Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
-
8 મે 2025, 06:52 IST
અપડેટેડ 39 મિનિટ પહેલા
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 6 અને 7 મેની રાત દરમિયાન સૈન્ય કાર્યવાહી કરી હતી.
ભારતે આ સૈન્ય કાર્યવાહીને ‘ઑપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. ભારતનું કહેવું છે કે આ હુમલો ‘આતંકવાદી ઠેકાણાં’ પર કરવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા તણાવ પછી બંને દેશોની સૈન્ય ક્ષમતા વિશે વાતો થવા લાગી છે.
ચાલો જાણીએ કે ભારત અને પાકિસ્તાન પાસે કેવી કેવી મિસાઇલો છે અને તેમની ઍર ડિફેન્સ સિસ્ટમ કેટલી સક્ષમ છે.
ભારતની અગ્નિ-5 મિસાઇલ જમીનથી પાંચ હજારથી આઠ હજાર કિલોમીટર સુધી મારણ ક્ષમતા ધરાવે છે.
બીજી તરફ પાકિસ્તાનની શાહીન-3 મિસાઇલની પ્રહારક્ષમતા 2750 કિલોમીટર છે.
હથિયારોના મામલે ભારત રશિયા પર વધુ આધાર રાખે છે જ્યારે પાકિસ્તાન ચીન પર નિર્ભર છે.
પશ્ચિમના દેશો ઘણા સમયથી ભારતને મિસાઇલ ટૅક્નૉલૉજી આપવાનું ટાળતા રહ્યા છે, પરંતુ ફ્રાન્સ અને ભારતે સાથે મળીને મિસાઇલ ટૅક્નૉલૉજી પર કામ કર્યું છે.
તેમાં ઇન્ટર કૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ) પણ સામેલ છે. દુનિયામાં માત્ર સાત દેશો પાસે આઈસીબીએમ છે.
ઍન્ટી બૅલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ

ઇમેજ સ્રોત, Getty Images
સંરક્ષણ નિષ્ણાત હેરિકન કાસે ધ નૅશનલ ઇન્ટરેસ્ટમાં લખ્યું છે, “ભારત એવા મુઠ્ઠીભર દેશોમાં સામેલ છે જેની પાસે ઍન્ટી-બૅલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ છે.”
“ભારત પાસે બે પ્રકારની મિસાઇલો છે. પહેલી પૃથ્વી ઍર ડિફેન્સ (પીએડી) મિસાઇલ કે જે વધારે ઊંચાઈ પરના મિસાઇલ હુમલાને અટકાવે છે અને બીજી ઍડ્વાન્સ્ડ ઍર ડિફેન્સ (એએડી) છે. તે ઓછી ઊંચાઈવાળી મિસાઇલના હુમલાને રોકે છે.”
“ભારતની ઍન્ટી-બૅલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ વિશે એવો અંદાજ છે કે તે ઓછામાં ઓછા 5000 કિલોમીટર દૂરથી આવતા મિસાઇલ હુમલાને રોકવા માટે સક્ષમ છે.”
ભારતે રશિયા સાથે મળીને બ્રહ્મોસ અને બ્રહ્મોસ-2 હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ પણ વિકસાવી છે. તેને જમીન, હવા, સમુદ્ર અને સબ-સી પ્લૅટફૉર્મ પરથી લૉન્ચ કરી શકાય છે.
હેરિસન કાસનું કહેવું છે કે “ભારત પાસે પરંપરાગત અને અણુ હથિયારોથી સજ્જ મિસાઇલના ઘણા વિકલ્પો છે. સાથે સાથે મિસાઇલ હુમલાને અટકાવવાની પણ ક્ષમતા છે.”
બીજી તરફ પાકિસ્તાન પાસે પણ પરંપરાગત અને અણુ હથિયારોવાળી મિસાઇલોના ઘણા વિકલ્પ છે. કહેવાય છે કે બંને દેશોએ એકબીજાના જોખમને ધ્યાનમાં રાખીને પોતાની મિસાઇલ ક્ષમતાને વધારી છે.
પરંતુ ભારતની જેમ પાકિસ્તાન પાસે આઈસીબીએમનો વિકલ્પ નથી.
ઘણા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનને તેની બહુ જરૂર નથી.
ચીન અને ભારત વચ્ચે પણ યુદ્ધ થયું છે. ભારત આ વાતને ધ્યાનમાં રાખીને પોતાની સંરક્ષણ ક્ષમતા વિકસાવે છે.
બીજી તરફ પાકિસ્તાન હાલમાં ફક્ત ભારતને જ પોતાનો દુશ્મન માને છે.
હેરિસન કાસ કહે છે કે, “પાકિસ્તાનને ભારત માટે ICBMની બહુ જરૂર નથી. પાકિસ્તાનની મિસાઇલ ક્ષમતા પ્રાદેશિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે.”
પાકિસ્તાન પાસે આઈસીબીએમ નથી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના જાણીતા સંરક્ષણ નિષ્ણાત રાહુલ બેદી કહે છે કે આઈસીબીએમ સુધી મામલો પહોંચશે તે પછી કંઈ નહીં બચે.
રાહુલ બેદી કહે છે, “આઈસીબીએમનો ઉડાનનો સમય 15થી 20 સેકન્ડ હોય છે. આઈસીબીએમ એક સ્ટ્રેટેજિક હથિયાર છે અને ભારતે તેને ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. પાકિસ્તાન પાસે આઈસીબીએમ નથી. પાકિસ્તાનને તેની જરૂર પણ નથી. પાકિસ્તાનની સંપૂર્ણ તૈયારી ભારતને ધ્યાનમાં રાખીને છે, જ્યારે ભારતનું મુખ્ય ફૉકસ ચીન છે. 1998માં ભારતે જ્યારે અણુ પરીક્ષણો કર્યાં ત્યારે અટલ બિહારી વાજપેયીએ બિલ ક્લિન્ટનને લખેલા પત્રમાં આ વાત કહી હતી.”
પાકિસ્તાને ચીન સાથે મળીને શાહીન સિરિઝની મિસાઇલો બનાવી છે. પાકિસ્તાનની શાહીન મિસાઇલો શૉર્ટ, મીડિયમ અને લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
પાકિસ્તાન ઍન્ટી-બૅલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ પર કામ કરે છે જેથી ભારતના હુમલાનો સામનો કરી શકાય.
હેરિસનનું કહેવું છે કે પાકિસ્તાન પાસે એચક્યુ-9બીઈ છે. પરંતુ ભારત બ્રહ્મોસનો ઉપયોગ કરશે તો તેને રોકવું પાકિસ્તાન માટે આસાન નહીં હોય.
પાકિસ્તાનની સંસદમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ અંગે વિપક્ષના સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. મે 2022માં ભારતે કહ્યું હતું કે તેની એક મિસાઇલ ભૂલથી પાકિસ્તાન તરફ લૉન્ચ થઈ ગઈ હતી.
તે વખતે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યૂસુફે કહ્યું હતું કે, એક સુપરસોનિક પ્રોજેક્ટાઈલ 40 હજાર ફૂટની ઊંચાઈએથી સરહદ પાર પાકિસ્તાનમાં પડ્યું હતું. આ મિસાઇલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક કૉમર્શિયલ ઍરલાઈન્સના માર્ગેથી પસાર થઈ હતી. ભારતે પાકિસ્તાનને આ વિશે સૂચના પણ ન આપી તે બહુ બેજવાબદારીપૂર્ણ કહેવાય.
પાકિસ્તાનના અધિકારીઓનું કહેવું હતું કે આ મિસાઇલ ભારતની સરહદથી 75 કિલોમીટર દૂર મિયાં ચાનુ નામના એક નાનકડા શહેરમાં પડી હતી.
આ વખતે શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ બેદી કહે છે કે “ભારતે આ વખતે પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરવાના બદલે પોતાની જ સરહદમાંથી હુમલો કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે આ વખતે પાકિસ્તાનના મેઇનલૅન્ડ પંજાબમાં હુમલો કર્યો છે.”
ભારત અને પાકિસ્તાનની મિસાઇલ ક્ષમતા અંગે રાહુલ બેદી કહે છે, “ભારત પાસે બીએમડી સીલ્સ એટલે કે બૅલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ છે અને પાકિસ્તાન પાસે તે નથી. જોકે, બીએમડી હંમેશા 100 ટકા સફળ નથી રહેતી. આપણે જોયું કે ઇઝરાયલની આયર્ન ડૉમ સિસ્ટમ પણ કેટલીક વખત નિષ્ફળ ગઈ હતી. આમ છતાં બીએમડી સીલ્સ મોટા હુમલાને અટકાવવામાં કામ લાગશે.”
રાહુલ બેદી કહે છે કે, “ભારત પાસે સ્ટ્રેટેજિક અને કન્વેન્શનલ બંને પ્રકારની મિસાઇલો છે. જેમ કે અગ્નિ સ્ટ્રેટેજિક મિસાઇલ છે અને બ્રહ્મોસ કન્વેન્શનલ. પાકિસ્તાનની ઘોરી અને બાબર સાથે તેની તુલના કરવામાં આવે તો પ્રહાર ક્ષમતામાં તે ઘણી આગળ છે. ભારતની સર્વેલન્સ સિસ્ટમ પણ હવે સુધરી છે.”
દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં નૅશનલ સિક્યૉરિટી સેન્ટરના પ્રોફેસર લક્ષ્મણકુમાર કહે છે, “ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમ આકાશ અને એસ-400 બહુ ઉપયોગી બનશે. પાકિસ્તાન પાસે એટલી અસરકારક ઍર ડિફેન્સ સિસ્ટમ નથી. મને નથી લાગતું કે પાકિસ્તાન ભારતીય સૈન્ય ઠેકાણાં પર હુમલો કરશે. જવાબ આપશે તે તો નક્કી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS