Home તાજા સમાચાર gujrati સામૂહિક બળાત્કાર કેસ : પીડિતાને ડરાવવા જે હથિયાર વાપર્યું એ જ કેવી...

સામૂહિક બળાત્કાર કેસ : પીડિતાને ડરાવવા જે હથિયાર વાપર્યું એ જ કેવી રીતે નવ લોકોની સજાનો પુરાવો બન્યું?

6
0

Source : BBC NEWS

પોલ્લાચી સેક્સ કેસ, કોઈમ્બતુર અદાલત, સેક્સ, મહિલાઓ પર અત્યાચાર,મહિલાઓનું જાતીય શોષણ, કાયદો, ગુનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SPECIAL ARRANGEMENT

  • લેેખક, ઝેવિયર સેલ્વાકુમાર
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 15 મે 2025, 14:40 IST

    અપડેટેડ 8 કલાક પહેલા

પોલ્લાચી જાતીય સતામણી કેસના 2019માં લીક થયેલા વીડિયોએ તામિલનાડુને હચમચાવી નાખ્યું હતું. સીબીઆઇને સોંપવામાં આવેલા આ કેસમાં છ વર્ષ પછી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

કોઈમ્બતુરની મહિલા અદાલતે નવ લોકોને દોષિત જાહેર કર્યા છે અને તેમને મૃત્યુપર્યંત આજીવન કેદની સજા ફટકારી છે.

સીબીઆઇના વકીલ સુરેન્દ્ર મોહનના જણાવ્યા મુજબ, પીડિતોને ડરાવવા માટે જે વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ જ વીડિયો આ કેસમાં મુખ્ય પુરાવા બન્યા છે અને આરોપીઓને દોષિત ઠેરવવાનું કારણ બન્યા છે. સીબીઆઇએ એકત્રિત કરેલા પુરાવા વડે આરોપીઓને મૃત્યુપર્યંત આજીવન કેદની સજા ફટકારવાનું મુખ્ય પરિબળ સુરેન્દ્ર મોહન છે.

આ કેસમાં તામિલનાડુ પોલીસની કેટલીક મહિલા અધિકારીઓએ પણ સીબીઆઇને ખૂબ મદદ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પચ્ચૈયામલના નેતૃત્વ હેઠળની એક સ્પેશિયલ એસઆઇ સહિતની સાત સભ્યોની ટીમ આ કેસમાં પીડિતોને મળી હતી, પુરાવા એકત્રિત કર્યા હતા અને ગુનો સાબિત કરવામાં મદદ કરી હોવાનું સુરેન્દ્ર મોહને જણાવ્યું હતું.

યુવતી પર સામૂહિક બળાત્કારનો શું છે મામલો?

પોલ્લાચી સેક્સ કેસ, કોઈમ્બતુર અદાલત, સેક્સ, મહિલાઓ પર અત્યાચાર,મહિલાઓનું જાતીય શોષણ, કાયદો, ગુનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SPECIAL ARRANGEMENT

ફેબ્રુઆરી 2019માં પોલ્લાચી બળાત્કાર કેસે સમગ્ર તામિલનાડુમાં ખળભળાટ મચાવી દીધો હતો.

કોઈમ્બતુર જિલ્લાના પોલ્લાચીમાં એક ટોળકીએ યુવતીઓનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર કર્યો હતો. એ ઘટનાનો વીડિયો રેકૉર્ડ કર્યો હતો અને પીડિતાઓને ધમકી આપી હતી.

બળાત્કારનો ભોગ બનેલી એક યુવતીએ તેના ભાઈને આ ઘટના બાબતે જણાવ્યું હતું. તેના ભાઈએ બહેનનું જાતીય શોષણ કરનારા યુવાનોને પકડીને પૂછપરછ કરી હતી. એ સમયે યુવાનના સેલફોનમાં અસંખ્ય યુવતીઓના જાતીય શોષણના અને તેમના પર ત્રાસ ગુજારવાના અસંખ્ય વીડિયો મળી આવ્યા હતા.

એ પછી પોલ્લાચી ઓલ વીમેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તિરુનાવુક્કારાસુ, ઋષવંત ઉર્ફે સબરીરાજ, સતીશ અને વસંતકુમારની ધરપકડ કરવામાં આવી હતી.

પોલ્લાચીમાં યુવતીઓના જાતીય શોષણના, મારપીટના અને ત્રાસ ગુજારવાના વીડિયો મોટા પાયે શૅર કરવામાં આવ્યા હતા. રાજકીય પક્ષના અધિકારીઓના વારસદારો પણ આ કૃત્યમાં સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સીબીઆઇ સામેના પડકારો અને મદદરૂપ વીડિયો

પોલ્લાચી સેક્સ કેસ, કોઈમ્બતુર અદાલત, સેક્સ, મહિલાઓ પર અત્યાચાર,મહિલાઓનું જાતીય શોષણ, કાયદો, ગુનો, બીબીસી ગુજરાતી

પ્રારંભે તામિલનાડુ પોલીસે આ કેસ નોંધ્યો હતો અને બાદમાં તે સીબીઆઇ સીઆઇડી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બે મહિના પછી કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઇના દાવા મુજબ, ત્યાં સુધીમાં જાતીય સતામણીના મોટા ભાગના વીડિયો પુરાવાનો નાશ થઈ ગયો હતો. એ વીડિયો મેળવીને કેસ જીતી શકાયો હતો.

બીબીસી સાથે વાત કરતાં સુરેન્દ્ર મોહન કહે છે, “તિરુનાવુક્કારસના આઇફોનમાં ઘણા બધા પોર્નોગ્રાફિક વીડિયો હતો. સ્થાનિક પોલીસે તે ફોન જપ્ત કર્યો હતો. સીબીઆઇએ તેને ચકાસણી માટે પ્રાદેશિક ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલ્યો હતો. આ કેસમાં સીબીઆઇએ તપાસ હાથ ધરી એ પછી જ પરિણામ આવ્યું છે. લૅબોરેટરીના અધિકારીઓએ બધા વીડિયો રિકવર કર્યા હતા. તે આઇફોન આ કેસનું કેન્દ્ર હતો એવું કહી શકાય.”

તેમના જણાવ્યા મુજબ, પીડિતાઓની ઓળખ કરવાનું મુશ્કેલ હતું ત્યારે વીડિયોએ મદદ કરી હતી.

આ કેસમાં સીબીઆઇના મુખ્ય તપાસ અધિકારી તરીકે કામ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર પચૈયમલના કહેવા મુજબ, વીડિયોમાંની મહિલાઓની ઓળખ કર્યા પછી પણ કોઈ પોતાની કથની કહેવા આગળ આવ્યું ન હતું.

સુરેન્દ્ર મોહન કહે છે, “કેસ નોંધવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારીએ ફરિયાદી મહિલાનું નામ જાહેર કરતાં ભારે વિવાદ થયો હતો. એ ઉપરાંત કેટલાક વીડિયો પણ વાઇરલ થયા હતા. પીડિતાઓની ઓળખ કરવી, તેમનો સંપર્ક કરવો અને તેમને વાત કરવા રાજી કરવી તે મોટો પડકાર હતું.”

કેસમાં વિલંબનાં કારણો શું છે?

પોલ્લાચી સેક્સ કેસ, કોઈમ્બતુર અદાલત, સેક્સ, મહિલાઓ પર અત્યાચાર,મહિલાઓનું જાતીય શોષણ, કાયદો, ગુનો, બીબીસી ગુજરાતી

આ ઘટનાની ફરિયાદ 2019માં નોંધવામાં આવી હતી અને એપ્રિલમાં કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. એ જ વર્ષે 24 મેના રોજ સીબીઆઇએ અરેસ્ટ કરાયેલા પ્રથમ પાંચ આરોપીઓ સબરીરાજન, તિરુનાવુક્કારાસુ, સતીષ, વસંતકુમાર અને મણિવન્નન સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસમાં 2021ની 22 ફેબ્રુઆરીએ અરેસ્ટ કરાયેલા અરુલ આનંદમ, હેરોનપાલ તથા બાબુ સામે તથા 2021ની 16 ઓગસ્ટે અરેસ્ટ કરાયેલા અરુણકુમાર સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

પચૈયમ્મલ કહે છે, “સીબીઆઇએ કેસ સંભાળ્યો પછી પીડિતાઓને મળવાનું અને તેમનાં નિવેદનો નોંધવાનું કામ કપરું હતું, કારણ કે બે વર્ષ સુધી કોરોના રોગચાળો હતો. કેટલાક વીડિયો રિલીઝ થયા હોવાથી ઘણા લોકો બોલવામાં એ વાતે ડરતા હતા કે તેમના વીડિયો પણ રિલીઝ થઈ જશે. અમે પીડિતાઓને તેમનાં માતાપિતા કે પાડોશીઓની જાણ વિના મળ્યા હતા અને વાત કરી હતી.”

તેમના જણાવ્યા મુજબ, કેટલીક પીડિતાઓને તબીબી તથા માનસિક સારવાર આપવામાં આવી પછી તેમનામાં આત્મવિશ્વાસ આવ્યો હતો. તેઓ હિંમતથી નિવેદન આપવા આગળ આવી હતી. સીબીઆઇએ પોલીસના કહેવા મુજબ, તેઓ 100થી વધુ લોકોને મળ્યા હતા, પરંતુ 10થી ઓછા લોકો નિવેદન આપવા આગળ આવ્યા હતા.

ખરેખર સેંકડો વીડિયો હતા?

પોલ્લાચી સેક્સ કેસ, કોઈમ્બતુર અદાલત, સેક્સ, મહિલાઓ પર અત્યાચાર,મહિલાઓનું જાતીય શોષણ, કાયદો, ગુનો, બીબીસી ગુજરાતી

પોલ્લાચી જાતીય સતામણી મામલો બહાર આવ્યો ત્યારે એવા અહેવાલો હતા કે સેંકડો મહિલાઓ આ કૌભાંડનો ભોગ બની છે અને તેના હજારો વીડિયો છે. સીબીઆઇએ સ્વીકાર્યું હતું કે તિરુનાવુક્કારસના આઇફોન અને સબરીરાજનના લૅપટૉપ પર ઘણા વીડિયો હતા. મોટા ભાગના વીડિયો સમાન હતા. થોડા વીડિયો જ અલગ હતા.

સુરેન્દ્ર મોહન કહે છે, “ઘણા બધા વીડિયો હતા. એ પૈકીના અનેક વીડિયો, પૈસા માટે આવેલા અને સ્વેચ્છાએ આવેલા લોકો પાસેથી મેળવવામાં આવ્યા હતા. બધા વીડિયો જોયા પછી પીડિતાઓની ઓળખ કરવામાં આવી હતી. આરોપીઓએ પીડિતાઓને ધમકી આપી હતી. તેમને ત્રાસ આપ્યો હતો. તેમનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં.”

સીબીઆઇના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બે વિના પીડિતાઓના નિવેદનની સચ્ચાઈ સાબિત કરવાનું મુશ્કેલ હતું. ઇલેક્ટ્રોનિક પુરાવાઓએ પીડિતાઓની ઓળખમાં મદદ કરી હતી અને કેસ જીતવામાં તે મુખ્ય સાક્ષી હતા.

સુરેન્દ્ર મોહનના કહેવા મુજબ, સેલફોન અને લૅપટૉપ પરના બધા પોર્નોગ્રાફિક વીડિયો અસલી હોવાની પુષ્ટિ લૅબોરેટરીએ કરી હતી. તેમાં ટેકનિકલી કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. એ પછી જ તપાસ નક્કર બની હતી.

દોષ સાબિત કરવામાં મદદરૂપ મુખ્ય સાક્ષીઓ

સીબીઆઇ પોલીસે બીબીસીને જણાવ્યું કે આ કેસમાં કુલ 160 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

તામિલનાડુ પોલીસ, સીબીઆઇ સીઆઈડી અને સીબીઆઇના પાંચ અધિકારીઓ ઉપરાંત પાડોશીઓ, મહેસૂલ અધિકારીઓ, તબીબી તપાસ કરનાર ડૉક્ટર્સ, ફોરેન્સિક લૅબોરેટરીના અધિકારીઓ તેમજ ખાનગી ટેલિકૉમ કંપનીના અધિકારીઓને પણ પૂછપરછ કરવામાં આવી હતી. ટેલિકૉમ કંપનીના અધિકારીઓએ માહિતીના આદાનપ્રદાન સંબંધે સીડીઆર સહિતના પુરાવા પૂરા પાડ્યા હતા.

સુરેન્દ્ર મોહન કહે છે, “સીબીઆઇએ કુલ 500 દસ્તાવેજો એકત્ર કર્યા હતા. મહિલાઓના અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલી કાર, સેલફોન, લૅપટૉપ, હાર્ડ ડિસ્ક વગેરે સહિતની 50 વસ્તુઓ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. પીડિતાઓનાં માતાપિતામાંથી કોઈને પૂછપરછ કરવામાં આવી ન હતી. ઘણી પીડિતાઓનાં માતાપિતાને આ બાબતની જાણ નથી.”

એ ફાર્મહાઉસ, જ્યાં જાતીય હુમલો કરવામાં આવ્યો હતો

સીબીઆઈને જાણવા મળ્યું હતું કે મોટા ભાગની જાતીય સતામણી ચિન્નાપમ્પલયમમાં તિરુનાવુક્કારસની માલિકીના ફાર્મહાઉસમાં કરવામાં આવી હતી. તે એક નાનકડું ગામ હોવાથી ત્યાં કોઈ આવતું નથી અને ત્યાં સીસીટીવી પણ નથી.

સીબીઆઇ પોલીસને જણાવ્યા મુજબ, મોટા ભાગની જાતીય સતામણી 2016 અને 2018 દરમિયાન કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ ફેબ્રુઆરી, 2019માં દાખલ કરવામાં આવી હતી. તેથી સીસીટીવી ફૂટેજનો જાતે નાશ થઈ ગયો હશે.

સુરેન્દ્ર મોહન કહે છે, “દોસ્તી અને પ્રેમના બહાને ઘણી યુવતીઓને ફાર્મહાઉસમાં લાવવામાં આવી હતી. ‘મારે માતાને મળવું છે’ અને ‘મારી બહેને તને મળવા બોલાવી છે’ એવું કહીને યુવતીઓને ફાર્મહાઉસમાં લાવવામાં આવી હતી. યુવતીઓને ત્યાં ગોંધવામાં આવી હતી, ત્રાસ આપવામાં આવ્યો હતો અને જાતીય હુમલા કરવામાં આવ્યા હતા.”

POCSO હેઠળ કેસ ન નોંધવાનું કારણ

પોલ્લાચી સેક્સ કેસ, કોઈમ્બતુર અદાલત, સેક્સ, મહિલાઓ પર અત્યાચાર,મહિલાઓનું જાતીય શોષણ, કાયદો, ગુનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SPECIAL ARRANGEMENT

સીબીઆઇ પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ આરોપી સામે POCSO હેઠળ કેસ નોંધવામાં આવ્યો ન હતો. તેનું કારણ એ હતું કે આ કેસમાં કોઈ પણ પીડિતાની વય 18 વર્ષથી ઓછી નથી.

સીબીઆઈએ આ કેસમાં એક અલગ પડકારનો સામનો પણ કરવો પડ્યો હતો. બે પીડિતા અનુસૂચિત જાતિની હતી. તેથી પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે તેમનો કેસ મહિલા અદાલતમાં ચલાવવો અનુચિત છે. તેમનો કેસ અલગ અદાલતમાં ચલાવવો જોઈએ.

પ્રતિવાદીઓએ એવી દલીલ પણ કરી હતી કે પીડિતા અનુસૂચિત જાતિની હોવાથી ફક્ત ડીએસપી રેન્કના અધિકારીએ જ કેસની તપાસ કરવી જોઈએ. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી દ્વારા કેસની તપાસ અયોગ્ય છે.

આ કેસને કેવી રીતે આડે પાટે ચડાવવામાં આવ્યો હતો તેની વાત કરતાં સુરેન્દ્ર મોહન કહે છે, “મણિપુર અને વાચાથીની માફક અહીં કોઈ ચોક્કસ સમુદાય કે જાતિને નિશાન બનાવવામાં આવી ન હતી. જાતિના આધારે કોઈનું શોષણ કરવામાં આવ્યું ન હતું. આરોપીઓ પણ અનુસૂચિત જાતિના હોવાની દલીલને અમે તોડી પાડી હતી.”

બધા, નવ આરોપીઓને મૃત્યુપર્યંત કારાવાસની સજા ફટકારવામાં આવી છે. એક આરોપીને આજીવન કેદની અને અન્યોને 3,4 અને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આવું કેમ તે સમજાવતાં સુરેન્દ્ર મોહન કહે છે, “દરેક દોષિતને એકથી પાંચ વર્ષ સુધીની સજા ફટકારવામાં આવી છે. દરેક દોષીએ કેટલી પીડિતાઓનું શોષણ કર્યું છે તેના આધારે સજા ફટકારવામાં આવી છે. તેનો અર્થ એવો નથી કે જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેઓ ટૂંક સમયમાં મુક્ત થઈ જશે. આ ચુકાદાનો અર્થ દરેક માટે મૃત્યુપર્યંત કારાવાસની સજા એવો છે.”

તેઓ ઉમેરે છે, “2013ના નિર્ભયા કેસ પછી કરવામાં આવેલા સુધારા મુજબ, આજીવન કેદને દોષિતોના બાકીના જીવન માટે કેદમાં બદલી દેવામાં આવી છે. આ કલમ હેઠળ ઓછામાં ઓછી 20 વર્ષની કેદની જોગવાઈ છે. બધા આરોપીઓ નિશંકપણે દોષિત પુરવાર થયા છે. તેથી તેમને માફીનો તો કોઈ સવાલ જ નથી.”

પીડિતાઓ માટે વળતરમાં ભેદભાવ કેમ?

કોઈમ્બતુર મહિલા અદાલતનાં ન્યાયમૂર્તિ નંદિની દેવીએ આ કેસમાં અસરગ્રસ્ત 8 મહિલાઓ પૈકીની સાતને કુલ રૂ. 85 લાખનું વળતર ચૂકવવાનો આદેશ જિલ્લા કાનૂની સહાય કેન્દ્રને આપ્યો છે. એક પીડિતાને રૂ. 25 લાખ, બેને રૂ. 15-15 લાખ, બેને રૂ. 10-10 લાખ, એકને રૂ. આઠ લાખ અને એકને રૂ. બે લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વળતર કેવી રીતે નક્કી કરવામાં આવ્યું અને ફક્ત એક પીડિતાને વધુ અને અન્યોને ઓછું વળતર શા માટે આપવામાં આવ્યું છે, એ બાબતે ઘણા લોકોએ શંકા વ્યક્ત કરી છે.

સુરેન્દ્ર મોહન કહે છે, “પીડિતાને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને વળતર નક્કી કરવામાં આવ્યું છે. એક પીડિતાએ એક દિવસમાં નવ પુરુષોની સામૂહિક જાતીય સતામણીનો ભોગ બનવું પડ્યું હતું. તેનું વીડિયો રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું અને એ રેકૉર્ડિંગ પીડિતાને દેખાડવામાં આવ્યું હતું. તેને ધમકી આપવામાં આવી હતી અને તેના પર વારંવાર જાતીય હુમલા કરવામાં આવ્યા હતા. એ પીડિતાને મહત્તમ વળતર આપવામાં આવ્યું છે, જે પીડિતાએ સહન કરેલી ક્રૂરતા સાથે સુસંગત નથી.”

‘મૃત્યુદંડ કરતાં આ વધુ સારી સજા છે’

આ કેસની સુનાવણી કોઈમ્બતુરની મહિલા અદાલતમાં શરૂ થઈ, આરોપીઓને ખટલા માટે લાવવામાં આવ્યા ત્યારે મહિલા સંગઠનોએ જોરદાર વિરોધપ્રદર્શન કર્યું હતું. તેવી જ રીતે, “આ કેસના બધા આરોપીઓ દોષિત સાબિત થયા છે અને સજાની વિગત બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવશે,” એવી જાહેરાત ન્યાયમૂર્તિ નંદિની દેવીએ કરી ત્યારે ઘણી મહિલા વકીલો અને મહિલા સંગઠનોને એવી આશા હતી કે દોષિતોને મૃત્યુદંડની મહત્તમ સજા આપવામાં આવશે.

સજા પાછળનો તર્ક સમજાવતાં સુરેન્દ્ર મોહન કહે છે, “આ કેસમાં એકેય પીડિતાનું મૃત્યુ થયું નથી. કોઈનું મૃત્યુ થયું હોત તો દોષિતોને મૃત્યુદંડની મહત્તમ સજા ફટકારવામાં આવી હોત, પરંતુ મૃત્યુપર્યંત આજીવન કેદ શ્રેષ્ઠ સજા છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS