Home તાજા સમાચાર gujrati પોપ ફ્રાન્સિસના મૃત્યુ બાદ હવે શું, નવા પોપની ચૂંટણી કેવી રીતે થાય...

પોપ ફ્રાન્સિસના મૃત્યુ બાદ હવે શું, નવા પોપની ચૂંટણી કેવી રીતે થાય છે?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, વેટિકન સિટી, પોપ ફ્રાન્સિસનું મૃત્યુ, પોપ, ઇટાલી, રોમ, ખ્રિસ્તી ધર્મ

ઇમેજ સ્રોત, Reuters

12 વર્ષ સુધી રોમન કૅથોલિક ચર્ચના આધ્યાત્મિક નેતા રહ્યા બાદ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયું છે.

તેમના મૃત્યુ સાથે નવા પોપને ચૂંટી કાઢવાની સદીઓ જૂની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

પોપ શું કરે છે?

પોપ કૅથોલિક ચર્ચના વડા હોય છે. રોમન કૅથોલિક લોકો માને છે કે તેઓ ઈસુ ખ્રિસ્તથી શરૂ થયેલી સીધી લાઇનનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને સેન્ટ પીટરના જીવંત અનુગામી માનવામાં આવે છે, જેઓ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓમાં મુખ્ય હતા.

આના કારણે તેમને કૅથોલિક ચર્ચ પર સંપૂર્ણ અને અબાધ સત્તા મળે છે. આમ તેઓ વિશ્વના લગભગ 1.4 અબજ કૅથોલિક ખ્રિસ્તીઓ માટે સત્તાના મહત્ત્વના સ્રોત બની જાય છે.

એક તરફ જ્યાં ઘણા કૅથોલિક માર્ગદર્શન માટે બાઇબલ પર આધાર રાખે છે, ત્યાં જ બીજી તરફ તેઓ પોપના પાઠને પણ ધ્યાને લઈ શકે છે, જેનાથી ચર્ચની માન્યતાઓ અને પ્રૅક્ટિસની દોરવણી થાય છે.

વિશ્વના ખ્રિસ્તીઓમાં અડધોઅડધ રોમન કૅથોલિક છે. જ્યારે ખ્રિસ્તીઓના બીજા સમુદાયો જેમ કે પ્રોટેસ્ટન્ટ અને ઑર્થોડૉક્સ ખ્રિસ્તીઓ પોપની સત્તામાં માનતા નથી.

પોપ વિશ્વના સૌથી નાના સ્વતંત્ર રાજ્ય એવી વેટિકન સિટીમાં રહે છે. એ ઇટાલીના પાટનગર રોમથી ઘેરાયેલું છે.

પોપને પગાર મળતો નથી, પરંતુ વેટિકન તેમની મુસાફરી અને ગુજરાન માટેનો ખર્ચ ચૂકવે છે.

પોપનું નિધન થાય તો શું થાય?

પોપની અંતિમ વિધિ પરંપરાગત રીતે એક મોટો સમારોહ હોય છે, પરંતુ પોપ ફ્રાન્સિસે તાજેતરમાં જ સમગ્ર પ્રક્રિયાને ઓછી જટિલ બનાવવા માટેની યોજના મંજૂર કરી હતી.

અગાઉ પોપની દફનવિધિ સાઇપ્રસ, લેડ અને ઓકના બનેલા ત્રિસ્તરીય તાબૂતમાં કરાતી હતી.

જોકે, પોપ ફ્રાન્સિસે પોતાની દફનવિધિ માટે ઝિંકની લાઇનિંગવાળું સાદું તાબૂત પસંદ કર્યું હતું.

તેમણે પોપના મૃતદેહને લોકો જોઈ શકે એ માટે ઊંચા પ્લૅટફૉર્મ પર મૂકવાની પરંપરા પણ ન અનુસરવાનું નક્કી કર્યું હતું.

એના સ્થાને શોકગ્રસ્ત લોકો પોતાનું સન્માન વ્યક્ત કરી શકે એ માટે મૃતદેહને તાબૂતમાં ઉપરનું ઢાંકણું હઠાવીને રાખવામાં આવશે.

એક સદી કરતાં પણ વધુ સમયમાં પોપ ફ્રાન્સિસ એ પહેલાં એવા પોપ હશે જેમના મૃતદેહને વેટિકનની બહાર દફન કરાશે.

તેમને સેન્ટ મૅરી મેજર બેસિલિકા (પોપ દ્વારા ખાસ વિશેષાધિકાર અપાયા હોય એવા ચર્ચ) ખાતે દફન કરાશે, જે રોમની મોટી ચાર પેપલ બેસિલિકા પૈકી એક છે.

નવા પોપ કોણ પસંદ કરશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, વેટિકન સિટી, પોપ ફ્રાન્સિસનું મૃત્યુ, પોપ, ઇટાલી, રોમ, ખ્રિસ્તી ધર્મ

ઇમેજ સ્રોત, Reuters

નવા પોપ કૉલેજ ઑફ કાર્ડિનલ્સ તરીકે ઓળખાતા કૅથલિક ચર્ચના સૌથી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પસંદ કરાય છે.

એ બધા પુરુષો હોય છે અને તમામની નિયુક્તિ પોપ દ્વારા કરાય છે અને તેઓ બધા વિધવત્ બનાવાયેલા બિશપ હોય છે.

હાલ 252 કૅથોલિક કાર્ડિનલ્સ છે, જે પૈકી નવા પોપ માટે 138 લોકો મતદાન કરવા માટેની લાયકાત ધરાવે છે.

જ્યારે બીજાં 80 વર્ષ કરતાં વધુ વયના છે, જેનો અર્થ થાય છે કે તેઓ ચૂંટણીમાં ભાગ ન લઈ શકે. જોકે, તેઓ કોની પસંદગી થવી જોઈએ એ માટેની ચર્ચામાં ભાગ જરૂર લઈ શકે.

પોપની પસંદગી કેવી રીતે થાય અને કૉન્ક્લેવ એટલે શું?

જ્યારે પોપનું નિધન થાય (કે વર્ષ 2013માં પોપ બેનેડિક્ટ સોળમાની માફક દુર્લભ કેસમાં રાજીનામું આપે) તો કાર્ડિનલને વેટિકન ખાતે મીટિંગમાં બોલાવાય છે. જે બાદ પોપની ચૂંટણી એટલે કે કૉન્ક્લેવ થાય છે.

પોપના મૃત્યુ અને તેમના અનુગામીની ચૂંટણી વચ્ચેના સમયગાળામાં ચર્ચનો વહીવટ કૉલેજ ઑફ કાર્ડિનલ્સ સંભાળે છે.

આ ચૂંટણી સિસ્ટિન ચેપલ ખાતે કડક ગોપનીયતામાં યોજાય છે, નોંધનીય છે કે આ ચેપલને માઇકલેન્જલો દ્વારા પેઇન્ટ કરાયું છે.

કાર્ડિનલ વ્યક્તિગતપણે પોતાના મનપસંદ ઉમેદવારને ત્યાં સુધી મત આપે છે જ્યાં સુધી કોઈ એક વિજેતા ન બને. આ પ્રક્રિયામાં ઘણા દિવસો પણ લાગી શકે છે. આ પહેલાંની સદીઓમાં આ વોટિંગ પ્રક્રિયા અઠવાડિયાં અથવા મહિનાઓ સુધી પણ ચાલી ચૂકી છે. કૉન્ક્લેવ દરમિયાન કેટલાક કાર્ડિનલનાં મૃત્યુ પણ થઈ ચૂક્યાં છે.

ચૂંટણી અંગે એકમાત્ર સંકેત કાર્ડિનલોના બેલેટ પેપર બાળવાને કારણે નીકળતો ધુમાડો હોય છે, જે દિવસમાં બે વખત જોવા મળે છે. આમાં કાળા ધુમાડાનો અર્થ થાય છે કે હજુ સુધી પોપની પસંદગીમાં નિષ્ફળતા હાથ લાગી છે. જ્યારે સફેદ ધુમાડાનો અર્થ છે કે નવા પોપને પસંદ કરી લેવાયા છે.

નવા પોપ અંગેનો નિર્ણય કઈ રીતે જાહેર કરાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, વેટિકન સિટી, પોપ ફ્રાન્સિસનું મૃત્યુ, પોપ, ઇટાલી, રોમ, ખ્રિસ્તી ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images

આકાશમાં સફેદ ધુમાડો દેખાયાના એક કલાક બાદ સામાન્ય રીતે નવા પોપને બાલ્કનીમાં સેન્ટ પીટર્સ સ્ક્વેરમાંથી જોઈ શકાય છે.

કૉન્ક્લેવમાં ભાગ લેનાર વરિષ્ઠ કાર્ડિનલ ‘હેબેમસ પાપમ’ શબ્દો સાથે નિર્ણય જાહેર કરે છે, આ શબ્દો ‘આપણી પાસે પોપ છે,’નો લૅટિન અર્થ છે.

એ બાદ તેઓ નવા પોપની તેમણે પસંદ કરેલા નામથી ઓળખ કરાવે છે, આ નામ પોપનું અસલ નામ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે.

જેમ કે, પોપ ફ્રાન્સિસનું મૂળ નામ જોર્જ મારિયો બર્ગોગ્લિયો હતું, પરંતુ તેમણે સેન્ટ ફ્રાન્સિસ ઑફ અસિસિના માનમાં પોપ તરીકે બીજું નામ ધારણ કર્યું.

પોપ કોણ બની શકે?

થિયરીમાં કોઈ પણ રોમન કૅથોલિક પુરુષ જેઓ બૅપ્ટાઇઝ (સ્નાનસંસ્કાર) થઈ ચૂક્યા હોય તેમને પોપની ચૂંટણી માટે માન્ય ગણી શકાય છે.

પરંતુ વ્યવહારમાં કાર્ડિનલ તેમનાથી જ કોઈક એકને ચૂંટવાનું પસંદ કરે છે.

જ્યારે વર્ષ 2013માં આયોજિત છેલ્લા કૉન્ક્લેવમાં આર્જેન્ટિનામાં જન્મેલા પોપ ફ્રાન્સિસ ચૂંટાયા હતા ત્યારે તેઓ દક્ષિણ અમેરિકાથી આવનારા પ્રથમ પોપ બન્યા હતા, નોંધનીય છે કે આ ક્ષેત્રમાં વિશ્વની 28 ટકા કૅથોલિક વસતી રહે છે.

પરંતુ ઐતિહાસિક ઉદાહરણો સૂચવે છે કે કાર્ડિનલ યુરોપિયનને એમાં પણ ખાસ કરીને ઇટાલિયનને ચૂંટે તેવી સંભાવના વધુ હોય છે.

નોંધનીય કે અત્યાર સુધીના ઇતિહાસમાં પસંદ કરાયેલા 266 પોપ પૈકી 217 ઇટાલિયન રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS