Home તાજા સમાચાર gujrati મરઘીના કદના નાનકડા ડાયનોસોરના અવશેષો કયાં મળ્યા, કેવાં રહસ્યો ખુલ્લાં પડ્યાં?

મરઘીના કદના નાનકડા ડાયનોસોરના અવશેષો કયાં મળ્યા, કેવાં રહસ્યો ખુલ્લાં પડ્યાં?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડાયનોસોર, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Martina Charnell

    • લેેખક, સોફી અબ્દુલ્લા અને પૉલા અદામો ઇદોએતા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • 8 ફેબ્રુઆરી 2026, 12:50 IST

    અપડેટેડ 9 કલાક પહેલા

એક અસામાન્યપણે નાનાં હાડકાંના અભ્યાસ બાદ ઉત્તર સ્પેનના સંશોધકોએ મરઘીના કદવાળા ડાઇનોસોરની નવી પ્રજાતિની ઓળખ કરી છે.

આ નવી પ્રજાતિનું નામ ફોસ્કીઆ પેલેન્ડોનમ રાખવામાં આવ્યું છે.

આ પ્રજાતિ આપણી પૃથ્વી પર 12.5 કરોડ વર્ષ પહેલાં વસતી હોવાનું મનાય છે. તેમજ આ પ્રજાતિ લુપ્ત થઈ ચૂકેલ ઓર્નિથોપોડ્સ નામક શાકાહારી ડાયનોસોરના જૂથ સાથે સંકળાયેલી હોવાની માન્યતા છે. સંશોધનમાં સામે આવ્યું છે કે તેના કદ છતાં આ ડાયનોસોરની ખોપરી અણધારી રીતે વિકસિત થયેલ છે.

સ્પેનમાં યુનિવર્સિટી ઑફ લા લગુનામાં જીવાશ્મવિજ્ઞાની પેનેલોપી ક્રુઝાડો-કેબાલેરો કહે છે કે, “તેની શરીરરચના એટલી વિચિત્ર છે કે એ આપણને ઉત્ક્રાંતિના સ્થાપિત સિદ્ધાંતો અંગે ફરી વિચારવા મજબૂર કરી દે છે.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડાયનોસોર, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Dieudonné et al. 2026

આર્જેન્ટિનાની નૅશનલ યુનિવર્સિટી ઑફ રિઓ નેગ્રોના જીવાશ્મવિજ્ઞાની પોલ-એમિલ ડ્યુડોનની આગેવાનીવાળી ટીમે કરેલા સંશોધન મુજબ, મળી આવેલા જીવાશ્મ પાંચ જુદા જુદા જીવો સાથે સંકળાયેલા છે. નોંધનીય છે કે તેઓ આ પ્રોજેક્ટ પર વર્ષ 2013થી કામ કરી રહ્યા છે.

ડ્યુડોને બીબીસીને કહ્યું કે, “હું કહીશ કે આ શોધની સૌથી રસપ્રદ બાબત એ છે કે એ બતાવે છે કે હજુ ઘણા જીવાશ્મ પદાર્થોની શોધ થવાની બાકી છે અને એ બધા જીવાશ્મ નાના ડાયનોસોરના હશે.”

તેમણે ઉમેર્યું, “નાના ડાયનોસોર આપણે વિચારીએ છીએ તેના કરતાં ઘણા વૈવિધ્યસભર હતા, અને શક્ય છે કે આપણે જાણીએ છીએ એ બધાં જૂથ નાના ડાયનાસોરમાંથી પેદા થયા હોય અને સમયાંતરે મોટા થયા હોય.”

ડાયનાસોરના અવશેષો શોધવામાં મુશ્કેલ કેમ હોય છે

ડ્યુડોન નોંધે છે કે નાના ડાયનાસોરના અવશેષોને શોધવાનું કામ મુશ્કેલ છે અને એ નાજુક હોય છે.

તેઓ ઉમેરે છે કે, “દુર્ભાગ્યે, નાના અવશેષો પ્રમાણસર ઘણા વેરવિખેર હોય છે. જે ખડકમાં નાનાં હાડકાં હોય છે એ ખૂબ સરળતાથી ગાયબ થઈ જાય છે.”

સંશોધનના સહલેખક અને બેલ્જિયમની ફ્રી યુનિવર્સિટી ઑફ બ્રસેલ્સના જીવાશ્મવિજ્ઞાની કોએન સ્ટાઇન પ્રમાણે આ ડાયનાસોર અસામાન્ય પ્રકારે નાના હતા.

એવું મનાય છે કે આ જીવોની લંબાઈ મરઘી જેટલી એટલે કે 25થી 30 સેમીની રહી હશે.

સ્ટાઇને અત્યાર સુધીના પોતાના અભ્યાસ આધારે કહ્યું, “મને લાગે છે કે યુરોપિયન ખંડમાં મળી આવેલી આ સૌથી નાની ડાયનાસોરની પ્રજાતિ પૈકી એક છે. એ સિવાય સમગ્ર વિશ્વમાં પણ આ ડાયનોસોર સૌથી નાના ડાયનોસોર પૈકી એક હોઈ શકે છે.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડાયનોસોર, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Dieudonné et al. 2026

જીવાશ્મનું નાનું કદ સૂચવે છે કે આ ડાયનોસોર કદાચ યુવાવસ્થામાં હશે. પરંતુ તેનું વધુ વિશ્લેષણ આનાથી ઊલટી વાત તરફ ઇશારો કરે છે.

સ્ટાઇને કહ્યું કે આ પૈકી ઓછામાં ઓછો એક ડાયનોસોર પુખ્ત હતો, તેઓ ઉમેરે છે કે, કદાચ નાની વયે આ જીવ તેના ચારેય પગનો ઉપયોગ કરતા હશે, પરંતુ પુખ્ત વયમાં પહોંચતાં સુધી એ બે પગે ચાલતા થઈ જાય છે.

ફોસ્કીઆ એ ઑર્નિથોપોડ્સમાં સામેલ રેબ્ડોમોર્ફ નામના જૂથમાં સૌથી જૂનો મળી આવેલો ડાયનોસોર છે.

ડ્યુડોન જણાવે છે કે રેબ્ડોમોર્ફ કદાચ “શરૂઆતથી ખૂબ નાના હતા,” જેના કારણે તેઓ તેમના શિકારીઓથી બચી જવામાં સફળ રહેતા હશે.

તેઓ ઉમેરે છે, “નાનું કદ લાંબા અંતર સુધી દોડવા માટે આદર્શ નથી, પરંતુ આના કારણે એ ઝડપથી સંતાવાની જગ્યા શોધી શકે.”

ડાયનાસોરને શોધવામાં લાગ્યા દાયકા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડાયનોસોર, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Paul-Emile Dieudonné

આ મોટા ભાગના અવશેષ 1998માં મળી આવ્યા હતા, અને બાદનાં વર્ષોમાં આ જ સાઇટ પરથી વધુ કેટલાક અવશેષ મળી આવ્યા હતા. જોકે, તેની ઓળખમાં વર્ષો લાગ્યાં છે.

ઉત્તર સ્પેનમાં આવેલા ડાયનોસોર મ્યુઝિયમ ઑફ સાલાસ ડેલોસ ઇન્ફેન્ટાસ સાથે સંકળાયેલા આ સંશોધનના વધુ એક સહલેખક ફીડેલ ટોર્સિડા ફર્નાન્ડેઝ-બાલ્ડોરે આ સાઇટ શોધી કાઢી હતી અને મોટા ભાગના અવશેષો તેમણે જ કલેક્ટ કર્યા હતા.

ટોર્સિડા ફર્નાન્ડેઝ-બાલ્ડોરે કહ્યું કે, “હાડકાંના નાના કદના કારણે અમને શરૂઆતથી જ ખબર હતી કે આ હાડકાં અદ્ભુત છે.”

પ્રાચીન ગ્રીક ભાષામાં પ્રકાશના એક સમાનાર્થી શબ્દ પરથી ફોસ્કીયા નામ પડાયું છે. સંશોધકો જણાવે છે કે તેની શોધ ઓર્નિથોપોડ ડાયનોસોરની ઉત્ક્રાંતિને સમજવા માટે મહત્ત્વપૂર્ણ છે.

આર્જેન્ટિનાની નૅશનલ યુનિવર્સિટી ઑફ કોર્ડોબા સાથે સંકળાયેલા જીવાશ્મવિજ્ઞાની અને આ સંશોધનના સહલેખલ માર્કોસ બેસેરા કહે છે કે, “નાનું કદ એ ઉત્ક્રાંતિ સંબંધિત સરળતા નથી સૂચવતું.”

ડ્યુડોન નોંધે છે કે, ફોસ્કીયાન દાંતની ગોઠવણ પણ વિશેષ છે, જેમાં આગળના દાંત આગળ તરફ આવેલા દેખાય છે. “જેમ કે, મધ્યમાં એક મોટું ત્રિશૂળ હોય.”

સ્ટેઇન ઉમેરે છે કે, જોકે, આ પ્રકારના દાંત “થોડા વિચિત્ર” પણ છે, તેમાં “રસપ્રદ કપાળસંબંધી સંરચના છે.”

તેમણે કહ્યું, “કુદરતે કરેલા પ્રયોગનું આ વધુ એક ઉદાહરણ છે.”

ડાયનાસોરની ખોપરી કેવી હતી

ડાયનોસોનરના અવશેષો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paul-Emile Dieudonné

2016માં પ્રસિદ્ધ થયેલા એક સંશોધનમાં આ અવશેષોને વેગાગેટ ઓર્નિથોપોડ નામના ડાયનાસોર સાથે સાંકળવામાં આવ્યા હતા. જોકે, તેને આધિકારિકપણે ઓળખવા માટે પૂરતી માહિતી નહોતી.

તાજેતરના રિસર્ચમાં મહત્ત્વપૂર્ણ બાબત એ બની છે કે તેમાં ખોપરીના ભાગો સહિત કપાળસંબંધી અવશેષોની ઓળખ કરી શકાઈ છે. આના કારણે વેગાગેટ ઓર્નિથોપોડ ડાયનોસોરનું ફોસ્કીઆ પેલેન્ડોનમ એવું આધિકારિક નામ આપી શકાયું.

ડ્યુડોન સમજાવે છે કે, “સામાન્ય રીતે સજીવોમાં, મોટા ભાગની માહિતી પૂરી પાડતો એવો શરીરનો આપણો ભાગ ખોપરી હોય છે. એ આપણને ચાવવાની પ્રક્રિયા અને શરીરના સંતુલન વિશે જણાવે છે.”

તેઓ ઉમેરે છે કે ખોપરી એ પ્રાણીની તેના પર્યાવરણમાં સંબંધિત જરૂરિયાતો પ્રમાણે આકાર પામેલી હોય છે. “તેથી આ કપાળ સાથે સંબંધિત હાડકાં, નાનાં અને છૂટાંછવાયાં હોવા છતાં આપણને પ્રાણીની જીવન જીવવાની રીત વિશે ઘણું કહી દે છે.”

તેઓ સમજાવે છે કે, “આ પાસાંની નોંધ લેવી જરૂરી છે, કારણ કે તેનાથી એ કેવી રીતે મોટું થયું, કેવી રીતે જીવ્યું, કેવી રીતે મર્યું અને કેવી રીતે વિકસ્યું એ જાણી શકાય છે. ભૂતકાળમાં બદલાતા પર્યાવરણ સાથે જીવન કેવી રીતે બદલાયું છે એ જાણવા માટે પણ આ જરૂરી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS