Home તાજા સમાચાર gujrati સંઘર્ષવિરામ પછી ભારત-પાકિસ્તાને એકબીજા સામે કયાં પગલાં લીધાં? – ન્યૂઝ અપડેટ

સંઘર્ષવિરામ પછી ભારત-પાકિસ્તાને એકબીજા સામે કયાં પગલાં લીધાં? – ન્યૂઝ અપડેટ

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ગાઝા ઇઝરાયલ ડીજીએમઓ કાશ્મીર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images/ANI

એક કલાક પહેલા

પાકિસ્તાને મંગળવારે ભારત વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરીને ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયુક્તના એક કર્મચારીને ‘પર્સોના નૉન ગ્રાટા’ એટલે કે અનિચ્છનિય વ્યક્તિ જાહેર કર્યા છે.

આ અગાઉ ભારતે પણ મંગળવારે નવી દિલ્હીસ્થિત પાકિસ્તાન ઉચ્ચાયુક્તના એક કર્મચારીને અનિચ્છનીય વ્યક્તિ જાહેર કર્યા હતા.

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદન મુજબ અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવા માટે કહેવામાં આવ્યું હતું.

તેના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના એક કર્મચારીને પર્સોના નૉન ગ્રાટા જાહેર કર્યા છે. તેમને 24 કલાકમાં પાકિસ્તાન છોડવાનો નિર્દેશ અપાયો છે.”

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે એટલો તણાવ વધ્યો કે સૈન્યસંઘર્ષ થયો હતો.

બંને દેશો વચ્ચે 7 મેથી સંઘર્ષની શરૂઆત થઈ અને 10 મેની સાંજે સંઘર્ષવિરામ થયો હતો.

ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે કયા મુદ્દે વાતચીત થઈ?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ગાઝા ઇઝરાયલ ડીજીએમઓ કાશ્મીર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ રોકવાની સહમતિ સધાયા પછી સોમવારે સાંજે પાંચ વાગ્યે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે વાતચીત થઈ હતી.

ભારતીય સેનાનાં સૂત્રોએ જણાવ્યું કે બંને તરફથી એક પણ ગોળી ન બચાવવા કે કોઈ પણ આક્રમકતા શરૂ ન કરવા સહિતના મુદ્દે વાતચીત થઈ હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે બંને પક્ષ સરહદી વિસ્તારો અને અગ્રિમ મોરચા પર સૈનિકોની સંખ્યા ઘટાડવાને સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેશે તેવી સહમતિ થઈ છે.

અગાઉ સોમવારે ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પાકિસ્તાની ઍરફોર્સ ભારતના બહુસ્તરીય ડિફેન્સને પાર કરીને ભારતીય ઍરફિલ્ડ કે લોજિસ્ટિક ઈન્સ્ટોલેશન્સને ટાર્ગેટ કરી શકે એવી કોઈ શક્યતા ન હતી.

દરમિયાન ભારતીય સેનાએ સોમવારે સાંજે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના સાંબા ક્ષેત્રમાં કેટલાંક શંકાસ્પદ ડ્રૉન જોવાં મળ્યાં હતાં.

ગાઝાની હૉસ્પિટલ પર ઇઝરાયલી હુમલામાં 28 લોકોનાં મોત

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ગાઝા ઇઝરાયલ ડીજીએમઓ કાશ્મીર અમેરિકા

ખાન યુનુસની એક યુરોપિયન હૉસ્પિટલ પર ઇઝરાયલના હુમલામાં 28 લોકો માર્યા ગયા અને કેટલાય ડઝનને ઈજા થઈ છે.

હમાસ તરફથી સંચાલિત નાગરિક સુરક્ષા એજન્સીના એક પ્રવક્તાએ આ માહિતી આપી છે.

સ્થાનિક સૂત્રો પ્રમાણે ગાઝાની આ હોસ્પિટલ પર ઇઝરાયલી ફાઈટર વિમાનોએ એક સાથે 6 બૉમ્બ ફેંક્યા હતા. આ બૉમ્બ હૉસ્પિટલના પ્રાંગણ અને આસપાસના વિસ્તારમાં પડ્યા હતા.

ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેના “કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરે હમાસના આતંકવાદીઓ પર સચોટ હુમલો” કર્યો છે. ઇઝરાયલનો દાવો છે કે આ સેન્ટર હૉસ્પિટલની નીચે હતું.

ગાઝામાં બીબીસી માટે કામ કરતા એક ફ્રીલાન્સ પત્રકાર પણ હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાય છે.

હમાસ અને ઇઝરાયલ વચ્ચે 7 ઑક્ટોબર 2023થી સંઘર્ષની શરૂઆત થઈ જેમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS