Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
પેસેન્જર બસ ખીણમાં ખાબકી, નશામાં ધૂત વાહનચાલકે રાહદારીઓને કચડી નાખ્યા, ઊભેલી ટ્રક સાથે કાર અથડાઈ અને મોટાં વાહનો દ્વારા ટુ-વ્હીલર્સને ટક્કર વગેરે જેવા માર્ગ અકસ્માતોના સંખ્યાબંધ અહેવાલો દરરોજ સવારે ભારતીય અખબારોમાં પ્રકાશિત થયા હોય છે.
આ દૈનિક દુર્ઘટનાઓ એક મૌન સમસ્યાને રેખાંકિત કરે છે. માત્ર 2023માં જ ભારતીય માર્ગો પર 1,72,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રોજ સરેરાશ 474 મૃત્યુ અથવા લગભગ દર ત્રણ મિનિટે એક મૃત્યુ થાય છે.
2023નો સત્તાવાર અકસ્માત રિપોર્ટ હજુ જાહેર થયો નથી, પરંતુ માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ડિસેમ્બરમાં રોડ સેફ્ટી સંબંધી એક કાર્યક્રમમાં ભયાનક ચિત્ર દર્શાવવા માટે ડેટાનો ઉલ્લેખ કર્યો હતો.
એ વર્ષે મૃત્યુ પામેલાઓમાં 10,000 બાળકો હતાં. શાળાઓ અને કૉલેજો નજીક થયેલા અકસ્માતોમાં 10,000 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 35,000 રાહદારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
અકસ્માતે ટુ-વ્હીલરચાલકોનો ભોગ પણ લીધો હતો. અકસ્માતોના એકમાત્ર સૌથી મોટા કારણ તરીકે ઓવરસ્પીડિંગ સામે આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
સલામતી સંબંધી મૂળભૂત સાવચેતીનો અભાવ પણ જીવલેણ સાબિત થયો હતો. હેલ્મેટ ન પહેરવાને કારણે 54,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને સીટબેલ્ટ ન પહેરવાને કારણે 16,000 લોકો મૃત્યુ પામ્યા હતા.
અન્ય કારણોમાં ઓવરલોડિંગનો સમાવેશ થાય છે. તેના કારણે 12,000 લોકો મૃત્યુ પામ્યા હતા. માન્ય લાઇસન્સ વિના વાહન ચલાવવાને લીધે 34,000 અકસ્માતો થયા હતા. રૉંગ સાઇડમાં વાહન ચલાવવાને કારણે પણ મૃત્યુ થયાં હતાં.
2021માં થયેલા કુલ પૈકીના 13 ટકા અકસ્માતોમાં લર્નર પરમિટ ધરાવતા અથવા માન્ય લાઇસન્સ વિનાના ડ્રાઇવર્સ સંકળાયેલા હતા. ઍરબેગની વાત બાજુ પર મૂકો. માર્ગ પર દોડતાં ઘણાં વાહનો જૂનાં છે અને સીટબેલ્ટ જેવા સલામતીના મૂળભૂત ફીચર્સ પણ તેમાં નથી.
ભારતમાં અસ્તવ્યસ્ત ટ્રાફિક મિશ્રણને કારણે આ જોખમી માર્ગો વધુ જટિલ બન્યા છે.
ભારતના માર્ગો વિશ્વમાં સૌથી અસલામત રસ્તાઓ પૈકીના એક

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં માર્ગો પર લોકોની મૂંઝવણભરી ભીડ હોય છે. કાર, બસ તથા મોટરસાઇકલ જેવાં મોટરાઇઝ્ડ વાહનો અને સાઇકલ, સાઇકલ રિક્ષા, હાથગાડી તથા પશુઓ દ્વારા ખેંચવામાં આવતી ગાડીઓ જેવાં નોન-મોટરાઇઝ્ડ વાહનો રસ્તા પર આગળ વધવા માટે એકમેકની સાથે સ્પર્ધા કરતાં હોય છે.
ફેરિયાઓ પોતાનો માલ વેચવા માટે રસ્તાઓ તથા ફૂટપાથ પર અતિક્રમણ કરે છે. એ કારણે રાહદારીઓને ભીડભાડવાળા રસ્તાઓ પર ચાલવાની ફરજ પડે છે. તેમાં ટ્રાફિકનો પ્રવાહ વધારે જટિલ બને છે.
અનેક પ્રયાસો અને નાણાકીય રોકાણ છતાં ભારતના માર્ગો વિશ્વમાં સૌથી અસલામત રસ્તાઓ પૈકીના એક બની રહ્યા છે.
નિષ્ણાતો કહે છે કે આ એક કટોકટી છે અને તેનું મૂળ માળખાગત સુવિધાઓમાં જ નહીં, પરંતુ માનવ વર્તન, અમલીકરણમાં ખામી અને પ્રણાલીગત ઉપેક્ષામાં પણ છે. માર્ગ અકસ્માતોને કારણે નોંધપાત્ર આર્થિક બોજ પડે છે. ભારતને માર્ગ અકસ્માતોથી વાર્ષિક જીડીપીના ત્રણ ટકાનું નુકસાન થાય છે.
ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવે છે, જે અમેરિકા પછીના ક્રમે છે અને 66 લાખ કિલોમીટરમાં ફેલાયેલું છે. કુલ નેટવર્કમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોનો હિસ્સો લગભગ પાંચ ટકા છે, જ્યારે બાકીનામાં ઍક્સેસ કન્ટ્રોલ્ડ ઍક્સપ્રેસવે સહિતના માર્ગો છે. દેશમાં અંદાજે 35 કરોડ નોંધાયેલાં વાહનો છે.
નીતિન ગડકરીએ રોડ સેફ્ટી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લોકોમાં કાયદા પ્રત્યેના આદર અને ડરના અભાવને કારણે ઘણા માર્ગ અકસ્માતો થાય છે.
તેમણે કહ્યું હતું, “અકસ્માતોનાં ઘણાં કારણો છે, પરંતુ સૌથી મોટું કારણ માનવવર્તન છે.”

ઇમેજ સ્રોત, Reuters
આ તો સંપૂર્ણ ચિત્રનો એક જ હિસ્સો છે. નબળા સિવિલ એન્જિનિયરિંગ, ખામીયુક્ત રોડ ડિઝાઇન, હલકી ગુણવત્તાનું બાંધકામ અને નબળા મૅનેજમૅન્ટ તેમજ અપૂરતા સાઇનેજ તથા માર્કિંગ પણ માર્ગ અકસ્માતના ભયાનક ઊંચા પ્રમાણ માટે કારણભૂત છે. નીતિન ગડકરીએ આ બાબતે ગયા મહિને જ ધ્યાન દોર્યું હતું.
તેમણે કહ્યું હતું, “સૌથી મોટા ગુનેગારો સિવિલ એન્જિનિયરો છે… દેશમાં રોડ સાઇનેજ અને માર્કિંગ સિસ્ટમ જેવી નાની બાબતો પણ ખૂબ જ નબળી છે.”
નીતિન ગડકરીએ ગયા મહિને સંસદમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં 59 મોટી ખામીઓ હોવાનું તેમના મંત્રાલયે જણાવ્યું છે. તેમાં ખાડાઓનો પણ સમાવેશ થાય છે. ઓળખી કાઢવામાં આવેલા 13,795 સંભવિત “બ્લૅક-સ્પૉટ્સ” પૈકીના 5,036 પર જ લાંબા ગાળાના સુધારા કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજી (આઈઆઈટી) દિલ્હીના ટ્રાન્સપૉર્ટેશન રિસર્ચ ઍન્ડ ઇન્જરી પ્રિવેન્શન સેન્ટર (ટીઆરઆઈપીપી) દ્વારા પાછલાં વર્ષોમાં હાથ ધરવામાં આવેલા રોડ સેફ્ટી ઑડિટમાં દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગંભીર ખામીઓ બહાર આવી છે.
ઊંચા ડિવાઇડર્સનો ખતરો
ક્રેશ બેરિયર્સની જ વાત કરીએ. તે માર્ગ ભટકી ગયેલાં વાહનોને પલટી ખાતાં રોકવાં માટે હોય છે. હકીકતમાં ઘણી જગ્યાએ આ ક્રેશ બેરિયર્સ ઊલટું જ કામ કરી રહ્યાં છે.
ઊંચાઈ, અંતર અને ઇન્સ્ટૉલેશન માટે સ્પષ્ટ ધોરણો હોવા છતાં વાસ્તવિકતા ઘણી વાર અલગ હોય છે.
ધાતુનો અવરોધો ખોટી ઊંચાઈ પર, કૉન્ક્રિટના પાયા પર માઉન્ટ થયેલા અથવા ખરાબ રીતે મૂકવામાં આવ્યા છે. આ ખામીઓ વાહનો, ખાસ કરીને ટ્રક અથવા બસને સલામત રીતે રોકવાને બદલે પલટી નાખવાનું કારણ બની શકે છે.
આઇઆઇટી, દિલ્હીના સિવિલ એન્જિનિયરિંગના એમિરેટ્સ પ્રોફેસર ગીતમ તિવારીએ બીબીસીને કહ્યું હતું, “ચોક્કસ રીતે નિર્ધારિત કર્યા મુજબ સ્થાપિત ન કરવામાં આવ્યા હોય તો ક્રેશ બેરિયર્સ ફાયદા કરતાં વધુ નુકસાન કરી શકે છે.”
એ પછી ઊંચા મધ્યવર્તી માર્ગો (મીડિયન) છે, જેને રોડ ડિવાઇડર્સ કહેવામાં આવે છે. હાઈ-સ્પીડ માર્ગો પર વિરુદ્ધ દિશામાં જતા ટ્રાફિકને વેગળો રાખવા માટે તે હોય છે. આ રોડ ડિવાઇડર્સ 3.9 ઈંચથી ઊંચા ન હોવા જોઈએ, પરંતુ ઑડિટ રિપોર્ટ દર્શાવે છે કે ઘણા નિર્ધારિત માત્રાથી ઊંચા છે.
હાઈ-સ્પીડ વાહનનું ટાયર વર્ટિકલ મીડિયન સાથે અથડાય છે ત્યારે વધારે ગરમી ઉત્પન્ન કરે છે. ટાયર ફાટવાનું જોખમ સર્જાય છે અથવા તો વાહન જમીન પરથી ઊંચું થઈ જાય છે અને તે ખતરનાક પલટીનું કારણ બને છે. ભારતમાં ઘણા મીડિયન આ ખતરાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા નથી.
રાજધાની દિલ્હી નજીકના હાઈવેનો એક હિસ્સો તેનું ચોંકાવનારું ઉદાહરણ છે. માર્ગની બન્ને બાજુ ગીચ વસાહતો છે, પરંતુ તેની વચ્ચેથી પસાર થતા માર્ગમાં રાહદારીઓની સલામતી માટે કોઈ વ્યવસ્થા નથી. હાઈ-સ્પીડ ટ્રાફિક ચાલતો રહે છે અને લોકો મીડિયન પર ભયભીત અવસ્થામાં ઊભા રહે છે.
એ પછી ઊંચા કૅરેજવે છે. વારંવાર રિસરફેસિંગને કારણે ઘણા ગ્રામીણ માર્ગો મુખ્ય રસ્તાથી છથી આઠ ઈંચ ઊંચા થઈ ગયા છે.
આ બાબત, ખાસ કરીને ડ્રાઇવર અવરોધ વિના વળાંક લે તો જીવલેણ સાબિત થઈ શકે છે. સૌથી વધુ જોખમ ટુ-વ્હીલર માટે હોય છે, પરંતુ મોટરકાર પણ લપસી શકે છે, ક્યાંક અથડાઈ શકે છે અથવા પલટી શકે છે. નિષ્ણાતો કહે છે કે દરેક લેયર ઉમેરાવાની સાથે જોખમ વધતું રહે છે.
પહોળા રસ્તાથી અકસ્માત ઓછા થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં રોડ ડિઝાઇનનાં ધારાધોરણો કાગળ પર તો મજબૂત છે, પરંતુ વાસ્તવમાં તેનો અમલ નબળી રીતે કરવામાં આવે છે.
પ્રોફેસર તિવારીએ કહ્યું હતું, “મુખ્ય મુદ્દો એ છે કે સલામતીનાં ધોરણોનું પાલન ન કરવા બદલ ઓછામાં ઓછો દંડ કરવામાં આવે છે. કૉન્ટ્રાક્ટ્સમાં આ જરૂરિયાતોને સ્પષ્ટ કરવામાં આવતી નથી અને ચુકવણી સામાન્ય રીતે સલામતીનાં ધોરણોના પાલન અનુસાર નહીં, પરંતુ કિલોમીટર દીઠ નિર્માણકાર્ય સાથે જોડાયેલી હોય છે.”
નીતિન ગડકરીએ 25,000 કિલોમીટરના બે-લેનના હાઈવેને ચાર લેનમાં અપગ્રેડ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજનાની જાહેરાત તાજેતરમાં કરી હતી. તેમણે કહ્યું હતું, “એ કામગીરી રસ્તાઓ પર થતા અકસ્માતોને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ થશે.”
શિકાગો યુનિવર્સિટીના કવિ ભલ્લા જેવા નિષ્ણાતોને આ બાબતે શંકા છે. તેમણે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં માર્ગ સલામતી સંબંધી કામ કર્યું છે. તેઓ દલીલ કરે છે કે ભારતના માર્ગો માટે, દેશની અનોખી ટ્રાફિક અને માળખાગત જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વિના ઘણી વાર પશ્ચિમી મૉડલ્સની નકલ કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું, “માર્ગ પહોળો કરવાથી ટ્રાફિકને લીધે મૃત્યુ ઓછાં થશે, એવું માનવાનું કોઈ કારણ નથી. ભારતમાં રોડ અપગ્રેડેશનને લીધે ટ્રાફિકની ગતિ વધે છે, જે રાહદારીઓ, સાઇકલસવારો અને મોટરસાઇકલચાલકો માટે ઘાતક સાબિત થાય છે. આના ઘણા પુરાવા છે.”
કવિ ભલ્લાએ ઉમેર્યું હતું, “મુખ્ય મુદ્દો એ છે કે ભારતમાં નવા રસ્તાઓની બાબતમાં અમેરિકા અને યુરોપની રોડ ડિઝાઇનની નકલ કરવામાં આવે છે. અમેરિકા અને યુરોપમાં ટ્રાફિકનું પરિદૃશ્ય ખૂબ જ અલગ છે. ભારત અમેરિકન શૈલીનું હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમેરિકન શૈલીના હાઈવે સેફ્ટી એન્જિનિયરિંગ રિસર્ચ અને ક્રેશ ડેટા સિસ્ટમ્સમાં કોઈ રોકાણ કરતું નથી.”
ટકાઉ રસ્તાઓની જરૂર છે

ઇમેજ સ્રોત, Getty Images
માર્ગ સલામતીની વકરતી સમસ્યાના સામના માટે ભારત સરકાર ‘ફાઇવ ઇ’ યોજનાનો “અમલ કરી રહી છે.” તે પાંચ ઇમાં રોડના એન્જિનિયરિંગ, વાહનોના એન્જિનિયરિંગ, ઍજ્યુકેશન, અમલીકરણ અને ઇમરજન્સી કેરનો સમાવેશ થાય છે, એમ ઇન્ટરનેશનલ રોડ ફેડરેશનના કેકે કપિલાએ જણાવ્યું હતું. (ભારતના કાયદાપંચના અહેવાલ મુજબ, સમયસર ઇમરજન્સી તબીબી સારવાર મળી હોત તો માર્ગ અકસ્માતોમાંથી મૃત્યુ પામેલા 50 ટકા લોકોને બચાવી શકાયા હોત).
કેકે કપિલા ભારત સરકારને રોડ સેફ્ટી પ્લાનમાં મદદ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સાત રાજ્યોને તેમના પ્રદેશમાં અકસ્માતની સૌથી વધુ સંભાવના હોય તેવા વિસ્તારો ઓળખી કાઢવા જણાવવામાં આવ્યું હતું.
ફાઇવ ઇ ફ્રેમવર્ક પર આધારિત લક્ષિત ઉપાયોના અમલીકરણને લીધે એ વિસ્તારો “અત્યંત સુરક્ષિત” બની ગયા હોવાનું કેકે કપિલાએ મને જણાવ્યું હતું.
ભારતના વિકાસ માટે વધુ રસ્તાઓ બનાવવા બહુ જરૂરી છે, એ વાત સાથે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ સહમત છે, પરંતુ તે ટકાઉ હોવા જોઈએ અને તેને રાહદારીઓ તથા સાઇકલસવારોના જીવના ભોગે વધુ અગ્રતા આપવી ન જોઈએ.
કવિ ભલ્લાએ કહ્યુ હતું, “વિકાસની કિંમત સમાજના સૌથી ગરીબ વર્ગે ચૂકવવી ન જોઈએ. ઉત્તમ સલામત માર્ગોના નિર્માણનો એકમાત્ર રસ્તો હસ્તક્ષેપ કરવાનો, સલામતીમાં સુધારાનું મૂલ્યાંકન કરવાનો તથા એવું ન થતું હોય તો તેને સુધારવાનો અને તેના પુનઃમૂલ્યાંકનનો છે.” આવું નહીં થાય તો રસ્તાઓ ચમકદાર બનશે, તેના પર પૂરપાટ વેગે મોટરકારો દોડશે અને વધારે લોકો મૃત્યુ પામશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS