Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Rupa Publications
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
-
18 મે 2025, 19:23 IST
અપડેટેડ 3 કલાક પહેલા
મધ્યપ્રદેશના ભિંડ શહેરનો એક કિસ્સો ખૂબ પ્રખ્યાત છે. એક વાર ત્યાં ભારે દુકાળ પડ્યો. ત્યાંના એક ગામ રામપુરમાં બધો ઊભો પાક સુકાઈ ગયો.
અચાનક એક દિવસ એ ગામમાં 8 બળદગાડાં આવીને ઊભાં રહ્યાં. એમાંની બોરીઓમાં ઘઉં ભરેલા હતા. ગાડાવાળાએ તેને રામપુરવાળા સુધી પહોંચાડીને એક સામાન્ય સંદેશો આપ્યો હતો, ‘માનસિંહ તરફથી’.
કૅનેથ એન્ડરસને પોતાના પુસ્તક ‘ટેલ્સ ઑફ માનસિંહ, કિંગ ઑફ ઇન્ડિયન ડેકૉએટ્સ’માં લખ્યું છે, “તે સમયે ભારત સરકારે માનસિંહને જીવતો કે મરેલો પકડવા બદલ પંદર હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. માનસિંહ પર લગભગ બસો હત્યા અને અસંખ્ય ધાડના આરોપ હતા. તેમ છતાં તેને પકડી શકાતો નહોતો, કેમ કે, તેની બાતમી આપનાર કોઈ પણ સામે નહોતા આવતા.”
પોલીસે એ ગાડાવાળાઓની ઘણી પૂછપરછ કરી. તેમને માત્ર એટલું જાણવા મળી શક્યું કે, એક વ્યક્તિએ એક અઠવાડિયા પહેલાં તેમનો સંપર્ક કરીને તેમને 40 માઈલ દૂર એક રેલવે સ્ટેશન પર જવા કહેલું, જ્યાં માલગાડીના એક ડબ્બામાં રામપુર પહોંચાડવા માટે અનાજની કેટલીક બોરીઓ રાખવામાં આવી હતી. આ કામ માટે તેમને પ્રત્યેક બળદગાડા માટે 20 રૂપિયાના હિસાબે 160 રૂપિયા આપવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Rupa Publications
કૅનેથ લખે છે, “એ વ્યક્તિએ ગાડાવાળાના કાનમાં માનસિંહનું નામ કહ્યું હતું અને એમ પણ કહેલું કે જો તેમણે એ કામ એક અઠવાડિયામાં પૂરું ન કર્યું, તો તેઓ પછીના અઠવાડિયાના પહેલા દિવસે સૂરજ નહીં જોઈ શકે, તેથી તેમણે છઠ્ઠા દિવસે જ એ સામાન રામપુર પહોંચાડી દીધો હતો.”
ટાઇમ પત્રિકામાં ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
એવું ભાગ્યે જ બને છે કે કોઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું વિદેશી અખબાર કોઈ ડાકુના મૃત્યુનું કવરેજ છાપે.
ટાઇમ પત્રિકાએ પોતાના 5 સપ્ટેમ્બર, 1955ના અંકમાં ‘ઇન્ડિયા : ડેડ મૅન’ શીર્ષક હેઠળના લેખમાં લખ્યું હતું, “દિલ્હીના દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યોમાં કોઈ વ્યક્તિનાં એટલાં સન્માન અને ઇજ્જત નહોતાં જેટલા ડાકુ માનસિંહનાં હતાં. તેમના પૌત્રનાં લગ્ન સમયે રાખવામાં આવેલા ભોજન સમારંભમાં ક્ષેત્રના ઘણા રાજાઓ અને જમીનદારોએ હાજરી આપી હતી.”
સન 1952માં સરકાર દ્વારા બનાવાયેલી મુરૈના ક્રાઇમ ઇન્ક્વાયરી કમિટીએ પણ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે ‘માનસિંહમાં કોઈ વ્યક્તિગત અવગુણ નથી’.
તેમ છતાં, મધ્ય ભારતની એ પોલીસ ફાઇલોને નજરઅંદાજ ન કરી શકાય જેના કાગળોમાં માનસિંહનાં 27 વર્ષોમાં સેંકડો હત્યાઓ અને હજારો લૂંટ નોંધાયેલાં હતાં.
ટાઇમ પત્રિકાએ પોતાના લેખમાં લખ્યું, “આ એક વિચિત્ર વાત હતી કે સામાન્ય લોકોના મનમાં માનસિંહ માટે સન્માન હોવાની સાથોસાથ ભય પણ હતો, રોબિન હુડની જેમ માનસિંહ એક જમાનામાં સજ્જન હતો, પરંતુ તેની સાથે થયેલા અન્યાયે તેને ડાકુ બનાવી દીધો હતો.”
ચાર રાજ્યોની પોલીસ પાછળ પડી

ઇમેજ સ્રોત, Sheikh Mukhta
માનસિંહ વિશે કહેવાતું હતું કે ચાર રાજ્યોના 1,700 પોલીસે 15 વર્ષ સુધી 8,000 વર્ગ માઈલ વિસ્તારમાં તેનો પીછો કર્યો. પોલીસ સાથે થયેલી લગભગ 80 અથડામણમાં પોલીસને નિષ્ફળતા જ મળી.
તેને પકડવા માટે પોલીસે એ જમાનામાં દોઢ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જે એક મોટી રકમ ગણાતી હતી.
મુરૈના અપરાધ તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું, “લોકો માનસિંહ વિશે કહાણીઓ જણાવે છે કે જ્યારે બાતમીદારો અને પોલીસવાળાઓ તેમની પાછળ પડી ગયા ત્યારે કઈ રીતે તેણે તેમની હત્યા કરી. તેણે એવા લોકોનું જ અપહરણ કર્યું, જેમની પાસે વધુ પૈસા હતા. તેણે સ્કૂલના બાંધકામ માટે ધન એકઠું કરવા માટે જ જમીનદારો સાથે બળજબરી કરી.”
કૅનેથ એન્ડરસન લખે છે, “માનસિંહ વિશે કહેવાય છે કે તે દારૂ નહોતો પીતો અને સંપૂર્ણ શાકાહારી હતો. તે ખૂબ ધાર્મિક હતો અને પરોઢ થતાં પહેલાં જ નદીમાં નાહતો હતો. નાહ્યા પછી તરત જ તે કાલીમાતાના મંદિરમાં જઈને તેમની પૂજા કરતો હતો. તેણે ઘણાં મંદિર બંધાવ્યાં હતાં, જેને બનાવવા માટેનું ધન અમીરોને લૂંટીને આવ્યું હતું.”
ઘણાં મંદિરોમાં માનસિંહે પિત્તળની ઘંટડીઓ લગાવડાવી હતી, જેના પર તેનું નામ હતું. બટેશ્વરનાથ મંદિરમાં યોજાતા ધાર્મિક સમારંભમાં માનસિંહ હંમેશાં હાજર રહેતો હતો. એક વાર પોલીસને તેની જાણ થઈ ગઈ અને તેમણે મંદિરને ચારેબાજુથી ઘેરી લીધું, પરંતુ માનસિંહ વેશપલટો કરીને ત્યાં પહોંચી ગયો.
ફિલ્મી ડાકુ જેવો રુઆબ

ઇમેજ સ્રોત, Social Media
માનસિંહનો જન્મ સન 1890માં આગરા નજીકના રાઠૌર ખેડા ગામમાં થયો હતો. તેના પિતાનું નામ બિહારીસિંહ હતું અને તેઓ ગામના સરપંચ હતા. તેઓ સુખીસંપન્ન પરિવારના હતા અને પોતાના બે પુત્રો નવાબસિંહ અને માનસિંહ સાથે રહેતા હતા.
તેના પિતાએ ખૂબ નાની ઉંમરમાં માનસિંહનાં લગ્ન એક સુંદર કન્યા સાથે કરાવી દીધાં હતાં. તેમને ચાર પુત્રો થયા હતા; જશવંતસિંહ, સૂબેદારસિંહ, તહસીલદારસિંહ અને ધૂમનસિંહ. તેમના ઉપરાંત તેમને એક પુત્રી પણ હતી, જેનું નામ તેણે રાની રાખ્યું હતું.
માનસિંહ જ્યારે માત્ર 24 વર્ષનો હતો ત્યારે તેને ગામનો સરપંચ અને આગરા જિલ્લા બોર્ડનો સભ્ય બનાવવામાં આવ્યો હતો. તેની ઊંચી કદકાઠી, મિલનસાર સ્વભાવ અને યુવાવસ્થામાં રાખેલી દાઢીએ તેને પ્રખ્યાત બનાવી દીધો હતો.
લૂંટનો ખોટો રિપોર્ટ

ઇમેજ સ્રોત, ANI
એક જમીનના મુદ્દે માનસિંહના પિતા બિહારીસિંહને તલ્ફીરામ નામની એક વ્યક્તિ સાથે થોડો અણબનાવ થઈ ગયો. ત્યાં સુધીમાં માનસિંહના મોટાભાઈ નવાબસિંહ પોતાના પરિવારને છોડીને જંગલમાં રહેવા લાગ્યા હતા.
ત્યારે જ અચાનક તેમના ગામમાં એક ધાડ પડી. ડાકુઓએ ગામના શાહુકારના ઘરે હુમલો કરીને તેમને છરો મારી દીધો.
કૅનેથ એન્ડરસન લખે છે, “તલ્ફીરામે પોલીસમાં ખોટો રિપોર્ટ લખાવી દીધો કે આ લૂંટમાં માનસિંહના મોટાભાઈ નવાબસિંહનો હાથ છે. તેને તેના પિતાએ શરણ આપ્યું છે. તેણે એ શાહુકારના ઘરે એટલા માટે ધાડ પાડી, કેમ કે, તેઓ તલ્ફીરામના મિત્ર છે. તેણે એમ પણ કહ્યું કે નવાબસિંહના ભાઈ માનસિંહને આ ધાડની ખબર હતી અને તેણે પણ આ લૂંટમાં મદદ કરી હતી.”
આ ઘટનાથી બિહારીસિંહને પોતાના પરિવારની આબરૂ ગઈ હોય તેવું લાગ્યું. તેમણે અને તેમના પુત્ર માનસિંહે નક્કી કર્યું કે તેઓ તલ્ફીરામને પાઠ ભણાવશે. માનસિંહ પોતાના ચારેય પુત્રોની સાથે કોતરોમાં જઈને પોતાના ભાઈ નવાબસિંહ સાથે જોડાઈ ગયો.
પોલીસ સાથેની અથડામણમાં પુત્ર જશવંતસિંહનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
એક રાત્રે માનસિંહે પોતાના સાથીઓ સાથે તલ્ફીરામના ઘરે હુમલો કર્યો. માનસિંહના હુમલામાં તલ્ફીરામ તો બચી ગયો, પરંતુ તેના ઘણા સાથીઓ માર્યા ગયા.
પોલીસે આ મામલામાં માનસિંહની ધરપકડ કરી લીધી, પરંતુ તેના મોટાભાઈ નવાબસિંહ, માનસિંહના સૌથી મોટા પુત્ર જશવંતસિંહ અને ભત્રીજા દર્શનસિંહ બચીને ભાગી ગયા.
એક દિવસ નવાબસિંહ જશવંતસિંહ અને દર્શનની સાથે પોતાના પિતાના ઘરે રોકાયા હતા. તલ્ફીરામે પોતાના કેટલાક સાથીઓ સાથે તેમના ઘર ઉપર હુમલો કરી દીધો.
કૅનેથ એન્ડરસન લખે છે, “તે જ સમયે તલ્ફીરામે ખૂબ હોશિયારીથી પોલીસની પણ મદદ માગી. જ્યારે પોલીસ હથિયારો સાથે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તલ્ફીરામ તે જગ્યાએથી ગાયબ થઈ ગયો. નવાબસિંહ અને તેના બે સાથીઓએ મૂર્ખતા કરીને પોલીસ પર ગોળી છોડી દીધી. પોલીસે તેમને ઘેરીને તેના પુત્ર જશવંતસિંહ અને ભત્રીજા દર્શનને મારી નાખ્યા અને નવાબસિંહની ધરપકડ કરી લીધી. તેના પર કેસ ચલાવવામાં આવ્યો અને તેને આજીવન કેદની સજા કરવામાં આવી.”
માનસિંહે બદલો લીધો

ઇમેજ સ્રોત, ANI
બીજી તરફ, પહેલાં જ દસ વર્ષની જેલની સજા ભોગવી રહેલો માનસિંહ બદલાની ભાવનાથી ધૂંધવાતો હતો. તેના સારા વ્યવહારના કારણે સરકારે તેને 1938માં જેલમાંથી છોડવાનો નિર્ણય કર્યો.
4 જુલાઈ, 1940ની રાતે માનસિંહે પોતાના બચી ગયેલા ત્રણ પુત્રો અને વફાદાર સાથી રૂપાની સાથે પોતાના દુશ્મનો તલ્ફીરામ અને ખેમસિંહનાં ઘરો ઉપર હુમલો કર્યો. બે મહિલાઓને બાદ કરતાં તેમણે તલ્ફીરામના પરિવારના બધા સભ્યોની હત્યા કરી નાખી.
ત્યાર પછી માનસિંહનું ડાકુજીવન શરૂ થયું. 15 વર્ષમાં જ તેની ગણતરી ભારતના સૌથી મોટા ડાકુ તરીકે થવા લાગી.
મધ્ય ભારતના વિસ્તારોમાં તેને ‘દસ્યુ સમ્રાટ’ના નામથી ઓળખવામાં આવતો. તેની ગૅંગના સભ્યોમાં તેના ત્રણ જીવિત પુત્રો સૂબેદારસિંહ, તહસીલદારસિંહ, ધૂમનસિંહ ઉપરાંત, ચરના, લખનસિંહ, અમૃતલાલ અને તેના દૂરના સંબંધી રૂપા સામેલ હતા.
નાના ડાકુઓએ નજરાણું આપવાનું શરૂ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
માનસિંહ વિશે સ્થાનિક લોકો કહે છે કે, તે ગરીબો અને વંચિતોને પજવતો નહોતો. તેની નજર જમીનદાર, અમીર વેપારી અને શાહુકાર ઉપર રહેતી.
જ્યારે ભારત આઝાદ થયો, ત્યારે સરકારે ઘણા ગુનેગારો અને દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા. એ જ સિલસિલામાં માનસિંહના મોટાભાઈ નવાબસિંહને પણ જેલમાંથી મુક્ત કરી દેવાયા.
જેલમાંથી બહાર આવતાં જ નવાબસિંહ પોતાના જૂના ગામ ગયો, એક બંદૂક ઉધાર લીધી અને તલ્ફીરામના જીવતા બચેલા બે સંબંધીઓને ગોળી મારી દીધી. ત્યાર પછી તે પણ પોતાના ભાઈ માનસિંહની સાથે કોતરોમાં પહોંચી ગયો.
જ્યારે ચંબલના વિસ્તારમાં માનસિંહનું વર્ચસ્વ ખૂબ વધી ગયું ત્યારે સરકારે માનસિંહને પકડવા માટે સેનાના જવાનોને બોલાવ્યા.
સ્થિતિ એટલી હદે પહોંચી હતી કે એ વિસ્તારના નાના ડાકુઓએ માનસિંહને પોતાના નેતા કહેવાનું શરૂ કરવું દીધું અને નિયમ અનુસાર પોતાની આવકના 10થી 25 ટકા તેને નજરાણા તરીકે આપવા લાગ્યા.
તેનાથી માનસિંહના ધનમાં વધારો થયો એટલું જ નહીં, પરંતુ તે વિસ્તારમાં તેનું વર્ચસ્વ ખૂબ વધી ગયું.
સેનાને મદદ માટે બોલાવવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images
સન 1951માં પોલીસના જાસૂસને ખબર મળ્યા કે માનસિંહની ગૅંગનો એક અગત્યનો સભ્ય ચરના એક દિવસ એક ગામમાં પોતાની પત્નીને મળવા આવવાનો છે. પોલીસે ચરનાને પકડવા માટે છટકું ગોઠવ્યું.
આ બધાથી અજાણ ચરના અને તેના કેટલાક સાથીઓ ગામમાં ઘૂસ્યા. ઘરમાં પ્રવેશ્યા ત્યાં સુધી પોલીસે કશું ન કર્યું. ત્યાર પછી 60 પોલીસોએ એ ઘરને ઘેરી લીધું. ઘરના ઉપરના માળેથી ડાકુઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું.
ડાકુ અને પોલીસ વચ્ચે 24 કલાક સુધી ગોળીબાર થતો રહ્યો. આ દરમિયાન પોલીસે બીજા 400 જવાનોને પોતાની મદદ માટે બોલાવી લીધા.
કૅનેથ એન્ડરસન લખે છે, “પોલીસના 460 જવાનોએ પછીના ત્રણ દિવસ સુધી 15 ડાકુઓને ઘેરી રાખ્યા. સેનાની ડોગરા રેજિમેન્ટને પણ તેમની મદદ માટે બોલાવી લેવામાં આવી. ડાકુઓના ઘર પર બિલકુલ પૉઇન્ટ બ્લૅંક રેન્જથી તોપના બે ગોળા છોડવામાં આવ્યા. આખું મકાન ધ્વસ્ત થઈ ગયું. પોલીસ જવાનો બૂમો પાડતાં તેની અંદર ગયા. ઇમારતમાં 15 મૃત ડાકુના શબ મળ્યા, પરંતુ ચરના ભાગવામાં સફળ રહ્યો.”
માનસિંહની અંગત મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ બે વર્ષ પછી 10 કલાક સુધી ચાલેલી પોલીસ અથડામણમાં ચરના એટલો નસીબદાર ન રહ્યો. જ્યારે ગોળીઓ છૂટવાની બંધ થઈ ત્યારે ચરના પોતાના નવ સાથીઓ સાથે મૃત હાલતમાં જોવા મળ્યો.
ચરના માનસિંહનો સૌથી બહાદુર અને ખાસ સાથી તો હતો જ, પરંતુ તેનો સૌથી ખાસ રણનીતિકાર પણ હતો.
ચરનાની હોશિયારી એ બાબતમાં હતી કે, તેને ખબર રહેતી હતી કે ક્યારે અને ક્યાં હુમલો કરવાનો છે અને ક્યારે નથી કરવાનો.
આ દરમિયાન માનસિંહને એક અંગત મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું.
કૅનેથ એન્ડરસન લખે છે, “માનસિંહે પોતાની પુત્રીનાં લગ્ન પોતાની જ ગૅંગના એક સભ્ય લખનસિંહ સાથે કર્યાં હતાં, પરંતુ તેની પુત્રી પોતાના પતિ પ્રત્યે વફાદાર ન રહી અને તેને માનસિંહની ગૅંગના બીજા એક ડાકુ સાથે પ્રેમ થઈ ગયો. એથી માનસિંહને એટલો આઘાત લાગ્યો કે તેણે પોતાની પુત્રીના પ્રેમીને ગોળી મારી દીધી, પરંતુ, ત્યાર પછી માનસિંહના જમાઈએ ગૅંગ છોડી દીધી.”
“પોતાના અંતિમ સમયમાં માનસિંહને આરામ, શાંતિ અને ઘરની જરૂરિયાત જણાઈ. તેણે સરકારને પત્ર લખીને કહ્યું કે તે પોતાની મરજીથી ડાકુ અને હત્યારો નથી બન્યો, નસીબ અને પરિસ્થિતિઓએ તેને આવો બનવા માટે મજબૂર કરી દીધો હતો.”
“એક સાચો ભારતીય નાગરિક હોવાના લીધે તે ગોવા જઈને તેને વિદેશી શાસનમાંથી આઝાદી અપાવીને પોર્ટુગીઝોને સમુદ્રમાં ફેંકવા ઇચ્છે છે.”
ભારત સરકારે તેના પત્રનો કશો જવાબ ન આપ્યો. તેથી માનસિંહ ખૂબ નિરાશ થયો અને આ ઘટનાએ તેને અને તેના સાથીઓને હતોત્સાહી કરી દીધા.
ગોરખા જવાનોની કંપની બનાવવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images
એક એક કરીને તેના સાથીદારો કાં તો ગિરફ્તાર થવા લાગ્યા કે ઘાયલ અથવા મરવા લાગ્યા. અંતમાં તેની સાથે માત્ર 18 ડાકુ બચ્યા. તેમાં તેના મોટાભાઈ નવાબસિંહ, તેનો બીજો પુત્ર સૂબેદારસિંહ અને રૂપા સામેલ હતા.
નવેમ્બર 1954માં મધ્ય ભારતના ગૃહમંત્રી નરસિંહરાવ દીક્ષિતે કહ્યું કે, જો માનસિંહને એક વર્ષની અંદર પકડવામાં નહીં આવે, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.
આ અભિયાનમાં મદદરૂપ લેવા માટે તેમણે ગોરખા જવાનોની એક વિશેષ કંપનીની રચના કરી. માનસિંહે પોલીસને છેતરવા માટે એક ગામમાં એક એવી વ્યક્તિના અંતિમ સંસ્કાર કરાવ્યા, જેની શકલસૂરત તેની સાથે મળતી આવતી હતી.
ત્યાર પછી એવી અફવા ઉડાડવામાં આવી કે એક બીમારી પછી માનસિંહનું અચાનક નિધન થઈ ગયું છે અને તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે.
પરંતુ થોડા દિવસો પછી માનસિંહે ફરીથી ધાડ પાડવાનું શરૂ કરી દીધું. પોલીસ અને ખાસ કામ માટે બનાવવામાં આવેલી ગોરખા કંપની તેની પાછળ પડી ગઈ.
માનસિંહનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
માનસિંહ ભાગીને ભિંડ પહોંચ્યો, જ્યાં તેણે કુંવારી નદી પાર કરવાની કોશિશ કરી. તે સમયે નદીમાં પૂર આવ્યું હતું, તેથી માનસિંહ નદીને પાર કરી શક્યો નહીં. ભાગીને તે વીજાપુર નામના ગામે પહોંચ્યો.
તેની પાછળ પાછળ જમાદાર ભંવરસિંહના નેતૃત્વમાં ગોરખા પલટન પણ ચાલી રહી હતી. બંને વચ્ચે સંઘર્ષ શરૂ થયો અને હજારો રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી; પરંતુ માનસિંહનો અંતિમ સમય આવી ગયો હતો. અત્યાર સુધીનો સૌથી મોટો ડાકુ ગોળીઓથી વીંધાઈને જમીન પર પડ્યો.
અંતમાં તેના પુત્ર સૂબેદારસિંહે પોતાના પિતાના શરીરને કવર કરવાની કોશિશ કરી, જેથી તેને વધુ ગોળીઓ ના વાગે. આ પ્રયત્નમાં તેને પણ ગોળીઓ વાગી અને તેનું પણ મૃત્યુ થઈ ગયું.
માનસિંહનો સાથી રૂપા તેના વૃદ્ધ ભાઈ નવાબસિંહને બચાવીને ભાગવામાં સફળ થયો.
પરિવારજનોને મૃતદેહ સોંપવામાં ન આવ્યો

ઇમેજ સ્રોત, OfficialPageBSF/Facebook
ગૃહમંત્રી દીક્ષિતે પોતાના પદ પરથી રાજીનામું ન આપવું પડ્યું. તરત વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંત અને કૉંગ્રેસ અધ્યક્ષ યુએન ઢેબરને ટેલિફોન મારફતે તેની માહિતી આપવામાં આવી.
ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી ડૉક્ટર સંપૂર્ણાનંદે જાહેરાત કરી, “કોઈ વ્યક્તિના મૃત્યુથી ખુશી પ્રકટ કરવી એ કંઈ સારી વાત નથી, માનસિંહ મરી ચૂક્યો છે. જે લોકોને માનસિંહે પરેશાન કર્યા છે, એ લોકો હવે નિરાંતનો શ્વાસ લઈ શકશે.”
માનસિંહ અને તેના પુત્રના મૃતદેહને ખાટલા સાથે બાંધીને ભિંડ લાવવામાં આવ્યા. ખાટલાને ઊભો કરીને રાખવામાં આવ્યો, જેથી લોકો તેને જોઈ શકે.
લગભગ 40 હજાર લોકો તેના મૃત શરીરને જોવા આવ્યા. કેટલાક લોકો માત્ર કુતૂહલવશ ત્યાં પહોંચ્યા. કેટલાક લોકોએ તેના મૃત્યુ પર ખુશી પ્રગટ કરી, પરંતુ ઘણા લોકો પોતાનાં આંસુ લૂછતાં પણ જોવા મળ્યા.
ત્યાર પછી માનસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગ્વાલિયર લઈ જવામાં આવ્યો. માનસિંહની વિધવા અને પુત્ર તહસીલદારસિંહે સરકારને વિનંતી કરી કે, અંતિમ સંસ્કાર માટે માનસિંહના મૃતદેહને તેમને સોંપવામાં આવે; પરંતુ સરકારે તે બંનેની વાત ન માની.
પછીથી, સીમા સુરક્ષા દળના ડાયરેક્ટર જનરલ રહેલા કેએફ રુસ્તમજીએ પોતાના પુસ્તક ‘ધ બ્રિટિશ, ધ બૅન્ડિટ્સ ઍન્ડ ધ બૉર્ડરમૅન’માં લખ્યું, “માનસિંહના વ્યક્તિત્વની એ ખૂબી હતી કે પોતે ગુર્જર હોવા છતાં પણ બ્રાહ્મણ રૂપા અને ઠાકુર લખનને પોતાની ગૅંગમાં ખાસ જગ્યા આપી. પરંતુ, જેમ જેમ માનસિંહ વૃદ્ધ થતો ગયો, તેની સાથે દસ વર્ષ સુધી રહેલા તેના સાથીદારોએ તેનો સાથ છોડીને પોતાની ગૅંગ બનાવવાનું શરૂ કરી દીધું. માનસિંહનો અંત તો થઈ ગયો, પરંતુ ધાડની સમસ્યા સમાપ્ત નથી થઈ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS