Home તાજા સમાચાર gujrati બનાસકાંઠા : ‘ચોથાં લગ્ન કરવા ભાઈની હત્યા’, આરોપી બહેનને એક મૅસેજથી પોલીસે...

બનાસકાંઠા : ‘ચોથાં લગ્ન કરવા ભાઈની હત્યા’, આરોપી બહેનને એક મૅસેજથી પોલીસે કેવી રીતે પકડી?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ડીસા ક્રાઈમ પોલીસ હત્યા મહિલા ખેડૂત લગ્ન છૂટાછેડા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

  • લેેખક, ભાર્ગવ પરીખ
  • પદ, બીબીસી ગુજરાતી માટે
  • 16 મે 2025, 18:16 IST

    અપડેટેડ 4 કલાક પહેલા

બનાસકાંઠાના ડીસા નજીક તાજેતરમાં એક ખેતરમાંથી એક ખેડૂતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે ટેકનૉલૉજીની મદદથી હત્યા કેસ તો ઉકેલી નાખ્યો, પરંતુ આ હત્યા પાછળ સામાજિક રિવાજના તાણાવાણા પણ જોવા મળ્યા છે.

પોલીસના કહેવા પ્રમાણે એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી આ હત્યા કરાવી હતી અને મૃતક તેના પિતરાઈ ભાઈ જ હતા. મહિલાનાં સામસામે સાટા પદ્ધતિથી લગ્ન થયાં હતાં, એટલે કે તેમના જે પરિવારમાં લગ્ન થયાં તે પરિવારની યુવતી સાથે તેમના પિતરાઈ ભાઈએ લગ્ન કર્યાં હતાં.

આરોપી મહિલાનાં આ ત્રીજા લગ્ન હતાં અને તેઓ આ લગ્નથી ખુશ ન હતાં. તેઓ હવે પોતાના એક પ્રેમી સાથે પરણવા માંગતાં હતાં. પરંતુ સાટા પદ્ધતિથી લગ્ન થયાં હોવાના કારણે પોતાના પતિથી અલગ થઈ શકે તેમ ન હતાં. આથી તેમણે પોતાના પિતરાઈ ભાઈની હત્યાનું કાવતરું કર્યું જેથી તેના નણંદ પાછા આવે અને પછી પોતે પણ નવાં લગ્ન કરી શકે.

આટલું જ નહીં, પોલીસના કહેવા મુજબ હત્યાનો ભેદ ઉકેલાય નહીં તે માટે આરોપીઓએ ટીવી પર આવતી ક્રાઇમ આધારિત સિરિયલોમાંથી પ્રેરણા મેળવી હતી.

આરોપી મહિલા અને તેના કથિત પ્રેમીએ દિવસો અગાઉથી પોતાના મોબાઇલ ફોન ફૉર્મેટ કરી નાખ્યા હતા, બધો ડેટા ડિલિટ કરી દીધો હતો. પરંતુ એક ભૂલના કારણે હત્યાના આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી.

હત્યા કેસમાં શું હતું?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ડીસા ક્રાઈમ પોલીસ હત્યા મહિલા ખેડૂત લગ્ન છૂટાછેડા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

10 મે, શનિવારે ડીસાના જાવલ ગામે એક ખેતરમાં ખાટલા પર સૂઈ રહેલા 46 વર્ષીય ગણેશ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા મધરાતે કરાઈ હોય તેમ લાગતું હતું. ખેતરમાં ખાટલા આસપાસ મોટરસાઇકલ ટાયરનાં નિશાન હતાં. પરંતુ તેના પરથી હત્યારાની ઓળખ કરવી મુશ્કેલ હતી, કારણ કે મૃતકનાં સ્વજનો પણ ત્યાં મોટરસાઇકલ લઈને આવ્યાં હતાં.

બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “ગણેશ પટેલની કોઈની સાથે દુશ્મની ન હતી. તેમના સગાંવ્હાલાંને કોઈના પર શંકા ન હતી. મૃતકના ફોનમાં પણ કોઈ શંકાસ્પદ કૉલ ન હતા. તેથી આ હત્યા કેસ ડેડ ઍન્ડ પર આવી ગયો હતો. હત્યા બહુ હોશિયારીથી કરવામાં આવી હતી.”

પોલીસે ટેક્નિકલ ઍનાલિસિસનો સહારો લીધો અને શંકાની સોય ગણેશનાં પિતરાઈ બહેન મંજુ પટેલ તરફ ગઈ હતી. પોલીસ અનુસાર તપાસના અંતે પુરાવા મળ્યા કે મંજુ પટેલ અને તેમના પ્રેમી સહદેવ પટેલ આ હત્યામાં સામેલ હતા.

બહેને પોતાના પિતરાઈની હત્યા કેમ કરાવી?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ડીસા ક્રાઈમ પોલીસ હત્યા મહિલા ખેડૂત લગ્ન છૂટાછેડા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

આ હત્યા કેસમાં લગ્નની સાટા પદ્ધતિના સામાજિક રિવાજના તાણાવાણા જોવા મળ્યા છે.

ઉત્તર ગુજરાતની કેટલીક જ્ઞાતિમાં સાટા પદ્ધતિ હોય છે જેમાં એક પરિવારમાં દીકરો અને દીકરી હોય તો તેમનાં લગ્ન એવા પરિવારમાં કરાવાય છે જ્યાં લગ્નને પાત્ર યુવક-યુવતી હોય. ઘણી વખત સગાં ભાઈબહેન ન હોય તો પિતરાઈ ભાઈ કે બહેનનાં લગ્ન પણ સાટા પદ્ધતિથી થાય છે.

આવા કેસમાં કોઈ એક પાત્ર પોતાના પતિ કે પત્ની પાસે છૂટાછેડાની માંગણી કરે તો સાટા પદ્ધતિથી પરણેલા બીજા દંપતીના પણ સામાજિક રિવાજથી છૂટાછેડા થતા હોય છે.

આ કેસમાં પણ આવું જ થયું હોય તેમ લાગે છે.

મૃતક ગણેશ પટેલના કાકાના દીકરા ઈશ્વરભાઈ પટેલે બીબીસીને કહ્યું કે, “મંજુ પટેલનાં પ્રથમ લગ્ન સાટા પાટામાં થયાં હતાં. પરંતુ તેમના ભાઈ સાથે લગ્ન કરનાર છોકરીએ છૂટાછેડા લેતાં મંજુના પણ છૂટાછેડા થઈ ગયાં. ત્યાર પછી બીજાં લગ્ન થયાં અને એ પણ ટક્યાં નહીં. ત્યાર બાદ મંજુનાં લગ્ન જોઈતાભાઈ સાથે થયાં અને તેમના પિતરાઈ ગણેશ પટેલે જોઈતાભાઈનાં બહેન સાથે લગ્ન કર્યાં.”

તેઓ કહે છે, “જોકે, મંજુ પટેલ આ લગ્નથી ખુશ ન હતાં. આ દરમિયાન તેમને ગામના સહદેવ પટેલ સાથે પ્રેમ થયો. મંજુએ સહદેવ સાથે લગ્ન કરવા હોય તો જોઈતાભાઈથી છૂટા થવું પડે. પરંતુ આવું થાય તો જોઈતાભાઈનાં બહેનનાં ગણેશ સાથેનાં લગ્ન પણ તોડવાં પડે. ગણેશ પટેલના પણ આ ત્રીજાં લગ્ન હતાં તેથી હવે તેઓ લગ્ન તોડવા માંગતા ન હતા.”

પરિણામે મંજુ પટેલ આમાંથી બહાર આવવાનો રસ્તો શોધતાં હતાં. તેમણે પોતાના કથિત પ્રેમી સહદેવ અને તેના એક સાથીદાર ભરત પટેલની મદદથી હત્યાનું ષડયંત્ર રચ્યું અને રાતે સૂઈ રહેલા ગણેશ પટેલની તલવાર અને કુહાડીના ઘા દ્વારા હત્યા કરાવી.

હત્યા કેસ કઈ રીતે ઉકેલાયો?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ડીસા ક્રાઈમ પોલીસ હત્યા મહિલા ખેડૂત લગ્ન છૂટાછેડા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

હત્યા કેસ ઉકેલનાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અમિત દેસાઈએ બીબીસીને કહ્યું કે “ક્રાઇમ સિરિયલો જોઈને પોલીસ પણ ચકરાવે ચઢે તે રીતે હત્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.”

તેમણે કહ્યું કે “હત્યા અગાઉ આરોપીઓએ પોતાના ફોન ફોર્મેટ કરાવી નાખ્યા. હત્યાના 15 દિવસ અગાઉથી તેઓ વૉટ્સઍપ વાપરતા ન હતા જેથી પોલીસને ડેટા ન મળે. પરંતુ છતાં અમે અમુક ડેટા રિકવર કરવામાં સફળ રહ્યા. તેમાં એક વૉટ્સએપ મૅસેજમાં અમે તલવારના ફોટા અને તેના ભાવની ડિટેલ જોઈ. અમે ફોન નંબરના આધારે તલવાર વેચનારને અટકાયતમાં લીધો. તેના પરથી ખબર પડી કે ભરત અને સહદેવ પટેલે તલવાર ખરીદી હતી.”

તેઓ કહે છે કે, “અમે જાવલ ગામ અને આસપાસ બધા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, પરંતુ મોટરસાઇકલનો નંબર દેખાતો ન હતો. કૉલ ડિટેલ પ્રમાણે હત્યાના 15 દિવસ અગાઉ મંજુ અને સહદેવ પટેલ વચ્ચે કલાકો સુધી વાતચીત થઈ હતી. પછી ફોન પર સંપર્ક બંધ કરી નખાયો હતો તેથી અમને શંકા ગઈ. સાજે ઘરે શાંતિથી જમી રહેલાં મંજુ પટેલ, સહદેવ પટેલ અને તેના સાથીદાર ભરત પટેલને અમે પકડી લીધા. ઊલટતપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે ક્રાઇમ સિરિયલ પરથી હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.”

પોલીસ ઇન્સ્પેક્ટર અમિત દેસાઈએ કહ્યું કે “ફોનને ફૉર્મેટ કરવાનો વિચાર પણ ક્રાઇમ સિરિયલો પરથી આવ્યો હતો.”

બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “ત્રણ વખત લગ્ન કર્યાં પછી ચોથાં લગ્ન માટે મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પિતરાઈ ભાઈની હત્યા કરાવી હતી. એટલું જ નહીં, કોઈ પૂરાવા ન મળે તે માટે બધી તૈયારીઓ કરી હતી.”

તેમણે કહ્યું કે, “પિતરાઈ ભાઈની હત્યા કરાવીને સાંજે ઘરમાં જમી રહેલાં બહેન અને તેમના પ્રેમીને અમે સવાસો કલાકની મહેનત પછી પકડી પાડ્યા છે. પ્રેમીને મોકલેલા એક વૉટ્સઍપ મૅસેજમાં તલવાર વેચવાનો મેસેજ હતો. ત્યાર પછી ત્રણ ફોન શાંત થઈ ગયા હતા.”

હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનૉલૉજીની મદદ લેવાઈ

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ડીસા ક્રાઈમ પોલીસ હત્યા મહિલા ખેડૂત લગ્ન છૂટાછેડા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ બીબીસીને કહ્યું કે, “ખેતરમાં ગણેશ પટેલની હત્યા થઈ પછી પોલીસ પહોંચે તે અગાઉ સમાજના ઘણા લોકો ખેતરમાં મોટરસાઇકલ લઈને આવ્યા હતા. તેથી હત્યારા કઈ મોટરસાઇકલ લાવ્યા હતા તે નક્કી થતું ન હતું. હત્યા મોડી રાતે થઈ હતી અને તેના કોઈ સાક્ષી ન હતા. અમે આસપાસ મોબાઇલ લોકેશનની તપાસ કરી તેમાં પણ કંઈ મળ્યું નહીં.”

આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણ્યું કે મંજુ અને સહદેવ પટેલ વચ્ચે પ્રેમ સંબંધ હતા. અમે શંકાના આધારે ફોન મેળવ્યા અને ચેક કર્યા તો ફોનમાંથી બધો ડેટા ડિલિટ કરી દેવાયો હતો. અમે સીસીટીવી ચેક કર્યા તો જોયું કે જાવલ ગામના ખેતર તરફ રાતે જે બાઇક પર બે વ્યક્તિ આવી હતી તે બાઇક સહદેવના મિત્ર ભરત પટેલનું હતું. ત્યાર પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝીણી ઝીણી બાબતો તપાસી અને ખબર પડી કે મંજુ પટેલ અને તેના પિતરાઈ ગણેશ પટેલ બંનેના લગ્ન સાટાપાટા રિવાજથી થયા હતા.

પોલીસના કહેવા પ્રમાણે મંજુ પટેલે જ સહદેવને ગણેશની દિનચર્યા વિશે બધી માહિતી આપી હતી. દિવસો સુધી રેકી કરવામાં આવી અને પછી હત્યાનો પ્લાન ઘડાયો હતો.

ગુજરાતની ઘણી જ્ઞાતિઓમાં સાટા પદ્ધતિ

બીબીસી ગુજરાતી બનાસકાંઠા ડીસા ક્રાઈમ પોલીસ હત્યા મહિલા ખેડૂત લગ્ન છૂટાછેડા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ગુજરાતમાં આજે પણ ઘણી જગ્યાએ સાટા પદ્ધતિથી લગ્ન થતાં હોય છે જેમાં એક યુવક અને યુવતીના લગ્ન નક્કી થાય, ત્યાર પછી યુવકની બહેનનાં લગ્ન યુવતીના ભાઈ સાથે નક્કી કરવામાં આવતા હોય છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા તેમાં આગળ છે.

ઇતિહાસવિદ અને એચ. કે. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટે બીબીસીને કહ્યું કે ઉત્તર ગુજરાતની ઘણી જ્ઞાતિઓમાં સાટા પાટા પદ્ધતિ આજે પણ ચાલુ છે. તેનું કારણ છે કે આ લોકો પશુપાલન માટે જાય ત્યારે બે બહેનો એક જ કુટુંબમાં પરણી હોય તો બાળકોનું ધ્યાન રાખી શકે છે.

તેમાં યુવકે જે છોકરી સાથે લગ્ન કર્યાં હોય, તે છોકરીના ભાઈએ પોતાના બનેવીની બહેન સાથે લગ્ન કરવા પડે છે. આ ઉપરાંત કોઈ એક જોડી છૂટાછેડા લે તો તેના ભાઈ કે બહેનના પણ ફરજિયાત છૂટાછેડા થાય છે. સમાજમાં કોઈ છૂટાછેડા લેવાનું વિચારે જ નહીં તે માટે આવી પદ્ધતિ શરૂ થઈ હતી.

ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રૉફેસર રાજેન્દ્ર જાનીએ કહ્યું કે, “ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં આ પ્રથા વધારે વ્યાપક છે.”

તેમણે કહ્યું કે, “આ પ્રથા શરૂ કરવા પાછળ સામાજિક-આર્થિક કારણો હતાં. એક કુટુંબમાં સાટા પદ્ધતિથી લગ્ન થાય તો દહેજમાં મિલકત કે પશુ આપવા ન પડે અને ઘરની સંપત્તિ ઘરમાં જ જળવાઈ રહે. આ તેનો હેતુ હતો. સાટા પદ્ધતિમાં માનતી જ્ઞાતિઓ કોઈ બિઝનેસ સાથે સંકળાયેલી નથી હોતી. મોટા ભાગે પશુ જ તેમની મૂડી હોય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS