Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 7 કલાક પહેલા
અરબી સમુદ્રમાં ગોવા અને કોકણના દરિયાકાંઠા પાસે એક લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવે આ સિસ્ટમ આગળ વધશે અને હજી પણ તે મજબૂત બનવાની શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમ 30થી 36 કલાકમાં વધારે મજબૂત બનશે અને ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
અરબી સમુદ્રમાં બનેલી આ લૉ-પ્રેશર એરિયાને કારણે ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
સિસ્ટમ જ્યારે આગળ વધાવની શરૂઆત કરશે તે સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર શરૂ થવાની શક્યતા છે.
સામાન્ય રીતે ચોમાસા પહેલાં આ વિસ્તારમાં સર્જાતાં વાવાઝોડાં કઈ તરફ જશે તેના વિશે વહેલું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ હોય છે.
આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં અને ગુજરાત પર આવશે?

ઇમેજ સ્રોત, IMD
હાલ આ સિસ્ટમ કોકણ અને ગોવાના દરિયાકાંઠા પાસે છે આગામી 36 કલાકની આસપાસ કે તેના કરતાં પહેલાં તે હજી મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.
વાવાઝોડું બનતા પહેલાં આ સિસ્ટમને વધારે મજબૂત બનવું પડે તે માટે દરિયાના પાણીમાં લાંબો સમય સુધી રહેવું જરૂરી છે. જેથી તેને તાકાત મળતી રહે.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ખૂબ વધારે મજબૂત બનીને વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી છે કારણ કે તેની એક સાઇડ જમીન પર અને એક સાઇડ દરિયા પર રહે તેવી સંભાવના છે.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જેથી તેને વધારે પ્રમાણમાં ઍનર્જી નહીં મળે અને કદાચ તે વાવાઝોડું બને તે પહેલાં જ જમીન પર આવી જાય તેવી શક્યતા છે.
હજી પણ હવામાનનાં વિવિધ મૉડલો એ પૂરતી રીતે દર્શાવી શકતાં નથી કે આ સિસ્ટમ કઈ તરફ જશે, મોટા ભાગનાં મૉડલો અલગ અલગ સ્થિતિ દર્શાવે છે.
એટલે આ સિસ્ટમ કઈ તરફ જશે એનો કોઈ ટ્રૅક નક્કી કરી શકાયો નથી અને હવામાન વિભાગે પણ આ મામલે કોઈ માહિતી આપી નથી.
અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંનો ટ્રૅક નક્કી કરવો મુશ્કેલ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટના જણાવ્યા પ્રમાણે હાલના સમયમાં બનતાં તોફાનો સામાન્ય રીતે ખૂબ સ્પષ્ટ હોતાં નથી. એટલે કે તે કેટલાં મજબૂત બનશે અને કેટલા સમયમાં મજબૂત બનશે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે.
આ પ્રકારનાં તોફાનો ઘણી વખત કેટલાક સમય સુધી દરિયામાં જ ફર્યા કરે છે અને પછી કોઈ પણ દીશામાં જઈ શકે છે.
વાવાઝોડાં કઈ તરફ જશે તેનો આધાર ઉપરના સ્તરે ફૂંકાતા પવનો પર હોય છે. એટલે કે ઉપરના સ્તરોમાં બનતાં એન્ટિ-સાયક્લૉન વાવાઝોડાં માટે સ્ટિયરિંગ વ્હિલનું કામ કરે છે. એટલે કે આ પવનો વાવાઝોડાને દીશા આપે છે.
સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે હાલ ઉપરના સ્તરે હાલ અરબી સમુદ્ર પર એક ઍન્ટિ-સાયક્લૉન અને એક રિઝ બનેલી છે. આ ઉપરાંત દીશા નક્કી કરનારા સ્ટિયરિંગ કરંટમાં અનિશ્ચિતતા દેખાઈ રહી છે. જેથી હાલ આ સિસ્ટમનો ટ્રેક નક્કી કરી શકાયો નથી.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા પર વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આ સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને થવાની શક્યતા છે. 22 મેથી આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 22થી 27 મે સુધીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 22 મેથી 25 મે સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.
ખાસ કરીને ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં હાલની સ્થિતિ પ્રમાણે વધારે અસર થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
હાલ આ સિસ્ટમ ગુજરાત પર જ સીધી આવશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી એટલે સિસ્ટમ આગળ વધ્યા બાદ જ રાજ્યના કયા જિલ્લાઓ પર વધારે અસર થશે તેની સ્પષ્ટ માહિતી મળી શકશે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 29 મે સુધી છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS