Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાવર્ડ યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો અધિકાર રદ કરી દીધો છે.
હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ સરકારના આ નિર્ણય સામે કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટીએ બૉસ્ટનમાં કેસ દાખલ કર્યો છે અને ટ્રમ્પ સરકારની કાર્યવાહીને કાયદાનો ‘સ્પષ્ટ ભંગ’ ગણાવ્યો હતો.
આ અરજીની સુનાવણી કરતી વેળાએ અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ એલિસન બૉરેએ હાલ પૂરતો ટ્રમ્પ સરકારના નિર્ણય પર સ્ટે મૂક્યો છે.
આ પહેલાં અમેરિકાનાં ગૃહ સુરક્ષામંત્રી ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે હાવર્ડ યુનિવર્સિટીએ “કાયદાનું પાલન નહોતું કર્યું, જેથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્યક્રમને રદ કરી દેવાયો છે.”

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિસ્ટી નોએમે તેને દેશભરની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ‘ચેતવણીરૂપ’ પગલું ગણાવ્યું. બીજી બાજુ, હાવર્ડ યુનિવર્સિટીએ આ પગલાને ‘ગેરકાયદેસર’ ગણાવ્યું હતું.
યુનિવર્સિટીના વહીવટીતંત્રે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, “અમે અમારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને પ્રવેશ આપવાની ક્ષમતાને જાળવી રાખવા માટે સંકલ્પબદ્ધ છીએ. 140 કરતાં વધુ દેશના વિદ્યાર્થીઓ અને સ્કૉલર્સ અહીં આવે છે અને આ યુનિવર્સિટી તથા આ દેશને સમૃદ્ધ બનાવે છે.”
યુનિવર્સિટીનું કહેવું છે, “આ પ્રકારની વેરવૃત્તિસભર કાર્યવાહીને કારણે હાવર્ડ સમુદાય તથા આપણા દેશને ગંભીર નુકસાન થવાનું જોખમ છે. તે હાવર્ડના શૈક્ષણિક તથા સંશોધન મિશનને નબળું પાડે છે.”
હાવર્ડ યુનિવર્સિટી અમેરિકાનું પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય છે, જેમાં ભારત સહિત વિશ્વભરના દેશોમાંથી હજારો વિદ્યાર્થી અભ્યાસ કરે છે.
ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ટ્રમ્પ સરકારના નિર્ણય બાદ હાવર્ડ યુનિવર્સિટીમાં ભણવાની ખેવના રાખનારા હજારો ભારતીય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ઉપર તેની શું અસર થશે?
ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ હાવર્ડ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, Shreya Mishra Reddy
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યાલય દ્વારા એપ્રિલ-2025માં હાવર્ડ યુનિવર્સિટીને એક યાદી મોકલવામાં આવી હતી. યુનિવર્સિટીએ આ માગણીઓનો અસ્વીકાર કરી દીધો હતો.
ટ્રમ્પ સરકાર હાવર્ડ યુનિવર્સિટીમાં અમુક પ્રકારના ફેરફારો ઇચ્છી રહી હતી, જેમ કે:
- અમેરિકન મૂલ્યોનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓ વિશે સરકારને માહિતી આપવામાં આવે
- દરેક શૈક્ષણિક વિભાગનો દૃષ્ટિકોણ વિવિધતાપૂર્ણ હોય તથા તેને સુનિશ્ચિત કરવામાં આવે
- યુનિવર્સિટીના અલગ-અલગ વિભાગોનું ઑડિટ કરવા માટે સરકારી માન્યતાપ્રાપ્ત બહારની કંપનીની નિમણૂક કરવામાં આવે
- યહૂદીવિરોધી ઉત્પીડનને સૌથી વધુ પ્રોત્સાહન આપનારા વિભાગો વિશે માહિતી આપવામાં આવે
- ગત બે વર્ષ દરમિયાન હાવર્ડ યુનિવર્સિટી પરિસરમાં વિરોધપ્રદર્શન દરમિયાન જે કોઈ ‘ભંગ’ થયા હોય, તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે
- યુનિવર્સિટીની ‘વિવિધતા, સમાનતા તથા સમાવેશક’ નીતિઓ તથા કાર્યક્રમોને સમાપ્ત કરવામાં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યાલયનું કહેવું હતું કે આ યાદી કૅમ્પસમાં યહૂદીવિરોધી લાગણીઓ સામે લડવા માટે તૈયાર કરવામાં આવી છે. આ પત્રમાં માગ કરવામાં આવી હતી કે યુનિવર્સિટી તેના વહીવટ, ભરતી તથા પ્રવેશપદ્ધતિમાં પરિવર્તન લાવે.
હાવર્ડ યુનિવર્સિટીએ આ માગણીઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે વ્હાઇટ હાઉસ તેની પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
એના અમુક કલાકો બાદ ટ્રમ્પ સરકારે હાવર્ડ યુનિવર્સિટીનું ફંડિંગ અટકાવવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાના શિક્ષણ વિભાગે કહ્યું હતું કે તે હાવર્ડ યુનિવર્સિટીને આપવામાં આવતી બે અબજ 20 કરોડ ડૉલરની ગ્રાન્ટ તથા છ કરોડ ડૉલરના કૉન્ટ્રાક્ટને તાત્કાલિક અસરથી અટકાવે છે.
એ પછી હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરોએ એક કેસ દાખલ કરીને આરોપ મૂક્યો હતો કે સરકાર ગેરકાયદેસર રીતે અભિવ્યક્તિ તથા શૈક્ષણિક સ્વતંત્રતા પર પ્રહાર કરી રહી છે.
આ પહેલાં વ્હાઇટ હાઉસે કોલંબિયા યુનિવર્સિટીને આપવામાં આવતું 40 કરોડ ડૉલરનું સંઘીય ફંડિંગ પાછું ખેંચી લીધું હતું.
ટ્રમ્પ સરકારે આરોપ મૂક્યો હતો કે કોલંબિયા યુનિવર્સિટી યહૂદીવિરોધી ભાવનાઓ સામે લડવામાં તથા તેના પરિસરમાં યહૂદી વિદ્યાર્થીઓનું સંરક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે.
એ પછી કોલંબિયા યુનિવર્સિટીએ ટ્રમ્પ સરકારની અનેક માગણીઓ પર સહમતિ આપી હતી. યુનિવર્સિટીનાં આ પગલાંની કેટલાક વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ટીકા કરી હતી.
હાવર્ડ યુનિવર્સિટીમાં કેટલા ભારતીય વિદ્યાર્થી?

ઇમેજ સ્રોત, Ratan Tata Instagram
વર્તમાન સત્રમાં 140 કરતાં વધુ દેશના 10 હજાર 158 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 788 ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
શૈક્ષણિક સત્ર 2023- ’24 દરમિયાન 824 ભારતીય વિદ્યાર્થીઓએ હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
યુનિવર્સિટીના આંકડા પર નજર કરીએ તો માલૂમ પડે છે કે ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન છ હજાર 700થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો, જે કુલ વિદ્યાર્થીના લગભગ 27 ટકા છે.
અમેરિકાની યુનિવર્સિટીઓ માટે વિદેશી વિદ્યાર્થીઓ આવકનો મોટો સ્રોત છે. હાવર્ડના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સ્થાનિક અર્થતંત્રને પણ ટેકો આપે છે.
ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
આશિષ દીક્ષિત બીબીસી વર્લ્ડ સર્વિસમાં સિનિયર ન્યૂઝ ઍડિટર છે અને હાવર્ડ યુનિવર્સિટીના ફેલો (વર્ષ 2022- ’23) રહી ચૂક્યા છે.
આશિષ દીક્ષિત કહે છે, “હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા તથા અભ્યાસ કરવા માગતા, એમ બંને પ્રકારના વિદ્યાર્થીઓમાં ચિંતા પ્રવર્તે છે. હાલ જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ આ નિર્ણયને કારણે ત્યાં અભ્યાસ નહીં કરી શકે.”
“કાં તો આ વિદ્યાર્થીઓએ અન્ય કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પડશે અથવા તો હાવર્ડ યુનિવર્સિટીએ અદાલતમાં જઈને આ નિર્ણય સામે સ્ટે લેવો પડશે.”
આશિષ દીક્ષિત કહે છે, “કાયદાકીય લડાઈ ચાલતી રહેશે, પરંતુ અમુક દિવસોમાં આગામી સેમેસ્ટર માટે પ્રવેશ શરૂ થશે, ત્યારે એ વિદ્યાર્થીઓનું શું થશે? કારણ કે, બની શકે કે કોર્ટમાં આ કેસ લાંબો ખેંચાય જાય. અનેક હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે.”
શ્રેયા મિશ્રા રેડ્ડીને વર્ષ 2023માં હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો, ત્યારે તેમનાં માતાપિતા ખૂબ જ ખુશ હતાં. હવે, તેઓ સ્નાતક થવાની અણિ પર છે, ત્યારે તેમણે તેમના પરિવારને માઠા સમાચાર આપવા પડી રહ્યા છે.
ટ્રમ્પ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, એટલે શ્રેયા કદાચ એક્ઝિક્યુટિવ લીડરશિપ પ્રોગ્રામમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ નહીં કરી શકે અને જુલાઈ મહિનામાં ડિગ્રી નહીં મેળવી શકે.
ટ્રમ્પ સરકારનું કહેવું છે કે યુનિવર્સિટીએ કાયદાનું પાલન નથી કર્યું એટલે તેમણે આ પગલું લીધું છે.
બીબીસી સાથેની વાતચીત દરમિયાન શ્રેયાએ કહ્યું, “દરેક ભારતીય હાવર્ડમાં અભ્યાસ કરવા ચાહે છે. મારા માટે પરિવારને આ સમાચાર આપવાનું કામ ખૂબ જ કપરું હતું. તેઓ હજુ આ સ્થિતિને સમજવા પ્રયાસ કરી રહ્યા છે.”
અનેક વિખ્યાત ભારતીયો હાવર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના અનેક વિખ્યાત લોકોએ હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે, જેમાં ઉદ્યોગપતિ, નેતા તથા કલાકારોનો પણ સમાવેશ થાય છે.
રતન તાતા : તાતા સન્સ તથા તાતા ગ્રૂપના ચૅરમૅન રતન તાતા હાવર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. તેમણે વર્ષ 1975માં હાવર્ડ યુનિવર્સિટીની હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ગત વર્ષે 86 વર્ષની ઉંમરે રતન તાતાનું અવસાન થયું હતું.
સુબ્રમણ્યમ સ્વામી: ચર્ચિત નેતા તથા અર્થસાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો, એ પછી તેમણે ઇન્ડિયન સ્ટેટસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી (કોલકાતા) સ્નાતકોત્તર અભ્યાસ કર્યો. એ પછી તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. એ પછી સુબ્રમણ્યમ સ્વામીએ હાવર્ડ યુનિવર્સિટીમાં ભણાવવાનું કામ પણ કર્યું.
મીરા નાયર : વિખ્યાત ફિલ્મ નિર્માત્રી મીરા નાયરે ‘સલામ બૉમ્બે’ તથા ‘મૉન્સૂન વેડિંગ’ જેવી ફિલ્મો બનાવી છે. દિલ્હીની મિરાન્ડા હાઉસ કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યાં બાદ, તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી.
કપિલ સિબ્બલ : વિખ્યાત વકીલ અને રાજકારણી કપિલ સિબ્બલે વર્ષ 1977માં હાવર્ડ લૉ સ્કૂલમાંથી એલ.એલ.એમ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ યુ.પી.એ. સરકારના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારમાં મંત્રી હતા તથા હાલમાં રાજ્યસભાના સંસદસભ્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS