમની કવિતાઓમાં ઊંટનો ઉલ્લેખ કર્યો હતો.”
ડૉ. બદર બિન સઈદના મતે, “ઊંટોએ માનવજીવનમાં એટલી ભૂમિકા ભજવી છે કે તેને અવગણી શકાય નહીં. આ જ કારણ છે કે ઇસ્લામના પયગંબર હઝરત મોહમ્મદ પાસે પણ ‘કસવા’ નામનું ઊંટ હતું.”
સવારી કરવા અથવા માલસામાન વહન કરવા માટે ઊંટોની જરૂરિયાત ઘટી ગઈ હોવા છતાં, ઊંટો અને આરબ નેતાઓ વચ્ચેનો પ્રેમ અને ઐતિહાસિક જોડાણ અકબંધ છે.
આધુનિક સાઉદી અરેબિયાના સ્થાપક કિંગ અબ્દુલ અઝીઝ પાસે ‘અલ-રમાત’ નામનું ઊંટનું ટોળું હતું અને ‘અલ-દુવૈલાહ’ નામનું એક ખાસ ઊંટ પણ હતું.
શાહ સલમાન પણ ઊંટોના મોટા ચાહક
ઇમેજ સ્રોત, Getty Images
બદર બિન સઉદ કહે છે, “એકવાર રાજાએ પ્રિન્સ સઉદ બિન મોહમ્મદને તેમનાં સુંદર ઊંટોમાંથી એક, ‘મુનકિયા’ને મિજબાની માટે મોકલવા કહ્યું. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાસે ‘અલ-શરાફ’ નામનો એક સુંદર અને સારી રીતે ઉછરેલું ઊંટ પણ છે.”
ઊંટોને ‘રણનાં જહાજો’ કહેવામાં આવે છે કારણ કે દરેક ઊંટ ચારસો કિલોગ્રામ સુધીનું વજન વહન કરી શકે છે.
વાહનો અને આધુનિક પરિવહનનાં સાધનોના અભાવે, મક્કામાં કુરૈશ સરદારોના કાફલા આ ઊંટો પર સીરિયા અને યમન જતા હતા.
400 વર્ષ પહેલાં, ‘ઉકલાત’ નામના વેપારીઓ ભારત, તુર્કી, મોરોક્કો અને નાઇજીરિયા સુધી ઊંટોનો વેપાર કરતા હતા. થોડા દાયકા પહેલાં સુધી, ઊંટનો ઉપયોગ તેલ કાઢવા અને શુદ્ધિકરણ માટે પણ થતો હતો.
ઊંટોને રંગના આધારે અનેક શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
ઊંટ ભૂરાથી લઈને લાલ રંગનાં પણ હોય છે. ઊંટ નિષ્ણાતો કહે છે કે ઓમાન અને સુદાનનાં ઊંટ તેમની દોડવાની ક્ષમતા માટે જાણીતાં છે, જ્યારે સાઉદી અરેબિયાના દરિયાકાંઠાના પ્રદેશોનાં ઊંટ તેમનાં દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે.
જોકે, શ્રીમંત સાઉદી અરેબિયા હવે વિશ્વના ટૅક્નૉલૉજીકલ અને આધુનિક યુગ સાથે તાલ મિલાવવા માટે જંગી મૂડી રોકાણ કરી રહ્યું છે, આ સાથે, તે ઊંટોનાં ઐતિહાસિક મૂલ્ય અને સાંસ્કૃતિક રંગને પણ તેનો ભાગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હાલમાં, ‘સવાની’ નામની કંપની ઊંટડીનાં દૂધ અને પાવડર ઉદ્યોગમાં રોકાણ કરી રહી છે અને 25 દેશોમાં તેનાં ઉત્પાદનોની નિકાસ કરી ચૂકી છે. તે ઊંટડીનાં દૂધમાંથી આઇસ્ક્રીમ પણ બનાવે છે.
‘અબીલ’ બ્રાન્ડ ઊંટનાં ઊન અને ચામડીમાંથી કપડાં, હાથથી બનાવેલી બૅગ અને જૂતાં બનાવે છે. ઊંટની ચામડી મગરની ચામડી પછી બીજી સૌથી મજબૂત અને ટકાઉ ચામડી માનવામાં આવે છે.
સાઉદી અરેબિયાના ‘વિઝન 2030’ હેઠળ, તેલ ઉદ્યોગ પછી, ઊંટ આધારિત ઉદ્યોગ દેશ માટે આવકનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બનશે.
આવક ઉપરાંત, ઊંટ ઇતિહાસ, ધાર્મિક પરંપરાઓ અને રિવાજોની ભાવના સાથે પણ સંકળાયેલા છે, જે સાઉદી નાગરિકો માટે ગર્વની સાથે સાથે નફાની પણ વાત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



