Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલો સંઘર્ષ અગાઉની તુલનામાં ઘણી રીતે અલગ હતો.
બંને દેશોએ એવાં આધુનિક હથિયારો અને ઉપકરણોનો ઉપયોગ કર્યો જેનો અગાઉ ક્યારેય ઉપયોગ થયો નહોતો. આ વખતના સંઘર્ષમાં પહેલી વખત ડ્રોન, સુપરસૉનિક મિસાઇલો અને અત્યાધુનિક ઍર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક રીતે જોતા તે ડિફેન્સ ટેકનૉલૉજીની પણ કસોટી હતી.
આ દરમિયાન ભારતનું ડિફેન્સ ઉત્પાદન ક્ષેત્ર ચર્ચામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જારી કરેલા આંકડા પ્રમાણે ભારતની સંરક્ષણ નિકાસ પણ ટોચ પર પહોંચી છે અને છેલ્લા એક દાયકામાં તેમાં 34 ગણો વધારો થયો છે.
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ટૂંકા સંઘર્ષમાં ઍર ડિફેન્સ સિસ્ટમ અને બીજાં સાધનોએ જે પ્રદર્શન કર્યું તેના કારણે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ વધવાની શક્યતા છે. આ ઉપરાંત ભારતના સંરક્ષણ બજેટમાં પણ વધારો થઈ શકે છે.
આ દરમિયાન ભારતમાં ડિફેન્સ ઉત્પાદન કંપનીઓના શેર સતત વધતા જાય છે અને કેટલાક શેર તો 52 સપ્તાહની ટોચે પણ પહોંચી ગયા છે.
ડિફેન્સ સાધનોની નિકાસ વિક્રમ સ્તરે

ઇમેજ સ્રોત, @SpokespersonMoD
દુનિયામાં ડિફેન્સ સાધનોના સૌથી મોટા નિકાસકારોની વાત કરવામાં આવે તો અમેરિકા સૌથી ઉપર છે અને લગભગ 43 ટકા બજારહિસ્સો ધરાવે છે. ત્યાર પછી ફ્રાન્સ, રશિયા અને ચીન જેવા દેશો ડિફેન્સ માર્કેટમાં 6 ટકાથી 10 ટકા સુધી હિસ્સો ધરાવે છે.
વિશ્વના ટોચના 10 ડિફેન્સ નિકાસકારોમાં ભારતનું સ્થાન નથી, પરંતુ જાન્યુઆરી 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત અત્યારે દુનિયાના ટોચના 25 નિકાસકારોમાં સ્થાન ધરાવે છે.
સંરક્ષણ મંત્રાલયે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે “વર્ષ 2013-14માં ભારતની કુલ સંરક્ષણ નિકાસ 686 કરોડ રૂપિયા હતી જે 2024-25માં વધીને રૂપિયા 23,622 કરોડ થઈ છે.”
સંરક્ષણ મંત્રાલયની પોસ્ટ પ્રમાણે ભારતીય પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓએ 15,233 કરોડ રૂપિયાનાં ડિફેન્સ ઇક્વિપમેન્ટની નિકાસ કરી હતી. જ્યારે પીએસયુની (પબ્લિક સેક્ટર કંપનીઓની) નિકાસ 8389 કરોડ રૂપિયાની હતી. 2029 સુધીમાં ભારત લગભગ 80 દેશોને કુલ 50 હજાર કરોડ રૂપિયાની નિકાસ કરશે તેવો લક્ષ્યાંક છે.
ભારત સરકારે જારી કરેલા આંકડા મુજબ આગામી ચાર વર્ષમાં ભારતનું કુલ ડિફેન્સ ઉત્પાદન ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે.
‘ઑપરેશન સિંદૂર’ના પગલે ડિફેન્સ ઉત્પાદન, નિકાસ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત-પાકિસ્તાન સંઘર્ષ પછી ભારત હવે સંરક્ષણ ઉત્પાદનમાં મોટો વધારો કરશે અને તેની નિકાસ પણ વધશે એવું નિષ્ણાતો માને છે.
સંરક્ષણ બાબતોના નિષ્ણાત હર્ષ પંતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “ભારતનાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોનું આ વખતે રણમોરચે ટેસ્ટિંગ થયું છે. ભવિષ્યમાં આવી કટોકટી ગમે ત્યારે આવી શકે તેથી ઉત્પાદન કેટલું વધારવું તેનો પણ ભારતને અંદાજ આવ્યો છે.”
તેમણે કહ્યું કે, “પાકિસ્તાને શરૂઆતમાં જ 500થી 700 ડ્રોન મોકલ્યાં હતાં. આ ડ્રોન 36 સ્થળો પર મોકલવામાં આવ્યાં હતાં. ભારત તેને આંતરીને ખતમ કરી શક્યું તે મોટી વાત છે. ઍરિયલ વૉરફેર હંમેશાં હાઈ રિસ્ક હોય છે અને તેનો ભારત સારી રીતે સામનો કરી શક્યું.”
“ભારતીય ઉત્પાદનોની ક્ષમતા પુરવાર થઈ છે. ભારતીય સંરક્ષણ ઉત્પાદનો લૉ-કોસ્ટ હોય છે અને ગ્લોબલ સાઉથને તેને ખરીદવામાં રસ રહેશે.”
તેમના માનવા પ્રમાણે “આગળના સમયમાં આ પ્રકારની કેપૅસિટી વધારવામાં પર ભારતનું ફોકસ રહેશે ટેકનૉલૉજીના પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે “આકાશ સિસ્ટમનો દેખાવ સારો રહ્યો છે, બરાક સિસ્ટમ ઇઝરાયલ સાથે ડેવલપ કરી છે, આપણો મલ્ટિ લેયર્ડ ડિફેન્સ એપ્રોચ રહ્યો છે. તેમાં સ્વદેશી ટેકનૉલૉજી પણ છે, અને જૉઇન્ટ પ્રોડક્શન પણ છે.”
હર્ષ પંતે કહ્યું કે, “ડિફેન્સ એવું ક્ષેત્ર છે જ્યાં આત્મનિર્ભર બનવું જરૂરી છે. તેના માટે એવું ડિફેન્સ મૅન્યુફેક્ચરિંગ બેઝની જરૂર છે તે આ વખતે જોવા મળ્યું છે.”
ડિફેન્સમાં સંપૂર્ણ સ્વદેશીકરણ શક્ય નથી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે આ સંઘર્ષમાં સ્વદેશી ઉપરાંત વિદેશી શસ્ત્ર સરંજામનો પણ સારો એવો ઉપયોગ કર્યો હતો.
સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત રાહુલ બેદીએ કહ્યું, “આ સંઘર્ષમાં ભારતે રફાલ, મિરાજ અને સુખોઈ-30 ફાઇટર વિમાનો, ઍર ડિફેન્સમાં રશિયાની એસ-400 સિસ્ટમ, ઇઝરાયલની SPYDER સિસ્ટમ અને સ્વીડનની એલ-70 બોફોર્સ ગનનો ઉપયોગ કર્યો હતો. બોફોર્સ ગન આયાતી છે, પણ હવે ઘરઆંગણે અપગ્રેડ કરવામાં આવી છે.”
તેમણે કહ્યું કે, “બ્રહ્મોસ મિસાઇલ પણ રશિયાના સહયોગથી બનેલી છે. આકાશ મિસાઇલ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી હતી. તેથી હથિયારોના મામલે આપણે સંપૂર્ણપણે આત્મનિર્ભર હતા એમ કહેવું યોગ્ય નથી. ઘણાં રડાર અને ઑનલાઇન સિસ્ટમનું લોકલ સ્તરે ઉત્પાદન થયું છે.”
ખાનગી અને જાહેર ક્ષેત્રની ડિફેન્સ કંપનીઓ માટે કેવી તક છે તે વિશે રાહુલ બેદીએ જણાવ્યું, “ખાનગી સેક્ટરની કંપનીઓ બહારની કંપનીઓ પાસેથી ટેકનૉલૉજી મેળવે છે, તેથી તેને 100 ટકા સ્વદેશી ન કહી શકાય. કોઈ પણ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં 100 ટકા સ્વદેશી હોઈ ન શકે કારણ કે ઘણાં સાધનો અને ટેકનૉલૉજી વિદેશથી આયાત થાય છે અને અહીં ઇન્ટિગ્રેટ થાય છે.”
રાહુલ બેદી માને છે કે આગામી દિવસોમાં પીએસયુ કે પ્રાઇવેટ કંપનીઓને સંરક્ષણ ઑર્ડર મળવાની શક્યતા છે. તેનાં ઉત્પાદન, વિકાસ અને અપગ્રેડેશનમાં પણ ઝડપ આવવાની શક્યતા છે.
રાહુલ બેદીએ કહ્યું કે “ભારતનું ડિફેન્સ બજેટ જીડીપીના પ્રમાણમાં કેટલાંક વર્ષોથી સ્થિર હતું, પરંતુ ઑપરેશન સિંદૂર પછી તે વધવાની શક્યતા છે.”
ડિફેન્સ કંપનીઓના ઑર્ડરમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકાર દ્વારા સ્વદેશી ડિફેન્સ કંપનીઓને ઑર્ડર મળી રહ્યા છે. જેના કારણે ડિફેન્સ શેરોમાં અત્યાર સુધી એટલી તેજી નહોતી અને ફરી તેમાં તેજી જોવા મળી છે.
ઉદાહરણ તરીકે માર્ચ 2025માં હિંદુસ્તાન ઍરોનોટિક્સ સાથે 156 પ્રચંડ હૅલિકૉપ્ટરની ખરીદીનો કૉન્ટ્રેક્ટ થયો હતો. આ હૅલિકૉપ્ટરના તમામ પાર્ટ્સના ઉત્પાદનમાં કુલ 250 સ્થાનિક કંપનીઓ સામેલ હશે.
આ ઉપરાંત ડીઆરડીઓના સહયોગથી ભારત ફૉર્જ અને ટાટા ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા ઉત્પાદિત 307 ઍડ્વાન્સ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ્સ ખરીદવાની પણ કેન્દ્રીય કૅબિનેટે મંજૂરી આપી હતી. તેનું કુલ મૂલ્ય 7000 કરોડ રૂપિયા થાય છે.
તેવી જ રીતે મઝગાંવ ડૉક, કોચીન શિપયાર્ડને પણ મોટા ઑર્ડર મળ્યા છે. કોચીન શિપયાર્ડ ભારતીય નૅવી માટે ઍરક્રાફ્ટ કૅરિયરનું નિર્માણ કરી શકે છે.
બ્રોકરેજ કંપની ઍન્ટિક બ્રોકિંગના અનુમાન પ્રમાણે નાણાકીય વર્ષ 2026-27માં ભારતીય ડિફેન્સ કંપનીઓને કુલ 2.35 લાખ કરોડ રૂપિયાનો ઑર્ડર મળી શકે છે.
ભારતના સંરક્ષણ ખર્ચમાં સતત વધારો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત હાલમાં શસ્ત્રોની આયાત અને નિકાસ બંનેમાં ટોચના દેશોમાં ગણવામાં આવે છે અને સાથે સાથે સંરક્ષણ બજેટ પણ દર વર્ષે વધતું જાય છે.
તાજેતરના આંકડા પ્રમાણે વર્ષ 2013માં ભારત સૈન્ય પાછળ 41 અબજ ડૉલરનો ખર્ચ કરતો હતો, પરંતુ 2024 સુધીમાં આ રકમ લગભગ ડબલ થઈ ગઈ છે. મૅક્રોટ્રૅન્ડ્સના ડેટા પ્રમાણે 2024માં ભારતનો સૈન્ય ખર્ચ 81 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હતો.
ભારતીય સેના મૉડર્નાઇઝેશનના માર્ગે છે અને તેના કારણે સૈન્ય ખર્ચ સતત વધતો જાય છે.
સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા પ્રમાણે 2024-25માં ભારતનો મિલિટરી ખર્ચ 86.1 અબજ ડૉલર હતો, જ્યારે પાકિસ્તાને 10.2 અબજ ડૉલર ખર્ચ કર્યો હતો. મિલિટરી ખર્ચમાં ભારત હવે દુનિયામાં પાંચમા ક્રમે છે.
દેખીતી રીતે જ આ યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમે છે જે 997 અબજ ડૉલર સેના પાછળ ખર્ચે છે. બીજા ક્રમે ચીન (314 અબજ ડૉલર), ત્રીજા ક્રમે રશિયા (149 અબજ ડૉલર) અને ચોથા ક્રમે જર્મની (88.5 અબજ ડૉલર)એ 2024માં ડિફેન્સ પાછળ ખર્ચ કર્યો છે.
અમેરિકા સહિતના દેશોમાં ડિફેન્સ ઍક્સપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત એક સમયે આધુનિક શસ્ત્રોની ખરીદી માટે સોવિયેત યુનિયન પર સૌથી વધારે આધાર રાખતો દેશ હતો. પરંતુ સમયની સાથે ભારતે પોતાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વિકસાવી છે અને હવે અગ્રણી ડિફેન્સ નિકાસકાર દેશોમાં પણ ભારતનો સમાવેશ થાય છે.
ભારતીય કંપનીઓ આર્ટિલરી ગન, આકાશ ઍર ડિફેન્સ મિસાઇલ, પિનાકા મલ્ટિ-લૉન્ચ રૉકેટ સિસ્ટમ, બ્રહ્મોસ સુપરસૉનિક મિસાઇલ, રડાર, બખ્તરબંધ વ્હીકલ્સ સહિતના શસ્ત્ર સરંજામનું ઉત્પાદન અને નિકાસ કરે છે.
28 ઑક્ટોબર 2024ના ‘ધ હિંદુ’ના અહેવાલ અનુસાર ભારતીય ડિફેન્સ ઉપકરણો ખરીદનારા સૌથી મોટા ત્રણ ગ્રાહકોમાં અમેરિકા, ફ્રાન્સ અને આર્મેનિયાનો સમાવેશ થાય છે. તેમાં એમ પણ જણાવાયું હતું કે ભારત અત્યારે દુનિયામાં 100થી વધુ દેશોને ડિફેન્સ ઇક્વિપમેન્ટનું વેચાણ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈ 2024થી માર્ચ 2025 દરમિયાન શેરબજાર ઘટ્યું ત્યારે ડિફેન્સ શેરો પણ ગગડ્યા હતા. પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થતાં જ તેમાં ઉછાળો આવ્યો છે.
9 મે શુક્રવારે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો અને બંને દેશ એકબીજા પર મિસાઇલ હુમલા કરી રહ્યા હતા, મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કરતા હતા ત્યારે ભારતમાં ડિફેન્સ કંપનીઓના શેરોમાં ચમક જોવા મળી.
ભારતની મોટી ડિફેન્સ કંપનીઓમાંથી ભારત ડાયનેમિક્સ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, પારસ ડિફેન્સ ઍન્ડ સ્પેસ ટેકનૉલૉજીસ, ઝેન ટેકનૉલૉજીસ, ડીસીઍક્સ સિસ્ટમ્સ જેવી ડિફેન્સ કંપનીઓના શેરમાં ચાર ટકાથી લઈને આઠ ટકા સુધી ઉછાળો આવ્યો હતો.
તેવી જ રીતે મિશ્ર ધાતુ નિગમ, ડેટા પેટર્ન્સ, હિંદુસ્તાન ઍરોનૉટિક્સ, ઍસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ, મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ, કોચીન શિપયાર્ડના શેરોમાં પણ તેજી જોવા મળી હતી.
પરંતુ શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત થવાના કારણે 12 મે, સોમવારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઉછાળો આવ્યો, પરંતુ ડિફેન્સ કંપનીઓના શેરો ઘટ્યા હતા.
ત્યાર બાદ 13 મે, મંગળવારે ડિફેન્સ શેરોમાં ફરીથી જોરદાર ખરીદી થઈ હતી અને ડિફેન્સ કંપનીઓના શેરની કિંમતોમાં ત્રણ ટકાથી લઈને 10 ટકા સુધી ઉછાળો આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેએ રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યાર પછી શેરોમાં ઉછાળો આવ્યો જે 13 અને 14મેએ પણ ચાલુ હતો.
13 મે, મંગળવારે ભારત ડાયનેમિક્સ, પારસ ડિફેન્સ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, ડેટા પેટર્ન્સ સહિતના શેરોમાં ત્રણ ટકાથી 10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
14 મે, બુધવારે બુધવારે પણ ડિફેન્સ કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં હતા અને બે ટકાથી લઈને 15 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો હતો. તેવી જ રીતે 15 મે, ગુરુવારે પણ મોટી ડિફેન્સ કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં હતા.
મઝગાંવ ડોક શિપબ્લિડર્સે 14 મે, બુધવારે 52 સપ્તાહની ટોચની સપાટી બનાવી હતી. ભારત ડાયનેમિક્સના શેરમાં પણ 52 સપ્તાહની ટોચની સપાટી બની હતી.
નવરત્ન પીએસયુમાં સામેલ ભારત ઇલેક્ટ્રૉનિક્સે ટ્વીટ કરીને દાવો કર્યો કે તેની ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન સિસ્ટમ સફળ રહી છે. ત્યાર પછી ભારત ઇલેક્ટ્રૉનિક્સમાં પણ 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો.
છેલ્લા પાંચ દિવસમાં 20 મે સુધી પણ ડિફેન્સ શેરોમાં તેજી જળવાઈ રહી છે. 20 મેએ કેટલાક શેરોમાં ઊંચા લેવલ પરથી પ્રોફીટ બુકિંગ થયું હતું અને અમુક ડિફેન્સ શેરોમાં બે ટકાથી 6 ટકા સુધી ઘટાડો થયો હતો.
આમ છતાં ભારતનું ‘ઑપરેશન સિંદૂર’ શરૂ થયા પછી 8 મેથી અત્યાર સુધીમાં જાણીતી ડિફેન્સ કંપનીઓના શેરો 12 દિવસમાં 10થી 38 ટકા સુધી વધ્યા છે.
ભારતીય ડિફેન્સ કંપનીઓના શેર ટૂંકા ગાળામાં આટલા ઝડપથી ક્યારેય નથી વધ્યા. જેથી હવે તેમાં સાવચેતી રાખવાની સલાહ અપાય છે.
શેરબજારના વિશ્લેષકો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરીને ડિફેન્સ શેરોમાં તેજીનાં કારણો વિશે વાત કરી હતી.
ઇન્વેસ્ટએલાઇનના સ્થાપક અને સ્ટૉક માર્કેટ ઍનાલિસ્ટ ગુંજન ચોક્સીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે ગયા વર્ષે ટોચ પર પહોંચ્યા પછી ડિફેન્સ શેરો ઘણા ઘટ્યા હતા. ત્યાર બાદ છેલ્લા અઠવાડિયાથી તેમાં સારી એવી ખરીદી જોવા મળી છે.
જોકે, ચોક્સીના મતે ડિફેન્સ ક્ષેત્રના શેરની કિંમત હજી પણ મોંઘી છે.
તેમણે કહ્યું, “ડિફેન્સ શેર આ ભાવે પણ હજુ મોંઘા છે. કંપનીઓને ભારત સરકારના કૉન્ટ્રેક્ટ તો મળશે, સાથે સાથે વિદેશમાંથી પણ મોટા ઑર્ડર મળવાની સંભાવના છે.”
અસિમ મહેતા ઍન્ડ એસોસિયેટ્સના સ્ટૉક માર્કેટ ઍનાલિસ્ટ અસિમ મહેતા પણ આવો જ મત ધરાવે છે.
મહેતાએ કહ્યું, “આ લેવલ પર પણ શેરોના વૅલ્યુએશન મોંઘા છે, કારણ કે તેનો ભાવ પહેલેથી બહુ વધી ગયો હતો. ત્યાર પછી તેમાં કરેક્શન આવ્યું અને હવે પાછી ડિમાન્ડ જોવા મળી છે.”
તેમણે કહ્યું, “એક સેક્ટર તરીકે ડિફેન્સને હજુ મોંઘું ગણી શકાય. પરંતુ ભવિષ્યમાં આ કંપનીઓ મોટા ઑર્ડર મેળવશે તે સ્પષ્ટ છે.”
મહેતાએ વધુમાં કહ્યું કે,”વિકસિત દેશોમાં આપણાં હથિયારોની ખાસ ડિમાન્ડ નથી. પરંતુ આફ્રિકાના દેશો અને એશિયામાં ફિલિપાઇન્સ સહિતના દેશો ભારતીય ડિફેન્સ કંપનીઓનાં ઉત્પાદનો ખરીદવામાં રસ દેખાડશે એવું લાગે છે.”
ફિલિપાઇન્સે 2022માં બ્રહ્મોસ સુપરસૉનિક મિસાઇલો માટે ભારત સાથે 37.5 કરોડ ડૉલરનો સોદો કર્યો હતો. હાલમાં વિયેતનામ અને ઇન્ડોનેશિયા પણ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા ભારત સાથે વાતચીત કરી રહ્યા છે.
ડીઆરડીઓના ચૅરમૅન સમીર કામતે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે મિડલ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ એશિયાના દેશોને બ્રહ્મોસ મિસાઇલ ખરીદવામાં રસ છે. ભારતના સંભવિત ગ્રાહકોમાં મલેશિયા, યુએઈ, ચિલી અને સાઉથ આફ્રિકા પણ સામેલ છે.
(સ્પષ્ટતાઃ નિષ્ણાતોએ વ્યક્ત કરેલો મત તેમનો અંગત અભિપ્રાય છે, બીબીસીનો નહીં. અહીં આપેલી વિગતો માત્ર માહિતી માટે છે. રોકાણનો કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારા નાણાકીય સલાહકાર પાસે માર્ગદર્શન અને સલાહ મેળવો.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS