Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Dan Kennedy
મેનોપોઝ (રજોનિવૃત્તિ) એ સ્ત્રીના જીવનનો મહત્ત્વનો તબક્કો છે જેનાથી તેના જીવનમાં ઘણા ફેરફાર થાય છે. આ શારીરિક પ્રક્રિયા એટલી સરળ નથી.
આ પરિવર્તન રજોનિવૃત્તિ પહેલાંની સ્થિતિ એટલે કે પેરીમેનોપોઝથી શરૂ થાય છે. આ સ્થિતિ મેનોપોઝનો સંકેત આપે છે અને ત્યારથી સ્ત્રીઓને ઘણા શારીરિક અને માનસિક ફેરફારોમાંથી પસાર થવું પડે છે.
બ્રૉડકાસ્ટર એમ્મા બાર્નેટે કહ્યું છે કે 38 વર્ષની ઉંમરે જ્યારે તેમને ખબર પડી કે તેઓ પેરીમેનોપોઝમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યારે તેમને એવું લાગ્યું કે, “જાણે કોઈએ તેમને લૂંટી લીધાં હોય”.
40 વર્ષીય બાર્નેટે કહ્યું કે, “મારા જીવનમાં પહેલીવાર એવું બન્યું કે હું ખરેખર સ્ત્રી બનવા માગતી ન હતી. પહેલી વાર એવું થયું કે મેં વિચાર્યું કે મને ખરેખર એક પુરુષ બનવાનું ગમશે.”
તેમણે તેના નવા બીબીસી પોડકાસ્ટ, રેડી ટુ ટોક વિથ ઍમ્મા બાર્નેટ પર આ વાત કરી હતી જેનો પહેલો ઍપિસોડ તાજેતરમાં જ પ્રસારિત થયો હતો.
પેરીમેનોપોઝની શરૂઆત સામાન્ય રીતે 46 વર્ષની ઉંમરની આસપાસ થાય છે. આ ત્યારે થાય છે જ્યારે તમને મેનોપોઝનાં લક્ષણો દેખાવા લાગે છે પરંતુ તમારો માસિકસ્રાવ હજુ બંધ થતો નથી. આ લક્ષણોમાં ચિંતા, મૂડ સ્વિંગ, બ્રેઇન ફોગ, હોટ ફ્લશ અને અનિયમિત માસિકસ્રાવનો સમાવેશ થઈ શકે છે.
પેરીમેનોપોઝ દરમિયાન માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ

આ ઍપિસોડમાં બાર્નેટ કહે છે કે, “પેરીમેનોપોઝને કારણે મને એવું લાગ્યું કે જાણે મેં મારી ઓળખ ગુમાવી દીધી છે. આ ઓળખ હજુ પણ પહેલાં જેવી હતી તેવી પાછી આવવા માટે રાહ જોઈ રહી છે.”
મિત્ર અને મહેમાન કેટ થોર્ન્ટન સાથે વાત કરતાં તેઓ આગળ કહે છે, “મને લાગે છે કે મને લૂંટી લેવાઈ. મને લાગે છે કે ફોન કરવા માટે કોઈ ઇમરજન્સી નંબર નથી. હું આ ગુનાની જાણ કરવા માંગુ છું. હા, કોઈએ મારી સાથે લૂંટ કરી છે. પરંતુ દુર્ભાગ્યવશ મારી આ વાતની જાણ કરવા માટે કોઈ નથી.”
પત્રકાર અને બ્રૉડકાસ્ટર થૉર્ન્ટને પણ તેમના પેરીમેનોપોઝના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે તેમણે અનુભવેલી ‘સૌથી ખરાબ’ બાબત એ હતી કે એક મલ્ટિટાસ્કર વ્યક્તિમાંથી સંપૂર્ણપણે અસક્ષમ વ્યક્તિ બની જવું.
બાર્નેટે અગાઉ પણ તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી છે. 2019 માં તેમણે ‘પીરિયડ: ઇટ્સ અબાઉટ બ્લડી ટાઇમ’ પુસ્તક લખ્યું હતું. જેમાં ઍન્ડોમેટ્રિઓસિસ અંગેના તેમના અનુભવનું વર્ણન કરવામાં આવ્યું હતું.
પોડકાસ્ટના ઍપિસોડ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમના જીવનના અમુક ભાગો શેર કરવા એ ખૂબ જ અજુગતું લાગતું હતું પરંતુ તેઓ અન્ય લોકો માટે આ વાત કરવા માગતાં હતાં.
ગત વર્ષ સુધી બાર્નેટ ‘રેડિયો 4’ ના ‘વુમન્સ અવર’નું આયોજન કરતાં હતાં.
તેમણે કહ્યું કે, “હું આખરે પૉડકાસ્ટ બનાવવા માગતી હતી જેથી કરીને ફક્ત અન્ય લોકોની કહાણીઓ જ ન કહી શકાય, પરંતુ શ્રોતાઓને પોતાનો દૃષ્ટિકોણ અને અનુભવ પણ આપી શકાય.”
“હું સામાન્ય રીતે ઇન્ટરવ્યૂ લેનાર છું અને સામાન્ય રીતે હૉસ્ટિંગ કરું છું. આ બધી વાતો શેર કરવી એ સહેલું નથી હોતું અને હું તે જાણું છું. “
મેનોપોઝનાં લક્ષણોની સારવાર કેવી રીતે કરવી?
મેનોપોઝનાં લક્ષણોને દૂર કરવા માટે સ્ત્રીઓ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) લે છે.
HRT ઍસ્ટ્રોજનના સ્તરને ટોપ અપ કરે છે અને સ્થિર કરે છે. ક્યારેક પ્રોજેસ્ટેરોનના કૃત્રિમ અથવા બાયોએડેન્ટિકલ સંસ્કરણ સાથે સંયોજનમાં. પરંતુ તે એવા લોકો માટે યોગ્ય ન પણ નીવડે કે જેમને અમુક પ્રકારના કૅન્સરનો, લોહી ગંઠાવાનો અને હાઈ બ્લડપ્રેશરનો ઇતિહાસ હોય.
સ્ત્રીઓ આ આદતોથી પણ પોતાની લાગણીઓ પર નિયંત્રણ મેળવી શકે છે:
- હાડકાં મજબૂત કરવા અને હૃદયને સુરક્ષિત રાખવા માટે સંતુલિત આહાર લેવો, જેમાં ચરબી ઓછી હોય અને કેલ્શિયમ વધુ હોય.
- ચિંતા, તણાવ ઘટાડવા અને હૃદયરોગ સામે રક્ષણ મેળવવા માટે નિયમિત કસરત કરો
- હૃદયરોગ અને હોટફ્લશ અટકાવવા માટે ધૂમ્રપાન બંધ કરો
- હોટફ્લશ ઘટાડવા માટે દારૂ ટાળો
એવા સંશોધનો પણ છે જે સૂચવે છે કે સોયા અને રેડ ક્લોવરમાં રહેલા પ્લાન્ટ ઍસ્ટ્રોજન ખાવાથી લક્ષણોમાં મદદ મળી શકે છે.
સીબીટી તરીકે ઓળખાતી ટોકિંગ થેરાપી 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને HRT સાથે – અથવા, જો દર્દીના વ્યક્તિગત સંજોગોમાં તેની જરૂર હોય, તો તેના બદલે આપી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



